વડીલો સહિત સહુ વાચક મિત્રો, ખ્રિસ્તી ધર્મ પરંપરામાં પવિત્ર ક્રિસમસ પર્વનું આગવું મહત્ત્વ છે. ક્રિસમસ એટલે પ્રેમ, કરુણા અને શાંતિનું પર્વ. પર્વ ભલે ખ્રિસ્તી ધર્મનું હોય, પરંતુ સહુ કોઇને તે માનવતાના ઉમદા મૂલ્યનું જતન કરવાનો સંદેશ આપે છે. દરેક ધર્મની એક પ્રણાલી હોય છે, પરંપરા હોય છે અને આવા પર્વો-પ્રસંગો શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવાતા હોય છે.
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ... ધર્મ કોઇ પણ હોય તે શ્રદ્ધાનો વિષય છે. કહેવાતો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતો એક વર્ગ ધાર્મિક શ્રદ્ધા, આસ્થા કે માન્યતાને સમજવામાં થોડોક ઉણો ઉતરતો દેખાય છે. પરંતુ આ કાળા માથાઓને (મોટેભાગે તેઓ ટાલિયા કે ધોળા વાળ વાળા હોય છે!) કેમ કરીને સમજાવવું કે...
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.
સુપ્રસિદ્ધ ગઝલકાર જલન માતરી સાહેબની સુપ્રસિદ્ધ ગઝલનો આ શેર છે... સેંકડો શબ્દોમાં પણ સમજાવી કે વર્ણવી ન શકાય તેવા ગહન વિષય અંગે તેમણે માત્ર ૧૪ શબ્દોમાં કેવી ચોટદાર વાત કહી દીધી છે.
ભગવદ્ ગીતા હોય, બાઇબલ હોય કે કુરાન - દરેક ધર્મગ્રંથ અને ધર્મની પરંપરાને તેના અનુયાયીઓ શ્રદ્ધાપૂર્વક વરેલા હોય છે. શ્રદ્ધાના મૂળિયામાં હોય છે વિશ્વસનિયતા. જે માન્યતા, પરંપરામાં આપણો વિશ્વાસ સ્થપાય, આ વિશ્વાસ ટકી રહે, અને પછી જીવનના અલગ અલગ સંઘર્ષ વેળા વ્યક્તિને ટકાવી રાખતા લિટમસ ટેસ્ટમાંથી પસાર થયા બાદ જે વિશ્વાસ ટકી રહે તે જ શ્રદ્ધા.
શ્રદ્ધા, વિશ્વાસ, વિશ્વસનીયતાની વાત ચાલી રહી છે ત્યારે આ મુદ્દા સાથે - પરોક્ષ રીતે - સંકળાયેલી એક આડ વાત પણ કરી જ લઇએ. મોરી વેરાસિટી પોલે તાજેતરમાં વિશ્વનીયતા વિષયને કેન્દ્રમાં રાખીને એક જનમત સર્વેક્ષણ કર્યું હતું. તેના આંકડા બહુ રસપ્રદ છે. મારા - તમારા જેવો આમ આદમી સૌથી વધુ વિશ્વાસ કઇ વ્યક્તિમાં મૂકતો હોય છે? ડોક્ટરમાં. આપણે આધિ-વ્યાધિના નિદાન-નિવારણ માટે જેમના હાથમાં આપણું શરીર સોંપી દઇએ છીએ તેવા ડોક્ટરમાં ૮૦ ટકા લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પછી ઉતરતા ક્રમે આગળ વધતાં સૌથી નીચેના ક્રમે આવે છે - રાજકારણીઓ. વિશ્વસનીયતાના રેટિંગમાં રાજકારણીઓએ સૌથી ઓછા ૧૭ ટકા મેળવ્યા છે. હવે અમારા - પત્રકારત્વના - વ્યવસાયની વાત કરું તો આ ક્ષેત્રે સંકળાયેલા લોકો માત્ર ૨૩ ટકા જ વિશ્વસનીયતા ધરાવે છે. આ આંકડો તો વિશ્વસનીયતા માપતા સર્વેમાં હોવામાં સામેલ હોવાથી ટાંક્યો છે. પરંતુ એક વ્યક્તિ તરીકે મારી વિશ્વસનીયતા છે કે નહીં અને છે તો કેટલી છે તેનો આંક તો મારા વાણી-વર્તન, આચારવિચારના આધારે આપના જેવા સુજ્ઞ વાચકો, સાથીદારો, પરિવારજનો વગેરે અનુભવની પારાશીશીના આધારે જ માંડશેને? કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે તે ક્ષેત્રની વિશ્વસનીયતાનો આંક તેની સંકળાયેલી વ્યક્તિઓની સારીનરસી બાબતોના સરેરાશ મૂલ્યાંકન પર નિર્ભર હોય છે.
