• ગરમીનું પ્રમાણ હજુ વધવા પબ્લિક હેલ્થ વોર્નિંગ

Monday 19th June 2017 12:49 EDT
 

 બ્રિટનમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ગરમીમાં હજુ વધારો થવાની પબ્લિક હેલ્થ વોર્નિંગ જારી કરાઈ હતી. ગ્રેટર લંડનમાં હેમ્પટન વોટર વર્ક્સ ખાતે પારો ૮૯.૪ ફેરનહીટ (૩૧.૯ ડિગ્રી) પર પહોંચી જતા ૧૮ જૂનનો દિવસ છેલ્લાં ૧૬૭ વર્ષમાં સૌથી ગરમ રહ્યો હતો. સરકારે ‘નેશનલ ઈમરજન્સી’થી એક લેવલ નીચેનો ‘એમ્બર હીટ હીલ્થ એલર્ટ’ જાહેર કરીને લોકોને એક સપ્તાહ સુધી સવારે ૧૧થી બપોરના ૩ વચ્ચે બહાર જવાનું ટાળવાની ચેતવણી આપી હતી.

• કંપનીના વલણ મુજબ  પ્રોડક્ટની  ખરીદી કે બહિષ્કારનું ગ્રાહકોમાં ચલણ 

રાજકીય અથવા સામાજિક મુદ્દા પર કંપનીના વલણને આધાર બનાવીને વિશ્વના ૭૫ ટકા ગ્રાહકો તેની પ્રોડક્ટ્સની ખરીદી અથવા બહિષ્કાર કરતા હોવાનું ૧૪ દેશોના ૧૪ હજાર લોકોના અભ્યાસમાં જણાયું હતું. આ તારણ ઈમિગ્રેશન, ક્લાઈમેટ ચેન્જથી લઈને ટ્રાન્સજેન્ડરના હક્કો અને ફેક ન્યૂઝ જેવા વિષયો પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કંપનીઓ પર વધતા દબાણ તરફ ઈશારો કરે છે. તેમાંથી ૩૦ ટકાએ જણાવ્યું હતું કે કંપનીના મૂલ્યોને ધ્યાનમાં રાખીને તે બ્રાન્ડની ખરીદી અથવા બહિષ્કારનો નિર્ણય લે છે.

 હેટ સ્પીચને મંજૂરી આપતી વેબસાઈટના સભ્યોની સખ્યામાં ઉછાળો 

બ્રિટિશ આતંકવાદીઓ ટેક્સાસની ખૂબ ઝડપથી વિસ્તરતી Gab વેબસાઈટ પર ઉશ્કેરણીજનક ભાષણો કરી રહ્યા છે. ૧૮૦,૦૦૦ મેમ્બર્સ ધરાવતી આ વેબસાઈટે સ્પષ્ટતા કરી હતી કે હેટ સ્પીચ પર પ્રતિબંધ મૂકવાની તેની કોઈ નીતિ નથી. કેનેડા અને અમેરિકા પછી ત્રીજા ક્રમે બ્રિટનમાં આ વેબસાઈટના સાઈન-અપની સંખ્યામાં ભારે વધારો થયો છે. થેરેસા મેએ ફેસબુક અને ટ્વીટર જેવી વેબસાઈટ્સ પર આંતકવાદને લગતી સામગ્રી મૂકનાર સામે કડક વલણ અપનાવવા દબાણ વધાર્યું છે.

• પ્રોસ્ટેટ કેન્સરના દર્દીને ચોક્કસ દવાનો બ્લડ ટેસ્ટથી નિર્ણય 

હવે થ્રી ઈન વન બ્લડ ટેસ્ટ દ્વારા પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓને નિશ્ચિત દવાઓ લેવી કે નહીં અને લીધેલી દવાની અસર થાય છે કે નહીં તે જાતે જાણવા ઉપરાંત સાજા થયા પછી રોગ ફરી ઉથલો મારશે કે કેમ તેના વિશે આગોતરી જાણ થશે તેમ અભ્યાસમાં જણાયું હતું. લોહીમાં કેન્સરના ડીએનએની તપાસમાં હાલ ગર્ભાશયના કેન્સરની મહિલા દર્દીઓને અપાતી ઓલાપેરિબ દવા પ્રોસ્ટેટ કેન્સરના કયા દર્દીને આપી શકાય તે પણ જાણી શકાશે. દર વર્ષે પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બનતા ૪૭ હજાર લોકોમાંથી ૨૫ ટકા કરતાં વધુને આ દવા સારી અસર કરશે તેવી આશા છે.

• સમર વેકેશનમાં બપોર સુધીમાં કંટાળી જતા બાળકો 

સમર વેકેશનમાં પેરન્ટ્સ પોતાના બાળકોને બપોરે માત્ર ૧.૩૦ વાગ્યા સુધી જ આનંદ પ્રમોદ કરાવી શકે છે. ‘ગ્રૂપોન’ વેબસાઈટના અભ્યાસ મુજબ પેરન્ટ્સે જણાવ્યું હતું કે બાળકો વેકેશનમાં દર સપ્તાહે સરેરાશ ૧૩ પ્રવૃત્તિ કરી શકે છે. તે છતાં જુલાઈ અને ઓગસ્ટ વચ્ચેના ગાળામાં બાળકો બપોરે ૧.૩૦ પછી ખૂબ કંટાળી જાય છે. અભ્યાસ મુજબ વેકેશનમાં બાળકોને પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવા માટે પેરન્ટ્સ સરેરાશ ૨૫૧ પાઉન્ડ ખર્ચે છે અને પાંચમાંથી બે પેરન્ટ્સ સમરનું વધુ બજેટ ફાળવવા પોતાના ખર્ચમાં કાપ મૂકે છે.


comments powered by Disqus