વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ વેળાની મારી કોલમ આપણા અમદાવાદ અને લંડનના મારા સમર્પિત સાથીદારોની ફરમાઇશ આધારિત છે. ગયા સપ્તાહના ‘ગુજરાત સમાચાર’માં મેં લંડન આગમનને અડધી સદી થયાનો ઉલ્લેખ કર્યો હતો, તેનું અનુસંધાન એટલે આજની આ કોલમ. મારા સાથીદારો એ જાણવા ઇચ્છતા હતા કે ક્યા મહાનુભાવોના - સવિશેષ પત્રકાર ક્ષેત્રે - પૂણ્ય પ્રતાપે ગુજરાત સમાચાર અને Asian Voice તેમજ આપણા અન્ય પ્રકાશનો પૂરબહાર ખીલ્યા છે, અને જ્ઞાન-સેવાની ફોરમ રેલાવી રહ્યા છે. આવા કેટલાક નામી-અનામી દીવાદાંડી સમાન, કૃપાળુ કે તારણહાર જેવા લોકોનો નામોલ્લેખ કરવાનો અમારી સાપ્તાહિક બેઠકમાં મને આદેશ થયો. આવા મિત્રોની યાદી તૈયાર કરવા બેઠો તો યાદી તો લાંબી થઇ. જરૂરતના સમયે એક યા બીજા પ્રકારે હાથ લંબાવનાર મદદગારો તો હજારો છે, પણ બંદાને બધાના નામ યાદ ન હોય તે સહજ છે. આમ છતાં કાગળ-કલમ લઇને નામ ટપકાવવા બેઠો તો આંકડો ૭૫૦ને તો વટાવી જ ગયો છે... અને યાદી અવિરત આગળ વધી રહી છે. આ નામો મેં મારી નોંધપોથી ટપકાવ્યા છે, જેમની સુમધુર યાદોને હું વારંવાર સંભારતો રહું છું, વાગોળતો રહું છું.
વાચક મિત્રો, આપને જાણીને નવાઇ લાગશે કે ભૂતકાળની આવી સુખદ યાદોને વાગોળવાથી વ્યક્તિની માનસિક સમતુલા અને અમુક અંશે શાલિનતામાં વધારો થાય છે. મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે કે સુખદ પળોના સંસ્મરણો તાજા કરતા રહેવાથી ડિમેન્શિયા જેવી સમસ્યાને ભલે સદંતર અટકાવી ન શકાય તો પણ તેની આગેકૂચને ધીમી તો પાડી જ શકાય છે.
પહેલું સુખ તે જાતે નર્યા એમ કંઇ અમસ્તું નથી કહ્યું. તન - મનના આરોગ્ય ક્ષેત્રે મને બાળવયે ભાદરણમાં વૈદ્યરાજ હિંમતભાઇ સાહેબ અને - ગયા વર્ષે ૯૨ વર્ષની વિદાય થયેલા - તેમના પુત્ર કીકાભાઇ, દારે-સલામમાં ડો. કે. એચ. પટેલ સાહેબ તેમજ ડો. સાગલાણી, લંડનમાં સેન્ટ્રલ મિડલસેક્સ હોસ્પિટલમાં ડાયાબિટીક કન્સલ્ટન્ટ ડો. મેકહાર્ડી યંગ તેમજ અન્ય દાક્તર મિત્રો સર્વશ્રી જયંત ઠક્કર, એન. સી. અમીન, સતીશ પટેલ, નવનીત શાહ, અરવિંદભાઇ સાગલાણી, નવીન ઠક્કર... એવા કંઇકેટલાયે મને ઉપકારવશ કર્યો છે.
મારા માતુશ્રી પૂ. કમળાબાએ સહજભાવે સૂચવેલા ઘરગથ્થુ ઉપચારો તો કેમ વિસરાય? ડોસીમાનું વૈદું તરીકે ઓળખાતા આ હાથવગા ઉપચારોએ આજે પણ મારા સ્વાસ્થ્યને ટકોરાબંધ રાખ્યું છે. હું એલોપથી ટ્રીટમેન્ટ ટાળું છું એવું નહીં, પણ સામાન્ય શારીરિક વ્યાધિના નિવારણ માટે મારી પ્રાથમિક્તા હંમેશા આવા ઉપચારો રહ્યા છે. આ બધા ઉપરાંત આરોગ્ય સંબંધિત લેખો-અહેવાલોનું વાંચન પણ હંમેશા મારા રસનો વિષય રહ્યા છે.
