વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે મારે મારા ‘પરાક્રમ’ની વાતથી જ આપની સાથેનો એકપક્ષીય વાર્તાલાપ શરૂ કરવો છે. વીકએન્ડ બહુ બિઝી પસાર થયો. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને રવિવારે રાત્રે ૧૨ વાગ્યે ઘરે પહોંચ્યો. રુટિન પ્રમાણે સુગર લેવલ જાણવા બ્લડ ટેસ્ટ કર્યો. સુગર લગભગ કન્ટ્રોલમાં હતી. દરરોજ સૂતાં પહેલાં હું લેન્ટુસના ૧૬, ૧૮ કે ૨૦ યુનિટ (જરૂર પ્રમાણે) મારા શરીરમાં ઇન્જેક્ટ કરું છું. જે લોકો ડાયાબિટિક હશે તેઓ જાણતા હશે કે લેન્ટુસ એક સ્લો સ્પીડ ઇન્સ્યુલિન છે. ક્રમે ક્રમે તે શરીરને જરૂર પૂરતું ઇન્સ્યુલિન પૂરું પાડતું રહે છે. આ ઉપરાંત દિવસમાં ત્રણ વખત - બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની ૨૫-૩૦ મિનિટ પૂર્વે નોવો રેપિડ ઇન્સ્યુલિન લઉં છું. આ ઇન્સ્યુલિન તેના નામ પ્રમાણે જ ફાસ્ટ અસર કરીને બ્લડ સુગરનું લેવલ કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે. નોવો રેપિડ દિવસના ત્રણેય ટાઇમ, જરૂરત અનુસાર ૯ કે ૧૦ યુનિટ લઉં છું. (દરેક ડાયાબિટિકની તાસીર અલગ અલગ હોય છે તે પ્લીઝ નોંધશો)
થોડીક પૂર્વભૂમિકા બાદ હવે મૂળ વાત કરું તો... રવિવારે રાત્રે સૂતી વેળા મેં લેન્ટુસના બદલે ૧૮ યુનિટ નોવો રેપિડ લઇ લીધું. નિત્યક્રમ અનુસાર થોડુંક વાંચીને સૂઈ તો ગયો, પણ બે - અઢી કલાક પછી પરસેવે રેબઝેબ થઇ ગયો ને આંખ ખૂલી ગઇ. આપણા માનવશરીરની રચના પણ અદભૂત છે ખરુંને? શરીરમાં કંઇક ગરબડ થઇ નથી કે ‘એલર્ટ’નો મેસેજ મોકલ્યો નથી. બસ, તમને આ ઇશારો સમજતા આવડવું જોઇએ. કોઇ બાહ્ય કારણ વિના અચાનક પરસેવો આવો જ એક સંકેત હતો.
તરત સમજાઇ ગયું કે હાઇપોની અસર છે. હાઇપો એટલે ડાયાબિટિક દર્દીના શરીરમાં સુગર લેવલનું પ્રમાણ નિયત માત્રા કરતાં વધુ પડતું ઘટી જાય ત્યારે સર્જાતી સ્થિતિ. બ્લડમાં સુગરનો ટેસ્ટ કર્યો. ૪ પોઇન્ટ હતા - જે ખરેખર ૭, ૮ કે ૯ પોઇન્ટ હોવા જોઇતા હતા. ઇન્સ્યુલિન લેવામાં લોચો માર્યાનું ભાન થયું. ફ્રીજ ખોલીને નટ્સ સાથેની ચોકલેટનો ટુકડો ખાધો. એક નાનો બાઉલ સેવમમરા ખાધા અને દૂધ પીધું. બ્લડ સુગર લેવલ સામાન્ય થઇ રહ્યાનું અનુભવ્યું. અને પછી સુખેથી સૂઇ ગયો... વહેલી પડે સવાર. સવારે ઉઠીને નિત્ય ક્રમ પ્રમાણે સુગર લેવલ ચેક કર્યું. રાબેતા મુજબ બધું ‘માપ’માં હતું.
હવે (ડાયાબિટિસના આ) અનુભવીએ લોચો કેમ માર્યો તે પણ જણાવવું જ રહ્યું! નોવો રેપિડ અને લેન્ટુસ ઇન્સ્યુલિન લેવાની જે પેનફિલ હોય છે તે દેખાવે લગભગ એકદમ સરખી જ હોય છે. ધ્યાનથી જૂઓ તો તેમાં રંગનો તફાવત દેખાય. નોવો રેપિડનો રંગ સહેજ ભૂરાશ પડતો હોય છે જ્યારે લેન્ટુસનો રંગ સહેજ લાલ.
