‘૧૯૮૧માં અમદાવાદમાં શ્યામલ-સૌમિલ મુન્શી અને હું, અમે મોરપીંછ નામે કાર્યક્રમ કર્યો હતો... એની વાત મુંબઈ સુધી પહોંચી અને એક દિવસ તેઓ શ્યામલ-સૌમિલના ઘરે રીક્ષામાં આવી પહોંચ્યા.’ જાણીતા કવિ અને કાર્યક્રમ સંચાલક તુષાર શુક્લે કહ્યું.
પ્રસંગ હતો ગુજરાતી ભાષાના - સુગમ સંગીતના ગીતોને લોકપ્રિય બનાવનાર ગાયક-સ્વરકાર પુરુષોત્તમ ઉપાધ્યાયને રાષ્ટ્રીય સન્માન પદ્મશ્રી મળ્યાના વધામણારૂપે એમના ઓવારણા લેવાનો, સંભારણા વાગોળવાનો. સંગીતપ્રેમી સ્વજનો વિક્રમ પટેલ તથા મનીષ પટેલ, રાજેશ પટેલ દ્વારા આયોજિત સ્નેહ-મિલનમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને પ્રેમ કરનારા કલાકારો અને કલાચાહકો ઉપસ્થિતિમાં આરંભે લખેલી વાત તુષાર શુક્લે કરી. એમણે કહ્યું કે મુંબઈમાં કાર્યક્રમ કર્યો ત્યારે અમારી પીઠ થાબડીને તેમણે કહ્યું કે, ‘ભવિષ્યમાં આગળ વધો ને ખૂબ સરસ કામ કરો.’ આમ પુરુષોત્તમભાઈએ હૂંફ આપી. પુરુષોત્તમભાઈને સુગમ સંગીતના ઉત્તમ ગવૈયા અને સ્વરકાર તરીકે ઓળખાવતા તુષારભાઈએ કહ્યું કે તેઓ ડોન છે સુગમ સંગીતના, Don અને Dawn બંને પ્રમાણે આ સાચું છે.
‘હેમંત, આ પૈસા વધારે છે, અડધા પાછા રાખ.’ આ શબ્દો મને ૧૯૮૦માં કહેનાર માણસ એટલે પુરુષોત્તમ ઉપાધ્યાય.’ જૂનાગઢથી આવેલા નાટ્યકલાકાર અને પુરુષોત્તમપ્રેમી હેમંત નાણાવટીએ કહ્યું.. ‘ઘટના એવી હતી કે ૧૯૮૦માં જૂનાગઢમાં મિત્રોને વિચાર આવ્યો કે પુરુષોત્તમ ઉપાધ્યાયનો કાર્યક્રમ કરવો છે. ક્યાંકથી ફોન નંબર શોધીને હેમંતભાઈએ વાત કરી, કહ્યું કે આવીશ, પ્રશ્ન પૂછ્યો પુરસ્કાર બાબતે તો હેમંતભાઈએ કહ્યું કે આવનાર અતિથિ માટે અત્યારે અમારી પાસે પાણી ભરેલો લોટો અને ગ્લાસ છે. તો પુરુષોત્તમભાઈએ ઉમળકાથી આવવાનું સ્વીકાર્યું. આવ્યા, સરસ કાર્યક્રમ થયો.
કાર્યક્રમમાંથી સારી એવી રકમ એકઠી થઈ હતી એટલે રૂ. ૫૦૦૦ એમને આપ્યા તો ગણીને એમાંથી રૂ. ૨૫૦૦ પાછા હેમંતભાઈને આપ્યા અને આ સંવાદ કહ્યો. આગ્રહ કર્યો પૈસા પૂરેપૂરા લેવાનો તો પણ ના લીધા. પુરુષોત્તમભાઈએ કહ્યું કે ‘આ રકમ તમને પરત આપી, હવે એમાંથી તમે કોઈ બીજા કલાકારને બોલાવજો. પ્રવૃત્તિ જીવંત રાખજો.’ અને હેમંતભાઈએ આ પ્રવૃત્તિ જૂનાગઢમાં જીવંત રાખી. હેમંતભાઈએ એમને ‘પીયુ’ તરીકે ઓળખાવ્યા અને કહ્યું કે ગુજરાતી સુગમ સંગીતને પુરુષોત્તમભાઈએ સંપીલું રાખ્યું છે. આપણે સૌ એમની સક્રિયતાની શતાબ્દી પણ ઊજવીશું એવી આશા તેઓએ પ્રગટ કરી.
સર્વશ્રી ભાગ્યેશ જહા, બીજલ ઉપાધ્યાય, નીતીન શુક્લ, બિપીનભાઈ શાહ, માધવ રામાનુજ, નયનેશ જાની, નયન પંચોલી, ભૂમિક શાહ જેવા પુરુષોત્તમભાઈના ચાહકોએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો. એમાં પુરુષોત્તમભાઈએ ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે કરેલી કામગીરીને બિરદાવવામાં આવી. પુરુષોત્તમ ઉપાધ્યાયે પ્રતિભાવમાં કહ્યું કે ‘મને મળેલા એવોર્ડમાં તમારો પ્રેમ સમાયેલો છે.’ અવિનાશ વ્યાસ સાથેના સંસ્મરણો યાદ કર્યા અને થોડી રચનાઓ પણ થોડી મીનીટો માટે પ્રસ્તુત કરી. વિધવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો જેઓ પુરુષોત્તમ ઉપાધ્યાયના ચાહકો રહ્યા એ સહુની હાજરીમાં યોજાયેલો સ્નેહમિલનનો કાર્યક્રમ કાયમી સંભારણું બની રહ્યો.
•••
જન્મ નડિયાદમાં, મૂળ વતન ઉત્તરસંડા કર્મભૂમિ મુંબઈ અને એમના ચાહકો વિશ્વભરમાં એવા સુરોત્તમ-પુરુષોત્તમ ઉપાધ્યાય જ્યારે જ્યારે મંચ પર કે અંગત સ્વજનોની મહેફિલમાં ગાવા બેસે છે ત્યારે કોઈ અલૌકિક વાતાવરણ ઊભું થાય છે. આ લખનારે ભાવનગરમાં અને પછીથી અન્ય શહેરોમાં એમને ૧૯૮૦ના દાયકાથી સાંભળ્યા છે ને એમના કાર્યક્રમોમાં શબ્દ સંગાથ કરવાનું સદભાગ્ય પણ સાંપડ્યું છે ને એમનો અપાર પ્રેમ પણ સાંપડ્યો છે. ૮૦ વર્ષની વયે પણ એ ૪ મિનિટ કે ૪ કલાક ગીત રજૂ કરે ત્યારે કોઈ નોખી અનુભૂતિ થાય છે. પુરુષોત્તમ ઉપાધ્યાય સ્વર પ્રસ્તુતિ કરે છે ત્યારે સૂરોના અજવાળા રેલાય છે ને શ્રોતાઓને એ અજવાળામાં આનંદની કેડીઓ જડે છે.
લાઇટહાઉસ
હું અંગ્રેજી બોલતો થયો તો, કેટલાક અમેરિકન ગુજરાતી બોલતા પણ થયા છે. - પુુરુષોત્તમ ઉપાધ્યાય