ખેર, આ તો થઇ મારી શારીરિક આધિ-વ્યાધિના ઉપચારની વાત... પણ પ્રકાશન ક્ષેત્રે કોઇ નાની-મોટી વ્યાધિ-ઉપાધિ આવી પડી હોય ત્યારે શું બન્યું છે? આ સમયે પણ મને હંમેશા સમયસર, અને અસરકારક મદદ મળી જ છે. આવા મદદગારોની યાદી તો બહુ લાંબી થાય તેમ છે, પણ કેટલાક વ્યક્તિવિશેષોની એક ઝાંખી રજૂ કરું છું.
સીત્તેરના દસકાની વાત છે. તે સમયે આપણે ત્યાં પૂ. સુખલાલકાકા નામના ૭૦ વર્ષના વડીલ ગુજરાતી કમ્પોઝીટર તરીકે કાર્યરત હતા. તેઓ એકમાત્ર કમ્પોઝીટર. ૧૯૭૭માં લંડનમાં બહુ સ્નો પડ્યો હતો. તેઓ આપણા કાર્યાલયે પહોંચવા ઘરેથી નીકળ્યા ને પગ લપસી પડ્યો. હાથમાં ફ્રેક્ચર. કાર્યાલયમાં સહુને ચિંતા થઇ ગઇ - સુખલાલકાકાની તબિયત માટે અને ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશન માટે. હવે શું?
મને લેસ્ટર સનાતન મંદિર સાથે સંકળાયેલા રમણભાઇ પટેલ નામના મુરબ્બી યાદ આવી ગયા. મોતી જેવા સરસ અક્ષર. મેં તેમની મદદ માટે સંપર્ક કર્યો. તેઓ મેટર લખી આપવા તૈયાર થઇ ગયા. સુખલાલકાકાનો સંપર્ક કર્યો ને જણાવ્યું કે વ્યાધિ નહીં કરતાં, કમ્પોઝીંગનું કામ થઇ જશે. રમણભાઇ સાથે થયેલી વાતચીત જણાવી. પણ સુખલાલકાકા જેમનું નામ - કોઇને અસુખ થાય તેવું સપનામાંય ન વિચારે. વડીલે મને ઘઘલાવ્યો. ‘શું સીબી તમેય... મને પ્લાસ્ટર ડાબા હાથે થયું છે, જમણો હાથ તો ઓલરાઇટ જ છેને?! કોઇની સાથે કમ્પોઝીંગનું મેટર મોકલો, બ્લોક-બીબાં સાથે ટ્રે મોકલો. મેટર હું જ કમ્પોઝ કરીશ, આપણું કામ અટકવા નહીં દઉં...’
સુખલાલકાકાએ બોલ્યા શબ્દો પાળ્યા. મારા સાથીદારો પણ કેવા... ચિઝિકથી હેરો અવરજવર કરે અને કમ્પોઝ મેટર આપી આવે - લઇ આવે. ‘ગુજરાત સમાચાર’ સમયસર પ્રકાશિત થઇ ગયું ત્યારે સહુએ હાશકારો અનુભવ્યો.
આવા જ બીજા નિઃસ્વાર્થ મદદગાર એટલે લીડ્સમાં મળી ગયેલા ડી. એન. પટેલ નામે દયાળજીભાઇ. એક વખત મળી ગયા. અલપઝલપ પરિચય. તેમને સામેથી ઓફર કરી કે દર વીકે મને ‘ગુજરાત સમાચાર’ અને New Lifeની (આજના Asian Voiceનું પૂરોગામી) ૨૫૦-૩૦૦ કોપી મોકલી આપો. હું ઘરે ઘરે જઇને વેચાણ કરીશ. વાચક મિત્રો, સાચું કહું તો મને આ આયોજનની સફળતા વિશે શંકા હતી, ડી.એન.નો આગ્રહભર્યો ઉત્સાહ જોઇને હું ઇન્કાર ન કરી શક્યો. તેમને કોપી મોકલવાનું શરૂ કર્યું. દર વીકે તેમને નિયમિત પાર્સલ જાય અને દર વીકે તેઓ પણ એટલી જ નિયમિતતાથી આપના જેવા વાચકો સુધી કોપી પહોંચાડીને કાર્યાલયમાં નાણાં કરાવી દે. બેમાંથી એક પણ પક્ષે ચૂક નહીં. ફોન પર વાતચીત થાય, પણ રૂબરૂ કોઇ સંપર્ક નહીં.
