ન્યૂયોર્કઃ બેલ લેબ્સ (હાલ નોકિયા બેલ લેબ્સ)ના પૂર્વ પ્રેસિડેન્ટ, ડીજીટલ વીડિયોના પ્રણેતા અને ભારતીય મૂળના અમેરિકી ડો. અરુણ નેત્રાવલિની વર્ષ ૨૦૧૭ના માર્કોની પ્રાઈઝ માટે પસંદગી કરવામાં આવી છે. માર્કોની ફાઉન્ડેશન દ્વારા કોમ્યુનિકેશન્સ અને તેને લગતી ટેક્નોલોજીમાં શ્રેષ્ઠ યોગદાન બદલ અપાતા આ પ્રાઈઝમાં ૧ લાખ ડોલરની રકમ અને શિલ્પકૃતિનો સમાવેશ થાય છે.
MPEG 1,2 અને 4ની પાયાની ટેક્નોલોજી અને ડીજીટલ TV, HDTV સહિતની વ્યાપક વીડિયો સર્વિસીસ શરૂ કરવામાં નેત્રાવલિનું પાયાનું યોગદાન છે. તેઓ ૧૯૬૭માં અમેરિકા આવ્યા હતા અને રાઈસ યુનિવર્સિટીમાંથી પીએચડી થયા હતા. કોમ્પ્યુટર નેટવર્ક, પિક્ચર પ્રોસેસીંગ અને ડીજીટલ ટેલિવિઝનના ક્ષેત્રમાં તેઓ ૧૦૦ પેટન્ટ ધરાવે છે.
