ઝારખંડની સુવર્ણરેખા નદીમાં લોકો માછલી નહીં, શુદ્ધ સોનું શોધે છે

Wednesday 21st June 2017 06:38 EDT
 
 

રાંચીઃ સોનાના ભાવ સતત વધતા જતા હોવાથી મધ્યમ વર્ગ માટે સોનાની ખરીદી એક સપનું બની રહ્યું છે ત્યારે ઝારખંડમાં સોનું આપતી સુવર્ણ રેખા નામની નદી વહે છે. આ નદીમાં સોનાના કણ મળતા હોવાથી સ્થાનિક લોકો માછલી નહીં, સોનું શોધે છે.
લોકો નદીમાંથી સોનાના નાના-મોટા કણ મળી આવે છે તેને બજારમાં વેચીને પૈસા કમાવા લાગ્યા છે. રાંચીથી ૧૬ કિલોમીટર દૂર રત્નગર્ભ નામનો વિસ્તાર છે. આ આદિવાસી વિસ્તારના ઘણા લોકો માટે નદી રોજગારીનું સાધન બની છે. તમાંડ અને સારંડા નામના સ્થળે તો આદિવાસી નદીના પટમાંથી રેત એકઠી કરીને સોનાના કણ કાઢવાનું કામ કરે છે. એક વ્યકિતને દિવસ દરમિયાન બેથી ત્રણ કણ આસાનીથી મળી આવે છે. આમ એક પરિવાર મહેનત કરે તો મહિનામાં સોનાના ૮૦ થી ૯૦ કણો મેળવી શકે છે.
જોકે, નદીમાં સોનાના કણ મળી આવવા એક રહસ્ય છે. અનેક સંશોધનો છતાં પાણીમાં સોનાના કણ કેવી રીતે આવે છે તે જાણી શકાયું નથી. આમ તો સોનું શુદ્ધ સ્વરૂપમાં હોય નહીં, તેમાં અનેક પ્રોસેસ કરવી પડે છે. જયારે અહીં પીળા રંગનું તૈયાર હોય તેવું સૌનું કેવી રીતે મળે છે તે પણ નવાઇ ઉપજાવે છે.
એવું મનાય છે કે નદીનો પ્રવાહ અનેક પ્રકારના પથ્થરોમાંથી વહે છે. આથી પાણી અને પથ્થરનું ઘર્ષણ થવાથી સોનાના કણ છુટા પડે છે. સુવર્ણરેખા નદીની લંબાઇ ૪૭૪ કિમી છે તે રાચીના નગડી ગામના રાનીચુઆ સ્થળે નિકળે છે. તેનો મોટા ભાગનો માર્ગ જંગલો અને પહાડી વિસ્તાર છે.
આ નદી બારમાસી નથી તેમ છતાં પાણીનો ચોકકસ જથ્થો અનેક સ્થળે વહેતો જોવા મળે છે. ચોમાસામાં પૂરની સ્થિતિને બાદ કરતા આ નદીમાંથી સોનું શોધવાનું કામ સતત ચાલતું રહે છે. ભારતમાં લોખંડ અને ઇસ્પાતનું પ્રથમ કારખાનું આ નદીના કાંઠે શરૂ થયું હતું.


comments powered by Disqus