ભણેલા ભાન ભૂલે એમ તો ન કહી શકાય, પણ ઇન્સ્યુલિનનો કાયમ ઉપયોગ (૩૦ વર્ષથી) કરનાર થાપ ખાઇ ગયો અને ભૂલથી લેન્ટુસના બદલે નોવો રેપિડ ઠપકારી દીધું. વાચક મિત્રો, આ બધી વાતો વિગતવાર જણાવું છું તેનો મતલબ એવો નથી કે મેં કોઇ બહાદુરીનું કામ કર્યું છે. પરંતુ આ તો મારા જેવી ભૂલનું બીજા કોઇ પુનરાવર્તન ન કરે તે માટે લખી જણાવ્યું છે. કબુલાત.
આપ સહુને યાદ હશે જ કે થોડાક વર્ષો પૂર્વે મેં બાર્બાડોસના દરિયામાં ઝંપલાવ્યું હતું. હૈયે તો હામ હતી, પણ શરીરનો તેને સાથ ન મળ્યો. ભારે કટોકટી સર્જાઇ હતી, લગભગ ડૂબવાની ભીતી હતી. હાથ હલાવીને મદદ માગી. વર્ષોજૂના મિત્ર પ્રકાશભાઇ મિસ્ત્રીએ બોટમાંથી જોયું અને તેમણે જહાજ પર હાજર એક તરવૈયાને બૂમ મારીને મારી મુશ્કેલીથી સાબદો કર્યો. પે’લાએ તરત જ લાઇફ સેવિંગ ટયુબ ફેંકી ને હું તેના સહારે હેમખેમ બહાર નીકળ્યો - પાણી અને કટોકટી બન્નેમાંથી. દરિયામાં ઝંપલાવવું તે સાહસ નહોતું, દુઃસાહસ હતું તે પછી સમજાયું.
રવિવારની બેદરકારી વિગતવાર જણાવી રહ્યો છું તેનું કારણ એટલું જ છે કે વાત તનની હોય, મનની હોય કે ધનની... સદા સાવધાની આવશ્યક છે. હું ડાયાબિટિસને કાયમી મિત્ર ગણાવું છું અને આ મિત્રને જાણે તે કોઇ શાહસોદાગરનું સંતાન હોય, વીવીઆઇપી હોય તેમ અછોવાના કરતો રહું છું. તેની બરાબર કાળજી લઉં છું. સરભરા કરું છું. બહુ સાચવું છું. કારણ કે હું જાણું છું કે જેટલો હું તેને ‘સાચવીશ’ એટલું જ તે મારું ધ્યાન રાખશે. મારી શારીરિક સ્વસ્થતા જાળવશે. મારો ઇરાદો સ્પષ્ટ છે - મારે લાંબુ જીવવું છે, ટનાટન જીવવું છે. અને સદા સત્કાર્ય કરતા રહેવું છે. આ માટે દરરોજ દિવસમાં ત્રણેક વખત બ્લડ સુગર ચેક કરતો રહું છું. અને ખાણીપીણીથી માંડીને જીવનશૈલીમાં પ્રમાણભાન જાળવું છું.
મારા એક મિત્ર ડાયાબિટિક ખરા, પણ લહેરી લાલા જેવું જીવન જીવે. ડાયાબિટિસને ગંભીરતાથી ગણકારે જ નહીં. બ્લડ સુગર ચેક કરવું કે ઇન્સ્યુલિન લેવું તેમને ‘ઝંઝટ’ લાગે. એક વખત અમે સાથે હતા, તેમણે મને બ્લડ સુગર ચેક કરતાં, નિયત માત્રામાં જ ઇન્સ્યુલિન લેતાં જોયો, અમુક વાનગી ચોક્કસ માત્રામાં જ આરોગતો જોયો. આ બધું જોઇને તેમને ‘નવાઇ’ લાગી કેમ કે તેમણે આવી કાળજી લીધી જ નહોતી. અમારે ચર્ચા થઇ. તેને ગંભીરતા સમજાઇ. ડાયાબિટિસ ગંભીર નથી, પણ તેની આડ અસર ગંભીર હોવાનું ભાન થયું. તેમણે પણ જરૂરી ચરી પાડવાનો નિર્ધાર કર્યો. અને ફાયદો પણ થયો.
વાચક મિત્રો, આ બધું લખીને હું તમને સલાહસૂચન નથી આપતો, પણ થોડીક કાળજી લઇને ક્યા પ્રકારે ટકોરાબંધ શારીરિક સ્વસ્થતા જાળવી શકાય તે જણાવવા માગું છું. રવિવારે મારાથી (ભલે અજાણતાં જ) લોચો વાગી ગયો, પરંતુ સમયસર સાબદો ન થયો હોત તો? રામ બોલો ભાઇ રામ જ થઇ ગયું હોતને... હા, મને વઢજો, પણ ‘બિચારા સી.બી.’ એમન ન કહેતા.
