સૌરાષ્ટ્ર-કચ્છ

Wednesday 20th December 2017 05:37 EST
 

મધ્ય ગુજરાત

‘કાંટે કી ટક્કર’ વચ્ચે મધ્યવર્તી ચુકાદો

મધ્ય ગુજરાતમાં ‘કાંટે કી ટક્કર’ થઈ અને ચુકાદાનો સિક્કો પણ લગભગ મધ્યમાં રહ્યો. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલની હાર કોંગ્રેસ માટે તો પક્ષપલ્ટું તેજશ્રીબેનની હાર ભાજપ માટે આંચકાજનક રહી. જોકે સૌથી મોટો આઘાત ભાજપને ત્યારે લાગ્યો જ્યારે રામસિંહ પરમાર હાર્યા. શહેરી વિસ્તારોમાં પાટીદાર આંદોલનનો પ્રભાવ ઓછો હતો. સ્થાનિક મુદ્દાઓ પ્રભાવી હતા. છતાં બંનેમાંથી કોઈ પક્ષ નિર્ણાયક ફાયદો ઉઠાવી શક્યો નહીં. ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપે ૩૯ બેઠકો મેળવી હતી. તો આ ચૂંટણીમાં ૩૭ બેઠકો મેળવી છે. કોંગ્રેસને બે બેઠકોનો ફાયદો થયો. લુણાવાડા અને મોરવાહડફમાં અપક્ષોએ જીત મેળવી સાબિત કર્યું છે કે અસંતુષ્ટોનો પ્રભાવ અવગણાય તેમ નથી. રાજ્યના બીજા ભાગોની જેમ અહીં પણ શહેરી વિસ્તારોમાં ભાજપે પ્રભુત્વ જાળવ્યું છે, જ્યારે ગામડાંઓમાં તેને ભારે સંઘર્ષ કરવો પડ્યો છે.
• અપસેટઃ ચરોતરની આણંદ બેઠક ૨૨ વર્ષ પછી ભાજપના હાથમાં સરી ગઈ છે. તે અગાઉ પણ ૧૦ વર્ષ અન્ય પક્ષો પાસે હતી અને ૨૦૧૭માં કોંગ્રેસના પવનમાં બે દાયકા પછી જાણે તણાઈ ગઈ.
ભાજપના પાટીદાર મતોમાં ૧૮ ટકાનું ગાબડું
• ૨૦૧૨ની સ્થિતિઃ વિકાસપુરુષ મોદી અને હિન્દુત્વનું કાર્ડ રાજકારણમાં ચાલ્યું ગયું હતું અને ઠેર-ઠેર ભગવો લહેરાયો હતો.
• ૨૦૧૭ની સ્થિતિઃ અમદાવાદ, વડોદરા તેમજ ચરોતરમાં પાટીદાર આંદોલનની નહિવત્ અસરમાં સત્તા પક્ષે બે બેઠકો ગુમાવી.

ઉત્તર ગુજરાત

હાર્દિક અને અલ્પેશ ફેક્ટર વધુ અસરકારક

પાટીદાર આંદોલન કરતા વધુ અસર ક્ષત્રિય-ઠાકોર અને ઓબીસી ફેક્ટરની રહી. હાર્દિક-અલ્પેશ-જીજ્ઞેશની ત્રિપુટીએ કોંગ્રેસને ફાયદો કરાવ્યો. મહેસાણા જિલ્લામાં થોડી અસર પાટીદાર આંદોલનની જોવા મળી. પાટીદાર બહુમતવાળી બહુચરાજી, ઊંઝા બેઠક ભાજપે ગુમાવી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તેમની કામગીરી અને વ્યક્તિગત છબીના કારણે પાટીદારોના વિરોધ છતાં જીત્યા છે. વિજાપુર અને વિસનગર બેઠક ભાજપે પાતળી સરસાઇથી જીતી છે. મોદીની બે સભા છતાં બનાસકાંંઠામાં ભાજપે પાલનપુર, દાંતા, વાવ, દિયોદર બેઠક ગુમાવી છે. પૂર દરમિયાન એક અઠવાડિયું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અહીં રોકાઇને કામોની સમીક્ષા કરી હતી, છતાં ધાર્યા પરિણામ નથી મળ્યા. પાટણ જિલ્લામાં ક્ષત્રિય-ઠાકોર અને હાર્દિકની ત્રિપુટીના કારણે માત્ર શ્રમ પ્રધાન દિલીપજી ઠાકોર તેની બેઠક બચાવી શક્યા છે. પાટણમાં મોદીની સભા પણ જીત નથી અપાવી શકી. ગાંધીનગરમાં શાખ સચવાઇ છે.
• અપસેટઃ દિયોદર બેઠક પરથી કેશાજી ચૌહાણની હાર પણ ક્ષત્રિય-ઠાકોર સેનાએ સાથ ન આપતા થઈ છે. ભાજપે કેશાજીને પ્રધાન પણ બનાવ્યા હતા, પણ ન જીતી શક્યા.
ઠાકોર-ક્ષત્રિય મત નિર્ણાયક રહ્યાાં
• ૨૦૧૨ની સ્થિતિઃ ૨૦૧૨માં ઉત્તર ગુજરાતમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો અને ૧૪ જ બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસને ૧૮ બેઠક મળી.
• ૨૦૧૭ની સ્થિતિઃ ૨૦૧૭માં ભાજપને ૧૫ કોંગ્રેસને ૧૬ અને એક બેઠક અપક્ષ જીજ્ઞેશ મેવાણીને મળી છે. આમ ભાજપને બહુ ફાયદો થયો નથી.

દક્ષિણ ગુજરાતમાં શું થયું?

જીએસટી થયો ફ્લોપ, હાર્દિક આંદોલનનો ફિયાસ્કો

દક્ષિણ ગુજરાતમાં ના જીએસટી મુદ્દો ચાલ્યો કે ના હાર્દિકનું આંદોલન. આદિવાસી અને અન્ય વર્ગોમાં થયેલા રિવર્સ પોલોરાઈઝેશને દક્ષિણ ગુજરાતમાં ભાજપને ઉગારી લઇ તેને ફરી સત્તા અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. દક્ષિણમાં વિધાનસભાની કુલ બેઠકોનો ૧૯ ટકા હિસ્સો છે પણ ભાજપને મળેલી બેઠકોમાં તેનો ૨૫ ટકા હિસ્સો છે. પાટીદાર અને જીએસટી આંદોલનના એપી સેન્ટર સુરતમાં ભાજપે ફરી બારે બાર બેઠકો જીતી છે. ભરૂચ અને નર્મદામાં જેડી-યુથી છેડો ફાડી છોટુ વસાવાએ બનાવેલી ભારતીય ટ્રાયબલ પાર્ટીને બે બેઠકો મળી છે.
• અપસેટઃ પૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર અને માજી પ્રધાન ડો. તુષાર ચૌધરી વ્યારા છોડીને જિલ્લાની મહુવા બેઠક પરથી લડતા આયાતી ઉમેદવાર હોવાથી હાર મળી.
સુરતમાં ત્યારે પણ ૧૨, અત્યારે પણ ૧૨
• ૨૦૧૨ની સ્થિતિઃ ભાજપ-કોંગ્રેસ અને જીપીપી વચ્ચે લડાઈ હતી. ત્યારે જીપીપીમાં પાટીદાર નેતાઓ જ ચૂંટણી લડ્યા હતા.
• ૨૦૧૭ની સ્થિતિઃ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ હતી પરંતુ પાટીદાર અનામત આંદોલનના નેતાઓ કોંગ્રેસતરફી હતા.


    comments powered by Disqus