ડો. સત્યનારાયણ સિંહા સ્પષ્ટ માનતા હતા કે નેતાજીને એક કેદી રૂપે સાઇબીરિયામાં રાખવામાં આવ્યા છે.
સોવિયેત સંઘના અધિકારીઓ અને ભારતનું વિદેશ ખાતુંઃબન્ને જાણે કે અચલાયતન સ્થિતિના હમસફર હતા.
ભારત સરકારના એક મંત્રી યુનુસ સલીમ હતા, યાદ છે? નેહરુ-પરિવારના તે નિકટવર્તી હતા અને યુનુસનો ગૂનેગાર પુત્ર આદિલ શહરયાર અમેરિકાની જેલમાં સજા ભોગવતો હતો ત્યારે શ્રીમતી ગાંધીએ તત્કાલીન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનને, તેમની અમેરિકા યાત્રા દરમિયાન ‘શહરયારને મુક્ત કરવા’નો આગ્રહ કર્યો. શહરયારને છોડી દીધો પણ ઘણો મોડો, રાહુલ ગાંધીના સમય દરમિયાન.
આ શહરયાર તે મોહમ્મદ યુનુસનો પુત્ર અને યુનુસ છેક પંડિત નેહરુના સમયથી નેતાજીના મામલાને સંભાળતા હતા. કેટલાક મહત્ત્વના દસ્તાવેજો - જેમાં નેતાજી વિષયક વિસ્ફોટક સામગ્રી હતી, જે નેહરુને માટે ઘાતક સાબિત થાય તેવી હતી - તે બધું નષ્ટ કરી નાખવામાં આવ્યું.
‘ગ્લાસનોસ્ત’ પછી તો - રશિયામાં જ નેતાજી વિશે સંશોધનની શરૂઆત થઈ ગઈ - જે ભારત સરકારને માટે નકારાત્મક રહી.
૧૯૮૨માં રશિયન પત્રિકા ‘એકો પ્લેટંઈ’, ‘એશિયા એંડ આફ્રિકા ટુડે’, કે.જી.બી.ના કેટલાક દસ્તાવેજો, વગેરેમાં ‘નેતાજી’નું અસ્તિત્વ કેન્દ્રમાં રહ્યું. ૧૯૯૩માં પ્રકાશિત લેખ પ્રમાણે ‘સુભાષચંદ્ર બોઝ ઇંગ્લિશ ઇન્ટેલિજન્સ સર્વિસ MI-6ના પ્રતિનિધિ હતા!’
આવું કહેવું પહેલીવારનું ક્યાં હતું? ભારતીય સામ્યવાદી પક્ષના નેતાઓ તેમને જાપાનના એજન્ટ કહેતા રહ્યા અને રશિયાએ તેમને બ્રિટનના એજન્ટ ગણાવ્યા!
રશિયન કે.જી.બી.ની પાસે આને માટેનું એક કારણ ભગતરામ તલવાર હતો. કીર્તિ કિસાન પાર્ટીનો નેતા. સામ્યવાદી પણ ખરો. સુભાષ બાબુને તેમણે કલકત્તાથી કાબુલની ગુપ્ત યાત્રામાં મદદ કરી હતી. કાબુલથી રશિયા જવાના નેતાજીના ઇરાદા માટે ય તેમણે અને ઉત્તમચંદ મલ્હોત્રાએ મહેનત લીધી.
આ ભગતરામ ક્રોસ - એજન્ટ હતો. રશિયન ગુપ્તચર તંત્રની જેમ બ્રિટિશ ગુપ્તચરીની સાથે ય જોડાયો હતો. કેજીબીએ આ દસ્તાવેજો પરથી એવું તારવ્યું કે નેતાજી પણ અંગ્રેજોની સાથે ભળેલા હતા. નહીંતર જર્મનીથી સુદૂર પૂર્વ એશિયા સુધી નેતાજીએ સબમરીનમાં સમુદ્રયાત્રા કરી તેની ખબર હોવા છતાં બ્રિટિશ સેનાએ તેમના પર બોમ્બ વરસાવીને ખતમ કેમ ના કર્યા?
પણ MI-6ના દસ્તાવેજોમાં સાફ જણાવાયું હતું કે કોલકાતાથી ગૂમ થયા બાદ નેતાજીને ખતમ કરવાની સ્પષ્ટ સૂચના હતી.
