વડીલો સહિત સહુ વાચક મિત્રો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘નાટો’ દેશના લશ્કરી દળોના સાથીઓને તાકીદ કરી છે કે આ જૂથની સંરક્ષણ જવાબદારી સૌએ સહિયારી ઉઠાવવી જોઇએ. અત્યારે ‘નાટો’ના બધા દેશોનું કુલ લશ્કરી બજેટ લગભગ ૯૦૦ બિલિયન ડોલર થવા જાય છે. તેમાં અમેરિકાનું સંરક્ષણ બજેટ ૬૦૫ બિલિયન ડોલર હોવાથી તે ભારે બોજ ઉઠાવી રહ્યું છે, તેમ અમેરિકાના જનસામાન્યની માન્યતા છે. આધુનિક યુગમાં દરેક દેશે પોતીકા સંરક્ષણ માટે કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના ઓછામાં ઓછા બે ટકા ફાળવવા જરૂરી છે તેમ આ ક્ષેત્રના નિષ્ણાતો માને છે.
કેટલાક દેશોના સંરક્ષણ બજેટના આંકડા આ સાથેના બોક્સમાં રજૂ કર્યા છે. આની સાથોસાથ જે તે દેશના રાષ્ટ્રીય ઉત્પાદન અને વસ્તીના આંકડા પણ રજૂ કર્યા છે, જેનાથી આપને ખ્યાલ આવશે કે સંરક્ષણ ક્ષેત્રે ખરેખર કેટલો ખર્ચ થાય છે.
બોક્સમાં રજૂ કરેલા આંકડાઓનું વિશ્લેષણ કરતાં જણાશે કે વિશ્વમાં સૌથી જંગી સંરક્ષણ બજેટ અમેરિકાનું છે. પછીના નંબરે ચીન છે. કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની ટકાવારી સંદર્ભે સંરક્ષણ બજેટની ફાળવણીની વાત કરીએ સૌથી વધુ રકમ સાઉદી અરેબિયા ફાળવે છે. જ્યારે જાપાન, જર્મની, ફ્રાંસ આર્થિક રીતે તગડા હોવા છતાં સૌથી ઓછા પ્રમાણમાં લશ્કરી બજેટ ફાળવે છે. ભારત તાજેતરના સમયમાં સંરક્ષણ ક્ષેત્રે વધુ નાણાં ફાળવી રહ્યું છે, જે તેની ભૌગોલિક પરિસ્થિતિમાં જરૂરી ગણાવી શકાય.
એકલતાની પણ અનોખી વ્યથા
દરેક વ્યક્તિએ ઓછાવત્તા અંશે આવી સ્થિતિમાંથી પસાર થતી જ હોય છે. આ તો પે’લા કાશીના લાડુ જેવું છે, ખાવ તો પણ તકલીફ અને ન ખાવ તો પણ તકલીફ. સિટી ઓફ લંડન પોલીસે તાજેતરમાં આપણને સહુને વિચારતા કરી દે તેવો એક અહેવાલ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં જેમનો ઉલ્લેખ થયો છે તેવા પાત્રોના નામ બદલીને અહીં વાત કરી છે.
સુ નામની એક મહિલા સ્ટીવન નામના યુવાનને મળી. બન્ને ઓનલાઇન ડેટીંગ સાઇટ પર સંપર્કમાં આવ્યા હતા. બન્ને એકબીજાને અનુરૂપ જણાયા. બન્ને ગોરા ને ખ્રિસ્તી. પે’લો વિધુર ને પે’લી ડિવોર્સી. ઇ-મેઇલમાં માહિતીની આપ-લે થઇ. સ્ટીવન લંડન સ્થિત ઇન્ટિરિયર ડિઝાઇનર હતો. ક્લાયન્ટને મળવા તેને દક્ષિણ અમેરિકા જવાનું થયું. પણ તે દરમિયાન તેના પિતાનું અવસાન થયું. આ ગાળામાં પ્રવાસ કરતો હતો અને લૂંટાયો. તેને એક બહુ મોટો ડિઝાઇન કોન્ટ્રેક્ટ મળ્યો હતો, પરંતુ આ બધી જફાબાજીમાં ૧.૫ લાખ પાઉન્ડની ખોટ ગઇ. બિચારી સુને દયા આવી. અને તેણે પોતાની બચત કોથળી ખાલી કરી નાણાં આપ્યા. નાણાં પણ ગયાં, અને સ્ટીવનેય ગયો. સુની હાલત બહુ કફોડી થઇ છે. (આવી વિતક વારંવાર બહાર આવે છે.)
