વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે સહુ સામાન્યપણે અને શ્રદ્ધાપૂર્વક માનતા હોઇએ છીએ અથવા તો કહેતા હોઈએ છીએ કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. કોઇ સ્વજનની અંતિમક્રિયામાં આપણે હાજરી આપીએ છીએ ત્યારે અવશ્ય શ્રીમદ્ ભગવદ્ ગીતાના એ શ્લોકો સાંભળીએ છીએ. જેમાં શ્રીકૃષ્ણ કુરુક્ષેત્ર મધ્યે અર્જુનને ઉપદેશ આપે છે કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે. આ દેહ ક્ષણભંગુર છે, પરંતુ આત્મા અમર છે... વગેરે વગેરે. આપણે આ બધું અવારનવાર સાંભળતા રહીએ છીએ. આ વાતની સમજણ હોવા છતાં પણ જ્યારે આપણા જીવનમાં આવી વસમી વેળા આવે છે, આપણું અંગત, કાળજાના કટકા જેવું વ્યક્તિત્વ આપણી વચ્ચેથી વિદાય છે ત્યારે - અપવાદને બાદ કરતાં - સહુ કોઇ ભારે સંતાપ, વ્યથા, દુઃખ, પીડા અનુભવીએ છીએ. આમાં પણ અમર યાત્રાએ જનાર વ્યક્તિ પોતાની જીવનસાથી કે પોતાની વ્હાલસોયી માતા હોય ત્યારે પરિવારની કેવી હાલત થતી હશે એની તો કલ્પના જ કરવી રહી.
આજે મારે વાત કરવી છે અ.સૌ. સાકરબહેનની. તેમની સાથે મારે ત્રીસેક વર્ષનો નિકટનો સંબંધ છે. તેમણે હંમેશા મને મોટાભાઇ તરીકે સ્વીકાર્યો અને એટલા જ હેતભાવથી મારા પરિવારજનોની સારસંભાળ લીધી છે. આ જ પ્રમાણે તેમના સંતાનો કેતન અને ભૂમિ મારા કુટુંબનો એક અભિન્ન હિસ્સો બની રહ્યા છે. વેજાભાઇ માટે તો કહેવું જ શું?!
લાંબી ચળવળ બાદ એર ઇંડિયાની અમદાવાદ-લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટને મંજૂરી મળી તે પ્રસંગ ઉજવવા આપણા અમદાવાદ કાર્યાલયે ગયા વર્ષે ગાંધીનગરમાં એક શાનદાર સમારંભ યોજ્યો હતો. પ્રસંગ હતો આ ઝૂંબેશમાં તન-મન-ધનથી પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ આપનાર સહુ કોઇના ઋણસ્વીકારનો. ગુજરાતના કેટલાક પ્રધાનો, વિધાનસભ્યો, પત્રકારો વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો બ્રિટનથી ભાઈ મનોજ લાડવા સહિત હાજરી ધરાવતા આ કાર્યક્રમમાં વેજાભાઇ પણ હાજર. મેં તેમનો પરિચય આપતાં કહ્યું કે, ‘આ વેજોભાઈ એક સમયે મોટા ગજાનો (‘મોટા ગજવાનો’ નહીં હોં...) વિધાનસભ્ય હતો ત્યારે ગાંધીનગર આવતો... આજે મારા આમંત્રણને માન આપીને તેમણે ૩૨ વર્ષે ગાંધીનગરમાં પગ મૂક્યો છે.’
આ મોટા ગજાના વેજાભાઇ સાથે ૧૯૭૭થી મારો સંબંધ. વીતેલા વર્ષોમાં આ સંબંધ ગંગા નદીના પટની જેમ વિસ્તર્યો છે. પણ સંબંધનું ઉદ્ગમ સ્થાન ક્યું? સંબંધ, સંગીન સંબંધ, સમાજોપયોગી સંબંધ, નિસ્વાર્થ સંબંધ... પરમકૃપાળુ પરમાત્માની કૃપા હોય તો જ કોઇની સાથે આપણો આવો સંબંધ સ્થપાય, વડલાની જેમ વિકસે અને તેની જેમ વિસ્તરે.
