શિકાગોઃ દરેક માતાપિતા તેનું સંતાન સાફસૂથરું રહે તેમ ઇચ્છે છે. આથી ભૂલચૂકેય બાળકો માટીમાં રમીને કપડા કે શરીર બગાડે છે ત્યારે તેને ટોકે છે. જોકે એક અભ્યાસ મુજબ માટીમાં રમવું એ બાળક માટે જોખમકારક નથી. ખરેખર તો સારા વાતાવરણમાં માટીમાં રમતાં બાળકની રોગ પ્રતિકારકશકિત વધે છે. અમેરિકામાં જેક ગિલબર્ટ અને ટીમે માટી અને બાળકોને કેન્દ્રમાં રાખીને સંશોધન કર્યું છે. તેમણેે માટીમાં રહેલા જીવાણુંઓ બાળકોને કેવી રીતે નુકસાન કરે છે તે અંગે અભ્યાસ કરતા જણાયું હતું કે માટીમાં રહેલા કેટલાક જીવાણું બાળકો માટે ફાયદાકારક છે. આથી માટીમાં રમતા બાળકોને બીમારીનું જોખમ રહે જ છે તે સાચું નથી. ઘણા બાળકોને માટીમાં રમવાથી એલર્જી થાય છે તે માટે કિટાણુથી બચાવવા માતાપિતાના વધુ પડતા પ્રયત્નો જવાબદાર છે. માટીમાં અમુક લાભકારક બેકટેરિયા પણ હોય છે જે અસ્થમા, ફૂડ એલર્જી સામે રક્ષણ આપે છે. આથી માતાપિતાએ બાળકને ચિંતા કર્યા વગર માટીમાં રમવા દેવું જોઇએ. અલબત્ત, બાળક જે માટીમાં રમતું હોય તે સ્થળ ગંદકીવાળું કે કાદવકિચડ ભરેલું ના હોવું જોઇએ.

