સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર દ્વારા નોર્થોલ્ટમાં ભવ્ય દશાબ્દિ મહોત્સવનું આયોજન

Wednesday 21st June 2017 09:00 EDT
 
 

શ્રી સ્વામિનારાયણ ગુરુકૂલ પરિવાર (SSGP), યુકેના અધ્યક્ષ સદગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીની નીશ્રામાં આગામી બુધવાર તા. ૨૮ જૂનથી રવિવાર તા.૨ જુલાઈ, ૨૦૧૭ દરમિયાન હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારને દસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય ‘દશાબ્દિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
ઋષિમુનિઓ દ્વારા પ્રવર્તિત જ્ઞાન વિજ્ઞાનથી સભર હિંદુ ધર્મની ભવ્ય જીવન પદ્ધતિને સમજવા માટે SSGP દ્વારા ૨૦૦૭થી દર વર્ષે લંડનમાં હિંદુ લાઈફસ્ટાઈલ સેમિનારનું આયોજન કરવામાં આવે છે.
આ મહોત્સવમાં સંતો, વિવિધ કોમ્યુનિટીના સભ્યો, અગ્રણી રાજકારણીઓ તેમજ યુકેના વિવિધ ભાગો અને વિદેશથી ભક્તો હાજરી આપશે. આ પાવન પ્રસંગે ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમ વખત વૈદિક વિધિ સાથે ૫૧ કૂંડી શ્રી મહાવિષ્ણુયાગ(હવન)નું ખાસ આયોજન કરાયું છે. પાંચ દિવસના દશાબ્દિ મહોત્સવમાં મહાવિષ્ણુયાગ ઉપરાંત શ્રી માધવપ્રિયદાસજીના વ્યાસપદે શ્રીમદ ભાગવત કથા પારાયણ, ૧૧ સંહિતા પાઠ, ધર્માચાર્ય સભાનું પણ આયોજન કરાવામાં આવ્યું છે.
મહોત્સવનો પ્રારંભ શ્રીમદ ભાગવત કથા પારાયણ સાથે થશે. ૨૮મી જૂને પોથીયાત્રા, ઉદ્ઘાટન વિધિ તથા સંત પૂજન થશે. તા.૨૯ જૂને કથા દરમિયાન દશમ સ્કંધ અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવશે. તા.૩૦ જૂને અન્નકૂટ ઉત્સવ તેમજ રૂકમણિ વિવાહ વગેરે પ્રસંગો ઉજવવામાં આવશે. આ ઉપરાંત પુરુષો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તા.૧ જુલાઈએ સવારે અને સાંજે કથા યોજાશે. બપોરે મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. રવિવાર તા.૨-૭-૧૭ સવારે ૭થી રાતના ૮ દરમિયાન ૫૧ કૂંડી વિષ્ણુયાગ અને ધર્મસભાનું આયોજન કરાયું છે. ઈન્ટરફેઈથ રિલિજીયસ સભામાં ધર્માચાર્યો દ્વારા ઉપસ્થિત ભાવિકજનોને પ્રેરક આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે. તે પછી મહોત્સવનો પૂર્ણાહુતિ સમારંભ યોજાશે.
૫૧ કૂંડી વિષ્ણુયાગનો આરંભ અરણીમંથન દ્વારા અગ્નિ પ્રગટાવીને કરવામાં આવશે. આ હવનની વિધિ માટે પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ અમદાવાદ સ્થિત SGVP સંસ્થાના સંતો તથા ‘દર્શનમ’ સંસ્કૃત મહાવિદ્યાલયના પંડિતો પધારશે. વૈદિક કાળથી હિંદુ ધર્મમાં યજ્ઞોનું ખૂબ મહત્ત્વ રહેલું છે. યુગો પહેલા પૃથ્વીના ત્રાસદાયક તત્ત્વોને દૂર કરવા ઋષિમુનિઓ યજ્ઞો કરતા તે જ રીતે વર્તમાન સમયે વિશ્વમાં વ્યાપેલી અશાંતિને દૂર કરવાના હેતુથી આ યજ્ઞનું આયોજન કરાયું છે.
આ મહોત્સવનું આયોજન શ્રી કચ્છ લેઉવા પટેલ કોમ્યુનિટી સેન્ટર (SKLPC), વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ UB5 6REખાતે કરવામાં આવ્યું છે. મહોત્સવમાં સૌને માટે પ્રવેશ નિઃશુલ્ક છે અને પાર્કિંગની તેમજ દરરોજ મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહોત્સવમાં કથા શ્રવણ, યજ્ઞ દર્શન તથા આશીર્વાદનો લાભ લેવા યુકે નિવાસી તમામ ભાવિકજનોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર, યુકેનું હાર્દિક આમંત્રણ છે.
વધુ માહિતી માટે 07960 359 999, 07831 092 042, 07958 226 807 પર સંપર્ક કરવા વિનંતી.


comments powered by Disqus