સાપ્તાહિક નિયમ અનુસાર શુક્રવારે હું અને મારા કઝિન નરેન્દ્રભાઇ જનસંપર્ક માટે નીકળ્યા હતા. અમે લેસ્ટરમાં હતા અને એક કાર્યક્રમ માટે બ્રેડફર્ડ પહોંચવાનું હતું. લીડ્સમાંથી પસાર થયા અને અમને વિચાર આવી ગયો ચાલોને, દયાળજીભાઇને હાઉકલી કરતા જઇએ. તેમના ઘરે પહોંચ્યા. તેમના મિતભાષી જીવનસાથીએ (મિત્રો, માફ કરજો, બહેનનું નામ ભૂલાઇ ગયું છે...) અમને આવકાર્યાને કહ્યું કે ડી.એન. તો પાર્સલ લઇને નીકળી ગયા છે. ત્યારે કંઇ મોબાઇલ તો હતા નહીં.... પૂછ્યું - હવે ક્યાં મળે? તો કહે આટલા વાગ્યે આ વિસ્તારમાં પહોંચવા જોઇએ.
અમે ગાડી મારી મૂકી. બહેને જણાવ્યું હતું તે વિસ્તારમાં જઇ પહોંચ્યા. અને જોયું તો અચંબિત થઇ ગયા. દુનિયામાં ભાગ્યે જ કોઇએ આવા અખબાર વિતરક જોયા હશે. હાથમાં ભારેખમ પાર્સલ અને હોઠ પર ભજનનો લલકાર. વડીલ દરેક રાહદારીને મળતા હતા અને ગુજરાતીને ‘ગુજરાત સમાચાર’ વિશે અને એશિયન કે ભારતીયને New Life વિશે જણાવે - સમજાવે. કોપી ખરીદવા અનુરોધ કરે. હું તો જઇને દયાળજીભાઇને ભેટી પડ્યો. મેં તેમને કહ્યું કે તમે અમારા માટે બહુ કષ્ટ ઉઠાવો છો. તમારો આભાર માનું તેટલો ઓછો છે... પણ દયાળજીભાઇની ઉદારતા જૂઓ. મને સામું કહે, ‘અરે, સી.બી. આ તો ભગવાનનું કામ છે. સાંજ પડ્યે તમારી બધી કોપી વેંચાય જાય છે. મને હરવાફરવા મળી જાય છે. અને લોકોને પેપર મળી જાય છે. ત્રિવેણીસંગમ. મારું, તમારું અને લોકોનું - ત્રણેયના કામ થાય છે. અને આખા રસ્તે ભજનની સરવાણી વહે તે નફામાં.
મિત્રો, હું તો દયાળજીભાઇને દયાળુ મદદગાર જ ગણાવીશ. તમે આવા ઉમદા વ્યક્તિત્વને શું કહેવાનું પસંદ કરશો?
અખબારની પ્રોડક્શન લાઇનની વાત થઇ, વિતરણની વાત થઇ અને હવે ‘મૂળિયા’ની વાત. કૂવામાં જ પાણી નહીં હોય તો હવાડામાં આવશે ક્યાંથી? મને પત્રકારત્વ જ ન આવડતું હોત તો? મને આ ક્ષેત્રનું પાયાનું જ્ઞાન આપ્યું પ્રોફેસર ઇશ્વરભાઇ જે. પટેલ સાહેબે. લોકો તેમને પ્રેમથી આઇ. જે. પટેલના નામે ઓળખે. એક સમયે આણંદની ડી. એન. પટેલ હાઇસ્કૂલના હેડ માસ્તર એવા પટેલ સાહેબે સમયાંતરે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં અને વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો.
