ત્રણ અણઘડ ચોર બેંક લૂંટવા માટેનું પ્લાનિંગ કરે છે અને બેંક લૂંટવાના ટાણે છબરડા વાળે છે એવી રમૂજી ફિલ્મ ‘બેંકચોર’ના નિર્માતા આશિષ પાટિલ છે અને બમ્પી ફિલ્મના નિર્દેશક છે.
વાર્તા રે વાર્તા
ફિલ્મની શરૂઆતમાં એક બેંક લૂંટવા માટે ત્રણ ચોરોએ કરેલા પ્લાનિંગ પ્રમાણે ત્રણેય બેંકમાં ઘૂસે છે. ત્રણ ચોર પૈકીના એક ચોર ચંપકનો અભિનય રિતેશ દેશમુખે કર્યો છે. ત્રણેય અણઘડ અને ઓછી બુદ્ધિના ચોર બેંકમાં લૂંટ ચલાવતા હોય છે ત્યારે ત્રણેયની વચ્ચે અંદરોઅંદર જ તુ તુ મેં મેં શરૂ થઈ જાય છે. તેમના બેંક લૂંટવાના પ્રયાસ વચ્ચે જ અચાનક બેંકમાં ક્રાઈમ બ્રાન્ચની રેડ પડે છે. સીબીઆઈની ટીમને બેંકમાં પ્રવેશતી જોઈને ત્રણેય ચોર ગભરાઈ જાય છે. સીબીઆઈની ટીમમાં એક અધિકારી તરીકે અમજદ ખાન છે જે પાત્ર વિવેક ઓબેરોયે ભજવ્યું છે. સીબીઆઈ બેંકમાં કેવી રીતે ઉતરી આવી અને શા માટે આ સીબીઆઈની ટીમને બેંકમાં બોલાવાઈ તેનું રહસ્ય ફિલ્મ જોયે જ જાણવામાં મજા આવશે. ફિલ્મમાં ત્રણેય ચોરને બેવકૂફ દર્શાવાયા છે, પણ ખરેખર તે અણઘડ છે ખરા અને ત્રણેય અંતે બેંક લૂંટવામાં સફળ થાય છે ખરા? એ રહસ્ય જાણવા પણ દર્શકોએ ફિલ્મ જોવી પડશે.
પુરુષ પાત્રોનો જમાવડો
ફિલ્મમાં મેલ હીરોનો જમાવડો દેખાય છે. તેમાંથી રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને વિક્રમ થાપા (ગેંડા)નો અભિનય સારો છે. ફિલ્મમાં રિયા ચક્રવર્તીએ જર્નલિસ્ટ ગાયત્રી ગાંગુલીની અને ભુવન અરોરાએ ગુલાબની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં શ્રી શ્રીરામ, કૈલાશ ખેર, બાબા સાહેગલ, રોચક કોહલી અને સમીર ટંડને મ્યુઝિક આપ્યું છે.

