એક દીર્ઘ નિઃશ્વાસ સાથે ચંદ્ર બોઝ બારીની બહાર નીકળી રહ્યા. નિબીડ અંધકાર સિવાય ત્યાં કશુ જ અસ્તિત્વ નહોતું. એકાદ ટમટમનો તારલિયો પણ ક્યાં છે? ક્યાં છો, મારા પ્રિય દેશવાસીઓ? અંધાધૂધી અને અરાજકતા સાથેની ભીષણ હત્યાકાંડોથી ડરતા, ધ્રૂજતા, બહાવરા બનેલા તમે... કોની શોધમાં છો? કે પછી બ્રિટિશરોની ધૂર્ત ચાલબાજીને લીધે તમારા નસીબે માત્ર દુવિધા જ આવી છે? દિલ્હી-સિમલાની મંત્રણાઓમાં ભરોસો કેમ નથી? એકબીજાની આંખોમાં ધિક્કાર અને ભયનો ઓથાર કેમ છે? મારા મેજદાદા તમે - બંગભૂમિની ફિકરમાં જ કેમ પડ્યા છો? અને કુટુંબીજનો... ભાઈ - ભત્રીજા - ભત્રીજી... સાથીઓ અને મિત્રો...
એકાંતિક ચંદ્રબોઝનાં ચિત્તમાં હાહાકાર હતો. હતાશાની ક્ષણોમાં આ સ્વાતંત્ર્યવીરની પાસે કેવળ પ્રશ્નાર્થો જ હતા, જેનો કોઈ પ્રત્યુત્તર આપી શકે તેમ નહોતું.
પણ, ત્યાં એક ચહેરો દેખાયો. પ્રિય એમિલી શેન્કલનો. તેની આંગળી પકડીને એક બાળકી આવી રહી હતી.
બન્નેના ચહેરા પર આશાનું સ્મિત હતું. કહેતી હતી એમિલીઃ મારા પ્રિય સુભાષ, તમે જ મને રવીન્દ્રનાથ ટાગોરનું બંગાળી ગીત શીખવાડ્યું હતું ને, વિયેનાની ગલી પાર કરીને આવેલા મકાનના સુંદર ઓરડામાં. હાથ પકડીને તમે ગણગણ્યા હતાઃ
અવસાન હોલો રાતિ
નિવાઇયા ફેલો કાલિમા મલિન
ઘટેર કોણેર વાતિ
નિખિલેર આલો પૂર્વાકાશે
જ્વલિલ પૂણ્યદિને
એક પથે યારા ચલિબે તાહારા
સક્લેરે નિક ચિને
વીતી ચૂકી છે રાત્રિ
કાલિમાના મલિન ખૂણાની.
દીવડાઓને બૂઝાવી દો,
મહા-પ્રભાત પૂર્વાકાશે
ઉદિત થયું સહુજન કાજે.
આલોકિત કરો, પ્રકાશ!
એક જ પથના
પથિક આપણે સૌ...
ચંદ્ર બોઝથી બોલાઈ ગયુંઃ શેન્કલ!
ક્ષણાર્ધમાં બન્ને ચહેરા અદૃશ્ય થઈ ગયા, પણ શ્રમછાવણીની આ નાનકડી જગ્યાએ ચંદ્ર બોઝની આંખોમાં ફરી અગ્નિતણખો જાગી ઊઠ્યો, તેમણે દૃઢતાપૂર્વક સ્વગત ઉચ્ચાર્યુંઃ
‘I am a born optimist and I shall not admit defeat under andy circumstances...’
શિદેઈ ગમગીન હતો, પણ તેણે ચંદ્ર બોઝના ચહેરા પર નજર કરી. ‘તમે રાતે સૂતા નથી?’
ચંદ્ર બોઝે મ્લાન ચહેરે હા પાડી, ‘ના. રાત આખી ‘નોસ્તાલ્જિયા’માં વીતી ગઈ...’ તેમણે ટેબલ પર પડેલી પત્રોની થોકડી તરફ આંગળી ચીંધી.
શિદેઈ સમજી શક્યો. પણ તેની પોતાની ગમગીની બીજી ઘટના માટે હતી.