તે સમયે પશ્ચિમ લંડનના ચિઝિક વિસ્તારમાં ધમધમતા આપણા કાર્યાલયે ફોન આવ્યો. અસલ દેશી કાઠિયાવાડી લહેકો, અને આહીર બોલીની છાંટ, ‘હું વેજાભાઇ બોલું છું... ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય છું ને કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં હાજરી દેવા લંડન આયવો છું. ચીફ મિનિસ્ટર માધવસિંહજી સોલંકીએ આપનો સંપર્ક કરવા કીધું’તું એટલે ફોન કયરો છે...’
આપણા ગુજરાતથી આવેલા વિધાનસભ્યની મૃદુતા, સરળતા મને સ્પર્શી ગઇ. મેં તેમને ભાવપૂર્વક આપણે ત્યાં નિમંત્ર્યા. તેમને એમ કે બે-પાંચ અગ્રણીઓ હાજર હશે. તેઓ પહોંચ્યા તો ૧૦૦ કરતાં વધુ મહાનુભાવો હાજર હતા. તે પણ કેવા? સર્વશ્રી મનુભાઇ માધવાણી, રતિલાલ ચંદેરિયા, સર જે. કે. ગોહિલ, આઇ. કે. પટેલ, શાંતુ રુપારેલ, કાંતિ નાગડા, પ્રાણલાલ શેઠ, નવનીત ધોળકિયા, ટી. પી. સૂચક, ઝેરબાનુ ગિફર્ડ, પંકજ વોરા કંઇકેટલાય નામ નજર સામે તરવરે છે. ‘મુંબઇ સમાચાર’ના તંત્રી અને ઊંચા ગજાના પત્રકાર જેહાન દારૂવાલા પણ ખરા. આ બધા મહાનુભાવો સમક્ષ વેજાભાઇએ ટૂંકું, પણ બધાને ખૂબ હસાવતું મનનીય સંબોધન કર્યું.
વેજાભાઇએ પોતાનો સંક્ષિપ્ત પરિચય આપતી વેળા નિખાલસતાપૂર્વક કરેલી વાત તેમનું પારદર્શી વ્યક્તિત્વ ઉજાગર કરતી હતી. તેમના શબ્દો કંઇક આવા હતા...
‘હું આહીર કોમના ગરીબ પરિવારમાં જન્મેલો જણ છું. મારી માએ ખૂબ પરિશ્રમ કરી, કષ્ટો વેઠીને ઉછેર્યો છે. હું ગ્રેજ્યુએટ થયો. નોકરી કરતાં કરતાં મને ધંધાનો ચસ્કો લાગ્યો અને કાપડની એક નાની દુકાન ચલાવતો હતો. સાદું જીવન અને મોટી મોટી મુરાદો નહીં. એક દિવસ સાંજે કોંગ્રેસના અગ્રણી મને લેવા આવ્યા. ચાલો, તમારે રાજકોટ આવવાનું છે. મેં પૂછ્યુંઃ કેમ?! તો કહે કે રતુભાઇ અદાણી તમને મળવા માગે છે. મારે ને રાજકારણને બાર ગાઉનું છેટું એટલે કહ્યું કે આમાં મને કોઇ ગતાગમ પડે નહીં. તેમને મળીને હું શું કરીશ? પણ પછી વિચાર્યું કે રતુભાઇ જેવો મોટા ગજાનો સિદ્ધાંતપરસ્ત, રાષ્ટ્રપ્રેમી માણસ મને મળવા બોલાવતો હોય તો બારોબાર ના ન પાડી દેવાય. હું તેમને મળવા પહોંચ્યો. મને બેસાડ્યો ને કહે. ‘તારે ધારાસભાની ચૂંટણી લડવાની છે.’ તે બધાએ મારી ‘ના’ને ‘હા’માં બદલી અને મને ઉભાઉભ કોંગ્રેસનો સભ્ય બનાવ્યો. વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યો. મને ચૂંટણી પ્રચાર માટે ૨૫ હજાર રૂપિયા ફાળવ્યા. મેં કીધું કે મારે આટલા બધા પૈસાની જરૂર નથી. હું તો સાઇકલ અને એસ.ટી. બસમાં ફરનારો માણસ છું. રતુભાઇ કહે કે પ્રચારમાં આ રૂપિયા વાપરજો, અને જરૂર પડે તો બીજા માંગી લેજો, પણ કુતિયાણાની બેઠક કોંગ્રેસ પાસે રહે એમ લડવાનું છે. લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા ને જીતી ગયો. આયર સમાજનો હું તે વેળા એકમાત્ર ગ્રેજ્યુએટ ધારાસભ્ય...