’૭૮ની આસપાસ પટેલ સાહેબ લંડનસ્થિત તેમના વેવાઇ ભગુકાકાને ત્યાં પધાર્યા હતા. તેમને ગુજરાતી ભાષા-સાહિત્યના જતન-સંવર્ધનમાં રસ આથી ભગુકાકા તેમને આપણા કાર્યાલયે લઇ આવ્યા હતા. હું કોઇ લેખ કે સમાચાર અહેવાલ લખવા માટે મથી રહ્યો હતો. આ ઊંચા ગજાના વિદ્વાને બહુ નમ્રતાપૂર્વક કેટલાક સૂચનો કર્યા. કોલેજકાળ વેળા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સાથે બીએની ડિગ્રી મેળવનાર પટેલસાહેબની ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ઉપર પણ સારી પકડ. જેટલું સરસ ગુજરાતી લખી-બોલી જાણે એટલું જ ફાંકડું અંગ્રેજી પણ લખી-બોલી જાણે. કોઇ સરકારી હોદ્દો સંભાળે તો તગડો દરમાયો મળે તેમ હતું, પણ ગાંધીજીના આદેશનું પાલન કરીને ડી. એન. હાઇસ્કૂલમાં જોડાયા. તેમના લઘુબંઘુ એટલે વિઠ્ઠલભાઇ સાહેબ. આપનામાંથી ઘણા લોકો મધ્ય ગુજરાતની આ બંધુબેલડીના નામથી પરિચિત હશે. બન્ને ભાઇઓએ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપ્યું છે.
પૂ. ઇશ્વરભાઇ કાર્યાલયે બે-ત્રણ કલાક આવે અને મને વિવિધ પ્રકારે સલાહ-સૂચન માર્ગદર્શન આપતા રહે. ઉપરાંત ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો વિશે જાણકારી આપીને મારામાં જ્ઞાનનું સિંચન કરતા રહે. આજે એબીપીએલ ગ્રૂપ અડીખમ ઊભું છે, તેની સફળતાના મૂળિયા ઊંડા છે કારણ કે તેની માવજત પટેલસાહેબના હાથે થઇ છે. હું આજે પણ પટેલસાહેબને પત્રકારત્વ ક્ષેત્રે મારા ગુરુ ગણાવું છું.
કંઇ કેટલાય લેખકો, પત્રકારો, કવિઓ, કલાકારો, વિતરકો, જાહેરાત આપનારાઓ અને અપાવનારાઓનું અમારી સફળતામાં મૂલ્યવાન પ્રદાન છે. કેટકેટલાના નામ લખું? એક યા બીજા સ્વરૂપે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે હંમેશા પરમ કૃપાળુ પરમાત્મા એક યા બીજા સ્વરૂપે મદદગાર મોકલતા રહ્યા છે તેને હું મારું સદભાગ્ય ગણું છું. આપના જેવા પૂણ્યશાળી વડીલો - શુભેચ્છકોના આશીર્વાદ સમજું છું.
આજથી ૨૦-૨૫ વર્ષ પૂર્વેની વાત છે. હું ભારે આર્થિક સંકટમાં ફસાયો હતો. અસ્ક્યામત તો ઘણી હતી, વ્યાવસાયિક મોરચે રોકડ પ્રવાહ ખોરવાયો હતો. ફાઇનાન્સિયલ રિસ્ટ્રક્ચરીંગ હાથ ધર્યું. કુલ્લે ૬.૭૫ લાખ પાઉન્ડ જેવી જંગી રોકડની જરૂર હતી, અને તે પણ અનસિક્યોર્ડ. ગૂંચવાયો હતો કે આ ગંગુ તેલીને આટલા નાણાં આપશે કોણ? પરંતુ પે’લા હિન્દી ગીતમાં કહેવાયું છેને જિસકા કોઇ નહીં ઉસકા તો ખુદા હૈ યારોં... મિત્રો - શુભેચ્છકો મદદે આવ્યા. સાતેક કૃપાળુ મળી ગયા. મારી શાખ ઉપર, મારા વ્યાવસાયિક મૂલ્યો પર, મારા સામાજિક પ્રતિબદ્ધતામાં ભરપૂર ભરોસો ધરાવતા આ મહાનુભાવોએ કોઇ પણ જાતની ગેરન્ટી કે લખાણ વગર જરૂરી નાણાં ધીર્યા. અને તે પણ એકેય પેનીના વ્યાજ વગર. આગોતરા આર્થિક આયોજનને અનુસરીને મેં પણ તેમને ત્રણેક મહિનામાં દૂધે ધોઇને નાણાં પરત કરી દીધા. આવા ઉદારમના સમર્થકો બહુ ઓછા નસીબદારને મળતા હોય છે.