હમણાં જ તેને ‘રોડ ઓફ બોન્સ’ પર લઈ જવાયો હતો. જોસેફ સ્તાલિનની સૂચના વિના તેમ બનવું શક્ય નહોતું. આ રસ્તો યાકુત્સ્ક સુધીનો હતો. યુદ્ધકેદીઓ અને રશિયન કેદીઓએ મજૂરી કરીને તેનું નિર્માણ કરવાનો આદેશ કર્યો. ‘પંચ વર્ષીય યોજના’ની સફળતા માટે એ જરૂરી હતું તેવું સ્તાલિનનું પ્રવચન બધાંને સંભળાવવામાં આવ્યું અને પછી કામ શરૂ કરવામાં આવ્યું.
મોસ્કોથી ૬૦૦૦ કિલોમીટર દૂરનો આ સમગ્ર વિસ્તાર ‘દુનિયાના સૌથી ઠંડાગાર મુલક’ તરીકે જાણીતો હતો. અહીં રસ્તો બનાવવામાં આવે તો પેટાળમાં રહેલાં પ્લેટોનિયમ અને સુવર્ણનો ભંડાર સરકારને પ્રાપ્ત થાય તેમ છે એ વાત સ્તાલિનના મનમાં બરાબર ઠસી ગઈ એટલે બે લાખ કેદીઓને કામે લગાડાયા. આ કંઈ સામાન્ય કેદી તો હતા નહીં, કોઈ રણભૂમિ પરના બહાદૂર સૈનિકો, કોઈ કવિ, કોઈ એન્જિનિયર, ફિલસૂફ, પત્રકાર... ‘તેમની પાસે કામ લેવું ભારે મુશ્કેલ પડે છે’ એમ શિદેઈને તેના અફસરો સંકેત આપ્યો અને પૂછયુંઃ તમારા મિત્ર ચંદ્ર બોઝ અત્યારે શું કરે છે?
શિદેઈને ગભરાટ થયો. ‘શું કરે છે એટલે? વાંચે છે, લખે છે, વિચારે છે...’
પેલો ખડખડાટ હસી પડ્યો, ‘બસ, આ વિચારવું બંધ થઈ જાય એવું અમારા બોસ ઇચ્છે છે!’
‘બોસ?’
‘હા. એક માત્ર બોસ. જોસેફ સ્તાલિન.’
શિદેઈએ વધુ સવાલ કર્યા નહીં પણ લાગ્યું કે કંઈક નવાં પગલાં લેવાની સૂચના મળી લાગે છે.
ચંદ્ર બોઝે ગમગીન શિદેઈને કહ્યું. ‘પણ સ્તાલિન આપણા સંઘર્ષ કાર્યમાં મુશ્કેલી પેદા કરી શકશે નહીં.’
‘કેમ?’
‘તેને ભારત જેવા મોટા દેશની વિરુદ્ધ જવું પોસાય નહીં...’
શિદેઈએ રસ્તા પરના દૃશ્યો યાદ કર્યાં. લેના નદી, યાકુત્સ્ક છાવણી. કોલ્યામાં હાઇ-વેનું બાંધકામ. કેદીઓ કડકડતી ટાઢમાં ૧૪ કલાક કામ કરે તેવો આદેશ હતો.
યાકુત્સ્કની કેદી છાવણી નંબર ૪૫માં ચંદ્ર બોઝને રાખવામાં આવ્યા હતા, હજુ સુધી તો તેમને કોઈ કામ સોંપવામાં આવ્યું નહોતું, પણ...
‘તેઓ વધુમાં વધુ શું કરી શકશે, શિદેઈ... આ શરીર ભાંગી પડે એટલું જ ને?’ ચંદ્ર બોઝે કહ્યુંઃ
‘હા. અને તેની ભીતર રહેલો આત્મા પણ નષ્ટ થઈ જાય તેવું જ તેઓ ઇચ્છી રહ્યા હોય એમ લાગે છે.’
‘એવું કેમ લાગ્યું?’ ચંદ્ર બોઝે સવાલ કર્યો.
શિદેઈએ ધીમા અવાજે વાત કરી. ‘સ્તાલિનને મળ્યા પછી બાજી બદલાઈ છે. નિકિતા કૃશ્ચોફ અને બીજા માને છે કે ચંદ્ર બોઝને સલામત રાખવા જોઈએ. કોઈ ઇન્સ્ટિટ્યૂટનું કામ કરે અને પાછલી જિંદગી શાંતિથી વીતાવે.
‘તો?’