થોડીક અંગત વાત કરું તો... હું ભલે પટેલ સમુદાયનો ગણાતો હોઉં, પરંતુ એક સમયે અમારા પરિવારની ઓળખ ‘વિશ્વાસી’ તરીકે જ થતી હતી. જોકે આ ‘વિશ્વાસી’ જરાક અલગ પ્રકારના હતા.
માદરે વતન ભાદરણ સાથે સંકળાયેલી અગીયાર દસકા કરતાં પણ જૂની આ વાત છે. તે અરસાની નગર રચના અનુસાર - દરેક ગામની જેમ - ભાદરણની ફરતે પણ સીમાડા સ્વરૂપે આછો પાતળો કોટ હતો, અને કોટ ફરતે રસ્તો હતો. મારા પરદાદા મોતીભાઇ ઝવેરભાઇ પટેલે ત્રણ સંતાનો અને ભાવિ પેઢી માટે તે રસ્તા બહાર સારા કહેવાય એવા ત્રણ પાક્કા મકાનો બંધાવ્યા હતા. અમારા મકાનો ગામની પશ્ચિમે હતા, પણ ઉત્તર દિશાએ - અમારા મકાનોની જેમ જ - ગામહદની જરાક છેટે હરિજન પરિવારોનો કસ્બો. આમાંના કેટલાક પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો, જેઓ વિશ્વાસી તરીકે ઓળખાતા. શું હરિજનો કે શું અમે? ફરક માત્ર ખોરડાંના કદનો હતો, બાકી વસવાટ તો ગામછેડે જ હતો ને? અમારી જાતિ ભલે અલગ હોય, પણ અમે - બન્ને સમુદાયના - લોકો હતા તો મનુષ્યો જને?! પરંતુ ઊંચનીચના ભેદભાવમાં રચ્યાપચ્યા રહેતા એક વર્ગે ‘ગામ બહાર’ રહેવાના અમારા નિર્ણયને મજાકનું સાધન બનાવી દીધો હતો. આવા લોકો હરિજનોની સાથોસાથ અમનેય ‘વિશ્વાસી’ તરીકે સંબોધતા. અમારી ટીખળ કરે, ઠેકડી ઉડાવે. ક્યારેક મોઢાંમોઢ તો ક્યારેક પીઠ પાછળ.
મોતીદાદાને ત્રણ દીકરા હતા. સૌથી મોટા ડાહ્યાભાઇ, મગનભાઇ વચેટ અને મણિભાઇ સૌથી નાના. સદ્ભાગ્યે મારા દાદા મણિભાઇ કે વચેટ મગનભાઇ પીઠ પાછળ કે મોઢાંમોઢ થતાં ‘વિશ્વાસી’ના સંબોધનને ગણકારતા નહોતા. ટીખળ સાંભળતા અને હળવા સ્મિત સાથે હસી કાઢતા. પણ ત્રીજા દાદાને આવું સંબોધન સાંભળીને ભારે ખીજ ચઢતી. આખા મલકમાં જમીનદાર તરીકેની ઓળખ ધરાવતા આ દાદા કાયમ ઘોડી પર સવાર થઇને ફરતા રહેતા. નજીકથી તો કોઇ તેમને ‘વિશ્વાસી’ કહેવાની હિંમત કરે જ નહીં, પરંતુ જો કોઇ દૂરથી પણ આવું બોલે અને શબ્દો કાને પડી જાય તો લાકડીનો છૂટ્ટો ઘા કરે.
