કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પોતાના ડાન્સની નિપુણતા સાથેસાથે શરીર પરના મેદથી પણ જાણીતો હતો. પરંતુ કોરિયોગ્રાફરે હાલ ૧૦-૧૨ કિલો નહીં પરંતુ ખાસ્સું ૮૫ કિલો વજન ઘટાડવામાં સફળ થયો છે. ગણેશ આચાર્યની તસવીરો સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જે જોઇને સહુ કોઇ અચંબામાં પડી ગયા છે. તાજેતરમાં ગણેશ પોતાની મરાઠી ફિલ્મ 'ભિકારી'ના એક ગીતને લોન્ચ કરતો નજરે ચડયો હતો. ત્યારે ત્યાં હાજર રહેલા સૌની નજર તેના નવા મેકઓવર પર પડી હતી. પોતાના વજન ઘટાડવા બાબતે કોરિયોગ્રાફરે એક અખબાર સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આ મારા માટે બહુ તકલીફની વાત હતી. હું છેલ્લા દોઢ વરસથી મારી ચરબી ઘટાડવા માટે પ્રયત્નશીલ હતો. ૨૦૧૫માં આવેલી મારી ફિલ્મ 'હે બ્રો'માટે મેં ૩૦-૪૦ કિલો વજન વધાર્યું હતું, પરંતુ એ પછી મારું વજન ૨૦૦ કિલો સુધી પહોંચી ગયું હતું હવે તેને હું ઘટાડી રહ્યો છું. ૨૦૧૩માં આવેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગના ગીત 'હવન કરેંગે'ના કોરિયોગ્રાફ માટે ગણેશને રાષ્ટ્રીય પુરસ્કારથી સ્માનિત કરવામાં આવ્યો હતો. મેં વજન ઘટાડવાનો પાકો નિર્ણય કરી દીધો હતો અને હું મારી ઇમેજ બદલવા માગતો હતો. અત્યાર સુધી હું લગભગ ૮૫ કિલો જેટલું વજન ઉતારવામાં સફળ થયો છું. હું મારા આ નવા ટ્રાન્સર્ફોમેશનથી ઘણો ખુશ છું તેમ કોરિયોગ્રાફરે વધુમાં જણાવ્યું હતું.

