રણબીર કપૂરને જ લઈને ‘બરફી’ જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂકેલા અનુરાગ બસુએ ફિલ્મી પ્રયોગ સાથે મ્યુઝિકલ ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ રણબીરને લઈને જ બનાવી છે. મણિપુર કોલકતાના સુંદર કુદરતી અને કલાત્મક લોકેશન ફિલ્મમાં છે. આ પ્રકારની ફિલ્મોમાં અભિનય માટે રણબીર જીવ રેડીને અભિનય આપે છે તો આ ફિલ્મમાં જગ્ગા સાથે જોકે કેટરિનાની જોડી પણ જામે છે. શાશ્વત ચેટરજીની બાગચી તરીકે તો સૌરભ શુક્લાની ઇન્ટેલિજેન્સ અધિકારી તરીકેની એક્ટિંગ પણ સરસ છે.
વાર્તા રે વાર્તા
અટકી અટકીને બોલતો અનાથ બાળક જગ્ગો (રણબીર કપૂર) એક હોસ્પિટલમાં ઉછરતો હોય છે. નાનપણથી જાસૂસી દિમાગવાળા જગ્ગાને એક ઘાયલ માણસ બાદલ બાગચી ઉર્ફે ટૂટીફૂટી (શાશ્વત ચેટરજી) મળે છે. તે ટૂટીફૂટીને હોસ્પિટલમાં લઈ જાય છે ને ટૂટીફૂટી સાજો થઈને જગ્ગાને પોતાના ઘરે લઈ જાય છે. એક દિવસ બાગચીને સિન્હા (સૌરભ શુક્લા)ની ટીમ બાગચીને ઘરે રેડ પાડે છે ત્યારે બાગચી જગ્ગાને લઈને ભાગે છે અને તેનું એડમિશન મણિપુરની એક બોર્ડિંગ સ્કૂલમાં કરાવે છે.
કોલકતાના પ્રોફેસર બાદલ બાગચીનું પશ્ચિમ બંગાળના પુરુલિયામાં ઉતારાયેલા હથિયારો સાથે કનેક્શન હોય છે. તેથી તે છુપાતો ફરતો હોય છે, પણ તે દર વર્ષે જગ્ગાને બર્થ ડેની વીડિયો કેસેટ મોકલે છે. તેમાં તે જગ્ગાને જીવન જીવવાની શીખ આપતો હોય છે. શાળામાં જાસૂસ તરીકે ફેમસ જગ્ગો મણિપુરમાં ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર શ્રુતિ સેનગુપ્તા (કેટરિના કૈફ)ને મળે છે. મુસીબતોમાં ફસાતી શ્રુતિને જગ્ગો મદદ કરે છે. દરમિયાન ૧૮મી બર્થ ડેએ જગ્ગાને વીડિયો કેસેટ નથી આવતી. તે પોતાના પિતા બાગચીની શોધમાં કોલકાતા જાય છે. ત્યાં તેને સિન્હા બાગચીનો ઇતિહાસ કહે છે. જગ્ગો અને શ્રુતિ બાગચીને શોધવાના અને હથિયારોના સ્મગલિંગ વિશેના મિશન પર નીકળી પડે છે. જગ્ગા સાથે હથિયારોના સ્મગલર્સનો ભેટો થઈ જાય છે અને તે કેવી રીતે એનો સામનો કરીને સચ્ચાઈ બહાર લાવે છે તે માટે ફિલ્મ જોવી રહી.
મ્યુઝિકલ સ્ટોરી
‘ઉલ્લુ કા પઠ્ઠા’, ‘ગલતી સે મિસ્ટેક’, ‘જુમરીતલૈયા’, ‘ફિર વહી’, ‘મુસાફિર’, ‘ખાકે ખાકે’ ફિલ્મમાં સરસ રીતે મુકાયેલા ગીતો છે. પ્રીતમે દરેક ગીત મૂડ પ્રમાણે કર્ણપ્રિય બનાવ્યા છે જેથી ફિલ્મ એક સુંદર મ્યુઝિકલ સ્ટોરી બને છે.

