નરી આંખે નિહાળેલી ઘટનાઓની પેલે પાર

સી. બી. પટેલ Tuesday 20th June 2017 15:20 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સાંપ્રત જીવનની કેટલીક ઘટનાઓ, સમસ્યાઓ વિશે આપ સહુની જેમ મારા દિલોદિમાગમાં પણ વિચારવલોણું ચાલી રહ્યું છે. ગ્રેનફેલ ટાવરની દુર્ઘટના હૃદય હચમચાવી ગઇ તો ફાધર્સ ડેની ઉજવણી હૃદયને સ્પર્શી ગઇ. થેરેસા મેના નબળા નેતૃત્વનો મુદ્દો રાષ્ટ્રહિતમાં ચિંતાજનક જણાયો તો ફિન્સબરીમાં ધર્મના નામે રક્તપાત આચરવાનો મુદ્દો ત્રાસદાયક અનુભવ્યો. ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં આપણી હારે સંતાપ તો આપ્યો, પરંતુ હાર્દિક પંડ્યાની ઝિંદાદિલીથી ગૌરવ પણ અનુભવ્યું. નરી આંખે જોયેલી-માણેલી આ ઘટનાઓ સાથે સંકળાયેલા અન્ય પાસાંઓ વિશે આવો આપણે કંઇક મનોમંથન કરીએ.

ગ્રેનફેલ ટાવરઃ જીવતેજીવ અગનકફન

આ કરુણ દુર્ઘટના અને તેની સાથે જોડાયેલાં પાસાંની વાત તો કરવી પડે પ..ણ શબ્દો જ નથી મળતા. આ કહેવાતા વિકસિત દેશમાં - રિનોવેશન કરાવેલી પણ લગભગ ૪૩ વર્ષ પુરાણી - બહુમંજલી ઇમારતમાં ૫૦૦ લોકો વસવાટ કરે છે. આ લોકો કેવા છે? લગભગ બધા જ વિદેશથી અહીં આવીને (રેફ્યુજીઝ, શરણાગત, નિરાધાર જેવા) સ્થાયી થયેલાં, અત્યંત ગરીબ અને બેનિફિટ પર નભતાં... આવા નિરાશ્રિતોને ટાઢ-તાપ જેવા હવામાનના ફેરફારથી રક્ષણ મળી રહે તે માટે ઇમારતની બહારની દિવાલો પર કેડીંગ કરાયું હતું. આ કેડીંગ એટલે કાર્ડબોર્ડના થર જેવું દેખાતું એક પ્રકારનું એવું ઇન્સ્યુલિન કે જેનાથી બહાર ઊંચું તાપમાન હોય ત્યારે ફ્લેટની અંદર ઠંડકનું પ્રમાણ જળવાય, અને બહાર કાતિલ ઠંડી હોય ત્યારે અંદર હુંફાળું વાતાવરણ જળવાય રહે. આમ આ કેડીંગ રહેવાસીઓને હવામાનમાં થતાં ફેરફારો સામે રક્ષણ આપતું મનાતું પણ તે ભક્ષક બની ગયું. ગયા સપ્તાહની આગની દુર્ઘટનામાં આ કેડીંગ જ લોકો માટે જીવલેણ પુરવાર થયું. કેડીંગની બનાવટમાં જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થતો હોવાથી આગ લાગ્યાના કલાક - સવા કલાકમાં તો આખું ટાવર ભોંયતળીયાથી પૂરેપૂરા ૨૪ મજલા અગનજ્વાળામાં ઘેરાઇ ગયું હતું.
આ દુર્ઘટનાના બન્યાના બીજા દિવસે અહીંથી પસાર થવાનું બન્યું, અને હું તો તેની હાલત જોઇને હચમચી ગયો. આસપાસમાં ઉભેલી ભવ્ય ઇમારતોની વચ્ચે આ કાળુંડિબાંગ ટાવર ભૂતિયા ઇમારત જેવું દેખાતું હતું. માલેતુજારોના મહાલયોની બાજુનો આ ગરીબ વિસ્તાર બળિયાના બે ભાગ અને બેહાલને બેવડો માર જેવી હાલત દર્શાવતો હતો. કેન્સીંગ્ટન ચેલ્સી બરો નામના આ વિસ્તારમાં જોવા મળતી અમીરી-ગરીબી વચ્ચેની ખાઇ ઊડીને આંખે વળગે તેવી અસહ્ય છે.