ભરપૂર પ્રચાર કરવા છતાં ૧૨ હજાર રૂપિયા બચ્યા હતા તે પાછા આપવા રતુભાઇ પાસે ગયો. તો કહે, ભલા માણસ બીજા બધા પ્રચાર માટે વધુ ફંડ માગવા આવે છે ને તમે પાછા દેવા આવો છો?! મેં કહ્યું કે બીજાને વધારે ખર્ચો થતો હશે, મારે તો પ્રચારમાં ખાસ ખર્ચો જ નહોતો. આપણે લોકોનું કામ કર્યું અને લોકોએ આપણું કામ કર્યું. રતુભાઇને મારી વાત સ્પર્શી ગઇ. તેમણે મને સલાહ આપી કે હવે તમે ધારાસભ્ય છો, ખાદી પહેરો, બૂટ પહેરો, સાઇકલ-બસમાં નહીં, ગાડીમાં ફરો. પગાર અને ભાડાંભથ્થા મળશે તેમાંથી ખર્ચો નીકળી જશે. સાથે સાથે સલાહ પણ આપી કે આવા જ સીધાસાદા રહેજો, ધારાસભ્યપદે પાંચ વર્ષ રહ્યા પછી રાજકારણનો કલંકિત રંગ ન લાગે તેની ચીવટ રાખજો, ભ્રષ્ટાચારની લાલચમાં ન સપડાતા ને સેવાભાવી જ રહેજો...
આવા છે આપણા વેજાભાઇ. તેમને પાંચ વર્ષ ધારાસભ્ય પદે રહ્યા પછી પણ સત્તા, લોભ-લાલચનો રંગ ન જ લાગ્યો. પાંચ વર્ષની મુદત પૂરી થયે તેમણે જ પક્ષને રામ રામ કરી દેતાં કહ્યું કે મારે બીજી મુદત માટે ચૂંટણી લડવી નથી. મારે કોઇની પાસેથી કંઇ ‘લેવું’ નથી ને નીતિમતા નેવે મૂકવી નથી. પરિવાર સાથે ઠરીઠામ થવું છે, બસ છૂટો કરો. પક્ષની નેતાગીરીએ બહુ આગ્રહ કર્યો, પણ તેઓ ટસના મસ ન થયા. વેજાભાઇએ રાજકારણને અભેરાઇએ ચઢાવી દીધું.
આપણે ગાંધીનગરમાં યોજેલા સમારંભમાં હાજરી આપવા રાજકોટથી ખાસ આવેલા વેજાભાઇએ તેમની આગવી છટામાં સંબોધન કરતાં કહ્યું હતુંઃ ‘આજે સી.બી.ના આમંત્રણને માન આપવા જ આવ્યો છું, ૩૨ વર્ષે ગાંધીનગરમાં પગ મૂક્યો છે...’