સિટી ઓફ લંડન પોલીસના અહેવાલ મુજબ ગયા વર્ષ ૨૦૧૬માં બ્રિટનમાં જુદા જુદા લોકોએ કુલ ૩૯ મિલિયાન પાઉન્ડ આ પ્રકારે ઓનલાઇન ડેટીંગ કૌભાંડમાં ગુમાવ્યા છે. પોલીસના અહેવાલ મુજબ, કૌભાંડનો ભોગ બનેલી દર ૧૦માંથી છ વ્યક્તિ મહિલા હોય છે. આમાં પણ બે-તૃતિયાંશ એટલે કે પોણા ભાગની મહિલાઓની ઉંમર ૪૦થી ૬૯ વર્ષની હોય છે. અતિ આધુનિક ટેક્નોલોજી અને સાધનો હોવા છતાં સિટી ઓફ લંડન પોલીસ આવા છેતરપિંડી કરનારાઓ સુધી પહોંચી શકતી નથી. એક અહેવાલ પ્રમાણે, આમાંના મોટા ભાગના આરોપીઓ પશ્ચિમી આફ્રિકાના અથવા તો પૂર્વ યુરોપના નાગરિક હોય છે.
વિક્ટીમ સપોર્ટ નામની ચેરિટીએ એક અહેવાલ બહાર પાડ્યો છે તે પ્રમાણે, છેતરપિંડીના મોટા ભાગના કિસ્સામાં શિરસ્તો એવો જોવા મળ્યો છે કે પ્રારંભે પ્રેમમાં પડવાનો ઢોંગ કરવો અને પછી અગડંબગડં ચક્કર ચલાવીને એવો પ્રભાવ પાડવાનો કે પોતે કોઇ મોટી મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. આ બધું સાંભળીને સ્ત્રીપાત્રને દયા આવી જાય. પોલીસ કહે છે કે નવાઇની વાત તો એ છે કે આ બધો ખેલ માત્ર ૩૦ દિવસમાં સિફતપૂર્વક પૂરો થઇ જાય છે. નાણાં પણ જાય ને દિલ પણ જાય.
એક અગ્રણી ડેટીંગ મેચમેકિંગ સાઇટના સર્વેના તારણો કહે છે કે એકલતા પુરુષ પાત્ર કરતાં સ્ત્રી પાત્રને વધુ પરેશાન કરતી હોય છે. દયાળુ દિલની સ્ત્રી વધુ ઝડપથી ફસાતી હોય છે.
સાવચેત નર કે નારી સદા સુખી. આમ તો બધા આવા તૂત વિશે જાણે છે અને આમ છતાં અવારનવાર પગ લપસી જાય છે. ચેતતા રહેજો...
•••
થાક લાગ્યો છે, જરા થોભી જાવ...
થોભ નહીં તો થાકી જઇશ... તેવું એક ગીત આજે મને બહુ યાદ આવી રહ્યું છે. કારણ? અત્યારે બ્રિટનમાં હાફ ટર્મ સ્કૂલ હોલીડે ચાલી રહ્યા છે. ૩૦થી ૪૦ વર્ષના માતા-પિતાના સંતાનો પ્રાથમિક કે માધ્યમિક સ્કૂલોમાં ભણતા હોય છે. નિયમિત શાળાએ જવાનું. ત્યાંથી પછી જાત જાતના વિશેષ વર્ગો પણ ખરાને...? સ્વીમિંગ, ટેબલટેનિસ, હોકી, ફૂટબોલ, ક્રિકેટ, સંગીત, યોગ, ડ્રોઈંગ... યાદી બહુ લાંબી થાય તેમ છે. વળી, પોતપોતાના ધર્મ કે સંસ્કારના વર્ગોમાં પણ હાજરી આપવાની હોય. ધણી-ધણિયાણી બન્નેએ કામ કરતાં કરતાં સંતાનો માટે ટ્રાન્સપોર્ટ એરેન્જમેન્ટ કરવાની હોય છે. આ બધામાં તેઓ થાકીને ઠુસ્સ થઇ જતાં હોય છે. જોકે થાકી જવાનો ઇજારો કંઇ તેમનો એકલાનો જ નથી હોતો.