•••
ગુલામી કી રોટી સે આઝાદી કા ઘાસ અચ્છા
વાચક મિત્રો, હું ગયા સપ્તાહે એક સમાચાર જાણ્યા બાદ ખૂબ પીડા, વ્યથા અનુભવી રહ્યો છું. જગવિખ્યાત ચળવળકાર અને નોબેલ પ્રાઇઝ વિજેતા લીઉ ઝીઆબાઓએ ચીન સરકારની કેદમાં જ અંતિમ શ્વાસ લીધા. અનેક જોરજુલમ છતાં સરકાર સામે શરણાગતિ સ્વીકારવાનો ધરાર ઇન્કાર કરીને ઝઝૂમતા રહેલા લીઉ કેન્સર સામેનો જંગ હારી ગયા. એક માનવાધિકારવાદી, સ્વાતંત્ર્યપ્રેમી વ્યક્તિને સરકારી બંદીવાન તરીકે દેહ છોડવો પડે તેનાથી વધુ કરુણ બાબત શું હોઇ શકે?
૬૧ વર્ષના લીઉ ઝીઆબાઓ યુવાન વયે અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. ત્યાં જ વસી ગયા. સારી એવી આવક હતી. અમેરિકાની સમૃદ્ધિ છોડીને સરમુખત્યાર શાસન (ચીનમાં) પાછા ફરવાને કોઇ કારણ નહોતું. પ...ણ
વાચક મિત્રો, ચીનમાં લોકતંત્રની સ્થાપના કરવાની પ્રચંડ માગ સાથે બૈજિંગના ટીઆનાન્મેન સ્કવેરમાં ૧૯૮૯માં ઉમેટેલો માનવમહેરામણ યાદ છેને? ચીનના સરમુખત્યાર શાસકોએ લોકશાહી અને વાણી સ્વાતંત્ર્યની સાથે રસ્તા પર ઉતરી પડેલા પોતાના જ પ્રજાજનો સામે લશ્કરી ટેન્કોનો કાફલો ઉતાર્યો હતો. લોકોના વિરોધને કચડી નાખવા માટે સરકારે અમાનુષી અત્યાચાર ગુજાર્યો. ચીની શાસકોનો જુલમ નિહાળીને આખી દુનિયા હચમચી ગઇ હતી, તો લીઉ કેમ બાકાત રહે? સ્વદેશમાં શરૂ થયેલી ચળવળે તેમને હચમચાવી નાખ્યા હતા. લીઉ અમેરિકામાં રહ્યે રહ્યે તો દેશમાં ચાલી રહેલી લોકશાહી માટેની ચળવળને સમર્થન આપી જ રહ્યા હતા. પત્રો - પત્રિકાઓના માધ્યમથી તેઓ આખી દુનિયા સમક્ષ ચીની શાસકોના અત્યાચારને ખુલ્લા પાડતા રહેતા હતા. ચીની શાસકો અમેરિકામાં તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નહોતા. પરંતુ તેમણે ચળવળમાં સામેલ થવા, સ્વદેશ પાછા ફરવાનો નિર્ધાર કર્યો.
૧૯૮૯ની આ વાત છે. તે દેશ પાછો ફર્યા. આંદોલનમાં જોડાયા. લાંબા સમયથી આંખમાં કણાંની જેમ ખૂંચી રહેલા લીઉને સરકારે બંદી બનાવ્યા. રાષ્ટ્રદ્રોહ સહિતના અઢળક કેસો કરીને જેલભેગો કરી દીધો. અત્યાચારો ગુજાર્યા, પણ દમન સામે લીઉ ડગ્યા નહીં. લીઉ બીમાર પડ્યા અને વિદેશમાં સારવાર કરાવવી પડે તેમ હતી, પણ સરકારે મંજૂરી ન આપી. દેશમાં લોકતંત્રની સ્થાપના કાજે લીઉએ કરેલા સંઘર્ષની નોંધ લઇને તેમને નોબલ પુરસ્કર જાહેર થયો તો ચીની શાસકોએ તેને આ અતિ પ્રતિષ્ઠિત સન્માન સ્વીકારવા સ્ટોકહોમ પણ જવા દીધા નહીં. નોબલ પુરસ્કારના આયોજકો પણ ગાંજ્યા જાય તેવા નહોતા. તેમણે પુરસ્કાર વિતરણ સમારોહમાં લીઉની ખુરશી ખાલી રાખીને એક ચળવળકાર પ્રત્યે થઇ રહેલા અન્યાયી, અમાનવીય વ્યવહારને વાચા આપી.