વાચક મિત્રો, આ છે મારો વેજોભાઈ અને આ છે તેની મિત્રતા. નોખી માટીનો નોખો માનવી. સંબંધ બાંધી પણ જાણે ને નિભાવી પણ જાણે. વેજાભાઇ આમ આપણામાંના, પણ આપણાથી સાવ અલગ. અને મારી બહેન... સાકરબહેનમાં તો નામ પ્રમાણે જ ગુણ. સૌરાષ્ટ્રમાં ખાસ તો રાજકોટના સાધનસંપન્ન પરિવારોમાં રાવલિયા પરિવારનું નામ આગળ પડતું ગણાય. આજે તો સિઝન્સ હોટેલે એવી ભારે જમાવટ કરી છે કે તેના નામે પરિવાર ઓળખાય. સાકરબહેનની ઉદારતા જૂઓ, મહેમાનગતિ માણો તો જિંદગીભરનું ભાથું બની રહે. સાકરબહેનના નામ સાથે જ હંમેશ માટે મીઠાશ વણાઇ ગઇ હતી.
સાકરબહેનને બ્લડ કેન્સરની વ્યાધિ વળગ્યાના સમાચાર ગયા એપ્રિલમાં જાણ્યા. જુલાઇમાં ગુજરાત મુલાકાતે ગયો ત્યારે રાજકોટ જવા વિચારેલું, પણ તેઓ ટ્રીટમેન્ટ માટે મુંબઇમાં (ખાસ વોર્ડ)માં હતા. પછી યુએસ ગયા. ફોન પર વાતો થતી રહેતી એટલે સમાચાર મળતા રહેતા. સાકરબહેનને પુત્ર કેતનના બોનમેરો મેચ થઇ ગયાનું જાણીને ભારે આનંદની લાગણી અનુભવી હતી. અને એક દિવસ અચાનક... ... ...
શનિવાર, ૯ સપ્ટેમ્બર વેજાભાઈનો ફોન આવ્યો. મારી હંમેશાની આદત મુજબ શરૂ કર્યુંઃ જય સાકરબહેન... અને પ્રત્યુતર સાંભળીને આંચકો અનુભવ્યોઃ ‘તમારી બહેન તો ગઇ... હમણાં જ એક કલાક પહેલાં...’ જે વ્યક્તિની ટ્રીટમેન્ટ સફળ થઇ રહ્યાના સમાચાર સાંભળ્યા હતા, રિકવરી થઇ રહી હતી તેની સાથે એવું તે શું થયું? વાત માન્યામાં ન આવે તેવી હોવા છતાં હકીકત હતી. વેજાભાઇએ કેવા સંજોગો સર્જાયા, તબિયત કેમ કથળી તેની માહિતી આપી. પણ એકદમ સ્વસ્થ અવાજે. તે સમયે તો વાત પૂરી થઇ ગઇ. બીજા દિવસે મેં ફરી વેજાભાઇને ફોન કર્યો. આ વખતે બોલ્યોઃ જય માતાજી... આ વખતેય આંચકો આપતો પ્રત્યુતર મળ્યોઃ ‘કેમ જય માતાજી?! તમારે તો જય સાકરબહેન જ બોલવાનું છે... અમેય તેમને રાજીખુશીથી ‘વિદાય’ આપી છે, આવા આત્માને આપણા શોક-સંતાપથી દુઃખી ન કરાય...’ આ પણ વેજાભાઇનું વ્યક્તિત્વનું એક પાસું છે. પણ સાકરબહેનનું વ્યક્તિત્વ કેવું હતું? વાંચો જીવનસાથી વેજાભાઇ અને પુત્ર કેતનના શબ્દોમાં...