ત્યાં વસતાં ધનિકોની અસુવિધાની એક ફરિયાદ પર કદાચ તંત્ર દોડતું થઇ જતું હશે, પરંતુ આ જ તંત્ર પાસે ગ્રેનફેલ ટાવરના રહીશોની ફરિયાદોને કાને ધરવાનો સમય નહોતો. ગ્રેનફેલ ટાવર રેસીડેન્સ એસોસિએશન વારંવાર ફરિયાદ કરી ચૂક્યું હતું કે ટાવરની હાલત બહુ જ જોખમી છે. ગમેત્યારે આગ ફાટી નીકળશે અથવા તો તેના જેવી ગંભીર દુર્ઘટના સર્જાઇ શકે છે, પણ કોઇએ તેમની વાત સાંભળી જ નહીં. જો તેમની રજૂઆત ધ્યાને લેવાઇ હોત તો અનેક નિર્દોષ માનવજિંદગીઓને મોતના મુખમાં હોમાતા બચાવી શકાઇ હોત. દેશને કલંકમાંથી નિવારી શકાત.
સ્થાનિક લોકોમાં સરકારી તંત્ર સામે પ્રચંડ આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ પીડા, રોષ, છતાં અસરગ્રસ્તો હિંસક વિરોધ પ્રદર્શન પર ઉતરી નથી પડ્યા તેને તેમની મજબૂરી, સહિષ્ણુતા, સંયમ અને ઇશ્વરનો ઉપકાર જ ગણવો રહ્યો.
વડા પ્રધાન થેરેસા મે ઘટનાસ્થળની મુલાકાતે તો પહોંચ્યા હતા, પરંતુ લોકોમાં એટલો ગુસ્સો હતો કે તેમણે થોડીક મિનિટોમાં તો ત્યાંથી રવાના (પલાયન જ કહોને!) થઇ જવું પડ્યું હતું. તેમના વાણી-વર્તન, બોડી લેન્ગવેજમાં ક્યાંય અસરગ્રસ્તો પ્રત્યે રતિભાર પણ સહાનુભૂતિ જોવા મળતી નહોતી તેનું આ પરિણામ હતું. નામદાર મહારાણી પણ અસરગ્રસ્તોને સાંત્વના આપવા પહોંચ્યા હતા અને લેબર નેતા જેરેમી કોર્બિન પણ ત્યાં પહોંચ્યા હતા. લોકોએ તેમને ધીરજપૂર્વક સાંભળ્યા હતા કેમ કે આ મહાનુભાવો તેમની સાથે દિલનો નાતો જોડવામાં સફળ રહ્યા હતા. લોકોનો આક્રોશ જોઇને જ રવિવારે થેરેસા મેને સ્થાનિક આગેવાનોને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં મળવા બોલાવવાની અને તેમની રજૂઆતો સાંભળવાની ફરજ પડી હતી.
વાચક મિત્રો, પ્રજાના પ્રતિનિધિનું આ પ્રકારનું વર્તન નિહાળીને કોઇના પણ મનમાં તેમના પ્રત્યે અસુખ, તિરસ્કાર કે ધિક્કાર જન્મે તે સહજ છે, પરંતુ માણસાઇ સાવ મરી પરવારી છે એવું પણ નથી. સંકટ સમયે દેશ-વિદેશમાં ધર્મના નામે, સમાજસેવાના નામે, સંસ્થાના નામે સક્રિયતા પણ જોવા મળતી જ હોય છે. એક બાજુ ભવ્યાતિભવ્ય મહાલયો છે તો બીજી તરફ દારુણ ગરીબી છે. સોમવારે આ લખાય રહ્યું છે ત્યારે સત્તાવાર મૃત્યુઆંક ૭૮ થયો છે અને વીસેક લોકો અતિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. લોકોની હાલત ઉપર આભ અને નીચે ધરતી જેવી છે.
