ભગવાન જગન્નાથ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભક્તોને મળવા આવે તે ભવ્ય અવસરઃ રથયાત્રા

Saturday 24th June 2017 07:54 EDT
 
 

ભારત સહિત દેશ વિદેશમાં અષાઢી બીજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન બલરામ અને માતા સુભદ્રાને સુંદર રીતે શણગારેલા રથમાં વિરાજમાન કરીને રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં ઓડિશાના જગન્નાથ પુરીની રથયાત્રા મુખ્ય ગણાય છે. આ ઉપરાંત અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. અમદાવાદ સિવાય ગુજરાતના વડોદરામાં ઇસ્કોન આયોજિત રથયાત્રાનું પણ સુંદર આયોજન થાય છે. સુરતમાં પણ ઇસ્કોન દ્વારા જ આ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરાય છે. કહેવાય છે કે હરિભક્તો હંમેશાં ભગવાનનાં દર્શન માટે મંદિરે આવે છે જ્યારે રથયાત્રાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સામે ચાલીને ભક્તોને મળવા આવે છે.

વિદેશમાં રથયાત્રાનું આયોજન

આશરે ચાળીસેક વર્ષથી વિવિધ દેશોમાં રથયાત્રાનું આયોજન થાય છે. જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાના લોસ એન્જેલેસ, ન્યૂ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાન્સિસ્કો, બ્રિટનનાં શહેરો લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન તથા ફાન્સનાં પેરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટમાં મોટેભાગે અષાઢી બીજે અથવા તો જૂન-જુલાઇ મહિનામાં રથયાત્રાનું આયોજન થાય છે. આ રથયાત્રાઓ વિદેશી પ્રણાલી અને સ્થાનિક કાયદાઓનાં પાલન સાથે આયોજિત થાય છે.

પૌરાણિક કથા

ભારતમાં દરેક તહેવારો સાથે પૌરાણિક કથા જોડાયેલી હોય છે તેવી રીતે રથયાત્રા સાથે પણ પૌરાણિક કથા અને ઘણી દંતકથાઓ જોડાયેલી છે.

એક પૌરાણિક કથા પ્રમાણે ભગવાન કૃષ્ણ મોટાભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. તે સમયે શ્રીકૃષ્ણની ૧૬૧૦૮ રાણીઓએ બલરામ ભગવાનનાં માતા રોહિણીને પૂછ્યું કે, અમે શ્રીકૃષ્ણની આટલી બધી સેવા કરીએ છીએ છતાં શ્રીકૃષ્ણ રાધાનું નામ જ કેમ જપ્યા કરે છે? રોહિણી બોલ્યાં કે, કૃષ્ણ અને બલરામ ન સાંભળે તેમ તમને કહી શકું. શ્રીકૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન આવી શકે એ માટે રાણીઓએ સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા કહ્યું. એ પછી રોહિણી માતાએ રાણીઓને આ પાછળનું રહસ્ય કહેવાનું શરૂ કર્યું. સુભદ્રા દરવાજે કાન દઈને બધું સાંભળે. ત્યારે જ શ્રીકૃષ્ણ અને બલરામ પાછા આવ્યા. એમણે જોયું કે સુભદ્રા દરવાજે કાન દઈને કંઈક સાંભળે છે. બંને ભાઈઓએ સુભદ્રાને પૂછ્યું કે અહીં શું કરે છે? અમને અંદર જવા દે. સુભદ્રાએ બંનેને મહેલમાં જતા રોક્યા કે માતા રાણીઓને કંઈક કહી કહી રહ્યાં છે તો શ્રીકૃષ્ણ અને બલરામ પણ દરવાજે કાન રાખીને રોહિણીમાતા જે કહેતાં હતાં એ સાંભળવા લાગ્યા. દરવાજે ઊભા રહેતા રહેતા ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા. આંખો પણ મોટી થવા માંડી. આ સમયે જ નારદ મુનિ શ્રીકૃષ્ણને મળવા આવ્યા. નારદ મુનિએ ત્રણેયનું આ રૂપ જોઈને શ્રીકૃષ્ણને કહ્યું કે, તમારાં આ સ્વરૂપનાં વિશ્વને દર્શન કરાવો પ્રભુ. તો શ્રીકૃષ્ણે નારદ મુનિને કહ્યું કે, હું તમને વચન આપું છું કે, ત્રેતાયુગમાં જગતને અમારાં આ સ્વરૂપનાં દર્શન થશે. એ પછી ભગવાને વચન મુજબ ત્રેતાયુગમાં આ સ્વરૂપનાં દર્શન પણ આપ્યાં અને તેમનાં સ્વરૂપનાં દર્શન ભક્તોને થાય એ માટે રથયાત્રા નીકળે છે.

અમદાવાદ જગન્નાથ મંદિરનો ઇતિહાસ

 

અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરનો ઇતિહાસ પણ અનોખો છે. અંદાજે સાડા ચારસો વરસ પહેલાં એક હનુમાન ભક્ત રામાનંદી સંપ્રદાયના સાધુ સાબરમતીના કિનારે એક મઢુલી બનાવીને રહેતા હતા. તેઓ પ્રભુભક્તિ સાથે દુઃખિયાઓની સેવા કરતા હતા. મહાત્માની ભક્તિ અને દુખીઓ પ્રત્યેના સેવાભાવના કારણે ગામલોકોએ તેમને અહીં જ વસી જવા કહ્યું. સાધુએ પોતે રહેતા હતા ત્યાં હનુમાનજીની ભક્તિ પણ થઈ શકે તે માટે હનુમાનજીનું નાનકડું મંદિર બનાવ્યું. સાધુના શિષ્ય સારંગદાસજીએ ગુરુનાં પગલે લોકસેવામાં કસર ના રાખી. આ વિસ્તારમાં ગૌશાળા શરૂ કરી. આજે પણ આ જગા એટલે કે જગન્નાથ મંદિરમાં સદાવ્રતમાં રોજ આશરે બે હજારથી વધુ ભક્તો ભોજન લે છે.