•••
સાકરબહેન રાવલિયાઃ એક ઉમદા અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ
‘તમને કેન્સર થયું છે...’ ગમેતેવું મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ પણ આટલા શબ્દો સાંભળીને હામ હારી જાય, પણ આ સાકરબહેન વેજાભાઇ રાવલિયા હતા. આથી તેમનો પ્રતિભાવ પણ અલગ હતો. ‘...તો એમાં શું થઇ ગયું? અણધાર્યો એક્સિડેન્ટ થઇ ગયો હોત તો? આમાં તો આપણી પાસે લડવાનો સમય છે. આપણે તેની સામે લડીએ...’ ૬૧ વર્ષના સાકરબહેનનો આ જુસ્સો તેમના અંતિમ શ્વાસ સુધી જ નહીં, તેના પછી પણ રાવલિયા પરિવાર માટે પ્રેરણાસ્રોત બની રહ્યો છે. જીવનને સાચા અર્થમાં જીવી જાણનારા સાકરબહેને ગયા સપ્તાહે આ ધરતી પરથી સહેદે વિદાય લીધી તો તે ઘડીને પણ ઉત્સવની જેમ મનાવવામાં આવી - તેમના જોમજુસ્સાને અનુરૂપ. પાંચેક હજારથી વધુ લોકોએ તેમને રંગેચંગે અંતિમ વિદાય આપી. સ્વજનને આ રીતે વિદાય આપવાના એક નહીં, અનેક કારણ છે. રાવલિયા પરિવાર માને છે કે શોકમગ્ન વિદાય આપીને અમે સાકરબહેનના પરમ આત્માને દુભાવવા માગતા નહોતા, જે વ્યક્તિએ જીવનને ઉત્સવની જેમ જીવ્યું હોય, જે વ્યક્તિએ જીવનના આખરી શ્વાસ સુધી પરિવારના સુખમાં જ પોતાનું સુખ જોયું હોય તેને તે શોકાતુર વિદાય તો ન જ અપાયને?!
સાકરબહેનના જીવનસાથી અને રાજકોટની સિઝન્સ હોટેલના કર્તાહર્તા વેજાભાઇ કહે છે, ‘મને આજેય તે દિવસ યાદ છે... આખી જિંદગી તેને નખમાંય રોગ રહ્યો નથી. તે ક્યારેય બીમાર પણ પડી નહોતી. આથી તેને તાવ આવ્યો એટલે સાતમી એપ્રિલે ડોક્ટરને દેખાડ્યું. તેમના જણાવ્યા પ્રમાણે મેડિકલ રિપોર્ટસ કરાવ્યા તો બ્લડ કેન્સરનું નિદાન થયું. સાંભળીને અમને ઝાટકો તો લાગ્યો, પણ સ્વસ્થતા સાથે વાસ્તવિક્તા સ્વીકારી લીધી. અમે - હું, દીકરો કેતન, દીકરી ભૂમિ, પૂત્રવધુ નમ્રતા... તેની પાસે જઇને બેઠાંને સીધું જ કહ્યું કે ટેસ્ટ કરાવ્યા હતા તેમાં બ્લડ કેન્સરનું નિદાન થયું છે, પણ તેણે જરાય અસ્વસ્થ થયા વગર અમને જે જુસ્સા સાથે જવાબ આપ્યો તેણે અમારી હિંમત વધારી દીધી. આજે ભલે તે સદેહે અમારી સાથે ન હોય, પણ તેના આવા વિચારો, તેણે ચીંધેલો રાહ તો અમારી સામે જ છે.’
‘સાકરે અમને બધાને મને, દીકરાને, દીકરીને, પૂત્રવધુને અને પૌત્ર-પૌત્રીને સંસારના તમામ સુખ આપ્યા છે. તેણે ભર્યોભાદયો સુખી સંસાર જોયો અને માણ્યો કેમ કે અમે જિંદગીનો મોટા ભાગનો સમય એક સાથે, એક છત નીચે જ રહ્યા છીએ. અમે વિચાર્યું કે આખી જિંદગી આનંદ-ખુશીથી સાથી રહીને જીવ્યા છીએ તો તેને વિદાય પણ ખુશીથી કેમ ન આપવી? જે વ્યક્તિએ બધાને સુખી કરી હોય તેને દુઃખી થઇને વિદાય ન આપવાની હોય. અને આથી જ તેની (અંતિમ) વિદાયને શોકાતુર ન બનાવવાનું નક્કી કર્યું. આ અમારા સહુનો એકમતે અને લાગણીથી લેવાયેલો નિર્ણય હતો.’