આ ગ્રેનફેલ ટાવરની સાવ જ નજીક શેફર્ડ બુશ ગુુરુદ્વારા છે. દુર્ઘટનાની જાણ થતાં જ પરદુઃખભંજન શીખ ભાઇઓ-બહેનો ત્યાં દોડી ગયા અને રાહતકેમ્પ શરૂ કરી દીધો. આ ૧૦૦ વર્ષ જૂનું ગુરુદ્વારા માત્ર બ્રિટનનું જ નહીં, પરંતુ પશ્ચિમ યુરોપનું સૌથી જૂનું ગુરુદ્વારા છે. ગુરુ નાનકસાહેબે ચીંધેલા માર્ગને અનુસરતા શીખ ભાઇઓ-બહેનો પીડીતોની તન-મન-ધનથી સેવા કરવા માટે જગજાહેર છે. ટીવી ન્યૂસ ચેનલોના મોટા ભાગના અહેવાલોમાં મુસ્લિમો કે ખ્રિસ્તીઓને અસરગ્રસ્તોની મદદ કરતા દર્શાવવામાં આવી રહ્યા છે તે સામે તો આપણે વાંધો ન લઇ શકીએ, પરંતુ ઘણી વખત હકીકત કરતાં રજૂઆત અલગ હોય છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. શીખ સમુદાય ઉપરાંત હિન્દુઓ, જૈનો, બૌદ્ધધર્મીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાના સ્વયંસેવકોએ અસરગ્રસ્તોની ખૂબ સેવા કરી છે, અને કરવી જ જોઇએ. આ જ તો માનવતા છે, માણસાઇ છે. બ્રિટીશ સમાચારમાધ્યમો નોંધ લે તે ઈચ્છનીય હતું, નથી લીધી એ હકીકત છે.

નબળું નેતૃત્વ

વડા પ્રધાન થેરેસા મે ટેભાટુભી કરીને સરકાર ટકાવવા માટે ઝઝૂમી રહ્યા છે. બ્રેક્ઝિટ માટે વધુ મજબૂત જનસમર્થન મેળવવાના અપેક્ષાએ મધ્યસત્ર ચૂંટણી યોજનાર થેરેસા મે માટે આ બલા પકડ ગલા જેવી હાલત થઇ છે. ચૂંટણી પરિણામોમાં કન્ઝર્વેટિવ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં મે સરકારને નોર્ધર્ન આયર્લેન્ડની ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (ડીયુપી)ની કાંખઘોડીનો સહારો લેવાની ફરજ પડી છે. હવે પૂંછડું પાડાને પીટે જેવો ઘાટ થતો જણાય છે. ડીયુપીની માગ છે કે સરકારની રચનામાં તેના મંતવ્યો (માંગણીઓ જ સ્તો!) કેન્દ્રસ્થાને રહે.
પરંતુ આ ડીયુપી છે કોણ? નોર્ધર્ન આયર્લેન્ડની વસ્તીમાં બે તૃતિયાંશ કેથલિક છે, અને એક તૃતિયાંશ પ્રોટેસ્ટંટ છે. ૧૯૨૨માં આઇરિશ ટાપુના બે ભાગલા પડ્યા. આમાંથી દક્ષિણનો કેથલિક સમુદાયની જંગી બહુમતી ધરાવતો પ્રદેશ આઇરિશ રિપબ્લિક બન્યો જ્યારે આજે નોર્ધર્ન આયર્લેન્ડના નામે જાણીતા પ્રદેશમાં પ્રોટેસ્ટંટનો દબદબો છે. પ્રોટેસ્ટંટ સમુદાયના હીત જાળવવા - એક યા બીજા સમયે દરેક પક્ષની - બ્રિટિશ સરકાર જાત ભાતની સાચી-ખોટી યોજનાઓનો અમલ કરતી રહી છે.