સાપ્તાહિક વિચાર વિનિમય દરમિયાન કિશોરભાઇ, કોકિલાબહેન અને જ્યોત્સનાબહેન કે જેઓ અનુક્રમે ૩૫, ૩૩ અને ૩૩ વર્ષોથી આપણા પ્રકાશનો સાથે જોડાયેલા છે તેમણે વાતવાતમાં ધ્યાન દોર્યું કે આપણે - ‘ગુજરાત સમાચાર’એ અનેક લોકઆંદોલનો દ્વારા સમુદાયના પ્રશ્નોને વાચા આપી છે, તેનો ઉકેલ શોધ્યો છે તેની નોંધ પણ લેવી જ રહી. આપણે જ્યારે જ્યારે અવાજ ઉઠાવ્યો છે ત્યારે ત્યારે લોકોએ આપણને સાથ આપ્યો છે.
એબીપીએલ ગ્રૂપના દસકાઓ જૂના સાથીદારોની વાત તો સાચી... અમદાવાદ-લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ હોય કે હરેકૃષ્ણ મંદિર આંદોલન હોય, હોંગ કોંગના ભારતીયોનો પ્રશ્ન હોય કે બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાયના હિતો સાથે સંકળાયેલા ઇમિગ્રેશન બિલ કે નેશનાલિટી બિલનો વિરોધ હોય - ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceએ વિપરિત સંજોગો છતાં ક્યારેય ભારતીય સમુદાયનો સાથ છોડ્યો નથી. ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceએ કંઈ કેટલાય કેટલા પીટિશન કેમ્પેઇન ચલાવ્યા છે. જેમાં હજારો લોકો સ્વેચ્છાએ જોડાયા હતા. એબીપીએલ ગ્રૂપના પ્રકાશનોએ હંમેશા લોકોની લાગણીને અવાજ આપ્યો છે તો જનતાએ પણ એબીપીએલ ગ્રૂપની હાકલને એટલો જ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે.
૧૪ માર્ચ ૧૯૯૪નો દિવસ બ્રિટનવાસી હિંદુ ભારતીય સમુદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. વોટફર્ડ નજીક આવેલા હરેકૃષ્ણ મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ કરવા સરકારી આદેશ થયો. ચળવળ શરૂ થઇ. એબીપીએલ ગ્રૂપે નેતૃત્વ સંભાળ્યું. હાકલ થઇ ને બુધવાર જેવા કામકાજના દિવસે ૩૫ હજારથી વધુ ભારતીયો સરઘસ-રેલીમાં ઉમટી પડ્યા. પાર્લામેન્ટને ઘેરાવ કર્યો અને પછીનો ઇતિહાસનો સહુ કોઇ જાણે છે. એબીપીએલ ગ્રૂપે અન્ય સંસ્થાઓના સહકાર સાથે ચલાવેલી આ ચળવળને લોકોનો સાથ જ ન મળ્યો હોત તો?
વાચક મિત્રો, હું અંગત રીતે માનું છું કે ‘ગુજરાત સમાચાર’ માત્ર અખબાર નથી, પણ સમાજનું સેવક છે, પ્રહરી છે, છડીદાર છે. આપ સહુ અમને બિરદાવતા રહો છો, પ્રોત્સાહિત કરતા રહો છે અને લાગણી વરસાવતા રહો છો તેને અમારું સદભાગ્ય સમજું છું, પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા સમજું છું. વીતેલા અરસામાં આપનો જે પ્રેમ-સહકાર મળતા રહ્યા છે તેવા જ ભવિષ્યમાં મળતા રહેશે તેવી અપેક્ષા સહ... (ક્રમશઃ)

