વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટન, યુરોપિયન યુનિયન (ઇયુ) અને યુરોપના કેટલાક દેશોમાં રાજકીય પરિપ્રેક્ષ્યમાં એક સાથે જાણે ધરતીકંપ થઇ રહ્યા છે, જ્વાળામુખી ફાટી રહ્યા છે. આ બાબત ભારતવર્ષની સંગીન સ્થિત વિશે આગળ ઉપર રજૂઆત કરું છું.
૨૩ જૂન ૨૦૧૬ના રોજ ‘અંદર કે બહાર’ના રેફરન્ડમ પર માત્ર ત્રણ - ચાર ટકાના ફરકથી યુનાઇટેડ કિંગ્ડમવાસીઓએ યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો. કેટલાક આને ઇયુમાંથી બ્રિટનની ફારગતિ ગણાવે છે તો કેટલાકનો મત વળી જુદો છે. ગયા સપ્તાહે પાર્લામેન્ટમાં વડા પ્રધાન સુશ્રી થેરેસા મેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ માટે ફારગતિ શબ્દ યોગ્ય નથી. આ તો યુરોપિયન યુનિયન સાથેની યુતિને નૂતન સ્વરૂપ આપવા માટેના પ્રક્રિયા છે. મેડમ પ્રાઇમ મિનિસ્ટર ભલે ગમે તે કહે આખરે તો આ ધોતિયું ફાડીને રુમાલ કરવાની જ વાત છે ને!
હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડસ વચ્ચે આ મુદ્દે ગંભીર મતભેદ સપાટી પર આવી રહ્યા છે. હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયેલા સાંસદો આવા પ્રાણપ્રશ્ન વિશે વ્યક્તિગત ઇચ્છા અનુસાર મતદાન કરી શકતા નથી. તેમને પક્ષીય શિસ્ત પાળવી જ પડે છે. હાઉસ ઓફ લોર્ડસે બે વખત યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવા વિશેના પ્રસ્તાવને નકારી કાઢ્યા બાદ અંતે બ્રિટિશ (વણલખ્યા) બંધારણ અનુસાર કોમન્સની ઇચ્છાને માન્યતા આપવી પડી છે.
કોમન્સ અને લોર્ડસ વચ્ચે થાગડથીગડ સંમતિ સધાય જાય તો પણ સ્કોટલેન્ડનો પ્રશ્ન તો ઉભો જ છે. સ્કોટલેન્ડના નેતા સુશ્રી નિકોલા સ્ટર્જન હઠ લઇને બેઠા છે કે સ્કોટિશ મતદારોએ યુરોપિયન યુનિયનમાં રહેવાની તરફેણમાં મતદાન કર્યું છે. જો યુકેને ઇયુમાંથી નીકળી જવું હોય તો ભલે તેમ કરે, અમે તો ઇયુમાં રહેવા માગીએ છીએ, જરૂર પડ્યે સ્કોટલેન્ડ યુકેથી અલગ થઇ જવા પણ તૈયાર છે. આમેય ૨૦૧૪માં સ્વતંત્ર સ્કોટલેન્ડ અંગે ત્યાં જનમત લેવામાં આવ્યો હતો તે વેળા સ્કોટિશ પ્રજાએ યુકેમાં જ રહેવાની તરફેણ કરી હતી. અલબત્ત, યુકેમાં રહેવાની તરફેણ કરનારાઓની સરસાઇ બહુ પાતળી હતી, પરંતુ લોકશાહીમાં તો એક મતે પણ બહુમતી એટલે બહુમતી.
હવે આ પણ આગવું કમઠાણ જ છે. આ જટિલ અવઢવ માટે મડાગાંઠ શબ્દ પણ વાપરી શકાય, પરંતુ આપણે આના કમઠાણ જ કહીએ કેમ કે સ્કોટિશ પાર્લામેન્ટે નક્કી કર્યું છે કે અત્યારે યુકેનો હિસ્સો જ બની રહેવું છે, યુકેમાંથી નીકળી જવું નથી. સાદા શબ્દોમાં કહીએ તો મારા ઘરે જવું નથી ને તારે ઘરે જઇશ નહીં તેવો ઘાટ થયો છે.