વેજાભાઇ તે ઘડીને યાદ કરતા કહે છે કે બ્લડ કેન્સરનું નિદાન થયું કે તરત મુંબઇમાં એમ. બી. અગ્રવાલની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ શરૂ કરાવી. વધુ સારવાર માટે યુએસ પહોંચ્યા. ટેક્સાસના હ્યુસ્ટનમાં આવેલી એમ.બી. એન્ડરસન હોસ્પિટલમાં એડમિટ કર્યા. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનું નક્કી કર્યું અને સદભાગ્યે દીકરા કેતનનું બોનમેરો મેચ થઇ ગયું. ટ્રાન્સપ્લાન્ટ પણ સફળતાપૂર્વક થઇ ગયું. દર્દીના શરીરમાં ૨૦ દિવસ બાદ નવું લોહી બનવાનું શરૂ થતું હોય છે, પણ દસમા દિવસે જ તેની તબિયત કથળી અને તેણે નવમી સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા... એમ્બેસીની બધી કાર્યવાહી પૂરી કરીને અમે સાકરબહેનના પાર્થિવ દેહને લઇને ગુરુવારે રાજકોટ પરત આવ્યા અને તેમને વાજતેગાજતે વિદાય આપી.’
સાકરબહેનનું જીવન માત્ર અમારા માટે જ નહીં, અન્યો માટે પણ પ્રેરણાદાયી છે, એમ કહીને વેજાભાઇ ઉમેરે છે કે ઘરકામ હોય કે વ્યવસાય - દરેકમાં તેનું યોગદાન. કચ્છના અંજાર તાલુકાના કિડાણા ગામે ૧૯૫૬માં તેમનો જન્મ. આહીર સમાજમાં તે સમયે શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું, પણ તેમણે આદિપુર કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. તેમના પિતાજી ખીમજી જેસંગ જીવનમાં શિક્ષણનું મહત્ત્વ જાણતા. બે વખત ધારાસભ્ય અને તત્કાલીન ગુજરાત સરકારમાં નાયબ પ્રધાન તરીકે કાર્યભાર સંભાળી ચૂકેલા ખીમજીબાપાએ ચારેય સંતાનોને ગ્રેજ્યુએશન કરાવ્યું હતું. સાકરબહેન ભણ્યા પણ ખરા અને ગણ્યા પણ ખરા. તેઓ મારી સાથે બિઝનેસમાં લગ્નજીવનના પ્રારંભથી જ સંકળાયેલા તે છેક આખર સુધી...
વેજાભાઇ સ્મૃતિનો દોર સાંધતા કહે છે કે ‘મારું વતન જૂનાગઢ અને મેં પણ ગ્રેજ્યુએશન કરેલું. ’૭૫થી ૮૦ દરમિયાન હું પણ ધારાસભ્ય હતો. ’૭૯માં અમારા લગ્ન થયા. અમે બન્નેએ સાથે મળીને ટ્રાવેલ એજન્સી શરૂ કરી. પછી બેરિંગ ઉદ્યોગમાં આવ્યા. સમયાંતરે અન્ય વ્યવસાય શરૂ કર્યા, પરિવાર પણ વિસ્તર્યો. ’૮૧માં કેતનનો તો ’૮૪માં ભૂમિનો જન્મ થયો. કેતને લંડનની લેન્કેશાયર યુનિવર્સિટીમાંથી અને ભૂમિએ યુએસની બફેલો યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો. સાકરબહેન સુપેરે જાણતા હતા કે વ્યક્તિએ જીવનમાં પ્રગતિ હાંસલ કરવી હોય તો શૈક્ષણિક અભ્યાસ જેટલું જ મહત્ત્વ અન્ય દેશોની સંસ્કૃતિ, જીવનશૈલી જાણવા-સમજવાનું છે. આથી તેમણે સંતાનોને સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, થાઇલેન્ડ, હોંગકોંગ, અમેરિકા-કેનેડા, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, નોર્વે, સ્વીડન સહિતના દેશોનો પ્રવાસ કરાવ્યો.’
