જોગ સંજોગ

વિનુ સચાણિયા ગજજર Thursday 23rd November 2017 04:32 EST
 
 

અમારા એક જ્ઞાતિ મિત્ર રાહુલ ગજજર સચાણિયા. ગુજરાત સરકારના એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર, નેહરુ સેન્ટરમાં એક એક્ઝિબિશન ગુજરાતમાં વડોદરા, પાવાગઢ અને ચાંપાનેરમાં આવેલ બ્રિટિશ સ્થાપત્ય ઇમારતોના ફોટોગ્રાફ્સનું રાખવામાં આવ્યું હતું. પ્રકાશક-તંત્રી સી. બી. પટેલે આ એક્ઝિબિશન ૩૦ ઓકટોબરના રોજ ખુલ્લું મૂક્યું અને બહુ રસપૂર્વક નિહાળ્યું. તેઓ વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ભણતા ત્યારે વડોદરાથી પાવાગઢ સાયકલ પર ઘણી વાર ફરવા જતા હતા, પણ બાજુમાં આવેલા ચાંપાનેરમાં ઐતિહાસિક ઈમારતોનો કોઈ ખ્યાલ જ ન હતો જે તેમણે આ એક્ઝિબિશનમાં નિહાળ્યો અને તેમના ફોટોગ્રાફ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા.
સી.બી.એ રાહુલ ગજજરની ફોટાગ્રાફી કળાનો અન્યોને લાભ મળે તે માટે રાહુલ ગજજરને લંડનમાં એક વર્કશોપ કરવા અનુરોધ કર્યો જે રાહુલે સ્વીકાર્યો સી.બી.એ હેરોના સંગત હોલમાં જગ્યાની વ્યવસ્થા પણ કરી આપી. સાથે સાથે આ અહેવાલો ‘ગુજરાત સમાચાર’માં કમલ રાવ અને કોકીલાબેને જહેમત ઉઠાવી પ્રકાશિત કર્યા. રાહુલભાઇએ આ સ્થાપત્ય ઇમારતોની ઐતિહાસિક કળાની આકૃતિને ઘરેણાં અને સાડીમાં ઉતારી વેચાણમાં મુકેલ છે. જે આપ
en-gb.facebook.com/RahulGajjarPhotography/ અથવા www.rahulgajjarphotography.com વેબસાઇટ પર જોઈ શકશો.
૧૧ નવેમ્બરના રોજ સંગત હોલમાં રાહુલભાઈ ગજજરનું ફોટોગાફીનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં વર્કશોપનો અહેવાલ પ્રકાશિત થયો અને તેમાં જણાવાયું હતું કે કોઈને કોઈ પ્રશ્ન કે વધુ માહિતિ જોઇતી હોય તો મારો (વિનુ સચાણિયાનો) ફોન પર સંપર્ક કરી શકે છે. એક બહેનનો ફોન મારા પર આવ્યો અને મને કહ્યું કે ‘આ એક્ઝિબિશનમાં તેમના માતા પૂજ્ય નર્મદાબહેન વાલંભીયા (ભોવાન) આવવા માગે છે કે જેઓ સંગત હોલની બાજુ માં જ કાઉન્સિલના હોમમાં રહે છે. આ પ્રદશર્ન જોવા તમે તેમને લઈ જશો?’ આ બહેન (પ્રવિણાબહેન દીપકભાઇ વડગામા)ના માતાને આ પહેલાં હું મળવા પણ ગયેલો. મેં તેમને જણાવ્યું હતું કે હું પ્રયત્ન કરીશ. ૧૧ નવેમ્બરે એક્ઝિબિશન શરૂ થાય તે પહેલાં હું નર્મદાબહેનને તેડવા ગયો તો તેઓ ખૂબ જ ભાવવિભોર થઇ ગયા પરંતુ પોતાની અશકિતના કારણે હું આવી શકીશ નહીં તેવી પોતાની લાચારી વ્યક્ત કરી. સાથોસાથ મને વિનંતી કરી કે તમે એક્ઝિબિશન બાદ જરૂર મળવા પાછા આવજો અને સી.બી. પટેલ અને રાહુલ સચાણિયા ગજજરને જરૂર લેતા આવજો.