૧૮મી સદીથી સ્કોટલેન્ડ ઈંગ્લેન્ડ સાથે જોડાયું તે સમયથી યુનાઇટેડ કિંગ્ડમ અસ્તિત્વમાં આવ્યું છે. માનો કે સ્કોટલેન્ડ યુનાઇટેડ કિંગ્ડમમાંથી છૂટું પડ્યું તો પણ બન્ને વચ્ચે તાલમેળ રહે તેવી કંઇક ગોઠવણ કરવી જ પડે. વેપાર-ઉદ્યોગ ઉપરાંત સ્કોટિશ અને અંગ્રેજ પ્રજા વચ્ચે લોહીનો સંબંધ છે. સંસ્કૃતિમાં પણ ઘણું આદાનપ્રદાન થાય છે. આ તાર્કિક મુદ્દા હોવા છતાં બ્રિટિશ વડા પ્રધાન શ્રીમતી થેરેસા મે અને સ્કોટિશ વડા પ્રધાન શ્રીમતી નિકોલા સ્ટર્જન બન્ને મહિલાઓ છે અને સ્ત્રીહઠ વિશે હું વધારે કંઇ નહીં કહું... હા, આના પરિણામ વિશે જરૂર કહી શકું. આગામી સપ્તાહોમાં, મહિનાઓમાં આ મામલે વધુ જીભાજોડી થાય તો નવાઇ નહીં. અલબત્ત, યુનાઇટેડ કિંગ્ડમ માટે તડજોડ કરવી એ એટલું સરળ નથી.
આમાં પણ વળી ગયા સપ્તાહે યુરોપિયન યુનિયનથી બ્રિટનને એક આદેશ મળ્યો છે કે પશ્ચિમ ઇંગ્લેન્ડના કોર્નવોલ પરગણાના નાગરિકોએ ફરિયાદ કરી છે કે તેમની સાથે પક્ષપાત થઇ રહ્યો છે, ઓરમાયું વર્તન થઇ રહ્યું છે. કોર્નિશ ભાષાને શિક્ષણ કે અન્ય પ્રકારે પ્રાધાન્ય અપાતું નથી. ભેદભાવ દાખવવામાં આવે છે. આમ કોર્નવોલનું ઉંબાડિયું નવું સળગ્યું છે. જોકે આના કરતાં પણ વધુ તાત્કાલિક ધ્યાન આપવું પડે તેવો કટુ પ્રશ્ન છે આઇરિશ ટાપુનો.
દક્ષિણ ભાગે આઇરિશ રિપબ્લિક છે. તો છેક ઉત્તરમાં નોર્ધર્ન આયર્લેન્ડ, યુનાઇટેડ કિંગ્ડમનો ભાગ છે. આપણે જરાક ઇતિહાસના પાન પર નજર નાખી લઇએ.
આશરે ૭૦૦ વર્ષ પહેલાં બ્રિટનની સૌથી પહેલી કોલોની એટલે આયર્લેન્ડ. મુખ્યત્વે કેથલિક ખ્રિસ્તી પ્રજાની વસ્તી હતી. ઈંગ્લેન્ડની લગભગ ૮૦ ટકા વસ્તી પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીની કહેવાય અને પ્રોટેસ્ટંટ તથા કેથલિક સમુદાય વચ્ચે એક જમાનામાં ભારે અશાંતિ પ્રવર્તતી હતી. આયર્લેન્ડમાં કેથલિક પ્રજા અવારનવાર આઝાદી માટે માથું ઊંચકતી હતી. તે સમયે તેમની ઉપર અંકુશ મેળવવા માટે સ્કોટલેન્ડ અને ઉત્તર ઈંગ્લેન્ડમાંથી વ્યવસ્થિત રીતે પ્રોટેસ્ટંટ પ્રજાનું સ્થળાંતર કરવામાં આવ્યું. તે વેળા આ વ્યૂહાત્મક સ્થળાંતર માટે શબ્દ વપરાતો હતો પ્લાન્ટેશન.