‘તો, બીજી છાવણી શંકાથી જુએ છે કે બોઝ જાપાનીઝ એજન્ટ બનીને આપણે ત્યાં પ્રવેશ્યા છે. તેમનાં અસ્તિત્વનું જોખમ શા માટે ઊઠાવવું જોઈએ?’
‘અને ચંદ્ર બોઝ, જોસેફ સ્તાલિન વળી કોઈ એક નવી રમત વિચારી રહ્યો છે.’
‘કઈ રમત?’
‘બ્રિટિશ સેનાપતિ ઇચ્છે છે કે ચંદ્ર બોઝ ‘યુદ્ધ અપરાધી’ છે, તેની પૂછપરછ (ઇન્ટ્રોગેશન) માટે અમને સોંપી દેવામાં આવે... અને ચંદ્ર બોઝ, તમે બરાબર જાણો છો કે બ્રિટનનું ‘ઇન્ટ્રોગેશન’ એટલે શું? વિન્સ્ટન ચર્ચિલે આદેશ આપ્યો હતો કે ‘જીવતા યા મરેલા બોઝ’ને પકડી પાડો. લોર્ડ માઉન્ટબેટને મહેનત કરી પણ તમે હાથ ન લાગ્યા એટલે હવે સ્તાલિન તમને ‘યુદ્ધ અપરાધી’ને સોંપી દે તો...’
ચંદ્ર બોઝ વિચારી રહ્યા. તેમણે કહ્યું ‘મને એવી બાતમી મળી છે - આમ તો રશિયન વ્યૂહરચનાની એ જાણીતી પદ્ધતિ છે - કે ભારતમાં ‘ડમી સુભાષ બોઝ’ ઊભા કરવા અને સત્તાધારી પક્ષ તેમ જ પ્રજામાં તેની શી પ્રતિક્રિયા આવે છે તે જાણ્યા પછી આગળનાં પગલાં લેવા...’
‘હા. તેની જ એક લોબીએ એવો પ્રચાર શરૂ કરી દીધો છે કે એડોલ્ફ હિટલર મરાયો નથી. આપઘાત કરનારો તો ‘ડમી હિટલર’ હતો.’
ચંદ્ર બોઝ આવી ગંભીર ચર્ચામાંયે હસી પડ્યા. ‘હા, એ સમયે જો હું ત્યાં હોત તો તેનો હાથ મેળવીને કહી શક્યો હોત કે તે સાચો હિટલર છે કે નહીં!’
શિદેઈ પણ હસી પડ્યોઃ ‘ચંદ્ર બોઝ, યુ આર એ જિનિયસ!’
ચંદ્ર બોઝે બીજી વાત કરીઃ ‘જોસેફ સ્તાલિનને મળીને પાછા ફરતાં તેના કાર્યાલયમાં સ્વેતલાનાને જોઈ હતી.’
‘સ્વેતલાના? સ્તાલિનની પુત્રી?’
‘હા. તે મારી સાથે વાત કરવા માગતી હતી પણ સ્તાલિનના કમાન્ડોએ તેને રોકી હતી... તું જાણે છે, સ્વેતલાના પોતે જ જાલિમ પિતા અને ક્રૂર સામ્યવાદી સરમુખત્યારીથી એકદમ નારાજ છે?’
માંડ વીસેકની હતી સ્તાલિન - કન્યા. પણ જિંદગીના ઝંઝાવાતોએ અને ‘ઇઝમ’ની લોખંડી દિવાલોએ તેને અધિક સંવેદનશીલ બનાવી દીધી હતી. જન્મી હતી, મોસ્કોમાં, ૧૯૨૬ના ફેબ્રુઆરી મહિનામાં. માતાનું નામ નાદેઝ્દા એલ્લિલ્યુવા. ૧૯૩૨માં માતાએ સ્તાલિનના ત્રાસથી આપઘાત કર્યો કે તેને મારી નાખવામાં આવીઃ તે પ્રશ્નાર્થ સ્વેતલાનાના દિલોદિમાગમાં કાયમ રહ્યો. નાજુક મન પર તેની ઘેરી પ્રતિક્રિયા એ થઈ કે તે જ્યારે પિતાની સાથે વાત કરતી ત્યારે નજર સામે ફિક્કા ચહેરાવાળી માતાનો મૃતદેહ દેખાતો. તે સમયે તો તેની વય માંડ સોળ વર્ષની હતી. આંખોમાં સપનાં અને હૃદયમાં ચિત્કાર. હોઠ પર ચૂપકીદી અને ઝંઝાવાતી દિમાગ.
