ભોળા લોકોને છેતરવા નીતનવા કિમીયા અજમાવતા ઠગ

Wednesday 15th March 2017 08:15 EDT
 
 

લંડનઃ કેટલાંક લેભાગૂ લોકો ભલાભોળા અને નિર્દોષ લોકોને લલચાવીને છેતરપિંડીનો ભોગ બનાવે છે. આ લોકો એટલા ચાલાક હોય છે કે તે નીતનવા પેંતરા અજમાવતા રહે છે. ઘણી વખત તો હોંશિયાર લોકો પણ તેમના ચક્કરમાં ફસાઈને નાણાં ગુમાવે છે. આ ઠગ તમારી પાસે જે રીતે રજૂઆત કરતા હોય છે તેનાથી તમને લાલચ થાય છે. અત્યારે રાતોરાત કમાઈને કરોડોપતિ બનવાની આશા રાખતા લોકો વાસ્તવિકતા સમજી શકતા નથી અને ખૂબ ઝડપથી તેમનો શિકાર બને છે.

ઘણી વખત તો આ ઠગ લોકો તમને ભળતા નામે પત્ર મોકલે. તેમાં તેનું કોઈ યોગ્ય એટલે કે ખાતરી કરી શકાય તેવું નામ - સરનામું જ ન હોય. વળી પાછી તેમાં બન્નેને ફાયદો થાય તેવી બહુ મોટી ડીલની વાત હોય. તે એવું જણાવે કે એક મૃત્યુ પામેલી વ્યક્તિની લાખો રૂપિયા -પાઉન્ડની રકમ ક્લેઈમ કરાયા વિના પડી રહી છે. તમારું નામ તે વ્યક્તિ સાથે ભળતું આવે છે અને તમે ઈચ્છો તો આપણે સાથે મળીને આ રકમ મેળવવાની કાર્યવાહી કરીએ. પછી તે તમને ઈમેલ કરવાનું કહે. તમે ઈમેઈલ મોકલો પછી બીજી વિગતો મંગાવતો જાય. તમે જેમ વિગતો મોકલતા જાવ એમ એની જાળમાં ફસાતા જાવ. ભોગ બન્યા પછી ખોટું થયાનું તમને ભાન થાય પરંતુ, તે વખતે બહુ મોડું થઈ ગયું હોય. ઘણી વખત તો આવા કિસ્સામાં લોકો તેમની જીવનભરની બચતની રકમ પણ ગુમાવતા હોય છે.

ધુતારા લોકો કેટલીક વખત ફોન કે ઈમેલ કરે કે તમને કરોડો રૂપિયા - પાઉન્ડની લોટરી લાગી છે. લાખો લોકોમાંથી તમારું ઈમેલ આઈ ડી પસંદ થયું છે. પછી પાછા આપણી પાસે બધી વિગતો મંગાવે જેમાં આપણા ઈમેલ આઈડીનો પણ સમાવેશ થયો હોય. એની પાસે આપણું ઈમેઈલ આઈ ડી જ ન હોય તો આપણે તેની વાત કેવી રીતે સાચી માનવી જોઈએ ? પરંતુ, દુઃખ એ વાતનું છે કે લાલચુ અને લોભી લોકો આટલી સીધી સાદી વાત પણ સમજી શકતા નથી અને છેતરપિંડીનો ભોગ બને છે.

છેલ્લાં કેટલાય સમયથી ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ આવા ધુતારા તેમજ મંત્ર તંત્ર કરતા તાંત્રિકોની જાળમાં ન ફસાવા સમાજને તાકીદ કરે છે. આવા કિસ્સાઓનો ઉલ્લેખ કરીને લોકોને સતત ચેતતા રહેવા અપીલ કરે છે. બન્ને સાપ્તાહિકો દર વર્ષે હજારો પાઉન્ડની આવક ગુમાવીને આર્થિક નુક્સાન પણ વેઠે છે. પરંતુ, સમાજના કલ્યાણ માટે હંમેશા તત્પર રહેતું ‘એબીપીએલ ગ્રૂપ’ આવા લોકો સામે સમાજને લાલબત્તી ચીંધવાનું કાર્ય નિઃસ્વાર્થ ભાવે સતત કરતું રહ્યું છે અને કરતું રહેશે. સાથે સાથે જરૂર છે વાચકોએ અને દરેક નાગરિકે આવા તત્વોથી જાગૃત રહેવાની.


comments powered by Disqus