૨૦મી સદીની શરૂઆતમાં તો આયર્લેન્ડના કેથલિકોએ ડી વેલેરાના નેતૃત્વમાં સ્વાતંત્ર્ય માટે હિંસક જંગ આદર્યો. ૧૯૧૬માં તે વેળાના ડબ્લીનમાં રોયલ મેઇલની પોસ્ટ ઓફિસ બોમ્બ વિસ્ફોટમાં ઉડાવી દેવામાં આવી હતી. બ્રિટિશ સરકારના લાખ પ્રયાસો છતાં ગ્રેટ બ્રિટનનું વિભાજન થઇને જ રહ્યું. આમ આયર્લેન્ડ બે ભાગમાં વહેંચાયું. દક્ષિણ આયર્લેન્ડનો ૯૦ ટકા કેથલિક વસ્તી ધરાવતો ભાગ આઇરિશ રિપબ્લિક બન્યો. જ્યારે ઉત્તરીય છ કાઉન્ટીને આવરી લેતો અને પ્રોટેસ્ટંટની બહુમતી ધરાવતો પ્રદેશ નોર્ધર્ન આયર્લેન્ડ નામથી અલગ રાજકીય ઘટક બન્યો. ધર્મના ધોરણે તે વેળા વિભાજન થયું. અત્યારે નોર્ધર્ન આયર્લેન્ડમાં આશરે ૧૫ લાખની વસ્તી છે. આમાંથી પાંચેક લાખ કેથલિક છે અને દસેક લાખ પ્રોટેસ્ટંટ છે. ખરેખર તો આ વાક્યમાં ‘છે’ના બદલે ‘હતા’ લખવું જોઇએ. છેલ્લી વસ્તી ગણતરીના આંકડાઓના આધારે હું આમ કહી રહ્યો છું. કેથલિક સંપ્રદાયના લોકો સંતતિ નિયમનમાં માનતા નથી. પરિણામે આ સમુદાયની વસ્તીમાં પ્રમાણમાં ઝડપભેર વધારો નોંધાયો છે.
જોકે વાચક મિત્રો, આપણે આજની સમસ્યાની વાત કરીએ. આઇરિશ રિપબ્લિકે યુરોપિયન યુનિયનમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. અત્યારે બન્ને દેશો વચ્ચે સરહદ નથી. એકબીજાના દેશમાં આવનજાવન, વેપાર-વણજ વગેરે ઉપર કોઇ પણ પ્રકારના અંકુશ નથી. પરંતુ ધારો કે ‘બ્રેક્ઝિટ’ના પગલે પગલે નવી સરહદો અંકાશે તો શું થશે? યુનાઇટેડ કિંગ્ડમ માટે માથાનો મોટો દુઃખાવો સર્જાશે એટલું તો નક્કી છે. એક સરહદ સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે હશે જ્યારે બીજી આયરીશ ટાપુમાં
યુરોપિયન યુનિયન તથા યુ.કે.ના ભવિષ્ય સંદર્ભે અત્યારે સંક્રાંતિ કાળ ચાલી રહ્યો છે તેમ કહી શકાય. કેમ કે ૨૯ માર્ચના દિવસે યુરોપિયન યુનિયન સાથે સંધિની ૫૦મી કલમ અનુસાર અલગ થવાની પ્રક્રિયા બ્રિટન શરૂ કરશે.
૪૫ કરોડનું યુરોપિયન યુનિયન અને સાડા છ કરોડનું બ્રિટન... એ ટુ ઝેડ મોરચે એટલે કે આર્થિકથી માંડીને રાજકીય, આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે અટપટી રીતે એકબીજા સાથે એકસૂત્રે બંધાયેલા છે. તેમાં કરવેરા, આયાત-નિકાસ, જકાત, સ્થળાંતર અને રહેઠાણના પ્રશ્નો જેવી અનેક કૂટનીતિક બાબતો અંગે ઉત્તર-દક્ષિણ ધ્રૂવનો સંબંધ હોય તે સ્વાભાવિક છે.
યુરોપિયન યુનિયને બ્રિટન પાસે છૂટાછેડાના વળતર પેટે ૬૦ બિલિયન પાઉન્ડની માગણી કરી દીધી છે. આ તો કાશીના લાડુ જેવો ઘાટ થયો છે. છૂટાછેડા થાય તો પણ કમ્મરતોડ ફટકો પડે અને ન થાય તો પણ સંબંધ નિભાવવો ભારે પડી જાય.