હું નાનપણમાં પાંચેક વર્ષ ભાદરણમાં રહીને ભણ્યો. તે ગાળામાં ઘણા લોકો મને પણ ‘વિશ્વાસી’ કહીને ટોણાં મારતાં, પણ સમયના વહેવા સાથે ૧૨-૧૪ વર્ષની વયે એટલી સમજ કેળવાઇ ગઇ હતી કે વિશ્વાસપાત્ર બનવું તે નાનીસૂની બાબત નથી, જીવનનું આવશ્યક પાસું છે. આજે પણ મારો તો પૂરેપૂરો પ્રયત્ન હોય છે કે વિશ્વાસપાત્ર બની રહેવું, પરંતુ હું કેટલો વિશ્વાસપાત્ર છું એ નક્કી તો બીજાએ કરવાનું હોયને?!
ખેર, આપણે શ્રદ્ધા સાથે ફરી સંધાન સાધીએ. આપણે સહુ જાણીએ છીએ કે વ્યક્તિ શ્રદ્ધાના સહારે હિમાલય જેવડા અવરોધો પણ ઓળંગી જતી હોય છે. બસ, આ માટે વ્યક્તિને (આત્મ)શ્રદ્ધા હોવી જોઇએ. વ્યક્તિને પોતાની ક્ષમતામાં, સજ્જતામાં, પરિવારજનોમાં, પરંપરામાં-માન્યતામાં-મૂલ્યોમાં ભરોસો હોય તો સરવાળે આ બધું આત્મશ્રદ્ધાને બળૂકી બનાવવાનું કામ જ કરતા હોય છે. નબળું મનોબળ અનેક રીતે હાનિકારક હોય છે અને મજબૂત મનોબળ માટે આત્મવિશ્વાસ કે આત્મશ્રદ્ધા અત્યંત આવશ્યક હોય છે.
તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોથી તો આપ સહુ વાકેફ છો જ. આ અંગેના અહેવાલો પણ આપને આ અંકમાં અન્યત્ર વાંચવા મળશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશના મતદારોએ ખોબલે ખોબલે ભાજપને મત આપ્યા. અલબત્ત, મતદારોએ પક્ષને સત્તાનું સુકાન સોંપીને ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે એમ કહેવા કરતાં નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વમાં વધુ વિશ્વાસ મૂક્યો છે તેમ કહેવામાં પણ લગારેય અતિશ્યોક્તિ નથી.
ભારત દેશને વિકાસના પંથે દોડતો કરવા માટે નરેન્દ્ર દામોદરદાસ મોદી દિવસ-રાત અપાર પરિશ્રમ કરી રહ્યા છે. અત્યંત આત્મશ્રદ્ધા સાથે મહેનત કરી રહ્યા છે. તેમની મહેનતના ફળ મળવાના શરૂ થયા છે. ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે વગ અને વર્ચસ વધ્યા છે. વિશ્વસ્તરે ભારતની આર્થિક પ્રગતિની નોંધ લેવાઇ રહી છે. આર્થિક ક્ષેત્રે ભારતનું રેટિંગ સુધરી રહ્યું છે. આ બધી વાત સાચી, પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં નરેન્દ્ર મોદી સરકાર સામેનો સૌથી મોટો પડકાર છે લોકોની આશા-અપેક્ષાઓને સાકાર કરવાનો. આમ આદમીની અપેક્ષાઓ દિન-પ્રતિદિન ઊંચીને ઊંચી જઇ રહી છે. ગુજરાતના લોકોએ વધુ એક વખત ભાજપને સત્તાના સૂત્રો સોંપ્યા છે તો તેનો નક્કર પ્રતિસાદ પણ તેમણે આપવો જ પડશે. નરેન્દ્ર મોદી પણ આ જાણે છે, આ મુદ્દે જાગ્રત પણ છે, અને જે પ્રકારે છેલ્લા ૧૫ વર્ષના જાહેર જીવનમાં તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કે ભારતના વડા પ્રધાન તરીકે જે અદ્ભૂત કહેવાય તેવી વિકાસયાત્રાનો પ્રારંભ કર્યો છે તેના નક્કર પરિણામ મહત્ત્વના પ્રોજેક્ટમાં સાકાર થતાં જોઇ શકીએ છીએ. મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ દરેક ક્ષેત્રે તેમણે ગુજરાતને એક ડગલું આગળ લઇ જવા પ્રયાસ કર્યો છે. હવે આ જ કામ તેઓ રાષ્ટ્રીય સ્તરે કરી રહ્યા છે. મોદીસાહેબ જે પ્રકારે મજબૂત મનોબળ સાથે રાજ્યોથી માંડીને રાષ્ટ્રના વિકાસ માટે મન-વચન-કર્મથી કટિબદ્ધ જણાય છે તે મારા-તમારા જેવાના વિશ્વાસને યથાયોગ્ય ઠેરવે છે.
