સાયબર મેચમેકિંગને પ્રોત્સાહન આપતી રોમકોમ ‘રનિંગ શાદી’

Wednesday 22nd February 2017 06:04 EST
 
 

‘રનિંગ શાદી ડોટ કોમ’ના નામે ચર્ચામાં આવેલી શૂજિત સિરકર નિર્મિત અને અમિત રોય દિગ્દર્શિત રોમકોમ ફિલ્મ ‘રનિંગ શાદી’માં એક બિહારી છોકરા અને એક પંજાબી ગર્લની લવસ્ટોરીને દર્શાવાઈ છે. ફિલ્મ વિશ્લેષકોના મતે આ ફિલ્મનો કોન્સેપ્ટ અને સ્ટોરી એકદમ ફ્રેશ છે.
વાર્તા રે વાર્તા
અમૃતસરની મુખ્ય બજારમાં સિંહસાહેબની સિઝનલ ચીજોની દુકાનમાં મૂળ પટણાનો છોકરો રામભરોસે (અમિત સધ) કામ કરતો હોય છે. તે સિંહસાહેબનો જમણા હાથ જેવો હોય છે. સિંહસાહેબની દીકરી નિમ્રતકૌર ઉર્ફે નિમ્મી (તાપસી પન્નુ)ને રામભરોસે સાથે સારો એવો મેળ હોય છે. રામભરોસે તેને એકતરફી પ્રેમ પણ કરતો હોય છે. જોકે તે નિમ્મીને કંઈ પણ કહે તે એ પહેલાં કહાનીમાં ટ્વિસ્ટ આવે છે અને રામભરોસેને આ નોકરી છોડવાનો વારો આવે છે. નિરાશ રામભરોસેના જીવનમાં સાઈબર નામનો સાથી આવે છે. માર્ક ઝુકરબર્ગ, સ્ટિવ જોબ્સ અને બિલ ગેટ્સ જેવા સાયબર કિંગ્સનો ફેન સરબજિત સિધાના ઉર્ફે સાયબરજિત (અર્શ બાજવા) રામભરોસેની લાઈફમાં આવે છે અને રામભરોસેની એકતરફી લવસ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે. સાઈબરજિત મેચમેકિંગની એક વેબસાઈટ ચલાવતો હોય છે. નિમ્મીએ પોતાના લગ્ન માટે આ વેબસાઈટ પર પોતાની પ્રોફાઈલ મૂકી હોય છે. સાયબર આ પ્રોફાઈલથી રામભરોસે સાથે નિમ્મીનું મેચમેકિંગ કરાવવા માટે રસ્તા શોધે છે. આ દરમિયાન ફિલ્મમાં સરસ કોમેડી વળાંકો આવતા રહે છે.
ભારતીય લોકેશનનો ઉપયોગ
ફિલ્મમાં અમૃતસરથી લઈને ડેલહાઉસી અને પટણાના લોકેશન્સનો સરસ ઉપયોગ કરાયો છે. અમિત સધ અને તાપસીની જોડી જામે છે. તાપસી ફિલ્મમાં પહેલાથી છેલ્લા દૃશ્ય સુધી પંજાબી ગર્લ તરીકે સુંદર લાગે છે. ફિલ્મમાં અર્શ બાજવાનું કેરેક્ટર પણ રસપ્રદ છે.


comments powered by Disqus