‘જેમ્સ બોન્ડ’ને આકાર આપનારા ઇયાન ફ્લેમિંગનો આ કાલ્પનિક સંસાર તેના ભાઈ પીટર ફ્લેમિંગના અનુભવ-ખજાનામાંથી આવ્યો હતો અને આ પીટરે ભારતમાં જીએસઆઇના પ્રમુખ જાસૂસ અધિકારી તરીકેનું કામ કર્યું ત્યારથી ભગતરામ તલવારને તે જાણતો હતો અને તેણે જ કામે લગાડ્યો!
૨૦૦૧માં ગૃહ સચિવ કમલ પાંડેએ એટલે જાહેર કર્યું કે આ તમામ દસ્તાવેજો અને ફાઈલો ખૂલ્લી કરવાથી નેતાજીની છબી ખરડાઈ શકે અને તેને લીધે પ્રજાકીય અસંતોષ પેદા થાય તેમ હોવાથી જાહેર કરાતી નથી.
આ દલીલો ભારત સરકારે ૨૦૧૬માં ફાઈલોને ખુલ્લી કરવાના નિર્ણય લીધો ત્યારે પણ અસ્તિત્વમાં છે.
શું ભારતીય પ્રજા એવી મૂર્ખ છે કે કોઈ દસ્તાવેજોના આધારે તે નેતાજીની પ્રતિમાને ખંડિત કરે? ‘અન્ય દેશો સાથેના રાજનયિક સંબંધોને ખરાબ અસર પહોંચે’ એ વળી બીજી દલીલ છે!
ભારત સરકાર અને રશિયા વચ્ચેના પત્રવ્યવહારની કરામત એ રહી કે નેતાજીનાં સાઇબીરિયામાં હોવાની વાત જદ નેપથ્યે ધકેલાઈ જાય. રશિયા પણ શા માટે ઇચ્છે કે ખરી વાત બહાર આવે? તેમણે જણાવ્યું કે આવી કોઈ માહિતી દસ્તાવેજોમાં નથી.
‘નેતાજી ક્યારેય રશિયા આવ્યા જ નથી.’ એક વધુ પ્રત્યુત્તર. રશિયન ઇતિહાસકાર ર્ગોવનો અભિપ્રાય. ભારતીય રાજદૂત રોનેન સેનનું મંતવ્ય. પ્રણવ મુખરજીનો પત્રકાર સુમન ચટ્ટોપાધ્યાયને લખેલો પત્ર...
ખરી વાત એ રહી કે ડો. પૂર્વી રોય, શોભનલાલ દત્તા, ડો. હરિ વાસુદેવન જેવા ખરા નિષ્ણાતોને રશિયામાં ‘સંશોધન’ કરવા દેવાની વાતમાં રોડાં નાખવામાં આવ્યા. સોવિયેતમાં ભારતીય દૂતાવાસ તેમાં સૌથી અધિક સક્રિય રહ્યું. પૂર્વી રોય તો રશિયન વડા પ્રધાનનાં કાર્યાલય સુધી પહોંચ્યા ત્યારે ૧૯૯૬માં નેતાજી સહિતના ભારતીયો સોવિયેત સંઘની સરહદમાં શા માટે ગૂમ થયા તેની વિગતો એકત્રિત કરવાનો નિર્ણય લેવાયો.
એ નિર્ણયને સક્રીય બનાવવા ભારત સરકારે કશો જ પ્રયત્ન ન કર્યો. પૂર્વી યુરોપ પ્રભાગના સંયુક્ત સચિવ આર. એલ. નારાયણે ‘કેજીબી અંતર્ગતના અભિલેખાગારને તપાસવા નહીં દે’ એમ જાતે જ નક્કી કરી લીધું ‘આપણાથી તેમને એ દસ્તાવેજોની તપાસ માટે કેમ કહી શકાય? તેમણે તો એવા કોઈ પ્રમાણ હોવાની ના પાડી દીધી છે.’ આ બીજો તર્ક. વડા પ્રધાન નરસિંહરાવે ‘ઉચ્ચસ્તરીય’ તપાસ કરવા માટે દૂતાવાસને તો જણાવ્યું પણ એવું કશું થયું નહીં. નારાયણે તો એમ પણ કહ્યું કે કોઈ દેશ બીજા દેશના અભિલેખાગરની તપાસની માંગ કઈ રીતે કરી શકે? કાલ ઊઠીને રશિયન સરકાર આપણા અભિલેખાગારોના દસ્તાવેજો તપાસવા જણાવે તો આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈ જશું!’
તેમને કોણ કહે કે સ્વીડન સરકારે આગ્રહપૂર્વક રશિયન અભિલેખાગારોને પોતાના ગૂમ થયેલા નાગરિક વોલેનબર્ગની માહિતી માટે તપાસવા જણાવ્યું તો તેમને મંજૂરી મળી હતી.
નેતાજીના ૧૯૪૫ પછીના અસ્તિત્વની કહાણી વારંવાર એક યા બીજી રીતે કહેવાતી આવી પણ સરકારે તેની કોઈ તપાસ જ
ન કરી.
આઝાદ હિન્દ સરકારના મંત્રી દેવનાથ દાસના જણાવ્યા પ્રમાણે (આ માહિતી તેમણે ખોસલા તપાસ પંચ સમક્ષ જણાવી હતી.) નેતાજીની બીજાં વિશ્વયુદ્ધ પછીની એકાધિક યોજનાઓમાંની એક ચીનમાં જઈને ભારત-મુક્તિના પ્રયાસોની પણ હતી. માઓ-ત્સે-તુંગના વડા મથક યુનાન સુધી જવાનું તેમાં આયોજન હતું. ૧૯૪૯માં આ અફવાએ જોર પકડ્યું કે નેતાજી ‘લાલ ચીન’માં રહે છે! શરદચંદ્ર બોઝના અખબાર ‘ધ નેશન’માં આ સમાચાર ૭ ઓક્ટોબર, ૧૯૪૯ના દિવસે પહેલા પાને ચમક્યા. મથાળું હતું ‘નેતાજી ઇન રેડ ચાઇના...’ આ અહેવાલ યુનાઇટેડ પ્રેસ ઓફ અમેરિકાને શરતચંદ્ર બોઝે આપેલી મુલાકાત પર આધારિત હતો. તેમણે પત્રકારોને જણાવ્યુંઃ નેતાજી ચીનમાં છે.
‘જો ચીનમાં છે તો ભારત પાછા કેમ નથી ફરતા?’
‘કેમ કે હજુ તે સમય પાક્યો નથી.’
વિદેશ ખાતાંએ આ દાવાને રદિયો આપ્યો પણ જર્મન ન્યૂઝ એજન્સી ‘ઇન્ટરપ્રેસ’માં તો એક લેખ આવ્યોઃ ‘બોઝઃ ધ મેન બિહાઇન્ડ ધ ફ્રન્ટ.’
તેમાં લખ્યું હતું, કે નેતાજી અત્યારે ચીનમાં છે. માઓ-ત્સે-તુંગને મળ્યા છે.
છ વર્ષ પછી આ જ વાત નેતાજીના સહયોગી મુથુ રામલિંગમ્ થેવરે કહીઃ ‘૧૯૪૯ના છેલ્લા દિવસોમાં શરતચંદ્ર બોઝની તબિયત ખરાબ હતી ત્યારે તેમને મળવા ગયો હતો. ૭ ડિસેમ્બરથી દસ દિવસ હું તેમને મળતો રહ્યો. તેમને લાગ્યું કે હવે વધુ દિવસો નથી રહ્યા. ૧૭ ડિસેમ્બરે હું ત્યાંથી ચીન જવા નિકળ્યો. બર્મા થઈને ચીન પહોંચ્યો. જાન્યુઆરીમાં હું ત્યાં નેતાજીને મળ્યો. ઓક્ટોબર, ૧૯૫૦માં હું ભારત પાછો ફર્યો. ભારત સરકાર પણ જાણતી હતી કે નેતાજી ચીનમાં હયાત છે...’
