પોતાની જાન જેવું ઘર બચાવવા મથતી બેગમ

Friday 21st April 2017 06:59 EDT
 
 

બોલિવૂડ ફિલ્મમેકર મુકેશ ભટ્ટ અને વિશેષ ભટ્ટ નિર્મિત અને શ્રીજિત મુખરજી નિર્દેશિત વિદ્યા બાલન અભિનિત ફિલ્મ ‘બેગમ જાન’ સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. વિદ્યાએ ધારદાર એક્ટિંગથી સાબિત કરી દીધું છે કે જો ફિલ્મની પટકથા અને નિર્દેશન સારું હોય તો તે કોઈ પણ રોલમાં ખીલી ઊઠે છે. ‘બેગમ જાન’માં પણ આમ જ બન્યું છે. વિદ્યાની એક્ટિંગ વખણાઈ છે. આ ઉપરાંત ગૌહર ખાન સહિતના કલાકારોનો અભિનય પણ દાદ માગી લે તેવો છે. ઘણા વખતથી ફિલ્મી પડદા પર પોતાનું ખાસ વર્ચસ ન જમાવી શકેલા ચંકી પાંડેની આ ફિલ્મની ભૂમિકા વખાણવા યોગ્ય છે. આ ફિલ્મથી તેઓ ફરી લાઈમ લાઈટમાં આવે એવી શક્યતાઓ છે. તે નકારાત્મક ભૂમિકામાં હોવા છતાં જામે છે.
વાર્તા રે વાર્તા
સુપરહિટ બંગાળી ફિલ્મ ‘રાજકહિની’ પરથી બનેલી આ ફિલ્મની કથા હિન્દુસ્તાનના ભાગલા વખતની પીડાને વાચા આપે છે. બેગમ જાનનો કોઠો ભારત અને તાજા છૂટા થયેલા પાકિસ્તાનની સરહદે છે. બંને દેશનાં અફસરો બેગમ જાનને ગમે તે હદ સુધી હેરાન કરીને પણ આ કોઠાની જગ્યા ખાલી કરાવવા પ્રયત્ન કરે છે. જોકે બેગમ જાન પોતાનું આ ઘર છોડવા રાજી નથી. બે દેશોની સત્તા અને બેગમ વચ્ચેનો સંઘર્ષ પરદે સરસ રીતે ફિલ્મમાં વર્ણવ્યો છે.


comments powered by Disqus