વાચક મિત્રો, આવા સાચા દેશપ્રેમીએ ગયા સપ્તાહે સરકારની કેદમાં આખરી શ્વાસ લીધા હોવાનું જાણીને અંતર ખળભળી ગયું. અત્યંત સુશિક્ષિત, સાધનસંપન્ન, સમૃદ્ધિમાં જીવતો એક આદમી પોતાના દેશબાંધવોના દીર્ઘકાલીન હિત માટે સર્વસ્વ છોડીને સ્વદેશ જઇ પહોંચે અને સરમુખત્યાર શાસકો સામે બંડ પોકારે... કેટલો વતનપ્રેમ.
કોઇ પણ ભારતીય માટે આ ઘટના હૃદયસ્પર્શી છે. કારણ કે આપણે પણ આવા જ લડવૈયાઓ થકી આઝાદી મેળવી છેને? લીઉ ઝીઆબાઓની લડતે મને આઝાદ હિન્દ ફૌજના ઝૂઝારુ સૈનિકોની યાદ અપાવી દીધી.
ચાળીસના દસકામાં સુભાષચંદ્ર બોઝ ગુપ્ત રીતે વાયા અફઘાનિસ્તાન જર્મની જઇ પહોંચ્યા હતા. પાછળથી બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે જંગ છેડવાના ઇરાદે તેમણે જાપાનમાં અડીંગો જમાવ્યો. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી. એક સમયે ગાંધીજીના પ્રશંસક એવા સુભાષબાબુ અંગ્રેજોનો જોરજુલમ જોઇને એવું માનવા પ્રેરાયા કે માત્ર અહિંસાથી આઝાદી શક્ય નથી. નવાસવા આઝાદ થયેલા બર્મા, મલેશિયા, હોંગકોંગ, વિયેતનામ, ઈન્ડોનેશિયા તરફ નજર દોડાવી. આ વિસ્તારોમાં બ્રિટિશ, ફ્રેન્ચ અને હોલેન્ડ કોલોનીનું સામ્રાજ્ય હતું. ત્રણેય દેશમાં જાપાનીઝ લશ્કરે વિજયપતાકા લહેરવ્યા હતા. સામ્રાજ્યવાદી શાસન પ્રણાલીનો અંત આણ્યો હતો.
આ વિસ્તારમાં લગભગ ૨.૫ લાખ જેટલા ભારતીય સૈનિકો હતા (જેઓ સામ્રાજ્યવાદની રક્ષા કાજે) બ્રિટિશ અધિકારીઓના તાબામાં જાપાનના લશ્કર સામે લડ્યા હતા, અને બાદમાં શરણાગતિ સ્વીકારી હતી. આ બંદીવાન ભારતીય સૈનિકોને આઝાદ હિન્દ ફૌજમાં સામેલ કરવા, સ્વ-દેશ કાજે લડવા માટે સુભાષબાબુએ આહલેક જગાવી હતી. રાસબિહારી ઘોષ દ્વારા આ ચળવળ શરૂ થઇ હતી.
ચાલાક બ્રિટિશ શાસકોને આ વાતની ગંધ આવી ગઇ. તેઓ ભારતીય સૈનિકોના બુદ્ધિ-બળ-બહાદુરીથી વાકેફ હતા. તેમને સમજાઇ ગયું એક સમયે આપણા માટે લડનારા આ લોકો જો આપણી સામે જંગમાં ઉતર્યા તો આપણને ભાગવું ભારે થઇ પડશે. તેમણે ભારતીય સૈનિકોમાં દુષ્પ્રચાર શરૂ કર્યો કે તમે ભલે જાપાનીઝ સેનાના બંદીવાન બન્યા હો કે નિવૃત્ત થયા હો, પરંતુ બે ટંકની રોટી તો મેળવો છોને... તમે આઝાદ હિન્દ ફૌજમાં જોડાશો તો આ પણ ગુમાવશો. ખાવા માટે રોટી નહીં મળે તો શું ઘાસ ખાશો?
આ સમયે આઝાદ હિન્દ ફૌજમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા કેપ્ટન શાહનવાઝ, કેપ્ટન લક્ષ્મી, કેપ્ટન સહેગલ સહિતના લડવૈયાઓએ પોકારતા કહ્યું હતું કે ગુલામી કી રોટી સે આઝાદી કા ઘાસ ખાના અચ્છા હૈ... સમયના વહેવા સાથે આઝાદ હિન્દ ફૌજે અંગ્રેજ શાસકોના દાંત કેવા ખાટા કરી નાખ્યા હતા એ તો જગજાહેર છે.