લગભગ ૭૦૦ વર્ષ પૂર્વે ઈંગ્લેન્ડે આઇરિશ ટાપુને પોતાની પ્રથમ કોલોની બનાવી. આમાંથી બ્રિટિશ સામ્રાજ્યવાદનો જન્મ થયો તેમ કહી શકાય. પ્રજા કેથલીક હતી. સમયાંતરે સ્કોટલેન્ડ તથા નૈઋત્ય ઈંગ્લેન્ડ, માંચેસ્ટર, વગેરે વિસ્તારના પ્રોટેસ્ટંટોને સ્થળાંતર કરાવવામાં રાજકીય અને ધાર્મિક સંસ્થાનોએ કાર્યવાહી કરી.
આ જે ડીયુપી છે તે કેથલિક પરંપરાને રૂઢિચુસ્તપણે અનુસરે છે. હોમોસેક્સ્યુઆલિટી, ગર્ભપાતની વિરુદ્ધ છે. આજના સમયમાં એલજીબીટી સમુદાયને ભલે દુનિયાભરમાં સ્વીકૃતિ મળી રહી છે, સમાન અધિકારો મળી રહ્યા છે, ત્યારે ડીયુપી આ મુદ્દે તદ્દન નકારાત્મક અભિગમ ધરાવે છે. ડૂબતા માણસ માટે તો હાથ લાગ્યું તે લાઇફ જેકેટ એ ન્યાયે થેરેસા મેએ ડીયુપીનું સમર્થન તો મેળવી લીધું છે, પરંતુ આમ કરીને તેઓ ભેખડે ભેરવાઇ ગયા છે.
૨૦૧૫માં સ્કોટલેન્ડમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો સફાયો થઇ ગયો હતો. ૭૦ બેઠકો ધરાવતા સ્કોટલેન્ડમાંથી પક્ષના એક માત્ર એમપી બચ્યા હતા. આ પૂર્વે એવું બનતું રહ્યું છે કે સ્કોટલેન્ડમાંથી ટોરીના ૧૫થી ૧૭ એમપી પાર્લામેન્ટમાં પહોંચતા હતા. આજે અહીં સ્કોટિશ પાર્ટીનો દબદબો છે. રુથ ડેવિડસન નામના એક શક્તિશાળી એમપી અને પ્રભાવશાળી મહિલા સ્કોટિશ કોન્ઝર્વેટીવ પાર્ટીના નેતા છે. લેસ્બિયન છે. ખુલ્લેઆમ સ્ત્રીમિત્ર સાથે રહે છે. તેમણે ડીયુપીનું સમર્થન મેળવવા બદલ થેરેસા મેને ખુલ્લી ચીમકી આપી છે. તેમનું કહેવું છે કે તમે ૧૦ એમપી માટે ડીયુપીનું શરણું સ્વીકારી રહ્યા છો પરંતુ એ ન ભૂલતા કે સ્કોટિશ ટોરી પાર્ટીના હવે ૧૨ એમપી છે. ડીયુપીને સાથે લઇ રહ્યા છો તો અમારા લોકોનું સમર્થન ગુમાવવું પડે એ વિશે વિચારજો.
એક રાજકીય નેતા કેવો હોવો જોઇએ? ત્વરિત તેમજ સમતોલ નિર્ણય લે તેવો, સત્વરે તેનો અમલ કરે તેવો અને જરૂર પડ્યે વિચારસરણીમાં ઉદાર (લિબરલ) અભિગમ અપનાવી શકે તેવો. હાલ બ્રિટન અને યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચે છૂટાછેડાની વાત ચાલી રહી છે. આ સંજોગોમાં પાતળી બહુમતી ધરાવતી થેરેસા મે સરકારે બહુ સમજદારીપૂર્વક આગળ વધવું રહ્યું. કોઇની સાથે છૂટાછેડા લેવાનું ભલે નક્કી કર્યું જ હોય, પણ અકડાઇના બદલે નરમાઇ દાખવવામાં આવે તો કેટલો તનાવ ઘટી જાય? જોકે કઠણાઇ એ છે કે નબળા, નઠારા, નખ્ખોદિયા નેતાઓ આ પ્રકારે ઉદારવાદી અભિગમ અપનાવવામાં કે ભાવિ હિતોને નજરમાં રાખીને બાંધછોડવાળી નીતિરીતિ ઘડીને તેનો યોગ્ય અમલ કરવામાં નિષ્ફળ રહેતા હોય છે.

