BBCની ‘ડોક્ટર્સ’ સિરીઝમાં નવીન કુંદ્રાએ બોલિવુડ ગીતની મચાવી ધૂમ

Friday 16th June 2017 09:35 EDT
 
 

લંડનઃ બ્રિટિશ સોપ એવોર્ડ્સ ૨૦૧૭ના સમારોહમાં ગાયક નવીન કુંદ્રાએ જાહેર કર્યું હતું કે તે BBCની સિરિઝ ‘ડોક્ટર્સ’માં ચમકી રહ્યા છે. આ સ્પેશિયલ એપિસોડનું ગઈ ૯ જૂને પ્રસારણ થયું હતું. તેમણે તેમના ‘મહેબૂબા’ના નવા અંગ્રેજી વર્ઝનમાં પણ કંઠ આપ્યો હતો. 'BBC Doctors'અને નવીન કુંદ્રાના પ્રશંસકો'Big Bollywood Proposal'સીનના ખૂબ વખાણ કરી રહ્યા છે અને વીકેન્ડમાં ફેસબુક પર તેના વ્યૂની સંખ્યા ૮૫ હજારથી વધુ થઈ હતી.

કુંદ્રાએ જણાવ્યું હતું કે થોડા મહિના અગાઉ શોના પ્રોડ્યુસરોએ સ્પેશિયલ પ્રપોઝલના એપિસોડમાં તેમના મ્યુઝિકનો થોડાક અંશના ઉપયોગ માટે સંપર્ક સાધ્યો હતો. તેમણે કુંદ્રાને અભિનય માટે પણ ઓફર કરી હતી. જે કુંદ્રાએ સહર્ષ તરત જ સ્વીકારી લીધી હતી. કુંદ્રાએ ઉમેર્યું હતું કે આ સિરિઝ દરરોજ એક મિલિયનથી વધુ લોકો જુએ છે તેથી તેમાં કશુંક નવું ઉમેરવાનો અને દર્શકોને મનોરંજન પૂરું પાડવાનો પ્રોડ્યુસરોનો આ પ્રયાસ ખૂબ સારો છે.

કુંદ્રાએ આ એપિસોડ માટે ‘મહેબૂબા’ ગીતને નવો ઓપ આપીને રેખા સહાની સાથે ડ્યુએટ ગાયું હતું. તેમણે ગીતના કેટલાક અંશની પુનઃરચના કરી તે પહેલા સોપના અગાઉના કેટલાક એપિસોડ પણ નીહાળ્યા જેથી તેના શબ્દો પાત્રોને અનુરૂપ થાય.

બોલિવુડ ડ્રીમ્સ ડાન્સ એકેડેમી અને આર્ટિસ્ટિક ડિરેક્ટર રીના ટેલરે ખાસ બોલિવુડ ડાન્સની કોરિયોગ્રાફી કરી હતી અને સેટ પર તમામ કલાકારોએ તે ડાન્સ રજૂ કર્યો હતો.

BBCના પ્રોડ્યુસર નસરીન અહેમદે જણાવ્યું હતું કે તેમણે એક જ દિવસમાં આખા એપિસોડનું લોકેશન પર શૂટિંગ કર્યું હતું. નવીન કુંદ્રા વ્હાઈટ સુટમાં બોલિવુડના સુપરહીરો જેવા લાગતા હતા.


comments powered by Disqus