ચીનના શાસકોએ ભલે નોબલ પ્રાઇઝ વિજેતા લીઉ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યા હોય, પરંતુ તેઓ ભૂલી જાય છે કે ઇન્કિલાબની ચીનગારીને અત્યાચારના શસ્ત્ર થકી બૂઝાવવાનું એટલું આસાન નથી. આવા પ્રયાસો હંમેશા બૂમરેંગ સાબિત થતા હોય છે. એક સમયે સાઉથ કોરિયા, તાઇવાન સહિતના દેશો સરમુખત્યાર શાસન તળે હતા. દેશ આર્થિક વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યો હતો. લોકોની સમૃદ્ધિમાં સતત ઉમેરો થઇ રહ્યો હતો. છતાં એક સમયે લોકોએ અનુભવ્યું કે માત્ર ભૌતિક સમૃદ્ધિ જ સર્વસ્વ નથી, વ્યક્તિગત સ્વાતંત્ર્યનું પણ આગવું મહત્ત્વ છે. ભૌતિક સંપત્તિ કરતાં વાણી-વિચારની અભિવ્યક્તિનું મૂલ્ય અનેકગણું વધુ છે, અને દેશમાં લોકતંત્ર કાજે અવાજ ઉઠ્યો. દેશમાં લોકતંત્રની સ્થાપના થઇ.
•••
મહત્ત્વાકાંક્ષાના ઝાઝેરા રૂપ
આપણા સમાજમાં - પૂર્વ આફ્રિકા કે ભારતમાં - એક જમાનામાં મેડિકલ ડોક્ટર કે કન્સલ્ટન્ટ થવું તે કારકિર્દી ક્ષેત્રે બહુ આકર્ષક અને લોકપ્રિય વિકલ્પ હતો. આ વ્યવસાયમાં લખલૂટ દોલત ઉપરાંત સમાજમાં માનમોભો મળતો તે અલગ. સાથોસાથ સમાજ માટે કંઇક સેવા કરી છૂટ્યાનો આત્મસંતોષ પણ ખરો જને?!
આજે બ્રિટનની જીવાદોરી ગણાતી નેશનલ હેલ્થ સર્વીસ (NHS) કે ખાનગી તબીબી ક્ષેત્રે એક અંદાજ પ્રમાણે ૩૫થી ૪૦ હજાર ભારતીય વંશજો સક્રિય છે. કોઇ વ્યક્તિ ડોક્ટર હોય, ફિઝિશ્યન હોય કે સર્જન હોય, નામાંકિત બન્યા બાદ હાર્લી સ્ટ્રીટ કે તેના જેવા પ્રતિષ્ઠિત સ્થળે પ્રેક્ટિસ શરૂ કરે એટલે લક્ષ્મીજીની છનછનાછન શરૂ થઇ જાય. એક તબીબ તરીકે ખાનગી પ્રેક્ટિસ કરવામાં કશું અજૂગતું નથી, પરંતુ તબીબી ક્ષેત્રે તેજસ્વી અને પોતાના કાર્યક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી વ્યક્તિ જો પોતાના જ્ઞાન, અનુભવ, કૌશલ્યમાં સમાજસેવાનું પરિબળ ઉમેરે ત્યારે સોનામાં સુગંધ ભળતી હોય છે. ડોક્ટર પ્રો. સર નીલેશભાઇ સામાણી આવું જ એક નામ છે.
વાચક મિત્રો, આપ સહુએ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના અગાઉના અંકોમાં નીલેશભાઇ સામાણીનો પરિચય વાંચ્યો હશે. લેસ્ટર લોહાણા સમાજે તેમનું ઉષ્માસભર સન્માન કર્યું તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું મહાસુખ મેં માણ્યું હતું.
દેશમાં હૃદય સંબંધિત રોગ, નિદાન અને સારવારના ક્ષેત્રે બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન નામની સંસ્થા પ્રશંસનીય પ્રદાન આપી રહી છે. આ સંસ્થામાં ડોક્ટર સર પ્રો. નીલેશભાઇ મેડિકલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. બ્રિટિશ હેલ્થ ફાઉન્ડેશન ‘હેલ્થ મેટર્સ’ નામનું એક મેડિકલ જર્નલ પણ પ્રકાશિત કરે છે. જેનો મુખ્ય ઉદ્દેશ હૃદય સંબંધિત રોગો અને તેના નિદાન અંગે લોકજાગૃતિ વધારવાનો છે. કોઇ પણ વ્યક્તિ આ મેગેઝિન વિનામૂલ્યે મેળવી શકે છે. અમે પણ તે મેળવીએ છીએ. આ મેગેઝિનમાં આરોગ્ય વિશે, ખાસ તો હૃદયને સદા સર્વદા સ્વસ્થ - તંદુરસ્ત જાળવવા શું કરવું જોઇએ તે વિશેના સુંદર લેખો પ્રકાશિત થાય છે.
