ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (‘ઇસરો’)એ શબ્દશઃ આસમાનને આંબતી સફળતા હાંસલ કરી છે. ‘ઇસરો’એ ૧૯૭૫માં પહેલો ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ અંતરીક્ષમાં તરતો મૂક્યો ત્યારે તેને લોન્ચીંગ સ્થળે બળદગાડામાં પહોંચાડવામાં આવ્યો હતો. બળદગાડાથી શરૂ થયેલી આ સફર આજે ચાર દસકા બાદ સેટેલાઇટ લોન્ચીંગની સદી સુધી પહોંચી છે. ‘ઇસરો’ના વિજ્ઞાનીઓએ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી)ના માધ્યમથી એકસાથે ૧૦૪ ઉપગ્રહ પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કર્યા છે. આ સાથે જ ભારતે અંતરિક્ષમાં નવો વૈશ્વિક કીર્તિમાન સ્થાપ્યો છે. આ મિશનમાં જે ઉપગ્રહોનું લોન્ચીંગ થયું છે તેમાં ભારતના તો ત્રણ જ છે, આ સિવાય અન્ય ઉપગ્રહો ઇઝરાયલ, અમેરિકા અને યુએઇ જેવા દેશોના છે. સ્વાતંત્ર્યકાળથી લઇને અત્યાર સુધી ભારતમાં અંતરિક્ષ સંશોધન સંબંધિત વિભાગ મોટા ભાગે વડા પ્રધાન કાર્યાલય હસ્તક રહ્યો છે તે વાત પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે ભારતમાં અવકાશ સંશોધનને કેટલું મહત્ત્વ આપવામાં આવે છે.
આ અપૂર્વ સફળતા માટે ‘ઇસરો’ના પ્રમુખ એ. એસ. કિરણ કુમાર સહિત તમામ વૈજ્ઞાનિકો અને કર્મચારીઓ અભિનંદનના હકદાર છે. સ્પષ્ટ છે કે આ વિક્રમ સાથે ભારતે સેટેલાઇટ લોન્ચીંગના વ્યાવસાયિક બજારમાં સિક્કો પાડી દીધો છે. છેલ્લા કેટલા દસકાઓમાં ભારત અંતરિક્ષ બજારમાં ભરોસાપાત્ર સહયોગી બનીને ઉભર્યું છે. ૧૯૯૪થી આ જ સુધીમાં ભારત ૪૦ અંતરિક્ષ અભિયાન સફળતાપૂર્વક પૂરા કરી ચૂક્યું છે. ભારત પોતાનું મિશન હાથ ધરવાની સાથોસાથ અંતરિક્ષ કાર્યક્રમોનો વ્યાવસાયિક ઉપયોગ પણ કરી રહ્યું છે.
અલબત્ત, અંતરિક્ષમાં આ હરણફાળ છતાં લાખ રૂપિયાનો સવાલ એ છે કે શું ભારતનું અંતરિક્ષ અભિયાન દુનિયાના ફ્રાન્સ, બ્રિટન જેવા યુરોપીય દેશો કે પછી રશિયા, ચીન અને અમેરિકા જેવા સ્પર્ધકો સામે ઝીંક ઝીલવા માટે સજ્જ છે? આ પ્રશ્નનો જવાબ ‘જો’ અને ‘તો’ વચ્ચે સમાયેલો છે. કેટલાક નક્કર તથ્યો એવા છે જેની ઉપેક્ષા થઇ શકે તેમ નથી. ભારતે જો ઉપગ્રહ પ્રક્ષેપણ અને સંશોધન ક્ષેત્રે આ દેશોના સમોવડિયા બનવું હશે, દબદબો વધારવો હશે તો ૪૫૦૦-૫૦૦૦ કિલોગ્રામ વજનના ઉપગ્રહોને અંતરિક્ષમાં વધુ ઊંચી ભ્રમણકક્ષામાં સ્થાપવાની ક્ષમતા હાંસલ કર્યા વગર છૂટકો નથી. ભારતે અત્યારે જે ઉપગ્રહોનું લોન્ચીંગ કર્યું છે તેમાંના મોટા ભાગના નાના કદના છે, જેનું સરેરાશ વજન ૧૦૦૦-૨૫૦૦ કિલો છે. વ્યાવસાયિક બજાર મોટા ઉપગ્રહોનું છે, અને તેનું સરેરાશ વજન ચારથી પાંચ હજાર કિલો હોય છે. ભારતે આ ક્ષેત્રે વર્ચસ જમાવવું પડશે. ‘ઇસરો’ પીએસએલવીના પેલોડની ક્ષમતા વધારીને ૫૦૦૦ કિલો કરશે ત્યારે જ એટલી આવક રળી શકશે કે જેથી અભિયાનનો ખર્ચ કાઢી શકાય અને લાભની સ્થિતિમાં આવી જવાય.
૩૦૦ બિલિયન ડોલરના અંતરિક્ષ ઉદ્યોગમાં ફ્રાન્સ અને ચીનના મુકાબલો કરવો હશે તો ભારતે તેનો પોતાનો જીએસએલવી (જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) કાર્યક્રમ સત્વરે પૂરો કરવો પડશે. હાલ ભારત જીએસએલવી એમકે-૨ પર કામ કરી રહ્યું છે. પ્રયોગ સફળ રહ્યો તો ‘ઇસરો’ ૨૦૧૯ સુધીમાં વિવિધ મિશન અંતર્ગત ૫૦૦ વજનદાર ઉપગ્રહ અંતરિક્ષમાં તરતા મૂકવાનું લક્ષ્ય હાંસલ કરશે.
ભારતના અંતરિક્ષ અભિયાનની સફળતાની વિશ્વસ્તરે નોંધ લેવાઇ રહી છે તેનું સૌથી મોટું કારણ એ છે કે ભારત ઓછામાં ઓછા ખર્ચે તેમજ સહિસલામતીપૂર્વક સેટેલાઇટ લોન્ચ કરી રહ્યું છે. અલબત્ત, ચીન, ભારત કરતાં પણ સસ્તા દરે ઉપગ્રહ લોન્ચ કરી રહ્યું છે. ચીનના અંતરિક્ષ અભિયાનનું સંચાલન સેના દ્વારા થાય છે, પરંતુ હવે તે પણ વ્યાવસાયિક દૃષ્ટિકોણથી સ્પેસ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યું છે. તેની પાસે સેટેલાઇટ લોન્ચ કરવાની ક્ષમતા ભારત કરતાં વધુ છે. આમ છતાં આજે સ્થિતિ એવી છે કે કેટલીય ખાનગી કંપનીઓ ભારત પાસે જ ઉપગ્રહ લોન્ચ કરાવી રહી છે કેમ કે ભારતનું લોન્ચર પીએસએલવી ઘણું ભરોસાપાત્ર છે. આમ એક રીતે જોઇએ ભારતે આ ક્ષેત્રે ચીન સામે પડકાર ઉભો કર્યો છે. સંભવતઃ સ્પર્ધાના આ ખતરાના કારણે જ ચીનના પેટમાં તેલ રેડાયું છે. આગામી વર્ષોમાં ભારત અને ચીન વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રે એવી જ સ્પર્ધા જોવા મળી શકે છે જે એક સમયે અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે જોવા મળતી હતી.
