લંડનઃ જે દંપતી તેમના સંબંધોને વધારે મજબૂત અને પ્રગાઢ બનાવવા માગતા હોય તેમણે તેમનાં જીવનસાથીને મેસેજ કરતા રહેવું જોઈએ તેવું એક અભ્યાસમાં જણાવાયું છે. એક મનોવૈજ્ઞાનિક અભ્યાસમાં આ વાત બહાર આવી છે.
સંશોધકોનું કહેવું છે કે જે કપલ અઠવાડિયામાં ૧૫ મિનિટ એકબીજાને બે કે ત્રણ વખત મેસેજ મોકલે તેમની તબિયત સારી રહે છે. તણાવ તેમનાથી દૂર રહે છે અને સંબંધોનો સંતોષ મળતો રહે છે.
પાર્ટનર દ્વારા મળેલા સંદેશાથી માનસિક સ્થિતિ વધુ સારી બને છે. જે લોકો તેમના જીવનસાથીને કે મિત્રને મેસેજ કરતા રહે છે તેઓ અન્યોની સરખામણીમાં ૯ ટકા વધુ સારો અહેસાસ કરે છે. જેઓ સંદેશાઓ મેળવે છે તેમના માટે સ્થિતિ વધુ સારી અને સાનુકૂળ બને છે. તેઓ સારા સંદેશાઓ મેળવીને ૧૨ ટકા વધુ સરળતા અનુભવે છે.
પોઝિટિવ સુધારો
બ્રિટનની બ્રાઇટન યુનિવર્સિટી ઓફ નોર્થમ્બ્રિયાના સંશોધકો દ્વારા ૩૮ કપલનો અભ્યાસ કરાયો હતો. અભ્યાસ પછી કપલ્સના સારા અનુભવો સામે આવ્યા હતા. તેમના મતે પાર્ટનરને સંદેશાઓ મળ્યા તે ફાયદાકારક હતા. માનસિક અને શારીરિક તંદુરસ્તી પર પણ પોઝિટિવ અસર જોવા મળી હતી. કપલ્સને એકબીજાથી વધુ નજીક લાવવામાં અને તેમની માનસિક સ્થિતિને વધુ સારી બનાવવામાં આવા પ્રેમ અને લાગણીભર્યા સંદેશા મહત્ત્વના પુરવાર થાય છે.