માતા સ્તાલિનના કરતાં બાવીસ વર્ષ મોટી હતી તેના માતાપિતા આંદોલનમાં હતા ત્યારે સ્તાલિનનો પરિચય થયો અને ‘ઓક્ટોબર ક્રાંતિ’ પછી બન્નેના લગ્ન થયાં તેની પહેલા સ્તાલિનને એક્ટેરિના સ્વેન્ડિઝે નામે જ્યોર્જિયન પત્ની હતી, તેનાથી જે સંતાન થયું તે જેકોબ.
...પણ સ્વેતલનાને આ બધા સ્વજનોથી દૂર રાખવામાં આવી. ચાર દિવાલોની વચ્ચે જ તેનો ઉછેર થયો. પછીથી જોસેફની સાથે ગાઢ મૈત્રી થઈ. બન્ને ભાઈબહેન એકલાં પડે ત્યારે સરમુખત્યાર પિતાના વલણનો ધિક્કાર કરતી વાતો કરતા.
૧૯૪૩માં સ્વેતલાનાના અભ્યાસ માટે મોસ્કો યુનિવર્સિટીમાં પ્રબંધ થયો, અને ત્યાં જ તેણે સ્નાતકની ડિગ્રી મેળવી.
જિંદગીના વળાંકે આવીને ઊભી હતી સ્વેતલાના. વિદ્યાર્થી વયે જ તેનાં ગ્રેગરી મોરોઝોવની સાથે લગ્ન થયાં. એ વિદેશનીતિ પર અભ્યાસ કરતી સંસ્થાનો વિદ્યાર્થી હતો... પણ લગ્નનો વિચ્છેદ થયો અને ૧૯૪૫માં જન્મેલા પુત્ર જોસેફને સાથે રાખીને સ્વેતલાના અલગ થઈ. આ લગ્ન વિચ્છેદનું એક કારણ પિતા સ્તાલિન હતો. તેણે આ લગ્નને પસંદ ના કર્યું, તેઓ પડછાયો વિસ્તરતો ગયો, ક્યારેય તેને મળ્યા સિવાય જોસેફ સ્તાલિને બન્નેની આસપાસ ભેદિયા જાસૂસો ગોઠવી દીધા હતા!
સ્વેતલાનાનાં બીજાં લગ્ન ૧૯૪૯માં થયાં, યુરી ઝેદ્નોવની સાથે. તેમાંથી બીજું સંતાન થયું તે અન્દ્રેઈ. એક કન્યા જન્મી તે કેથેરિન... અને પછી છૂટાછેડા.
ચંદ્ર બોઝે શિદેઈને કહ્યુંઃ સ્વેતલાના આ વ્યવસ્થામાં મૂંઝાય છે. તેની ખોજ કોઈ સમજી શક્યું નથી, પિતા સ્તાલિન પણ નહીં. રશિયન ઇતિહાસ પર તે સંશોધન કરે છે. અનુવાદો કર્યા છે. મોસ્કો ચિલ્ડ્રન્સ લિટરેચર પબ્લિશિંગ હાઉસમાં અંગ્રેજીમાંથી અનુવાદિત પુસ્તકો કર્યાં... પણ...
‘પણ શું?’ શિદેઈએ ઉત્સુકતાથી પૂછયું કેમ કે તેને નવાઈ લાગી રહી હતી કે ચંદ્ર બોઝ સ્વેતલાના વિશે શા માટે વાત કરી રહ્યા છે.
તેનો પ્રત્યુત્તર પણ મળી ગયો.
બોઝે કહ્યુંઃ ‘સ્વેતલાનાનાં દિલોદિમાગમાં ભારતભૂમિ છે...’
શિદેઈને નવાઈ લાગી.
બોઝ વિચારી રહ્યા હતા કે સ્વેતલાનાને મળવું. ભારત મુક્તિ સંગ્રામમાં પિતાને તે સાચા રસ્તે દોરવી શકે, કદાચ...
શિદેઈને ભરોસો ન પડ્યો. તે ગણગણ્યોઃ ‘કદાચ..’