પતિ - પત્ની વચ્ચેના ડિવોર્સની પીડાજનક પ્રક્રિયા વિશે આપણે સહુ ઓછાવત્તા અંશે વાકેફ છીએ. જ્યારે આ તો સવા છ - સાડા છ કરોડ બ્રિટિશ નાગરિકોનો યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડવાની વાત છે. આને ભલે ફારગતિ ન ગણાવાય અને બીજું કોઇ રૂપકડું નામ આપવામાં આવે, પરંતુ આનાથી વિખૂટા પડવાની પીડા કંઇ ઓછી થઇ જવાની નથી. ઇયુથી વિખૂટા પડવાનું આ દર્દ કેટલું તીવ્ર હશે એ તો સમય જ કહેશે.
યુરોપે છેલ્લા ૪૦ વર્ષમાં કંઇકેટલાય રાષ્ટ્રોના વિભાજન જોયા છે, અને તેની પીડા પણ અનુભવી છે. એક જમાનામાં યુગોસ્લાવિયાના માર્શલ ટીટો, ભારતના પંડિત જવાહરલાલ નેહરુ અને ઇજિપ્તના ગમાલ અબ્દેલ નાસર મિત્રો હતા. માર્શલ ટીટોના નિધન બાદ યુગોસ્લાવિયાની વિઘટન પ્રક્રિયા વધુ વેગવંતી બની. આમાંથી સાત અલગ અલગ દેશો - સ્લોવેનિયા, ક્રોએશિયા, બોસ્નીયા અને હર્ઝેગોવિના, સર્બિયા, મોન્ટેન્ગ્રો અને મેસેડોનિયા અસ્તિત્વમાં આવ્યા. યુગોસ્લાવિયાના વિઘટન વેળા મારામારી અને કાપાકાપી થઇ, યુદ્ધો થયાં, લાખો નિર્દોષોનું રક્ત વહ્યું. આ બધી તાજેતરના વર્ષોની જ - ૨૫-૩૦ વર્ષ પૂર્વેની ઘટના છે.
ભારતના ભાગલા પડ્યા ૧૯૪૭માં. હિન્દુસ્તાનમાંથી પાકિસ્તાન છૂટું પડ્યું. સમયાંતરે પાકિસ્તાનના બે ટુકડા થયા - પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન. પાકિસ્તાનમાંથી વિખૂટા પડતા પૂર્વે બાંગ્લાદેશીઓએ ભારે યાતના સહન કરવી પડી. લાખો હણાયા, માલ-મિલકતને પારાવાર નુકસાન થયું. અત્યારે બાંગ્લાદેશ ઠીકઠીક ઠરીઠામ થયું છે. હવે પાકિસ્તાનમાંથી બલુચિસ્તાન પ્રાંતને છૂટા પડવું છે. વાચક મિત્રો, આપને નવાઇ લાગશે, પરંતુ આ પ્રશ્ન ચીનને પણ નડી રહ્યો છે. સામ્યવાદને નામે સરમુખત્યારશાહી જેવી શાસન પ્રણાલિ ધરાવતો ચીન દેશ આર્થિક સમૃદ્ધ અવશ્ય હશે, પણ ચીનની પ્રજામાં સમરસતાનો અભાવ જોવા મળે છે. તિબેટમાં બૌદ્ધ ધર્મીઓનો પ્રભાવ વધુ છે તો શિન્ઝયાંગમાં મુસ્લિમ સમુદાયની બહુમતી છે. આ પ્રદેશમાં અવારનવાર આતંકી હુમલાની ઘટનાઓ બની રહી છે.
વિશ્વની એકમાત્ર મહાસત્તા અમેરિકાની વાત કરીએ તો આ દેશ ૫૦ રાજ્યોના બનેલો છે. જોકે અહીં એવી ભીતિ સેવાઇ રહી છે કે કેલિફોર્નિયા કે ટેક્સાસ જેવા રાજ્યોનું વસ્તીથી માંડીને રાષ્ટ્રીય ઉત્પાદનમાં જંગી યોગદાન હોવાથી મહાસત્તા કેટલો સમય અખંડિત રહે છે તે સવાલ તો રહેવાનો જ. એક અંદાજ પ્રમાણે અમેરિકાની કુલ વસ્તી ૩૨ કરોડ છે તેની સામે માત્ર કેલિફોનિર્યાની વસ્તી જ આશરે આઠ કરોડ છે. આમાં સમતુલા કઇ રીતે જળવાય?