નોકરી-ધંધો કે અન્ય કોઇ પણ જાતની પ્રવૃત્તિ વગર નવરાધૂપ
બેસી રહેલા વ્યક્તિની પણ આવી જ ફરિયાદ હોય છેઃ બહુ થાક લાગે છે...
નોકરી-વ્યવસાય, પરિવારની સારસંભાળ, સંતાનોનું દૈનિક રુટિન જાળવવું વગેરેમાં પણ ઓછાવત્તા અંશે શ્રમ તો અવશ્ય પડે જ ને... અરે નિવૃત્ત થયેલી વ્યક્તિ પણ આવી ફરિયાદ કરે તો પણ શું થઇ ગયું?! તે બિલ્કુલ જૂઠું બોલતી નથી.
ટૂંકમાં કહીએ તો કામઢા કે નિવૃત્ત થયેલા કે નવરાધૂપ બેસી રહેલા સહુ કોઇની ફરિયાદનો સૂર એક જ હોય કે ‘બહુ થાકી ગયો છું...’ તો તેમાં કંઇ નવાઇ નથી. આપણા શાસ્ત્રોનું એક બહુ જાણીતું વાક્ય છે કે અતિ સર્વત્ર વર્જયેત્... પછી તે કામ હોય કે આરામ. અતિરેક હંમેશા થકવનારો હોય છે.
એક સ્વાસ્થ્ય સંબંધિત રિપોર્ટનું તારણ જણાવે છે કે આજકાલ લોકો ફીટનેસ ક્રેઝી બની રહ્યા છે. શરીર સૌષ્ઠવ જાળવવા માટે દરરોજ જીમમાં જવું કે ઘરે સાધન રાખીને નિયમિત કસરત કરવાનું ચલણ વધી રહ્યું છે. ઘણા તો વળી શરીરને રાતોરાત કસાયેલું કરી નાંખવું હોય તેમ મચી પડતા હોય છે. અતિશય કસરત કરે. આમાં ક્યારેક ઓડનું ચોડ પણ થઇ જતું હોય છે. બકરું કાઢતાં ઊંટ પેસી જતું હોય છે. શારીરિક સ્વાસ્થ્ય સુધરવાના બદલે વધારે કથળી જતું હોય છે, અને ક્યારેક કસરતનો અતિરેક વ્યક્તિને મોતના મુખમાં પણ ધકેલી દેતો હોય છે.
એક હેલ્થ મેગેઝિનમાં થાક લાગે ત્યારે તેના નિવારણ માટે શું કરવું તે મુદ્દે સરળ માર્ગ સૂચવવામાં આવ્યા છે. જેમ કે, સતત બેઠાં રહેવાથી થાક લાગતો હોય તો પાંચ - દસ - પંદર મિનિટ ઝડપથી ચાલશો તો થકાવટ દૂર થઇ જશે. શક્ય હોય તો બ્રેકફાસ્ટ પહેલાં થોડુંક ચાલી શકાય તો સારું.
બીજું, કેફીનયુક્ત પીણાં જેવા કે ચા - કોફી કે આલ્કોહોલનું વધુ પડતું સેવન ટાળો. આવા પીણાં તમારી ગાઢ નિંદ્રાને ડિસ્ટર્બ કરે છે. ચા-કોફી-આલ્કોહોલ જેવા કડક પીણાંની આદત હોય તો આ ઉપાય ટ્રાય કરી જૂઓ. આવાં પીણું પીવાની તલપ લાગે ત્યારે પાણી પીઓ. અને પછી જૂઓ - થાક ઘટ્યાની લાગણી તમે અવશ્ય અનુભવશો.
વજન વધુ હોય તો ઘટાડો. તમારું વજન કન્ટ્રોલ કરો. શરીરમાં ચરબી ઓછી હશે તો આપોઆપ સ્ફૂર્તિ અનુભવશો.
દરરોજ સૂવા-ઉઠવામાં, ખાવાપીવામાં સમયપાલન જાળવો, પ્રમાણભાન જાળવો. શરીર-તંત્રનું પણ એક આગવું ઘડિયાળ હોય છે. તેને નિયત સમયે અમુક વસ્તુ મળવી જ જોઇએ - પછી તે ઊંઘ હોય, આરામ હોય કે ભોજન.