સારંગદાસજી પછી સાદગીપૂર્ણ જીવન જીવતા નરસિંહદાસજી મહારાજ પણ હનુમાન મંદિર પરિસરમાં વસવાટ સાથે લોકસેવા કરવા લાગ્યા. આજનું જગન્નાથમંદિર નરસિંહદાસજી મહંતને જ આભારી છે. કહેવાય છે કે એક દિવસ નરસિંહદાસજીને ભગવાન જગન્નાથજી સપનામાં આવ્યા અને કહ્યું કે, ભાઇ બળદેવ તથા બહેન સુભદ્રા સાથે અહીં મારી સ્થાપના કરીને જગન્નાથ મંદિર બનાવો.

નરસિંહદાસજીએ આ વાત ગામલોકોને કહી અને ગામલોકો દ્વારા વર્ષ ૧૮૭૮માં ભાવભક્તિપૂર્વક પુરીના ભગવાન જગન્નાથની અમદાવાદમાં પઘરામણી અને સ્થાપના થઈ. મંદિરમાં જે પીઠ પર ભગવાન જગન્નાથ ભાઈબહેન સાથે શોભાયમાન છે તેને ‘રત્નવેદી’ કહેવાય છે. પુરી જગન્નાથથી ભગવાનની પધરામણી થઈ હોવાથી પુરીની જેમ જ અષાઢી બીજે જ વર્ષ ૧૮૭૮થી અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. ૧૮૭૮માં અમદાવાદ કોટબંધ શહેર હતું એટલે રથયાત્રા આખા શહેરને આવરી લે તેમ રથયાત્રાનો રસ્તો નક્કી થયો. રથયાત્રાના વિશ્રામ સ્થળ તરીકે મહંતશ્રીના ગુરુભાઈના સરસપુર સ્થિત રણછોડરાય મંદિરને પસંદ કરાયું હતું. જે પરંપરા મુજબ જ આજે પણ રથયાત્રા નીકળે છે.

મંદિર પ્રણાલી

અમદાવાદના જગન્નાથ મંદિરમાં પૂજાવિધાન માટે પુરીના જગન્નાથજી મંદિરનાં જ વિધિવિધાન અપનાવાયાં છે અને મંદિરના સંચાલન અને દૈનિક કાર્યોની વ્યવસ્થા શ્રી રામાનંદ વિરક્ત વૈષ્ણવ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે ચાલે છે. આ સંપ્રદાયનાં શ્રી દિગમ્બર, નિર્વાણી અને નિર્મોહી એમ મુખ્ય ત્રણ અખાડા છે. અમદાવાદનું જગન્નાથજી મંદિર શ્રી દિગમ્બર અખાડા હસ્તકનું છે. મંદિરનાં શિખર પર પણ શ્રી દિગમ્બર અખાડાના પ્રતીક સમાન પંચરંગી ધજા લહેરાતી જોવા મળે છે.

રથયાત્રામાં અખાડા ભજનમંડળી હાથી અને ટ્રક

અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી અષાઢી બીજે ૨૫ જૂન, રવિવારે ૧૪૫મી રથયાત્રા નીકળશે. પરંપરાગત રૂટ પર ફરીને સાંજે યાત્રા નિજમંદિર આવશે. રથયાત્રાના રૂટમાં આવતા દરિયાપુર, શાહપુર, રંગીલાચોકી, દિલ્હી દરવાજા, દરિયાપુર જોર્ડન ચોક સહિતના વિસ્તારો અતિસંવેદનશીલ મનાય છે તેથી શહેર પોલીસ ઉપરાંત એસઆરપી, આર.એ.એફ., અર્ધ લશ્કરી દળોની ટુકડીઓ આ રૂટ પર તૈનાત રહેશે. સામાન્ય રીતે રથયાત્રામાં ૨૫થી ૩૦ અખાડાઓ, ૧૫ જેટલાં શણગારેલા હાથી દસથી વધુ ભજનમંડળીઓ અને ૧૦૦થી વધુ શણગારેલા ટ્રક હોય છે. આ વર્ષે ૨થયાત્રામાં ૧૦૧ ટ્રકો જોડાશે તેવું મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે.

રથયાત્રાની વિશેષતાઓ

  • જગન્નાથ પુરીમાં દર વર્ષે ત્રણેય રથ નવેસરથી બને છે. રથની ઉંચાઇ આશરે ૪૫ ફૂટ (૪-૫ માળ) જેટલી હોય છે.
  • પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ નથી. જોકે રથયાત્રાના દિવસે નાતજાતનાં ભેદભાવ વગર દરેક શ્રદ્ધાળુ ભગવાનનાં દર્શન કરી શકે છે અને રથ ખેંચી શકે છે. પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે.
  • અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો આશરે ૪૦,૦૦૦ કિલો પ્રસાદ વહેંચાય છે.
  • અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી નાંખનાર વગેરે માટે વપરાતો શબ્દ 'જગરનોટ' જગન્નાથપુરીની રથયાત્રા પરથી લેવાયો છે.

    comments powered by Disqus