સંજય છેલ દિગ્દર્શિત ફિલ્મ ‘પટેલ કી પંજાબી શાદી’માં મૂળ હીરો તો રિશી કપૂર અને પરેશ રાવલ છે. આ કોમેડી ફિલ્મમાં પંજાબી વર્સિસ ગુજરાતીની ઝલક દેખાશે અને બે સંસ્કૃતિનું મિલન પણ. ગુજરાતી અને પંજાબી પરિવારના સંતાનો લગ્ન કરવાનું નક્કી કરે ને પછી જે કોમિક સિચ્યુએશન ફિલ્મમાં ઊભી થાય છે તે દર્શકોને પેટ પકડીને હસાવે છે.
વાર્તા રે વાર્તા
ફિલ્મમાં રિશી કપૂર પંજાબી અને પરેશ રાવલ ગુજરાતી છે. બંનેને પોતાના કલ્ચરનું અભિમાન છે. રિશીનો દીકરો વીર દાસ અને પરેશની દીકરી પાયલ ઘોષ એકબીજાના પ્રેમમાં પડે છે. બંને પરિવાર માંડ માંડ લગ્ન માટે તૈયાર થાય છે, પણ પછી લગ્ન વખતે તો વાર્તામાં અનેક ટ્વિસ્ટ આવે છે. પરેશ વારંવાર ગુજરાતીપણાને પ્રોત્સાહિત કરે છે જ્યારે રિશી કપૂર પંજાબીપણાનો પક્ષ ખેંચે છે. ફિલ્મમાં રિશી કપૂર મોડર્ન વિચારધાર ધરાવે છે તો પરેશ રાવલ બીજાને પણ ધાર્મિક બનવા પ્રવચન આપે છે. જોકે આ લગ્ન સારી રીતે થાય એ માટે વીર અને તેનો પરિવાર ગુજરાતી પરિવારના કલ્ચરમાં રંગાવાનું શરૂ કરે છે અને પછી વાર્તામાં અલગઅલગ ટ્વિસ્ટ આવવાની શરૂઆત થાય છે.
હાસ્યનો વરસાદ
પરેશ રાવલ અને રિશી કપૂર બંનેની એક્ટિંગથી ફિલ્મમાં નેચરલ હ્યુમર જન્મે છે. વીરદાસની કોમેડી પણ સારી છે. ફિલ્મમાં સંગીત લલિત પંડિતનું છે અને ગુજરાતી - પંજાબી ફ્લેવરનું મ્યુઝિક એન્જોય કરવું હોય તો આ ફિલ્મના ગીતો સાંભળવા ગમશે.

