બોલિવૂડનાં પીઢ અભિનેત્રી ફરીદા જલાલનાં નિધનની અફવાઓ રવિવારે સાંજથી ઈન્ટરનેટ પર ફરતી થઈ હતી. એ જોઈને ફરીદા જલાલ પોતે પણ ચોંકી ઊઠ્યા હતા. તેમણે ખ્યાતનામ સોશિયલ મીડિયા પબ્લિશર કે. હિમાંશુ શુક્લાનો સંપર્ક કરીને કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર જાહેર કરો કે હજી તો હું જીવું છું. શુક્લાએ તુરંત જ ફરીદા જલાલનાં મોતની અફવાઓને રદિયો આપતાં ટિ્વટર પર સંદેશો ફરતો કર્યો કે, ફરીદા જલાલજીનો ફોન કોલ આવ્યો છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. બનાવટી સમાચારો ફેલાવવાનું બંધ કરો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને બોલિવૂડનાં અન્ય ઘણા સ્ટાર્સની મૃત્યુની કે તેઓ ગંભીર રીતે બીમાર પડ્યાની અફવાઓ ઈન્ટરનેટ પર વહેતી થઈ ચૂકી છે. જેને સ્ટાર્સ જાતે જ કોઈ પોસ્ટ કે ટ્વિટથી રદિયો આપતાં આવ્યા છે.

