ચાઇલ્ડ કેર સેન્ટરમાં લાંબો સમય પસાર કરતા નાના ભૂલકાઓ તણાવનો સામનો કરતા હોય છે. જે તેમને પછીની જિંદગીમાં શરમાળ બનાવી દે છે. એક અભ્યાસ અનુસાર ઘોડિયાઘરમાં ભાંખોડિયા ભરતા શિશુઓમાં તણાવનું પ્રમાણ ઘરમાં રહેતા બાળકો કરતાં ત્રણ ગણું વધારે જોવા મળ્યું છે. જે બાળકો ઘરમાં માતા-પિતા સાથે રહે છે તેઓ ચાઇલ્ડ કેરનાં ગ્લાનીભર્યા વાતાવરણમાં ઊછરતા બાળકો કરતાં દિવસ દરમિયાન વધુ હળવા રહે છે.
ચાઇલ્ડ કેરમાં રહેતા બાળકોનાં સ્ટ્રેસ હોર્મોનલ કોર્ટિઝોલ માટે લાળનાં નમૂનાની તપાસ પરથી સંશોધકોને જણાયું કે તેઓ વધારે તણાવયુક્ત હતાં. અભ્યાસ જણાવે છે કે આવું એટલા માટે બને છે કે કારણ કે તે ભૂલકાં તેમનાં માતા-પિતાને મિસ કરે છે અને અન્ય બાળકો સાથેનાં ઝઘડાને કારણે તેઓ અપસેટ રહેતાં હોય છે. નાની વયમાં ભૂલકાંઓમાં આવો તણાવ તેમના માનસિક વિકાસને અવરોધે છે. તેમને શરમાળ બનાવે છે અને તેમનામાં સ્વ-નિયંત્રણનો અભાવ જન્માવે છે.
જોકે કામ કરતાં માતાપિતા માટે સારા સમાચાર એ છે કે તેઓ સંતાનને પોતાના ઘરે લાવ્યા પછી તેની સાથે સારી રીતે સમય પસાર કરીને તેમની ખરાબ અસરોને દૂર કરી શકે છે. નોર્વેજિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા એકથી દોઢ વર્ષની વયનાં ૧૧૨ ભૂલકાંઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

