કેટલીય ફિલ્મોના નિર્માણના સાક્ષી એવા મુંબઈના આર કે સ્ટુડિયોમાં ૧૬મી સપ્ટેમ્બરે ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ લેતાં ૬ ફાયર ફાઈટર અને ૫ વોટર ટેન્કરની મદદ લેવી પડી હતી. સ્ટુડિયોમાં અચાનક ફાટી નીકળેલી આગનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ સ્ટુડિયોમાં રાખેલી ઘણી જૂની ફિલ્મોની રીલ, ફોટા જેવી રાજ કપૂરની યાદો, સજાવટનો સામાન અને ઈલેકટ્રીક ઈન્સ્ટોલેશનનો સામાન રાખ થયાં છે. સજાવટના સામાન અને ઈલેકટ્રીક ઈન્સ્ટોલેશનના સામાનમાં આગ લાગતાં સ્ટુડિયોમાં ફેલાઈ હતી. ડાન્સ રિયાલીટી શો ‘સુપર ડાન્સર’ના સેટ પર આ લાગી હતી. જોકે શનિવાર હોવાથી સેટ પર ક્રૂ મેમ્બર હાજર ન હતા તેથી કોઈ જાનહાનિ થઈ નથી.

