બોલિવૂડના પ્રતિભાશાળી લેખક, નિર્દેશક અને અભિનેતા નીરજ વોરાનું ૧૪મી નવેમ્બરે સવારે નિધન થયું હતું. તે છેલ્લા કેટલાક મહિનાથી કોમામાં હતા. તેમના પરિવારના એક સભ્યએ જાણકારી આપી હતી. નીરજના નાના ભાઈ ઉત્તંક વોરાએ જણાવ્યું કે અંધેરીની હોસ્પિટલમાં સવારે ૪ વાગ્યે નીરજનું નિધન થયું. તે ૫૪ વર્ષના હતા. તેમણે કહ્યું કે તેમને પહેલાં ફિરોઝ નડિયાદવાલાના ઘરે બરકતવિલામાં લઈ જવાશે. ત્યાર બાદ બપોરે ૩ વાગ્યે સાંતાક્રૂઝમાં ઈલેક્ટ્રિક સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. નીરજ વોરાને ‘રંગીલા’, ‘અકેલે હમ અકેલે તુમ’, ‘જોશ’, ‘બાદશાહ’, ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’, ‘આવારા પાગલ દીવાના’, ‘અજનબી’, ‘હેરાફેરી’ અને ‘ફિર હેરાફેરી’ જેવી ફિલ્મોના લેખક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ટીવી અને રંગમંચ સાથે પણ જોડાયેલા હતા. ઉપરાંત નીરજે ‘ખિલાડી ૪૨૦’ અને ‘ફિર હેરાફેરી’નું નિર્દેશન પણ કર્યુ હતું.