સહુને સમાન અધિકાર ભલે લોકતંત્રની વિશેષતા ગણાય, પરંતુ આવા કિસ્સામાં દેશના વિકાસમાં વધુ યોગદાન આપનાર પ્રદેશની અપેક્ષા વધુ હોય તે સહજ છે. જોકે આ બાબત એટલી આસાન નથી કે પંખીને પાંખો આવે અને તે માળો છોડીને ઊડી જાય. દેશના વિઘટન સાથે તો ઇતિહાસ, ભૂગોળ ઉપરાંત કરોડો - કરોડો નાગરિકોના સુખ-શાંતિ-સલામતીનો પ્રશ્ન પણ સંકળાયેલો હોય છે.
સદભાગ્યે ભારતવર્ષને આવી કોઇ પીડા કે દર્દની લગાયેર સંભાવના નથી. આ માટે એક નહીં, અનેક કારણ જવાબદાર છે. યુનાઇટેડ કિંગ્ડમ હોય, યુગોસ્લાવિયા હોય કે યુરોપિયન યુનિયન હોય - આ તમામના રાજકીય માળખામાં પાયાની ખોટ છે સંસ્કાર વારસામાં. કોઇ એક રાજકીય લક્ષ્યને સાકાર કરવા માટે રચાયેલા આ દેશો કે સંગઠનોનો ઉદ્દેશ કાગળ પર જ રહી ગયો છે. આ ફરક મકાન અને ઘર વચ્ચેના તફાવત જેટલો છે - આમ જૂઓ તો બહુ નાનો, અને આમ જૂઓ તો બહુ મોટો! એક જ છત નીચે રહેવા છતાં પણ સહુના દિલોદિમાગ અલગ અલગ દિશામાં દોડતા હોય તેવી આ વાત છે. આવા લોકો વચ્ચે ‘આપણે એક છીએ’ની ભાવના ક્યારેય આવતી જ નથી.
આપણો સંસ્કાર-વારસો કંઇકેટલાય મૂલ્યોના આધારે જોડાયેલો છે તેવી ભાવના જો બે દેશ, બે પ્રદેશ કે પછી બે માણસ વચ્ચે ન હોય તો જોડાણમાં તણાવ રહેવાનો જ. યુકે, યુગોસ્લાવિયા કે યુરોપિયન યુનિયન વચ્ચે જોવા મળતા મતભેદોનું કારણ પણ આ જ છે, અને ભારતમાં ભાષા-બોલી-વિચાર-સંસ્કૃતિમાં ભિન્નતા છતાં આવા તણાવપૂર્ણ મતભેદો જોવા નથી મળતા તેનું કારણ પણ આ જ બાબત છે! વિવિધતામાં એકતા એ ભારતમાં વિદ્યમાન છે.
૧૯૫૦માં ભારતનું બંધારણ અમલી બન્યું. તેનું પહેલું જ વાક્ય છે - India that is Bharat... ભારત વર્ષના બંધારણના ઘડવૈયાઓએ પ્રારંભે જ ઘોષણા કરી દીધી છે હજારો વર્ષોથી જેની હાજરી છે તેવા ભારતનું અમે આ બંધારણ ઘડી રહ્યા છીએ.
મૌર્યવંશના આચાર્ય ચાણક્યના માર્ગદર્શનમાં સમ્રાટ ચંદ્રગુપ્તે અખંડ ભારતની મનોકામનાનું સર્જન કર્યું. મહાભારત અને રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ભારતવર્ષના તમામ વિસ્તારોને સહજ રીતે ગૂંથી લેવામાં આવ્યા છે તેમાં ક્યાં કંઇ નવું છે? ભારત વર્ષના આદિ શંકરાચાર્યે તો છેક આઠમી સદીમાં કેરળથી કાશ્મીર, અને દ્વારકાથી જગન્નાથપુરી સહિતના ધર્મસ્થાનકોની પદયાત્રા કરી હતી. મંદિરો સ્થાપ્યા હતા. શૈવ સ્તુતિમાં દ્વાદશ જ્યોર્તિર્લિંગની વાત કરવામાં આવી જ છેને?!
શિવ – શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર
સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ
ઉજ્જયિન્યાં મહાકાલમ ૐકાર મમલેશ્વરમ. ૧
પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ
સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. ૨
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતી તટે
હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તું શિવાલયે. ૩
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયંપ્રાત: પઠેન્નર:
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિય. ૪
વિશ્વના કોઇ પણ દેશમાં વસતા શ્રદ્ધાળુ હિન્દુના મુખેથી સ્નાનવેળા સહજપણે જ સરી પડતો શ્લોક એટલે....
ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી
નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સંનિધિમ કુરુ
(અર્થાત્ હે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી નદીઓ !
તમો સર્વે આ (મારા નાહવાના) પાણીમાં પધારો.)
ભારતવર્ષ એક છે, અખંડ છે. અહીં નદીઓને માતાતુલ્ય સ્થાન મળ્યું છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રગીતમાં ટાંકેલા શબ્દો પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉચ્ચલ બંગા, વિંધ્ય હિમાચલ, યમુના, ગંગા પણ અખંડ ભારતની જ વાત કરે છેને!
ભારતવર્ષની એકતા, અખંડિતતા એ માત્ર પુસ્તકીયો કે માત્ર બંધારણગ્રંથનો વિચાર જ નથી, પરંતુ સૈકાઓ જૂનો વિચાર છે. તમામ વર્ણ, જાતિના લોકોના હૈયે એક જ વિચાર ધબકે છે - હું ભારતીય છું.
વાચક મિત્રો, બીજી પણ એક વાત કરું. ભારતમાંથી હજારો મુસ્લિમો દર વર્ષે પવિત્ર હજયાત્રાએ જાય છે. આ બધા જ ત્યાં હિન્દી તરીકે જ ઓળખાય છે. પછી ભલે તે ગુજરાતમાંથી જતા હોય, પંજાબમાંથી જતા હોય કે કેરળમાંથી જતા હોય. સેંકડો વર્ષોથી ભારત વૈશ્વિક સ્વીકૃતિ ધરાવે છે કેમ કે ભારતવર્ષ એક અને અવિભાજ્ય છે. ભલું થજો ઋષિમુનિઓનું, આપણા સંસ્કૃત સ્તોત્રોનું, કવિઓ-લેખકો-વિચારકો-ધર્મગુરુઓનું કે અનેક ભિન્નતા હોવા છતાં તેમણે વિવિધતામાં એકતા જાળવી રાખી છે. કમનસીબે આવી એકસૂત્રતા યુરોપિયન યુનિયનમાં વિદ્યમાન ન હોવાથી અત્યારની પરિસ્થિતિ પીડાજનક, ચિંતાજનક બની રહી છે.
જય બ્રિટન, જય હિન્દ... આ શબ્દો તો શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારવામાં આવે છે પરંતુ તેના હાર્દમાં કેટલું સત્વ છે, કેટલી સંગીનતા છે તે બાબત વિચાર માગી લે છે. (ક્રમશઃ)
ફારગતિનું સમયપત્રક
• માર્ચ ૨૯ઃ વડા પ્રધાન થેરેસા મે આર્ટીકલ-૫૦ની સ્વીચ દબાવશે. • માર્ચ ૩૧ઃ યુરોપિયન કમિશન ફારગતિ બાબત માર્ગદર્શિકા જાહેર કરશે. • એપ્રિલ ૨૭ કે તે પહેલાં યુરોપિયન યુનિયનના ૨૭ દેશોની શીખર પરિષદમાં આ માર્ગદર્શિકા ઉપર સંમતિ સાધવામાં આવશે. (ઇસ્ટરની રજાઓ અને ફ્રાન્સમાં પ્રમુખપદની ચૂંટણીના કારણે સમયપત્રકમાં ફેરફાર સંભવિત) • શીખર પરિષદ બાદ ૨૪ કલાક પછી યુરોપિયન યુનિયનના ચીફ નેગોશિએટર બ્રિટિશ અને ૨૭ સરકારોને ચર્ચાવિચારણાનો એક ડ્રાફ્ટ મોકલશે. • મે માસના અંતમાં કે જૂનના પ્રારંભે યુરોપિયન યુનિયનના નેગોશિએટર અને બ્રિટન વચ્ચે પહેલી મીટિંગ યોજાશે. જેમાં છૂટાછેડાની શરતો રજૂ કરવામાં આવશે. • પાનખર... આ દરમિયાન બન્ને પક્ષે મુદ્દાસર ચર્ચા અને વેતરણ થશે. • માર્ચ ૨૦૧૯... છૂટાછેડા અમલી બનવાની સંભાવના.

