અભિનેતા અક્ષયકુમારે તાજેતરમાં સુકમામાં નકસલવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના ૧૨ જવાનોના પ્રત્યેક પરિવારને નવ લાખ રૂપિયા આપ્યા છે. ૪૯ વર્ષીય અક્ષયે તમામને કુલ ૧.૦૮ કરોડ રૂપિયાની આર્થિક સહાય કરી છે. સીઆરપીએફે ૧૬મીએ ટ્વીટર પર આ માહિતી આપીને ‘એરલિફ્ટ’ના આ જાંબાઝ અભિનેતાના યોગદાનને બિરદાવ્યું હતું અને તેનો આભાર વ્યક્ત કર્યો હતો. સીઆરપીએફના ટ્વીટમાં કહેવાયું હતું કે ‘એક સાચો દેશભક્ત અભિનેતા અક્ષયકુમાર સુકમામાં શહીદ થયેલા ૧૨ જવાનોના પરિવારની મદદે આવ્યો છે અને દરેક પરિવારને નવ-નવ લાખ રૂપિયા આપ્યા છે. સીઆરપીએફ તેના આ ઉદાત્ત કાર્ય માટે તેને સલામ કરે છે.’ ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના સુકમા જિલ્લામાં નકસલવાદીઓએ તાજેતરમાં સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં ૧૨ જવાનો શહીદ થયા હતા.