તેની આશંકા સાચી હતી. સ્તાલિન સા-વ જુદી માટીમાં ઘડાયેલો હતો. તેને પોતાની સત્તાનાં કેન્દ્રીકરણ સિવાય બીજું ક્યાં સૂઝે તેમ હતું? તે દરેકને પોતાના સંપૂર્ણ અધિકારમાં રાખવા મથતો અને જેમાં થોડીકે ય આશંકા પડે તેને કબ્રસ્તાનમાં ધકેલી દેતો. દરેક વ્યક્તિને પહેલીવાર મળે ત્યારે આશંકાથી જ શરૂઆત કરતો.
તેમાં પત્ની કે પુત્રી કે પૌત્રો પણ બાકાત ના રહ્યા મોસ્કો નજીકના કુંતેઝેવોના વિશાળ પણ વિરાન મકાનમાં સ્તાલિને જિંદગીનાં છેલ્લાં વીસ વર્ષ વીતાવ્યાં. સાઇબિરીયાના કેદીઓ કરતાં પણ તેની માનસિક કેદી અવસ્થા ખતરનાક હતી. ત્યાં જ તેનું મોત થયું, ૧૯૫૩માં. ખરેખર તે સ્વાભાવિક મૃત્યુ હતું કે પછી તેના સાથીદારોએ જ તેનો અંત આણ્યો હતો? તેનો પુત્ર જેકોબ જર્મન-યુદ્ધ સમયે અમેરિકન સૈનિક ટૂકડી સમક્ષ ગોળીએ દેવાયો હતો પણ સ્તાલિનની પાસે બીજી માહિતી એવી હતી કે તે મૃત્યુ પામ્યો નહોતો અને દુનિયાના કોઈ દેશમાં ગૂમનામ જિંદગી વિતાવી રહ્યો છે તેની તપાસ થાય અને પુત્રને પિતાનું મિલન થાય તે પહેલાં તો સ્તાલિને જ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી.
બીજો ભાઈ વેસિલી તો ખુદ રશિયન સરકારે જ કેદી બનાવ્યો કારણ તેણે જણાવ્યું કે મારા પિતાની હત્યા કરાઈ છે. આખી જિંદગી તે જેલમાં સબડતો રહ્યો અને તેની મૃત્યુની ઘડી નજીક આવી ત્યારે છોડવામાં આવ્યો. પછી તે વધુ દિવસ જીવી શક્યો નહીં. તેનાં મોતનું મુખ્ય કારઠણ તે અસીમિત શરાબી હતો તે હતું. રશિયન લોકોને તો તેની યે શંકા રહી કે સ્તાલિન-પુત્રનું અવસાન થયું છે કે ક્યાંક એકાંતિક ગૂમનામ જિંદગી ગાળે છે?
સ્વેતલાનાનો ત્રીજો - પ્રેમ ભારતીય સામ્યવાદી યુવક બ્રજેશ સિંઘ સાથે થયો, તેની સારવાર મોસ્કોની હોસ્પિટલમાં કરવામાં આવી. સ્વેતલાનાનો તેની સાથેનો સંબંધ રશિયન સત્તાધારીઓને જરીકે ય પસંદ નહોતો. યુરોપ, જર્મની, ફ્રાન્સ સુધી ભ્રમણ કરનારો બ્રજેશ સિંહ પુરાણા સામ્યવાદી એમ. એન. રોયનો અનુગામી હતો. રોયે પછીથી સામ્યવાદી પક્ષની સાથે છેડો ફાડીને ભારતમાં રેડિકલ હ્યુમેનિસ્ટ જૂથની સ્થાપના કરી હતી એટલે બ્રિજેશ સિંહનું આયોજન જુદું જ રહ્યું. રશિયન પ્રકાશકની સાથેના ત્રણ વર્ષના કરાર પૂરા થાય કે તુરત લગ્ન કરીને બન્નેએ ભારત, જઈને મહાસરિતા ગંગા કિનારે વસી જવું એવું સપનું! બ્રજેશ સિંહ પોતે ઉત્તર પ્રદેશના રાજઘરાનામાંથી આવતો હતો અને તેના ભત્રીજા દિનેશ સિંઘ ભારત સરકારમાં વિદેશમંત્રી હતા...
પણ સપનાં કંઈ કાયમ થોડાં સાથે રહે? રશિયન રાષ્ટ્ર પ્રમુખ અલેક્સ કોસિજિને ફરમાવ્યું કે એ બન્નેનાં લગ્ન થવાં જોઈએ નહીં. સ્વેતલાના જો પતિની સાથે ભારતમાં જઈને વસવાટ કરે તો?
