પાકિસ્તાનમાં આસ્થા-બંદગીનું સૌથી મોટું સ્થાન મનાતી શાહબાઝ કલંદર દરગાહમાં ૧૬ ફેબ્રુઆરીએ થયેલો લોહિયાળ આતંકી હુમલો છેલ્લા બે વર્ષમાં દેશમાં થયેલો સૌથી મોટો હુમલો મનાય છે. હુમલામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં જે પ્રકારે આતંકી હુમલા થઇ રહ્યા છે, નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઇ રહ્યો છે તે જોતાં તો લાગતું નથી કે આ દેશના શાસકોએ ભૂતકાળમાંથી કોઇ બોધપાઠ લીધો હોય. શાહબાઝ કલંદર દરગાહ પર થયેલો આતંકી હુમલો પાકિસ્તાનમાં પાંચ દિવસમાં થયેલો દસમો આતંકી હુમલો હતો. તહરિક-એ-તાલિબાન-પાકિસ્તાન (ટીટીપી)ની જ એક શાખા ગણાતા જમાત-ઉલ-અહરાર (જેયુએ)એ દરગાહ પર થયેલા આતંકી હુમલાની જવાબદારી લીધી છે. જેયુએ પોતાને ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)નું સમર્થક ગણાવે છે.
પાકિસ્તાની સુરક્ષા દળો હરહંમેશની જેમ આગ લાગ્યા બાદ કૂવો ખોદવાના કામે લાગ્યા છે. આતંકી જૂથો સામે લશ્કરી કાર્યવાહી હાથ ધરીને ૫૦-૧૦૦ આતંકીઓનો સફાયો કરી નાખ્યાના દાવા થઇ રહ્યા છે. આતંકી જૂથો સામેની આ કાર્યવાહી કેટલા દિવસ ચાલશે એ તો કદાચ પરવરદિગાર પણ નહીં જાણતા હોય. સુરક્ષા બાબતોના જાણકારો કહે છે કે પાકિસ્તાની શાસકો પાક-તાલિબાનનો હિસ્સો ગણાતા લશ્કર-એ-ઝાંગવી અને જમાત-ઉલ-અહરાર જેવા સંગઠનો સામે તો કાર્યવાહી કરે છે, પરંતુ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા જૂથો સામે કાર્યવાહી કરે તેવી કોઇ શક્યતા જણાતી નથી. આ બન્ને જૂથો ભારતમાં આતંકવાદ ફેલાવવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. અને ભારત આ જૂથો સામે પગલાં લેવા પાકિસ્તાન પર સતત દબાણ કરતું રહ્યું છે.
હવે પાકિસ્તાનના પગતળે રેલો આવ્યો છે. જેયુએ અફઘાનિસ્તાનમાં રહીને આતંકી કાવતરાં પાર પાડી રહ્યું હોવાની ફરિયાદ કરીને પાકિસ્તાને અફઘાનિસ્તાનને આ આતંકીઓનો ખાત્મો કરવા માગણી કરી છે. હુમલા બાદ પાકિસ્તાને તેની અફઘાનિસ્તાન સાથે જોડાયેલી સરહદ બંધ કરી દીધી છે. આમ પોતાના દેશવાસીઓની સીમા પાર અવરજવર અને વ્યાવસાયિક ગતિવિધિઓ મર્યાદિત થઇ જતાં અફઘાનિસ્તાન દબાણમાં છે. પાકિસ્તાની સેનાએ અફઘાન દૂતાવાસના અધિકારીઓને ૭૬ લોકોની એક યાદી સુપરત કરીને તેમને ઇસ્લામાબાદના હવાલે કરવાની માગ કરી છે. સામાન્ય સંજોગોમાં કોઇ દેશની સેના વિદેશી દૂતાવાસના અધિકારીઓને સીધું તેડું મોકલતી નથી, પરંતુ પાકિસ્તાની સેનાની વાત અલગ છે. તે સરકારના સમાંતર તંત્ર ચલાવવા માટે જાણીતી છે.
પાકિસ્તાન સરકાર ગાઇવગાડીને દાવો કરતી રહી છે તે કે પાકિસ્તાનને ઉદારવાદી ઇસ્માલિક દેશ બનાવવા માગે છે, પરંતુ આ દિશામાં તે કોઇ નક્કર પગલાં ભરતું નથી. પરિણામે આજે દેશના મુસ્લિમો શિયા અને સુન્ની એમ જૂથોમાં વહેંચાઇ ગયા છે. બન્ને જૂથો વચ્ચે સતત તનાવ પ્રવર્તતો રહે છે. આ ઓછું હોય તેમ કાશ્મીર અને અફઘાનિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા પોતાના દેશમાં જ આતંકવાદના અજગરને પાળ્યો-પોષ્યો. આ અજગર હવે એટલો મોટો થઇ ગયો છે હવે તે નિરંકુશ થઇ ગયો છે. આનું પરિણામ દુનિયાની નજર સમક્ષ છેઃ આતંકવાદ ભારતમાં જેટલા લોકોનો ભોગ લઇ રહ્યો છે તેનાથી પણ વધુ લોકોનો ભોગ પાકિસ્તાનમાં લઇ રહ્યો છે. પાકિસ્તાને સમજવું રહ્યું કે આતંકવાદી ક્યારેય સારો કે ખરાબ નથી હોતો, આતંકવાદ આતંકવાદ જ હોય છે.