ધર્મના નામે...

મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. રવિવારે મધરાતે નોર્થ લંડનના ફિન્સબરી પાર્કમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ, ઇફતારી કરીને મુસ્લિમ બિરાદરો ઘર તરફ રવાના થઇ રહ્યા હતા. બરાબર આ જ સમયે એક ઇસ્લામવિરોધી ધર્માંધ વ્યક્તિ પૂરપાટ ઝડપે વાહન લઇને ધસી આવી. લોકોને કચડી મારવા પ્રયાસ કર્યો.
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ કે ખ્રિસ્તી - કોઇ કરતાં કોઇ ધર્મ નિર્દોષોનું રક્ત વહાવવાનું કહેતો નથી, પણ જેના દિલોદિમાગમાં ધર્માંધતાએ કબ્જો જમાવ્યો હોય તેને આ કેમ સમજાવવું? વ્યક્તિના આવા કટ્ટરવાદી અભિગમ માટે ધર્મ નહીં, પરંતુ આવા ધર્મના મુઠ્ઠીભર ગુરુઓ કે ધર્મના નામે રૂઢિવાદને ઉત્તેજન આપનારા પરિબળો જવાબદાર છે. ધર્મ કે પરંપરાના નામે લોકોનું લોહી વહાવનાર ખરેખર તો માનવના સ્વરૂપમાં દાનવ છે, ઇશ્વરના દૂત તો નથી જ નથી.
ઉચ્ચ વિચાર, મૂલ્યો અને વાસ્તવિક્તા
સદાચારી મૂલ્યો અને તેનું આચરણ એ જ સાચો ધર્મ કહેવાયને? બ્રિટનના ત્રીજા નંબરના સૌથી મોટા રાજકીય પક્ષ લિબરલ-ડેમોક્રેટ્સના નેતા માઇકલ ફેલન આવું જ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે, પરંતુ આ જ ફેલને ધર્મના કારણસર પક્ષના સર્વોચ્ચ સ્થાનેથી રાજીનામું આપ્યું છે. તેઓ છેલ્લા બે વર્ષથી પક્ષનું નેતૃત્વ કરતા હતા. ફેલન એક વ્યક્તિ તરીકે ઉમદા ગુણો ધરાવે છે. તેઓ ખ્રિસ્તી પરંપરામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે, અને તેની વિચારસરણીને ચુસ્તપણે અનુસરે છે. આ જ કારણસર તેઓ એલજીબીટી સમુદાય પ્રત્યે નકારાત્મક અભિગમ ધરાવતા હતા, જે આમ પ્રજાને અસ્વીકાર્ય હતો. તેમણે વ્યક્તિગત ધાર્મિક આસ્થા અને વ્યાપક લોકલાગણી નામના બે ઘોડાઓ પર સવારી કરવાનો પ્રયાસ તો કર્યો, પણ ફાવ્યું નહીં. તેમના મનમાં આ મુદ્દે તુમુલ યુદ્ધ ચાલ્યું હશે તેમાં બેમત નથી. છેવટે ધર્મનું પલડું વજનદાર સાબિત થયું છે. પક્ષના નેતાપદ માટે અંગત ધાર્મિક વિચારસરણીને નજરઅંદાજ કરી શકતા ન હોવાથી તેમણે પક્ષનું સુકાન છોડવાનો નિર્ણય કર્યો છે.
ચાલો, આ તો તેમનો અબાધિત અધિકાર હતો, પણ જો ધર્મ આપણને અમાનવીય બનાવતો હોય, સમાજમાં અસમાનતા, અસહિષ્ણુતા, અને અન્યાયનો સરવાળો કરવામાં નીમિત્ત બનતો હોય તો તેમાં ધર્મ રહ્યો જ ક્યાં? કેટલાક મૂલ્યોની વાત કરે છે, સંસ્કારની વાત કરે છે, પણ સબ સે ઊંચી હોય છે પ્રેમ સગાઇ... તે અર્થમાં એક જ ધર્મ, એક જ સંપ્રદાય, પણ ફાંટા અલગ અલગ જોઉં છું અને તેમાંય જ્યારે પરિવારમાં વિખવાદ, તનાવ થાય ત્યારે દિલ દ્રવી ઉઠે છે. આવા સમયે મનમાં એક જ વિચાર આવે છે કે ધર્મના ધતિંગ કરનારાઓએ કે ધર્મના નામે ચરી ખાનારાઓએ લોકોના મનમાં કેટલું ઝેર ભર્યું છે કે આજે આ દશા છે? મારો ધર્મ જ સર્વોપરિ એ ભ્રમ ખતરનાક છે, ખોટો છે.