તાજેતરમાં ‘હેલ્થ મેટર્સ’નો સમર-૨૦૧૭નો ઇસ્યુ પ્રકાશિત થયો છે. તેમાં પ્રો. સર નીલેશભાઇ સામાણી વિશેનો સુંદર લેખ વાંચીને એક ભારતીય, ગુજરાતી તરીકે ગૌરવ અનુભવું છું. નીલેશભાઇને જ નહીં, તેમના માતા-પિતા, જીવનસાથી સહિતના પરિવારજનોને પણ અવારનવાર મળતો રહું છું. પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યા પછી, પણ નમ્રતા જાળવી રાખતા આવા મહાનુભાવો આપણા સમાજની શાન છે. કોઇ પણ ક્ષેત્રે પ્રગતિ માટે મહત્ત્વાકાંક્ષા અત્યંત આવશ્યક પરિબળ છે. વેલ્થ (ધનપ્રાપ્તિ), પાવર (સત્તા) અને ફેમ (કિર્તી) - આ ત્રણ પરિબળો સહુ કોઇને આકર્ષે છે. આ માનવસહજ સ્વભાવ છે. ઉપનિષદની એક ઉક્તિ પ્રમાણે, જનસાધારણને આ ત્રણ માટે અદમ્ય આકર્ષણ હોય છે. અને એમાં પણ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ રચાય ત્યારે વ્યક્તિ ધરતી સાથે જોડાયેલી રહે તો એ જ સાચી માણસાઇ છે. આ ખરેખર કપરું છે. ડોક્ટર સર નીલેશભાઇ આવું જ વ્યક્તિત્વ છે. તો તેમના જેવું જ વ્યક્તિત્વ ધરાવે છે અજિત જૈન. આ ભારતીય ભાયડો મલ્ટિ-મિલિયોનેર વોરન બફેટની આર્થિક બાબતોનું સંચાલન કરે છે. આ સપ્તાહના ‘એશિયન વોઇસ’ના પાન નં. ૩ ઉપર તેમનો વિગતે પરિચય વાંચવા મળશે.
નીલેશભાઇ અને અજિતભાઇ જેવા કંઇકેટલાય મુઠ્ઠીઊંચેરા ભારતીય ભાઇઓ-બહેનો, યુવાન-યુવતીઓ આપણા સમાજમાં ઉપસ્થિત છે તે આપણું સદભાગ્ય છે. તેમના જીવન પર નજર પડે છે ત્યારે સંસ્કૃતનું એક સુભાષિત યાદ આવી જાય છે...
પરોપકારાય વિભાતી સૂર્ય,
પરોપકારાય વહંતી નદ્ય,
પરોપકારાય ફલંતી વૃક્ષ...
વાચક મિત્રો, આપના જેવા સુજ્ઞજનોને વિશેષ કંઇ લખવાની જરૂર ખરી?!
•••
સમયના વહેણ સાથે પારિવારિક - સામાજિક પરિવર્તન
અવારનવાર રૂબરૂમાં, પત્ર દ્વારા કે ફોન દ્વારા મને જાણવા મળે છે કે સામાન્ય રીતે લગભગ સંતોષજનક સુવિધા અને સગવડ હોય છે, છતાં કેટલાક લોકો અસંતોષ, અજંપો અનુભવે છે અને તેના પરિણામે કંઇકેટલાય માનસિક તાણનો ભોગ બને છે. કેટલાકને એ વાતે ચિંતા છે કે અમારા સંતાન અમારા અંકુશમાં નથી. તેઓ પોતાનું ધાર્યું જ કર્યા કરે છે. તો કેટલાક માબાપ વળી એવી
ચિંતા કરી રહ્યા છે કે સંસ્કાર વારસો, ધર્મ, પરંપરાથી આપણી પેઢી વિચલિત થઇ રહી છે. આગામી અંકોમાં આ વિશે કંઇક ચિંતન રજૂ કરવાનો ઇરાદો છે.