તાજેતરમાં મેં બાળઉછેર સંબંધિત ક્ષેત્ર સાથે સંકળાયેલી યંગ માઇન્ડ્સ નામની ચેરિટીનો એક રિપોર્ટ વાંચ્યો. આ સંસ્થાએ નાના બાળકોના માતા-પિતાએ બાળઉછેરમાં કેવી બાબતોની કાળજી રાખવી જોઇએ તે સંદર્ભે કેટલાક સરળ, પરંતુ બહુ ઉપયોગી સૂચન કર્યા છે.
સોફ્ટવેર જાયન્ટ કંપની માઇક્રોસોફ્ટના કોર્પોરેટ અફેર્સ વિભાગના વડા હ્યુ મિલ્વોર્ડને ચાર સંતાન છે. તેઓ કહે છે કે આ સંતાનો વયસ્ક થશે ત્યારે તેમનું ભવિષ્ય શું હશે? તેઓ કેવી કારકિર્દી પસંદ કરશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.
વાચક મિત્રો, યંગ માઇન્ડસે સંતાનોના ઉછેર સંદર્ભે કરેલા કેટલાક સુચનો અહીં રજૂ કરી રહ્યો છુંઃ
• બાળકોને જાતે જ મથવા દો. દરેક વખતે હોમવર્કમાં મદદ કરવા દોડી જવાની જરૂર નથી.
• બાળક જે માગે તે તરત જ પૂરું પાડવામાં થોડોક સંયમ રાખો. ધીરજ રાખો. તેઓ જે માંગે તે તરત મળી જશે તો તેમનામાં ધૈર્યનો ગુણ નહીં કેળવાય.
• બાળકોને ઉપદેશ કરતાં આચરણમાંથી વધુ શીખવા મળે છે. માતા-પિતા કે પરિવારની જીવનશૈલી કે વાણીવર્તનનું નિરીક્ષણ કરીને બાળક દરેક બાબત શીખતું હોય છે. આથી તમારા વાણીવર્તન કે જીવનશૈલીમાં હંમેશા સંયમ જાળવો.
• બાળક એ બાળક જ છે તે વાત સમજો, સ્વીકારો અને અમલ કરો. તેને નાની-મોટી વાતે મોટેરાઓ સાથે સરખાવવાનું વલણ ટાળો.
• બાળકને કંઇક કહેવા પણ દો. અને તેને અન્યની વાત સાંભળવાની પણ તાલીમ આપો.
• બાળકમાં નીતનવા ઉમંગ જાગે, વધુ જાણવાની ઝંખના થાય તે પ્રકારની પ્રવૃત્તિઓમાં તેને સામેલ કરો.
• બાળકને તમારે શિષ્ય કે અનુયાયી બનાવવાનો નથી તે ખાસ યાદ રાખો. તેનું વ્યક્તિત્વ તમારાથી વિભિન્ન બને, વિકસે તેવી સ્વતંત્રતા આપો. તેની આગવી ઓળખ આવશ્યક છે.
• સંતાન સાથે શક્ય તેટલી વધુ વાતચીત કરો. તેને ગમેતેવી, પસંદ પડે તેવી અને તેના જીવનને ઉપયોગી બને તેવી વાતચીત કરતા રહો.
• સંતાનને હોમવર્ક કરાવવા તેની સાથે બેઠા હો અને અભ્યાસ સંબંધિત કોઇ વાતે ગૂંચવાડો થાય તો તેને પૂછવામાં નાનપ નથી.
અને છેલ્લું...
• બાળકમાં આશાવાદ અવશ્ય પ્રગટ થવો જોઇએ, પણ અવાસ્તવિક અપેક્ષા ન રખાવવી કે તે પ્રમાણેના વર્તનને ઉત્તેજન આપવાનો અભિગમ ટાળો.
મિત્રો, આ તો થોડાંક સુચનો વાંચ્યા હતા તો આપની સમક્ષ સાદર કર્યા. મેં ક્યારેય આ કે આવા કોઇ પણ વિષયનો નિષ્ણાત હોવાનો દાવો કર્યો નથી અને કરતો પણ નથી. આ રજૂઆત કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપના સંતાનો હોય કે પૌત્ર-પૌત્રીઓ હોય - તેમના અંગે પણ કંઇક જાણવું, સમજવું, વિચારવું આવશ્યક છે. અંતે તો કૂવામાં હોય તો જ હવાડામાં આવેને?! (ક્રમશઃ)