હાર્દિકની ઝિંદાદિલી

રવિવારે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી એક ઐતિહાસિક ક્રિકેટ મેચમાં ભારતનો કમરતોડ પરાજય થયો. કરોડો ભારતીયોએ ભારે સંતાપ સહન કર્યો. જોકે તમે એક વાતની નોંધ લીધી? ટીમ ઇંડિયાની ટોચની બેટિંગ લાઇનઅપ ધરાશયી થઇ ગઇ હતી, પોતાના નામે એક કરતા વધુ વિક્રમ ધરાવતા ખેલાડીઓ બે-ચાર રન કરીને પેવેલિયનમાં પાછા ફરી રહ્યા હતા તેવા સમયે વડોદરાના ભૂદેવ તલવારની જેમ બેટ ઘુમાવીને સ્કોરબોર્ડના આંકડા ઝપાટાભેર ફેરવી રહ્યા હતા. કટોકટીભર્યા સંજોગો સામે ઘૂંટણ ટેકવવાના બદલે તેણે જે સાહસ, હિંમત, ઝનૂન સાથે ઓવલ ગ્રાઉન્ડમાં ચારેબાજુ ફટકાબાજી કરી હતી તે ખરેખર દાદ માગી લે તેવી હતી. વાહ... વાહ... હાર્દિક પંડ્યાને આપણા સહુના હાર્દિક અભિનંદન.
સંજોગો સામે લડી લેવાના હાર્દિકના આ અભિગમમાંથી આપણે સહુએ શીખવા જેવું છે. ચોમેર વિપરિત સંજોગો ભલે હોય તેની સામે ઘૂંટણિયા ટેકવી દેવાની જરૂર નથી. હંમેશા યાદ રાખજો...
વાયુ ભલે હામ હાર્યો, હલેસાં રે હામ રાખજો
 અનોખો ફાધર્સ ડે...
આપ સહુના સાથ-સહકારથી આપણે શનિ અને રવિવારે હેરો લેઝર સેન્ટરમાં ઉમંગ-ઉલ્લાસભેર ફાધર્સ ડે ઉજવ્યો. હજારો ભાઇઓ-બહેનો, વડીલો-બાળકો, પરિચિતો-અપરિચિતો આનંદ મેળામાં પધાર્યા. મેળામાં મહાલ્યા. લોકોએ અસલ મેળો માણ્યો.

ફાધર્સ ડે - પિતૃવંદનાના કાર્યક્રમો આપણે માયાબહેનના સંગીતમય સથવારે એક પછી એક ઉજવી રહ્યા છીએ. આ પ્રસંગે તૈયાર થયેલો વિશેષાંક પણ ટૂંક સમયમાં આપને સાદર થશે. આનંદ મેળામાં પણ ફાધર્સ ડેની ઝલક જોવા મળી. ત્રણ-ત્રણ અને ચાર-ચાર પેઢીઓને એક સાથે મેળાની મજા માણતી નિહાળીને આનંદ થયો. રેસ્ટોરાંથી માંડીને ધાર્મિક સ્થળો અને સંસ્થાઓથી માંડીને સગાંસ્વજનો સમક્ષ એકમેકના સંગાથમાં ફાધર્સ ડેની ઉજવણી કરી.
આ જ અરસામાં પૂ. મહંત સ્વામીની પણ લંડનમાં પધરામણી થઇ હતી અને શનિવારે નિસડન સ્વામિનારાયણ મંદિરે તેમની પાવક ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઇ હતી. આ પ્રસંગે એટલો માનવ મહેરામણ ઉમટ્યો હતો કે સ્થાનિક સત્તાધિશોએ મંદિરના અગ્રણીઓને ઓવર ક્રાઉન્ડીંગની ચેતવણી આપીને સંસ્થાના દરવાજા બંધ કરવા જણાવવું પડ્યું હતું.