દીકરો કેતન લંડનથી અભ્યાસ કરીને રાજકોટ પરત ફર્યો તો ૨૦૦૪માં સિઝન્સ હોટેલનો પ્રોજેક્ટ શરૂ કર્યો, અને ૨૦૦૮માં તે પ્રવાસીઓથી ધમધમતી થઇ. આ દરેક તબક્કે સાકરબહેન સદા સક્રિય રહ્યા. ઘરની રોજિંદી જવાબદારીઓની સાથે સાથે તેઓ હોટેલના સંચાલનમાં પણ કાર્યરત હતા. ભલે તેમણે મેનેજમેન્ટ કે એડમિનિસ્ટ્રેશનનો ઉચ્ચ અભ્યાસ કર્યો ન હોય, પણ એક કુશળ વહીવટકર્તા હતા. બલ્ક પરચેઝીંગથી માંડીને સ્ટાફના પગારની કામગીરી તેમના હસ્તક હતી. વેજાભાઇ કહે છે કે તેમના જેવું બહુમુખી વ્યક્તિત્વ જવલ્લે જ જોવા મળે.
પુત્ર કેતનભાઇની નજરે માતા સાકરબહેનના જીવનનું કોઇ સૌથી પ્રેરણાદાયી પાસું હોય તો તે છે પોઝિટિવ એટિટ્યુડ. કેતનભાઇ કહે છે કે દરેક માતા હંમેશા પોતાના સંતાનોના શ્રેષ્ઠ ઉછેર માટે પ્રયત્નશીલ રહેતી હોય છે. અમારો પણ શ્રેષ્ઠ ઉછેર થયો છે, પરંતુ મારી નજરે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેમણે અમને જીવનમાં હકારાત્મક અભિગમ કેળવતા શીખવ્યું. ગમેતેવા વિપરિત સંજોગો છતાં અમે ક્યારેય તેમને હતાશ, નિરાશ જોયા નથી. હું મારા વ્યવસાયને લગતા કોઇ પ્રશ્નની તેની સાથે ચર્ચા કરું ત્યારે ભલે કદાચ મને તેનો સીધો ઉકેલ ન મળે, પરંતુ તેની સાથેની વાતચીતમાંથી માર્ગ તો મળી જ જતો. મુશ્કેલીના સમયે તેઓ હંમેશા કહે કે ‘ચિંતા ન કરો, થઇ રહેશે...’ અને આ શબ્દો જ વિપરિત સંજોગો સામે લડવાનો અમારો જુસ્સો વધારી દેતા.
કેતનભાઇ માતાના વ્યક્તિત્વના અન્ય પ્રેરણાદાયી પાસાં વિશે કહે છે કે સ્વભાવે તેઓ મક્કમ, અને દૃઢ નિશ્ચયી - એક વખત કોઇ વાતે નિર્ણય કર્યો કે તેનો અમલ કરે જ. તેમણે નથી ક્યારેય કોઇના માટે કડવાશ રાખી કે નથી કોઇનું ખરાબ ઇચ્છયું... તેમણે આ બધી બાબતો અમને બોધપાઠ કે ઉપદેશો આપીને નહીં, આચરણ દ્વારા શીખવી છે.’
કેતનભાઇ કહે છે કે આ પ્રકારના વ્યક્તિત્વ ઘડતરના કારણે જ આજે અમને મમ્મીનો ખાલીપો વર્તાતો નથી. તેઓ અમારી વચ્ચે ભલે સદેહે ન હોય, પણ તેમના ઉમદા વ્યક્તિત્વ થકી અમારી અંદર ધબકે છે. (ક્રમશઃ)