તાજેતરમાં વ્યક્તિગત કે જૂથમાં આપણા ૧૮થી ૨૮ વર્ષના યુવાન-યુવતીઓ સાથે એક યા બીજા પ્રકારે વિચારોનું આદાનપ્રદાન કરવાનો મને એકથી વધુ મોકો મળ્યો. મારા કે મારા બૃહદ પરિવાર (એક્સટેન્ડેડ ફેમિલી)ના કેટલાય યુવાન-યુવતીઓ ટોચની યુનિવર્સિટીઓમાંથી સુશિક્ષિત થયા છે. તેમની સાથે વ્યક્તિગત રીતે મુક્ત મને વાત કરવાનો, વિચારોનું આદાનપ્રદાન કરવાનો મોકો જવલ્લે જ મળે તે સમજાય તેવું છે. પરંતુ આ યુવાનો સાથે ભેગા બેસીને વાતોનો, વિચારોનો તંતુ બાંધી શકીએ તો આપણને ઘણું જાણવાનું, સમજવાનું, શીખવાનું મળતું હોય છે, તેવો મારો અંગત અનુભવ છે. પસંદ અપની અપની, ખયાલ અપના અપના.
ગયા સપ્તાહે ૨૫-૨૬ વર્ષનો એક યુવાન મને પાર્લામેન્ટ સ્કવેરમાં ગાંધીજીની પ્રતિમા પાસે મળી ગયો. ગુરૂવારે હાઉસ ઓફ લોર્ડઝમાં સેન્ટ લ્યૂક્સ હોસ્પીસના ૩૦મા સ્થાપના દિન નીમિત્તે લોર્ડ ડોલર પોપટે એક સુંદર ઉજવણીનું આયોજન કર્યું હતું. આ હોસ્પીસ સંસ્થાની સ્થાપનામાં એક સમયે હું પણ ‘મીડવાઇફ’ તરીકે સેવા આપી ચૂક્યો છું. જોકે અત્યારે જરા જુદી રીતે આ સંસ્થા સાથે સંકળાયેલો છું. આપણા પ્રકાશનો આ સેવાકીય સંસ્થાના મીડિયા પાર્ટનર તરીકે યા તો નાણાં ભંડોળ એકત્ર કરવામાં સહયોગ આપી રહ્યા છે. બપોરના ૩.૩૦થી સાંજના ૫.૩૦ હોસ્પીસનો કાર્યક્રમ હતો. લગભગ ૫.૧૫ કલાકે ફ્રી થઇ ગયો. બીજો કાર્યક્રમ ૬.૩૦થી ૮.૩૦નો હતો. ઓક્સફર્ડ સ્ટ્રીટ નજીક ઇંડિયન જ્યુસ એસોસિએશનના કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. હું આ સંસ્થાનો વર્ષોથી શુભેચ્છક છું અને ઓછાવત્તા અંશે વર્ષોથી તેનો સમર્થક પણ ખરો.
પૂરા સવા કલાકનો ગેપ હતો. સમયનું શું કરવું એવો પ્રશ્ન ક્યારેય મને નડતો જ નથી. મારા કેટલાક પરિચિતો હળવાશથી કહે છે તેમ હું તો દિવાલો સાથે પણ વાત કરી જાણું તેવો છું... પાર્લામેન્ટમાંથી બહાર નીકળ્યો કે નક્કી કર્યું કે સ્કવેરમાં ચક્કર લગાવીશ. વાતાવરણ બહુ સરસ હતું. લોકોની ચહલપહલ સરેરાશ કરતાં વધુ હતી. સ્પેનનો રાજ પરિવાર પધાર્યો હોવાથી આકાશમાં સિક્યુરિટી માટે હેલિકોપ્ટર ઉડી રહ્યું હતું. આકાશમાં હેલિકોપ્ટરની ઘરઘરાટી હતી, અને જમીન પર લોકોનો કલબલાટ.
આ ડોસો બીજા એક ‘ડોસા’ના સાંનિધ્યમાં જઇ પહોંચ્યો. ‘બાપુ’ સામે નજર પડી કે સહજપણે જ આંખો આદરથી ઝૂકી ગઇ. આને ‘બાપુ’નો પ્રભાવ જ ગણવો રહ્યોને?! પ્રતિમા નીચે પ્લેક વાંચી તો લખ્યું હતુંઃ મહાત્મા ગાંધી. બસ બે જ શબ્દો. કોણ છે? ક્યા સ્થળે અને ક્યા વર્ષમાં જન્મ? ક્યાં અને ક્યારે નિધન? કોઇ જ વિગત નહીં... પહેલાં આશ્ચર્ય થયું, પછી સહજપણે જ વિચાર સરી પડ્યો. આ મુઠ્ઠીઊંચેરા વ્યક્તિને તે વળી પરિચય કે સ્થળ-કાળનું કેવું બંધન? રાષ્ટ્રપિતા ભલે ભારતના છે, પણ તેમનું જીવનકવન સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે - પ્રવર્તમાન વૈશ્વિક માહોલમાં તો ખાસ.
