અમદાવાદઃ ‘ભાઈ બાત નહીં, ફિક્સિંગ હો ગઈ. કોહલી ફિક્સ કિયા મેચ...’ ઉપરાઉપરી બે વિકેટો પડતાં ટીમ ઈન્ડિયાનો પરાજ્ય નિશ્ચિત થતો જણાતો હોય તેમ સટ્ટોડિયાના વોટ્સએપ ગ્રુપ ઉપર આવા મેસેજ થઈ ગયા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ મેચમાં પાકિસ્તાનને પરાસ્ત કરનાર ટીમ ઈન્ડિયાનો ફાઈનલમાં ભૂંડો પરાજ્ય થતાં ચાહકોનો આક્રોશ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો ને ટીમ ઈન્ડિયા સામે ફિક્સિંગના મેસેજ વાયરલ થયા હતા. એક જ ચર્ચા છે કે બુકીઓ ૧૦,૦૦૦ કરોડ કમાયા ને ભારતીય ક્રિકેટરો વેચાયા.
એક તબક્કે એકલા હાથે ઝઝૂમીને માત્ર ૪૩ બોલમાં ૭૬ રન ફટકારનાર હાર્દિક પંડ્યાને રનઆઉટ કરાવનાર રવિન્દ્ર જાડેજા સામે પ્રચંડ આક્રોશ ફેલાયો છે. આઈપીએલને તો સટ્ટાનો પર્યાય ગણાવાય છે, પણ ચેમ્પિયન્સ ટ્રોફમાં છેલ્લી છ મેચમાં જે અણધાર્યા પરિણામ આવ્યા તેનાથી ફિક્સિંગની માનસિકતા લોકોના મનમાં ઘર કરી ગઈ છે.
ટૂર્નામેન્ટમાં પહેલાથી જ ટોપ ફોર રહેલી ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બહાર નીકળી ગઈ. આઠ દેશો વચ્ચેની ટુર્નામેન્ટના આરંભે છેક છઠ્ઠા ક્રમે રહેલી પાકિસ્તાનની ટીમ જીતી જતાં ફિક્સિંગનો મામલો ચર્ચામાં છે.
ભારત-પાક.ની ફાઈનલ પહેલાં બુકી બજારમાં ટીમ ઈન્ડિયા ફેવરિટ હતી અને મહત્તમ સટ્ટો ટીમ ઈન્ડિયા ઉપર જ લાગ્યો હતો. પાક.ની ઈનિંગ પૂરી થઈ ત્યાં સુધમાં ભારત-પાક. બંનેની ટીમના ભાવ બુકીઓએ ૯૭-૯૭ પૈસા કાઢ્યા હતા. બુકીબજારના જાણકાર સૂત્રોએ લંચ સમયે જણાવ્યું હતું કે પાક.ના ધરખમ સ્કોરથી બુકીઓ નુકસાન ન થાય તેવી સ્થિતિમાં આવી ગયા છે. પણ, ભારતનો દાવ શરૂ થયો તે પછી ખેલીઓને પૈસા રિકવર કરવાનો મોકો જ ન મળ્યો ને બુકીઓ રૂ. ૧૦,૦૦૦ કરોડ કમાઈ ગયાં છે.
ભારતના ભૂંડા પરાજ્યના પગલે ક્રિકેટરો વેચાયા ને બુકીઓ કમાયાનો મેસેજ વાયરલ બન્યો હતો. કરોડો દેશવાસીઓના વિશ્વાસને ધૂળધાણી કરતો પરાજ્ય મેળવનાર ટીમ ઈન્ડિયા સામે પ્રચંડ આક્રોશ છે.