પણ આ માહિતીનાં પ્રમાણો? નેતાજીએ ‘એશિયાટિક લિબરેશન આર્મી’ ઊભી કર્યાનો અહેવાલ પણ આવ્યો, જેમાં ચીન - બર્મા - ઇન્ડોનેશિયા - ફિલીપીનના લોકો સામેલ થયા હતા. શિવ પ્રસાદ નાગ તો ‘લિયૂ પો ચેંગ એન્ડ નેતાજી’ પુસ્તકમાં ત્યાં સુધી લખી ચૂક્યા કે નેતાજી ચીની જનરલ લિયુ પો ચેંગનું નામ ધારણ કરીને ત્યાં રહ્યા હતા! આમાં કપોળકલ્પિત બાબતો વધારે રહી. તેમાં આપવામાં આવેલી તસવીરો વિશ્વસનીય નહોતી. જેવું જાપાને તાઇપેઇ વિમાની મથકની વિમાન-દુર્ઘટનાની તસવીરોનું કર્યું હતું તેવું જ આ પુસ્તકમાં હતું.
પ્રિયદર્શી મુખરજીએ મુખરજી પંચને કહ્યું કે ખરી સઘન તપાસ નાનજિંગના ખ્યાત અભિલેખાગારમાં રહેલા દસ્તાવેજો પરથી થઈ શકે. મુખરજી પોતે જેએનયુમાં ચીન અને દક્ષિણ એશિયા અધ્યયન કેન્દ્રના અધ્યાપક હતા. મુખરજી પંચે આ સૂચનને ગંભીરતાથી લીધું. ચીન અભિલેખાગારનો સંપર્ક કરવા માટે વિદેશ ખાતાને જણાવ્યું. પણ ત્યાંથી જવાબ રાબેતા મુજબનો
જ મળ્યો.
એલિયેટ એરિક્સનના લેખે (નેશનલ રિપબ્લિક, ફેબ્રુઆરી ૧૯૫૪) ચીનવાળી વાતને આગળ ધપાવી! ‘જો નેતાજી કમ્યુનિસ્ટ ચીનમાં કેદી છે તો તેમને ભારત મૂડીવાદી પંજામાંથી મુક્ત કરનારા નેતા તરીકે પ્રસ્તુત શકાય... અને તેમ થાય તો ભારત-ચીન વિરોધ પણ સમાપ્ત થઈ જશે!’
ખરી વાત એ છે કે નેતાજી સામ્યવાદી નહોતા કે ગાંધીવાદી પણ નહોતા. તેમની રગેરગમાં રાષ્ટ્રવાદ હતો અને તે
સ્વામી વિવેકાનંદનાં દર્શન પર આધારિત હતો.
પણ જ્યાં સુધી સંપૂર્ણ તથ્યો બહાર આવે તેવી તપાસ જ ન થાય ત્યારે આવી વિવિધ અટકળોના મથાળાં મળતાં જ રહેવાના! ફૈઝાબાદના ભગવાનજી જ નેતાજી હતા એવું માનનારાઓમાં તો બંગાળમાં સાથીદાર મહિલા ક્રાંતિકાર સુશ્રી લીલા રોય પણ સામેલ થયાં હતાં. જસ્ટિસ મુખરજીએ પોતાના તપાસ-અહેવાલમાં તેમાંથી કેટલીક બાબતોની નોંધ કરી હતી. અશોક ટંડને ગુમનામી બાબા પર પુસ્તક લખ્યું અને ભગવાનજીનાં ‘દેહાવસાન’ પછી તેમની તપાસ કરવાની માગણીએ વધુ જોર પકડ્યું. ગુમનામી બાબાની સાથે દિલીપકુમાર રોય, ત્રૈલોક્યનાથ ચક્રવર્તી, આશુતોષ કાલી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોળવલકર, ડો. સંપૂર્ણાનંદ, પ્રણવ મુખરજી વગેરે પ્રત્યક્ષ-પરોક્ષ પરિચયમાં હતા. ભગવાનજી પોતાને ‘મૃત વ્યક્તિ’ માનતા, શિષ્યો તેમને ‘મહાકાલ’ કહેતા. ‘ઓઇ મહામાનવ આસે’ (મહાપુરુષ આવી રહ્યા છે...) પુસ્તક તેમના ભક્તોએ લખ્યું છે તેમાં નેતાજીએ ‘સાધુ વેશે’ આંતરરાષ્ટ્રીય સ્તરની ઘટનાઓમાં કેવો ભાગ ભજવ્યો અને કેવી ટિપ્પણી કરી તેનું રસપ્રદ આલેખન છે. ભગવાનજીના હસ્તાક્ષરો, તેમની પાસેની ચીજવસ્તુઓ, પુસ્તકો, પત્રો વગેરેથી ઉત્તર પ્રદેશમાં અને કોલકાતાના કેટલાક નેતાજી-પ્રેમીઓમાં દૃઢ માન્યતા ઊભી કરી પરિણામે ઉત્તર પ્રદેશ સરકારે તેની તપાસ કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ વિષ્ણુ સહાય એક તપાસ-સમિતિ પણ નિયુક્ત
કરી છે.
