લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના બર્થડે ઓનર્સ લિસ્ટમાં પોતાના સમુદાયો માટે અથાક કાર્યરત લોકોને સન્માન સાથે પ્રશસ્ત કરવામાં આવે છે. આ યાદીમાં મૂળ ગુજરાતી નીતિનભાઈ પલાણને ઈન્ટર ફેઈથ સંબંધો માટે કામ કરવા બદલ MBE ઈલકાબની નવાજેશ કરવામાં આવી છે. નીતિન પલાણ ગોલ્ડન ટુર્સ ફાઉન્ડેશનના ચેરમેન છે. નીતિનભાઈ સફળ બિઝનેસમેન છે, જેમને પ્રવાસન વિશ્વ ફળ્યું છે. કોઈ પણ પર્યટક માટે ‘બ્લુ બસીસ ઓફ લંડન’ તરીકે વધુ જાણીતી તેમની ગોલ્ડન ટુર્સ કંપનીની સફળતાએ તેમને પોતાની ચેરિટી સંસ્થા ગોલ્ડન ટુર્સ ફાઉન્ડેશન થકી પરોપકારી પ્રવૃત્તિઓની આધારશિલા રચવામાં મદદ કરી છે. તેમણે આ ફાઉન્ડેશન થકી હેરિટેજ, ઈન્ટરફેઈથ અને એજ્યુકેશન સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સનું સર્જન કર્યું છે.
તેઓ ‘દિવાળી ઈન લંડન’ના સહસ્થાપક તરીકે પણ વધુ જાણીતા છે. લંડનના હાર્દ સમાન ટ્રફાલ્ગર સ્ક્વેરમાં નોંધપાત્ર વાર્ષિક કાર્યક્રમની ડાયરીમાં દિવાળીના ઉત્સવની ઉજવણી મુખ્ય બની રહી છે. આ ઉજવણી દિવાળીનો ઉત્સવ મનાવતા હજારો હિન્દુઓ જ નહિ, સાંસ્કૃતિક નિખાલસતા સાથે ધાર્મિક ઉત્સવની ઉજવણીનો અનુભવ માણતા તમામ રાષ્ટ્રીયતાના નાગરિકોને પણ આકર્ષે છે.
MBE ઈલકાબની નવાજેશથી આનંદિત અને તેને કોમ્યુનિટી સંબંધોના વિકાસ માટે આશાનું પ્રતીક ગણાવતા નીતિનભાઈએ જણાવ્યું હતું કે,‘આ સન્માન માટે મારી કદર થઈ તે મારા માટે આશ્ચર્યજનક પ્રિવિલેજ છે. સારા સામુદાયિક સંબંધો, શાંતિ અને સંવાદિતાના માર્ગે પ્રગતિ કરવા માટે વર્તમાન સમયમાં ઈન્ટર ફેઈથ સંબંધોનું કાર્ય આવશ્યક છે.’
નીતિન પલાણ BAPS સ્વામીનારાયણ સંસ્થાના સમર્પિત અનુયાયી છે અને સ્થાનિક કોમ્યુનિટીઓની સહાય માટે વિવિધ પ્રોજેક્ટ્સમાં BAPSના હજારો સ્વયંસેવકો સાથે ઈન્ટર ફેઈથ અને સામાજિક સેવાના ક્ષેત્રમાં કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે,‘BAPS સ્વામીનારાયણ મંદિરના નિઃસ્વાર્થ સ્વયંસેવકો સાથે તમામ સમુદાયોની સેવા તેમજ દિવાળી ઈન લંડન કમિટીનું કાર્ય કરવામાં મને ઘણો આનંદ આવે છે. ‘અન્યોના ભલામાં જ આપણું ભલુ છે’ તેવો મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશો સમુદાયોની સેવા તેમજ તેમને સાથે લાવવામાં મને મારા સાથીઓને પ્રેરિત કરતો રહેશે તેવી આશા અને પ્રાર્થના હું કરું છું. આ ઉપરાંત, હું આશા રાખું છું કે તેનાથી આપણા હિન્દુ ધર્મ અને પરંપરાઓને આજના વિશ્વમાં સુસંગત બનાવી રાખવામાં મદદ મળશે.’
ઈન્ટર ફેઈથ સંબંધિત અસંખ્ય પ્રોજેક્ટ્સમાં નીતિનભાઈ સાથે કામ કરનારા સાંસદ બોબ બ્લેકમેન તેમને સામાજિક પહેલકાર તરીકે ઓળખાવે છે અને ‘એક વ્યક્તિ સાથે પરિવર્તનનો આરંભ થાય છે’ તેવી દૃષ્ટિને સમર્થન આપે છે. ભારતીય ડાયસ્પોરા વિશે લોકોનાં બદલાતાં ખયાલો તેમજ વર્તમાન બ્રિટિશ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનમાં કોમ્યુનિટીને પ્રસ્તુત બનાવાથી નીતિનભાઈ મંત્રમુગ્ધ છે. નીતિનભાઈના વધુ એક સમર્થક અને ઈન્ટર ફેઈથ નેટવર્ક ઓફ ધ યુકેના અધ્યક્ષ બિશપ એટ્કિન્સન પણ પરોપકારના કાર્યો અને ઈન્ટર ફેઈથ ડાયલોગ્સમાં પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરે છે.