૩૧ ઓક્ટોબર, ૧૯૬૬ના બ્રજેશે સોવિયેત હોસ્પિટલમાં જ શ્વાસ છોડ્યા અને પછી તેનાં અસ્થિ ગંગામાં પધરાવવા માટે સ્વેતલાના ભારત આવી. વોલ્ગાની કન્યાને ગંગા-કન્યા બનવું હતું, સરકાર દ્વિધામાં રહી, ના પાડી એટલે અમેરિકી રાજદૂત ચેસ્ટર બોલ્સે ૬ માર્ચ, ૧૯૬૭ દિલ્હીથી રોમ, જિનિવા થઈને અમેરિકા પહોંચાડવાની યોજના કરી. નાગરિકત્વ આપ્યું... પ્રિસ્ટોન, ન્યૂ જર્સી, પેંટિગ્ટનના નિવાસ દરમિયાન પુસ્તકો લખ્યાં તે છપાયાં. ‘ટ્વેન્ટી લેટર્સ ટુ અ ફ્રેન્ડ’ અને ‘ફ્રાર અવે મ્યુઝિક’ની ગણના શ્રેષ્ઠ આત્મકથ્ય તરીકે સાહિત્યજગતમાં થઈ. ‘ગ્લાસનોસ્ત’ અને ‘પેરિસ્ટ્રોઇકા’ના ગોર્બાચોવે સરજેલા પરિવર્તન પછી ૧૯૮૪માં રશિયા આવી તો ખરી પણ બે વર્ષ પછી પાછી અમેરિકા ચાલી ગઈ. મોસ્કો - લેનિનગ્રાદની ભૂતકાળની ભૂતાવળોને તે સહન કરી શકે તેમ નહોતું. ૨૦૧૧ની બાવીસમી નવેમ્બરે ‘કોલોન કેન્સર’માં મૃત્યુ પામી ત્યારે પ્રિય પુત્રી ઓલ્ગા તેની પથારી પાસે હતી, તે તેના સ્થપિત અમેરિકન પતિ વિલિયમ વેલ્સી પીટર્સની પુત્રી હતી.
ચંદ્ર બોઝની નજર સામે તો ૧૯૪૫ પછીના દિવસોની સ્વેતલાના જ હતી પણ તેમનું મન કહેતું હતું કે આ સ્વેતલાના રશિયામાં પ્રતિબંધની ગૂંગળામણ વચ્ચે રહી શકશે નહીં... ભાવિના ભેદનું ધૂંધળાપણું તો હતું પણ આવનારા દિવસોના સંકેતો પણ મનોજગત હતા તેમ શિદેઈને ચંદ્ર બોઝના ચહેરા પર લાગ્યું.
ચંદ્ર બોઝે વાતનું સમાપન કર્યું એક કટુ સત્યથી.
‘શિદેઈ, તારે હવે અલગ રસ્તો પસંદ કરી લેવો પડશે..’
‘કેમ? મેં કોઈ ભૂલ કરી? તમારાથી અલગ કઈ રીતે થઈ શકું, ચંદ્ર બોઝ...’ તેના અવાજમાં ભીનાશ હતી. ચંદ્ર બોઝે તેના ખભા પર હાથ મૂક્યોઃ ‘મિત્ર, તેં જે કંઈ કર્યું એ મારા જીવનની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે, અને ભારતીય ઇતિહાસનું ઉજ્જવલ, સમર્પિત પ્રકરણ! કોઈને ય ક્યાં કલ્પના હતી - કે હજુયે હશે - કે આઝાદ હિન્દ ફોઝના નેતાજી વિશ્વયુદ્ધના રક્તરંજિત યુદ્ધમાં, દુશ્મન બ્રિટિશ - અમેરિકી સૈન્યથી બચી જઈ શકશે?’
શિદેઈઃ હા. તમારી આગેકૂચ થાય તેનાથી આ મહાસત્તાઓને હિટલર જેટલો જ ડર લાગતો હતો એટલે તો હિરોશિમા - નાગાસાકી પર તેઓએ અણુબોમ્બ ઝીંક્યો... નહીતર ત્યારે તો જાપાન-જર્મની લગભગ પરાજિત અવસ્થામાં હતું તો શા માટે અણુ-પ્રયોગ કર્યો?
(ક્રમશઃ)