આ સાથે હું ‘નૈયા ઝૂકાવી...’ નામનું બહુ જૂનું, પણ જાણીતું ભજન રજૂ કરી રહ્યો છું. લોકહૈયે ચઢી ગયેલા આ ભજનના રચયિતા વિશે તો માહિતી મળતી નથી, પણ બહુ પ્રેરક હોવાથી તેને રજૂ કરવાની લાલચ રોકી શકતો નથી. આ ભજનમાં ઇશ્વર પ્રત્યેની આસ્થા છે તો કંઇક જીવનસંદેશ પણ છે. ‘શ્રદ્ધાના દિવડાને જલતો તું રાખજે...’ પંક્તિ આપણને સહુને લાગુ પડે છે.
સાવચેતીના સાત પગલા
વાચક મિત્રો, આપ સહુ મારી અંતરેચ્છાથી તો વિદિત છો જ કે હું દીર્ઘાયુ વાંચ્છું છું અને તન-મનનું સ્વાસ્થ્ય સદાબહાર રહે તે માટે સદૈવ પ્રયત્નશીલ રહું છું. સવિશેષ તો મારી મનોસ્થિતિ, મારી ઉપયોગિતા હેમખેમ રાખવા માટે પણ હંમેશા કાર્યરત રહું છું. મારા આ પ્રયાસોમાં આપના જેવા આત્મીયજનો-સમર્થકો મદદગાર બનતા રહે છે, ઉપકારક બનતા રહે છે, તે મારું સદ્ભાગ્ય છે.
તાજેતરમાં બ્રિટનની Age UK નામની વૃદ્ધોની જાણીતી સંસ્થાનો એક લેખ વાંચ્યો. મારી હમવયસ્ક વ્યક્તિએ લખેલા આ લેખમાં બહુ સરસ નિવેદન કર્યું છે. નિવેદન તો શું કહોને... જાત અનુભવ ટાંકીને સંજોગોનું વિશ્લેષણ કર્યું છે. તેઓ લંડનના માર્ગો પર ફરી રહ્યા હતા. આ સમયે માર્ગની બાજુએ આવેલા કર્બનું ધ્યાન ન રહ્યું અને પગ આડો પડ્યો. છ ઈંચનો ગેપ નડી ગયો. તેઓ પડ્યા. માથામાં લાગ્યું. લોહી વહેવા માંડ્યું. ઇજાગ્રસ્ત ભાગે ટાંકા લેવા પડ્યા. સર્જરીમાંથી તરત રજા પણ મળી. ઇજા પ્રમાણમાં નાની હતી, પણ મગજમાં ચિંતાના ઘોડાએ દોટ મૂકી હતી. માથામાં હેમરેજ તો નહીં થયું હોયને? લોહી અંદર જ જામી ગયું હશે તો? મગજને નુકસાન થયું હશે? જેવા વિચારોથી માંડીને ક્યાંક વહેલું મોત તો નહીં આવી જાયને? તેવા બધા વિચારોએ આક્રમણ શરૂ કર્યું. સાત દિવસમાં તો તેમની ઊંઘ હરામ થઇ ગઇ. જાતભાતની નિરર્થક ચિંતાઓ અને મૃત્યુના ભયે તેમનું જીવવાનું હરામ કરી નાંખ્યું.