પરંતુ, પ્રશ્નાર્થ એ છે કે સ્વાધીન ભારતમાં, નેતાજી સરખો અગ્નિપુરુષ સામાન્ય સંન્યાસી તરીકે જીવન વીતાવે એ કોઈ પણ રીતે તાર્કિક લાગતું નથી.
-તો પછી નેતાજીની ૧૯૪૫ પછીની જીવનયાત્રાનો અંદાજ કઈ રીતે, ક્યાંથી પ્રાપ્ત કરવો?
૨૦૧૬માં ભારતની કેન્દ્ર સરકારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ૯ મે, ૨૦૧૬ના નેતાજીનો પરિવાર મળ્યો તે પછી, તમામ ફાઇલો de classified કરવાનો નિર્ણય લીધો.
ભારત સરકારનાં ગૃહ અને વિદેશ ખાતાં પાસે નેતાજી વિષયક ૭૦,૦૦૦ પાનાંમાં દસ્તાવેજો પડ્યા છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ૬૪ ફાઇલો ખૂલ્લી કરી. હજુ કેટલીક રહી હોવાનું નિષ્ણાતો જણાવે છે. કેન્દ્ર સરકારે ૨૦૧૬ના અંત સુધીમાં મોટાભાગની ફાઇલો ખૂલ્લી કરી દેવાનું જણાવાયું છે પણ જે ફાઇલો નષ્ટ કરી દેવાઈ તેનું શું?
બીજી મહત્ત્વની વાત એ પણ છે કે રશિયા - જાપાન - ઇંગ્લેન્ડ - અમેરિકામાં કેટલીક ફાઇલોમાં નેતાજીમાં તથ્યો પડ્યાં છે, તે જાણવા માટે ભારત સરકારે પ્રયાસ કરવા જોઈએ.
એક મોટું રહસ્ય લાલ બહાદુર શાસ્ત્રીનાં તાશ્કંદમાં થયેલા મૃત્યુની પૂર્વેનું છે. તાશ્કંદ કરાર થયો ઉઝબેકિસ્તાનના તાશંક્દ નગરમાં. ભારતના વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી, રશિયન વડા એલેક્સી કોસિજીન અને પાકિસ્તાનના રાષ્ટ્ર પ્રમુખ જનરલ અયુબખાનની વચ્ચે આ હસ્તાક્ષરો થયા, તેની તસવીરમાં આ ત્રણેની નજીક એક વ્યક્તિની ઉપસ્થિતિ દેખાય છે. શું તે - સ્તાલિન સમયથી રશિયામાં બંદીજીવન ગાળનારા નેતાજી છે?
નેતાજી-પરિવારનાં રાજ્યશ્રી ચૌધરી, જયંત ચૌધરી અને દેવાશિષ સેનનો દાવો એવો છે કે આ તસવીરને ફોરેન્સિક ફેસ મેકિંગ દ્વારા તપાસવામાં આવી તો મિ. મિલ્લેરના અહેવાલ પ્રમાણે તેમના નાક, કાન, ચહેરો સુભાષબાબુ જેવો જ હતો. બીજી મહત્ત્વની વાત એ છે કે તાશંક્દ કરારના દિવસે શાસ્ત્રીજીએ તેમનાં પત્ની-પુત્રોને નવી દિલ્હી ટેલિફોન પર એવું જણાવ્યું હતું કે ‘દેશ જેને ભૂલી ગયો છે તે આશ્ચર્યની ઓળખ સાથે હું દિલ્હી આવી
રહ્યો છું.’
