ન્યૂ યોર્કઃ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ને ટેકો આપવા ઇચ્છા વ્યક્ત કરનાર અને આતંકી જૂથમાં જોડાવા માટે ઓનલાઇન સર્ચ કરનાર શિવમ પટેલ નામના ગુજરાતી યુવાનની યુએસ નેવીને ગેરમાર્ગે દોરતી માહિતી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. થોડાક વર્ષો પૂર્વે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લેનાર નોર્ફોકના રહેવાસી શિવમે યુએસ નેવીમાં જોડાવા માટેની અરજીમાં ખોટી માહિતી પૂરી પાડી હતી.
૨૭ વર્ષના શિવમ પટેલે યુએસ નેવીમાં જોડાવા માટે કરેલી અરજીમાં પોતે ચીન અને જોર્ડન જઇ આવ્યો છે તે માહિતી છુપાવી હતી. એટલું જ નહીં, તેણે દાવો કર્યો હતો કે એ વર્ષ ૨૦૧૧માં પરિવાર સાથે એક વાર ભારત ગયો હતો અને એ સિવાય એણે અન્ય કોઇ દેશની મુલાકાત લીધી નથી. આ ગુના બદલ શિવમને ઓછામાં ઓછી પાંચ વર્ષ કેદની સજા થઇ શકે છે.
એફિડેવિટ મુજબ, અનેક વર્ષો પહેલાં મુસ્લિમ બની ગયેલા શિવમ પટેલે ૨૦૧૬માં ચીનની મુલાકાત લીધી હતી, જ્યાં તે અંગ્રેજી ભાષા ભણાવવા માટે ગયો હતો. ત્યાં મુસ્લિમો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તે વાત તેણે પિતાને કહી હતી. બાદમાં એના નોકરીદાતાઓએ તેને અમેરિકા પાછો મોકલી દીધો હતો, પરંતુ શિવમ પટેલ જોર્ડન પહોંચી ગયો હતો. જ્યાં એની ધરપકડ કરીને અમેરિકા પરત મોકલી દેવામાં આવ્યો હતો અને તેના વાલીઓને ધરપકડની જાણ કરવામાં આવી હતી.
શિવમ પટેલના રૂમની તલાશી લેવામાં આવી હતી, જેમાં કોમ્પ્યુટર્સ મળી આવ્યા હતા. જેમાં એણે જેહાદી જૂથમાં કેવી રીતે જોડાવું એની માહિતી સર્ચ કર્યાનું જાણવા મળ્યું હતું. એણે આઇએસઆઇએસ દ્વારા તૈયાર થયેલા ત્રણ મેગેઝીન પણ ડાઉનલોડ કર્યા હતા. એક સમયે તો એણે શહીદ થઇ જવાની ઇચ્છા પણ વાત કરી હતી, પરંતુ તેને કહેવામાં આવ્યું હતું કે તેની જેહાદ હિંસક ન હોવી જોઇએ. શિવમે પેરિસ, નાઇસ અને ઓર્લાન્ડોમાં કરવામાં આવેલા આતંકી હુમલાઓની પ્રશંસા કરી હતી.
એક વખત તેણે અંડરકવર એજન્ટ સાથેની વાતચીતમાં 'અલ્લાહ માટે શહીદ થવાની વાત’ કબૂલી હતી. એ ઘણી વાર ઇસ્લામિક સ્ટેટના ગીતો ગાતો અને તેણે જૂથના ધ્વજની નકલ પણ તૈયાર કરી હતી. એના અમેરિકન પાડોશીના ઘરના ધ્વજના સ્થાને આઇએસના ધ્વજ લગાવવા ઇચ્છતો હતો.

