લંડનઃ સ્માર્ટફોન, લેપટોપ અને ટેબલેટ જેવા ટચ સ્ક્રિન ડિવાઇસ હવે દરેકના ઘરે સામાન્ય બની ગયા છે. ભારતમાં સ્માર્ટફોનનો ક્રેઝ અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યો છે. હવે ઘણા માતાપિતા બાળકને કુતુહલ ખાતર કે તેને શાંત પાડવા સ્માર્ટફોન રમવા માટે આપે છે. જોકે એક સંશોધન મુજબ સ્માર્ટફોન કે અન્ય ટચ સ્ક્રિન ડિવાઇસની બાળકને આદત પડી જાય તો તે ચેતવા જેવું છે. બર્કબેક યુનિવર્સિટીના ટોમ સ્મિથના સ્ટડી મુજબ ૩ વર્ષ સુધીના બાળકને ટચ સ્ક્રિન ડિવાઇસથી રમવાની ટેવથી બાળકની સરેરાશ ઉંઘમાં ઘટાડો થાય છે. સરેરાશ એક કલાક સ્માર્ટફોન અને ટેબલેટ સાથે પસાર કરનારા બાળકની ૧૫ મિનિટ ઉંઘ ઓછી થાય છે. તેનામાં બીજા બાળકોને ગમે તે ભોગે હરાવીને જીતવાની નકારાત્મક ભાવના પેદા થાય છે. આમ સ્માર્ટફોનની નાની ઉંમરે પડી રહેલી ટેવ બાળકોના વર્તન અને તેના માનસને પણ પ્રભાવિત કરી રહ્યા છે. સંશોધકના સ્માર્ટફોન અને ટેબલેટ સાથે સમય પસાર કરતા બાળકોની ઉંઘનો સમય અને ગુણવત્તા બંને ઘટે છે.

