ચેન્નઇ વન-ડેઃ ડકવર્થ લુઈસના આધારે ભારત જીત્યું

Wednesday 20th September 2017 07:23 EDT
 
 

ચેન્નઈઃ સિક્સરની હેટ્રિક નોંધાવનાર હાર્દિક પંડ્યાના આક્રમક ૮૩ અને ધોનીની (૭૯) અડધી સદી બાદ બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગના આધારે ભારતે ઘરઆંગણે રમાયેલી પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને ડકવર્થ લુઈસ નિયમના આધારે ૨૬ રને હરાવ્યું હતું. આ વિજય સાથે જ ભારતે પાંચ વન-ડેની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી છે.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટે ૨૮૧ રન કર્યા હતા. વરસાદના વિઘ્નના કારણે ઓસ્ટ્રેલિયાને ૨૧ ઓવરમાં ૧૬૪ રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે પ્રવાસની ટીમ નવ વિકેટે ૧૩૭ રન કરી શકી હતી. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં ઓપનર વોર્નરે ૨૫, ગ્લેન મેક્સવેલે ચાર સિક્સર તથા ત્રણ બાઉન્ડ્રી સાથે ૩૯ અને ફોકનરે અણનમ ૩૨ રન કર્યા હતા. ભારતે ઇનિંગ્સની નબળી શરૂઆત કરી હતી અને ૧૧ રનના સ્કોરે કેપ્ટન કોહલી (૦) સહિત ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે હાર્દિક તથા ધોની છઠ્ઠી વિકેટ માટે ૧૧૮ રનની ભાગીદારી નોંધાવીને ભારતને જંગી સ્કોર તરફ દોરી ગયા હતા.
ધોનીની ૧૦૦ અડધી સદી
ધોનીએ રમતની ત્રણેય ફોર્મેટની ઇન્ટરનેશનલ કારકિર્દીમાં ૧૦૦ અડધી સદી નોંધાવવાનો અનોખી સિદ્ધિ મેળવી હતી. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો ૧૩મો ક્રિકેટર છે. તે સચિન તેંડુલકર (૧૬૪), રાહુલ દ્રવિડ (૧૪૬), સૌરવ ગાંગુલી (૧૦૭) બાદ ચોથો ભારતીય ક્રિકેટર છે. ધોનીએ પોતાની ૩૦૨મી વન-ડેમાં ૬૬મી અડધી સદી નોંધાવી હતી. તેણે ૯૦ ટેસ્ટમાં ૩૩ તથા ટી૨૦માં એક અડધી સદી નોંધાવી છે.


comments powered by Disqus