જકાર્તાઃ ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતે ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં જાપાનના ક્વોલિફાયર કાઝુમાસા સકાઇને પરાજય આપીને ત્રીજું સુપર સિરીઝનું ટાઇટલ જીતી લીધું હતું. શ્રીકાંતે પોતાના હરીફને હરાવવા માટે ફક્ત ૩૭ મિનિટનો સમય લીધો હતો. તેણે કાઝુમાસાને ૨૧-૧૧, ૨૧-૧૯થી સીધા સેટમાં હરાવ્યો હતો. આ ચેમ્પ્યિનશિપ ટાઇટલ સાથે શ્રીકાંતે ૭૫,૦૦૦ ડોલરની પ્રાઇઝ મની પણ મેળવી હતી. ૨૦૧૪માં ચાઇનીઝ સુપર સિરીઝ પ્રીમિયર અને ૨૦૧૫માં ઇન્ડિયન સુપર સિરીઝનમાં ચેમ્પિયન બનનાર શ્રીકાંતે જણાવ્યું હતું કે કાઝુમાસા ખરેખર સારું રમ્યો હતો અને તેમા પણ ખાસ કરીને બીજા સેટમાં જેમાં હું ૬-૧૧થી પાછળ હતો. જોકે ૧૩-૧૩થી સ્કોરની બરાબરી કરવામાં સફળતા મેળવી હતી. જે મેચમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. મારી આ શાનદાર રમત માટે હું મારા કોચનો આભારી છું. આ પહેલાં પણ હું સિંગાપુર ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો અને અત્યારે અહીં ચેમ્પિયન બન્યો છું.