‘જાન્યુઆરી, ૧૯૬૬ના લાલ બહાદુર શાસ્ત્રીનું ‘હૃદયરોગ’ના હુમલાથી તાશ્કંદમાં જ મૃત્યુ થયું! તે ભારત પાછા ફરી ન શક્યા. તે દિવસની પ્રાપ્ત વિગતો પ્રમાણે મંત્રણા બાદ શાસ્ત્રીજી પોતાના રહેઠાણ - વિલા - પર ચાર વાગે પહોંચ્યા. સાંજે હળવો નાસ્તો કર્યો તે, રશિયા ખાતેના ભારતીય રાજદૂત ટી. એન. કૌલનો રસોઈયો જાન મોહમ્મદે બનાવ્યો હતો. તેની સાથે રશિયન બટલરની ટીમ હતી, તેનો મુખ્ય રસોઈયો એહમદ સાતારોવ પણ હતો.
લાલ બહાદૂર શાસ્ત્રીએ રાતે ૧૧.૩૦ વાગે દૂધનો ગ્લાસ મંગાવ્યો અને દૂધ પીધું પછી સૂઈ ગયા. પરંતુ અજંપો લાગ્યો એટલે ૧.૨૫ રાત્રે જાગી ગયા. તેમનાં ખંડમાં કોઈ ટેલિફોન કે ઇન્ટરકનેકશન નહોતાં! એટલે જાતે બહાર આવીને બાજુના ખંડમાં સ્ટાફને જણાવ્યું કે આપણા ડો. ચુઘને બોલાવો. મને છાતીમાં દુઃખે છે. આર. એન. ચુઘ આવ્યા તો ખરા પણ તેમને બચાવી શક્યા નહીં. તેમણે પણ અંતિમ શબ્દ ‘રામ’ ઉચ્ચાર્યો હતો એવું પ્રત્યક્ષદર્શીઓએ પછીથી જણાવ્યું. ડો. ચુઘની આંખોમાં અશ્રુધારા હતીઃ ‘બાબુજી, આપને હમે - આપકો બચાનેકા - મૌકા નહીં દીયા!’
શું આ ‘અચાનક મૃત્યુ’ નું એ પણ કારણ હતું કે રશિયાને નેતાજી વિશેની વિસ્ફોટક માહિતી ભારત સુધી પહોંચી જાય તેનો ડર હતો? શું કેજીબીની ઇચ્છા નહોતી કે આટલાં વર્ષો રશિયન ‘ગુલાગ’માં ગોંધી રાખવાના સમાચારથી ભારતમાં રશિયા તરફ ધિક્કારની લાગણી પેદા થાય અને ભારત-
રશિયાની વચ્ચેના કૂટનીતિક સંબંધો ખરાબ થઈ જાય તેવી દહેશત હતી?
એ નોંધવા જેવું છે કે છેક સુધી, કેન્દ્ર સરકારના અધિકારીઓ એવું કહેતા આવ્યા છે કે નેતાજી વિશેની ફાઈલો ખૂલી કરવામાં (ડી-ક્લાસિફાઇડ) આવે તો કેટલાક દેશો સાથેના રાજકીય સંબંધો પર ખરાબ અસર પેદા થાય તેમ છે, તેનું કારણ આ તાશ્કંદ - ઘટનામાં પડેલું છે? રશિયન બટલર સાતારોવને કેજીબીની નાઇન્થ ડિરેક્ટરેટ પાંખ ‘તપાસ’ માટે લઈ ગઈ હતી અને તે બટલરે એવું જણાવ્યું કે શાસ્ત્રીજીને ઝેર અપાયાની શંકા છે.’ તે વાત સાચી ખરી?
કુલદીપ નાયરે તેમની આત્મકથામાં કેટલીક વિગતો આપી છે. નાયર લાલ બહાદુર શાસ્ત્રીના વિભાગમાં માહિતીના વિશેષ અધિકારી હતા. તે તાશ્કંદ પણ ગયેલા. તેમણે નોંધ્યું છે કે રાજદૂત ટી. એન. કૌલે લાલબહાદુર શાસ્ત્રી હૃદયરોગથી મર્યાની પ્રેસનોટ લખાવવા મને વારંવાર જણાવ્યું હતું. (ક્રમશઃ)