ગાંધીબાપુની ડાબે સહેજ આગળ એક બ્રિટિશ ઇઝરાયલીની પ્રતિમા છે. નીચે લખ્યું છેઃ બેન્જામીન ડીઝરાયેલી અર્લ ઓફ બિકન્સ ફિલ્ડ (કેજી) ૧૮૦૪-૧૮૮૨. તેઓ બ્રિટનના પ્રથમ બિન-અંગ્રેજ અને જન્મે યહૂદી વડા પ્રધાન હતા. ગાંધીજીની જમણે ઉભેલી પ્રતિમા પર લખ્યું હતુંઃ પીલ ૧૭૮૮-૧૮૫૦. તેઓ વડા પ્રધાન તરીકે નામાંકિત બન્યા હતા. ચર્ચિલ પણ જોવા મળ્યા. ગાંધીજીની છેક જમણે પ્રથમ બિનશ્વેત સ્ટેચ્યુ હતું નેલ્સન મંડેલાનું. તેમની પ્રતિમા નીચે પણ માત્ર નામ જ હતું. ગાંધીજી અને મંડેલા... બન્ને મહાનુભાવોની પ્રતિમા નીચે માત્ર નામ લખાયા છે, જે દર્શાવે છે કે આ વિશ્વવિભૂતિ એવી છે જેમને કોઇ ઓળખની આવશ્યક્તા નથી. સિર્ફ નામ હી કાફી હૈ...
મહાનુભાવોની નિશ્રામાં થોડાક આંટાફેરા માર્યા પછી એક ઘટાદાર વૃક્ષનો છાંયડો શોધીને બેઠો. વિચારોની દુનિયામાં ભ્રમણ ચાલુ હતું ત્યાં સામે ભારતીય દેખાતો એક યુવાન નજીક આવ્યો. પાછો ગયો. પાછો આવ્યો. અને પછી થોડાક ખચકાટ સાથે પૂછ્યુંઃ If I'm not wrong... are you Mr. C. B. Patel? મારો પ્રતિભાવ જાણીને તરત જ બ્રિફકેસ ખોલી અને તેમાંથી ‘એશિયન વોઇસ’નો તાજો અંક કાઢ્યો. પોતાના વાચકને મળીને ક્યા પ્રકાશક-તંત્રીને આનંદ ન થાય?
અમે વાતોએ વળગ્યા. ભારતીય વંશજ યુવાનના માતા-પિતા આફ્રિકાના કેન્યાથી અહીં આવીને વસ્યા હતા. માતા વણિક પરિવારના હતા તો પિતા હિન્દુ પંજાબી. બન્ને કેન્યામાં સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. સમયાંતરે બ્રિટન આવીને આગળ અભ્યાસ કર્યો. ફરી મળ્યા. પરિચય વધુ ગાઢ બન્યો. લગ્નબંધને બંધાયા.
અરસપરસ થોડીક માહિતીની આપ-લે થયા પછી યુવાને કહ્યું કે તે અને દસેક મિત્રો રવિવારે સવારે દસ વાગ્યે યુસ્ટન સ્ટેશનની બાજુમાં આવેલા કેફેમાં મળે છે. બે-અઢી કલાક અલકમલકની વાતો કરે છે, વિવિધ વિષયો પર વિચારોની આપ-લે કરે છે, અને છૂટા પડે છે. યુવાને મને પણ આવવાનું આમંત્રણ આપ્યું. મારે તો ફ્રિડમ પાસ છેને! હું જઇ પહોંચ્યો. સાચે જ મને યુવા પેઢી સાથે વિચારોનું આદાનપ્રદાન કરવાનો, તેમના વિચારો જાણવાનો-સમજવાનો સોનેરી મોકો મળ્યો. ઘણા લોકો અકારણ-સકારણ, શારીરિક-માનસિક અસુખ અનુભવતા રહેતા હોય છે, પરંતુ આ યુવા પેઢીનો જિંદગી પ્રત્યેનો આગવો અભિગમ હતો. એક યુવાને ચર્ચા દરમિયાન ડેલ કાર્નેગીનું એક સરસ વાક્ય ટાંક્યુંઃ Happiness does not depend on any external conditions, it is governed by our mental attitude... વાચક મિત્રો, આ યુવા પેઢીએ ડેલ કાર્નેગીના વાક્યને ખરા અર્થમાં આત્મસાત કર્યું હોવાનું જોઇ શકતો હતો. તેઓ સમજ્યા હતા કે આપણું સુખ કોઇ બાહ્ય પરિબળો પર નિર્ભર નથી, સુખનો આધાર તો આપણા માનસિક અભિગમ પર રહેલો છે.
આપણે યુવાન પેઢીને સમજવામાં કદાચ કોઇ ભૂલ તો નથી કરતાંને? વિચારજો જરૂર. વધુ પછી ક્યારેક... (ક્રમશઃ)