સમયાંતરે યોગ્ય સમયે યોગ્ય સારવારના પરિણામે તેઓ શારીરિક-માનસિક વ્યાધિમાંથી મુક્ત થયા. આ પછી તેમણે વિચાર્યું કે મેં તો રજનું ગજ કરી નાખ્યું હતું. મારે જાતઅનુભવમાંથી બીજાને બોધપાઠ આપવો જોઇએ. અને તેમણે લેખ લખી નાખ્યો. લેખને તેમણે બે ભાગમાં વહેંચી નાંખ્યો છે. પહેલા ભાગમાં તેમણે પોતાની ભૂલનું વિશ્લેષણ કર્યું છે અને બીજામાં તેમણે ભૂલ માટે જવાબદાર ગણી શકાય તેવા કારણો રજૂ કર્યા છે.
તેઓ લખે છે કે રસ્તે ચાલતો જતો હતો ત્યારે આજુબાજુ ડાફોળિયા મારતો હતો. મતલબ કે નજર રસ્તા પર નહોતી. આસપાસ નજર દોડાવવામાં મેં ધ્યાન જ ન રાખ્યું કે રસ્તા પર કર્બ છે, અને તેની તથા રસ્તાની વચ્ચે છ ઈંચ ઊંચાઇનો ફરક છે. પગ ફસક્યો અને પડ્યો.
સ્વાનુભવ ટાંકીને તેઓ કહે છે કે સામાન્ય બાબતની કાળજી રાખીને આવો અકસ્માત ટાળી શકાય છે. તેમણે સૂચવેલા મુદ્દા એવા સામાન્ય છે જે મોટી વયના લોકોને જ નહીં, નાની વયના લોકોને પણ કામ લાગે તેવા છે. જો તમે તમારી જીવનશૈલીમાં સાવચેતીના આ સાત પગલાંને સામેલ કરશો તો ઘણી મુશ્કેલીને આવતાં પૂર્વે જ ટાળી શકશો. આ સાત ચાવી કઇ છે?
૧) આલ્કોહોલનું સેવન ટાળો.
૨) તમાકુનું વળગણ છોડો.
૩) ઓબેસિટી. શરીર પર ક્યારેય ચરબીના થર જામવા ન દો.
૪) બેઠાડું જીવન. હંમેશા સક્રિય જીવન અપનાવો. બંધિયાર વાતાવરણ હાનિકારક છે.
૫) નબળું મનોબળ. હંમેશા જુસ્સો જાળવો, મનોબળ મક્કમ રાખો.
૬) સમતોલ નિર્ણયશક્તિ. અવઢવ ટાળો, દૃઢતાપૂર્વક નિર્ણય કરો. અને...
૭) જીજીવિષા જાળવો. દીર્ઘ આયુષ્ય તથા સરસ આરોગ્યની ઇચ્છા રાખો. આ માટે શારીરિક-માનસિક સ્વસ્થતાની સાથોસાથ સત્કાર્યની તીવ્ર ઇચ્છા જરૂરી છે.
વાચક મિત્રો, ક્રિસમસ પર્વ આપણા સહુના જીવનમાં પ્રેમ, કરુણા અને માનવીય મૂલ્યોની મહેક પ્રસરાવે તેવી અભ્યર્થના સહ... મેરી ક્રિસમસ, હેપ્પી ન્યુ યર... (ક્રમશઃ)
•••
નૈયા ઝુકાવી મેં તો
નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
ઝાંખો ઝાંખો દીવો...
પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
ઝાંખો ઝાંખો દીવો...
શ્રદ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના
ઝાંખો ઝાંખો દીવો...
•••
શ્રદ્ધાનો હો વિષય તો
મઝહબની એટલે તો ઈમારત બળી નથી,શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?કુરઆનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યા,લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠ-બેસમાં જો ભૂલ પડે મનના કારણે,એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી
- જલન માતરી

