વેસ્ટમિન્સ્ટર હુમલા સંદર્ભે મા ચેરિટી ટ્રસ્ટ યુકે દ્વારા પ્રાર્થનાસભા યોજાઈ

Wednesday 19th April 2017 06:29 EDT
 
પ્રાર્થનાસભામાં (ડાબેથી) રજનીકાન્ત જાની, વર્ષાબહેન મિસ્ત્રી, PC ડીન નાઈટ, જાનકી પટેલ, હર્ષાબહેન જાની, આયુષી દેપાળા, કાઉન્સિલર સુરી, સાંસદ થેરેસા વિલિયર્સ, PC લૌરા પેરિન, તૃપ્તિબહેન પટેલ, શશીભાઈ પટેલ, રવિ શર્માજી, હરિભાઈ હાલાઈ અને જવાહરભાઈ પટેલ
 

લંડનઃ દીદીમા સાધ્વી ઋતંભરાજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મા ચેરિટી ટ્રસ્ટ યુકે અને પરમ શક્તિ પીઠ દ્વારા મંગળવાર ૧૧ એપ્રિલે નોર્થ લંડનના ધ હિન્દુ કલ્ચરલ સેન્ટર ખાતે માર્ચ મહિનામાં વેસ્ટમિન્સ્ટર હુમલાઓનો શિકાર બનેલા લોકોના સ્મરણાર્થે અને ઈમર્જન્સી સર્વિસીસનો આભાર માનવા પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેટ્રોપોલીટન પોલીસ હિન્દુ એસોસિયેશન, હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB)ના પદાધિકારીઓ, સાંસદ થેરેસા વિલિયર્સ, કાઉન્સિલર સુરી તેમજ કોન્સ્ટેબલ્સ લૌરા પેરિન અને ડીન નાઈટ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આમંત્રિત વક્તાઓ અને રજનીકાન્ત જાની (મા ચેરિટી ટ્રસ્ટ)એ આ ઘટનામાં લોકોનાં અકાળ મૃત્યુ તેમજ તેમના પરિવારો માટે આવી પડેલા અસહ્ય દુઃખ તેમજ પોલીસ કોન્સ્ટેબલ કિથ પાલ્મર અને ઈમર્જન્સી સર્વિસીસની હિંમત-બહાદુરી વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,‘આજે હનુમાન જયંતી છે અને હનુમાનજી નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક છે. આજના દિવસે મેટ્રોપોલીટન પોલીસની સેવાને બિરદાવવી યથાયોગ્ય છે કારણકે હિન્દુઓ સારા નાગરિકત્વને સહઅસ્તિત્વની આધારશિલા માને છે.’

હનુમાન ચાલીસાના ગાન પછી હર્ષાબહેન જાની (મા ચેરિટી ટ્રસ્ટ)એ વેસ્ટમિન્સ્ટર ઘટનાઓ પરત્વે અંગત આઘાત અને દુઃખની લાગણી વ્યક્ત કરતો દીદીમા સાધ્વી ઋતંભરાજીનો સંદેશો વાચી સંભળાવ્યો હતો. તેમણે અર્થહીન હિંસાના શિકાર બનેલા લોકો માટે પ્રાર્થના સાથે પોલીસ અને ઈમર્જન્સી સર્વિસીસની પ્રતિબદ્ધતા, બલિદાન અને બહાદુરીને સલામ પાઠવી હતી. તેમણે યુવા પેઢીમાં સંસ્કાર-સારા મૂલ્યો સીંચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જેથી હિંસાને કોઈ સ્થાન મળે નહિ અને આપણે સહુ સમગ્ર વિશ્વ એક પરિવાર એટલે કે ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સાથે રહી શકીએ.

મેટ્રોપોલીટન પોલીસ હિન્દુ એસોસિયેશનના ચેરપર્સન વર્ષાબહેન મિસ્ત્રીએ મેટ્રોપોલીટન પોલીસના ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર નીલ બાસુનો સંદેશો વાંચ્યો હતો, જેમાં કોમ્યુનિટીની સતર્કતાના મહત્ત્વ પર મૂકાયો હતો. કોમ્યુનિટીના વિચારોને દર્શાવવા આ પ્રાર્થનાસભા જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વર્ષાબહેને પોલીસ કોન્સ્ટેબલ કિથ પાલ્મરે કર્યું તેમ પોલીસ દળ લાઈન ઓફ ફાયરમાં ઉભા રહી જે સમર્પણ સાથે ફરજ બજાવે છે તેની વાત કરી હતી.

ચિપિંગ બાર્નેટના સાંસદ થેરેસા વિલિયર્સે નિર્દોષ નાગરિકો જાન ગુમાવતા હોય તેવી હિંસાની નિરર્થકતા વિશે જણાવ્યું હતું. તે કમનસીબ દિવસે લોકો ગભરાઈને મોત અને વિનાશથી દૂર ભાગી રહ્યાં હતાં ત્યારે આપણું રક્ષણ કરવા પોલીસ અધિકારીઓ તેનો સામનો કરવા દોડતા હતા. ઈસ્ટર વીક, શીખોના તહેવાર વૈશાખી અને જ્યુઈશ પાસઓવરમાં નવા જીવન, વસંત અને સ્વતંત્રતાની ઉજવણી થાય છે. આ રીતે મૃતકોનાં જીવનને વધાવવું જોઈએ અને ઈમર્જન્સી સર્વિસીસના કાર્યને બિરદાવવું જોઈએ. તેમણે કહ્યું હતું કે વેસ્ટમિન્સ્ટર હુમલો આઝાદી અને લોકશાહી પરનો હુમલો હતો છતાં, આવા ઘૃણિત અને ક્રૂર કાર્યોથી જીવન, સ્વતંત્રતા તથા માનવતા અને અનુકંપાના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતાનું મહત્ત્વ ઘટવું ન જોઈએ.

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB)ના પ્રમુખ તૃપ્તિબહેન પટેલ, પેટ્રન શશીભાઈ વેકરિયા અને હરિભાઈ હાલાઈ સહિતના પદાધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં. તૃપ્તિબહેન પટેલે ‘અસતો મા સદ્ગમય’ (અસત્યોમાંથી મને સત્ય તરફ લઈ જાઓ) શ્લોકનું પઠન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તમામ હિન્દુ સંગઠનો જીવનના નાશમાં પરિણમતાં હિંસાત્મક કૃત્યોની નિંદા કરે છે. આપણે બધા જ ઘણા સમાન મૂલ્યોમાં સહભાગી છીએ ત્યારે આપણે સાથે રહેવાનું શીખવું જોઈએ.

કોન્સ્ટેબલ્સ લૌરા પેરિન અને ડીન નાઈટે જણાવ્યું હતું કે પીસી કિથ પાલ્મર ‘આપણામાંના જ એક હતા અને આપણા માટે જ તેમણે મોતને વહાલું કર્યું.’ બાર્નેટના ડેપ્યુટી મેયર કાઉન્સિલર સુરીએ સમજણ કેળવવા વધી કોમ્યુનિટીઓ સાથે મળીને કામ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. યુવાન આયુષીએ ‘આશાનો સંદેશ’ વાંચવા અને ‘ઓમ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃના સંસ્કૃત શ્લોક સાથે પ્રાર્થનાસભાનું સમાપન કરાયું હતું.

 


    comments powered by Disqus