ફાધર્સ ડેની વિવિધ રીતે થયેલી ઉજવણી જોઇને આનંદ થયો. જોકે આ બધામાં એક ભજન-સત્સંગ કાર્યક્રમ ખરેખર યાદગાર બની રહ્યો.
રવિવારે પશ્ચિમ લંડનમાં વસતાં એક નિકટના વડીલના નિવાસસ્થાને યોજાયેલા ભજન-સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મને સાંપડ્યો. પ્રસંગ હતો ફાધર્સ ડેનો.
યજમાન વડીલની વાત કરું તો તેઓ વયમાં મારા કરતાં થોડાંક મોટા. મારી જેમ ડાયાબિટિક પણ ખરા. દુર્ભાગ્યે ડાયાબિટીસની સાથોસાથ તેમને કિડની, હાઇ બ્લડપ્રેશર, શ્વાસોશ્વાસમાં મુશ્કેલી જેવી સમસ્યા પણ ખરી. આથી તેમને સતત ઓક્સિજન પર રહેવું પડે છે. આમ સાવ પથારીવશ, પણ સર્વપ્રકારે સતેજ. ખરા અર્થમાં વૈષ્ણવ કહી શકાય તેવા પરિવારને વંદન કરું છું. દયાની દેવી જેવા તેમના પત્ની, બે પુત્રો - બે પુત્રીઓ અને તેમના પરિવારજનો. તેમજ બીજા ૧૦-૧૫ મહેમાનો. સહુએ ભજન-સત્સંગ માણ્યો. ભજનિકોએ પણ સહુને ભક્તિસંગીતમાં તરબોળ કર્યા. આવા પિતૃવંદના, ફાધર્સ ડેમાં સમય સાર્થક થયો.
આ પરિવારના સભ્યોમાં પ્રવર્તતી સમજદારી, જવાબદારી, માનવતા અને સવિશેષ તો વડીલ પ્રત્યેની સમર્પિતતાનાં દર્શન દુર્લભ છે. પરિવારના નાજુક સંજોગોમાં કેટલાક વડીલોને, આ પ્રકારે લાંબી બીમારી કે શારીરિક અસ્વસ્થતા આવે છે ત્યારે તેમને કેર હોમ, નર્સિંગ હોમમાં એડમિટ કરી દેવામાં આવે છે. આમાં કંઇ સાવ ખરાબ પણ નથી. ઘણી વખત સંજોગો જ એવા સર્જાય છે કે પરિવારજનોને અનિચ્છા છતાં આવો નિર્ણય કરવો પડે છે. તેમછતાં, અંતિમ દિવસો પોતીકા નિવાસસ્થાને, કુટુંબીજન સાથે જો સાંપડે તો તે ઈશ્વરકૃપા.
આથી જ જ્યારે જ્યારે હું આવા શારીરિક અસ્વસ્થ વડીલને પોતાના જ નિવાસસ્થાનમાં પોતાના જ પરિવારજનો દ્વારા પ્રેમાળ સેવાસુશ્રુષા મેળવતાં જોઉં છું ત્યારે લાગે છે કે સ્વર્ગ હોય તો તે અહીં જ છે. અહીં સાક્ષાત ઇશ્વર પધાર્યા છે. સંભવ છે કે આપણા સમાજમાં આવા તો કંઇકેટલાય સદભાગીઓ હશે જેઓ પરિવારજનોની પ્રેમાળ સારસંભાળ રાખતા હશે. મને આમાંથી એક સંસ્કારી પરિવારનો અનુભવ કરવાનો અવસર સાંપડ્યો છે તેને મારું સદભાગ્ય સમજું છું. પોતાના પરિચિતો કે અન્યોની સેવા કરતાં, સંભાળ લેતાં સહુ કોઇને સાદર વંદન. (ક્રમશઃ)


comments powered by Disqus