રાહુલભાઈનો ફોટોગ્રાફી વર્કશોપ ચાલુ થયો. વર્કશોપમાં રાહુલભાઇએ ફોટોગ્રાફી અને તેને કેવી રીતે કેમેરામાં કંડારવી તેમજ કેમ ક્લિક કરી ફોટોગ્રાફી કરવી તે પ્રોજેકટર કોમ્યુટર દ્વારા સમજણ આપી.
વર્કશોપ પૂરો થયા બાદ સી.બી. પટેલ અને રાહુલભાઇ ગજજરને પૂજય નર્મદાબહેન નથુભાઈ ભોવાન વાલંભીઆ (મૂળ ગામ મોડપર, જ્ઞાતિએ ગુર્જર સુતાર)ની વિનંતી બાબતે જણાવતાં તેમણે કહ્યું, ‘ચાલો ભગવાનને ગમે તેવું કામ કરી આવીએ.’ અમો નર્મદાબહેનને મળવા ગયા.
સી.બી.ને જોતાં નર્મદાબહેન ખૂબ જ ભાવવિભોર થઈ ગયા. તેમની આંખમાં આંસુ આવી ગયા. નર્મદાબહેનનો ભાવવિભોર આત્મીય આવકાર અને ‘ગુજરાત સમાચાર’ના એક વયોવૃદ્ધ વાચકનો પોતાના પ્રત્યેનો આદર જોઈ સી.બી. ગદગદ થઇ ગયા. માતાને પગે લાગ્યા અને બોલ્યા કે તમારો હાથ મારા મસ્તક ઉપર મૂકો! તમે મને આશીર્વાદ આપો અને નર્મદાબહેને પોતાનો હાથ જેવો સી.બી.ના મસ્તક ઉપર મુક્યો કે સી.બી.ની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. નર્મદાબહેન મારો પણ આભાર માનવા લાગ્યા કે વિનુભાઇ તમોએ સારું કર્યું કે આમને અહીં લઈ આવ્યા. નર્મદાબહેનના યુવાન પુત્ર રશ્મિનું આફ્રિકાના અરુશા શહેરમાં તાજેતરમાં જ અવસાન થયું હોવાનું જાણીને સી.બી.એ તેમને આશ્વાસન આપ્યું હતું. પોતાના પુત્રના અવસાનની પીડા માતાને કેવી હોય તે કહેવાની જરૂર ખરી? આ મુલાકાતે અમને હેમંત ચૌહાણ અને કીર્તિદાન ગઢવીના અવાજમાં રજૂ થયેલા બહુ જાણીતા ભજન ‘જેને વ્હાલાથી વિયોગ, એ મનડા સુખેથી કોઈ દી સુવે નહીં...’ની યાદ તાજી કરાવી દીધી. એક વયોવૃદ્ધ માતાનો પુત્રવિયોગ જોઇને અમારા બધાનું દિલ દ્રવી ઉઠ્યું. નર્મદાબહેને તેમના પુત્રે ૧૫ વરસ પહેલા દિવાળી પર્વે લખેલો પત્ર બતાવ્યો. પત્ર એવો સાચવ્યો હતો કે જાણે ગઈકાલે જ આ પત્ર ન આવ્યો હોય?
૩ ઓક્ટોબર ૨૦૦૨ના રોજ લખેલા આ પત્રમાં સ્વ. પુત્ર રશ્મિભાઇએ ઝાંઝિબાર વિશે કવિતા લખીને દીપાવલીની શુભકામના આપી હતી. આ પત્ર માતા માટે તેનું સાચું ઘરેણું બની રહ્યો છે. નર્મદાબહેને પણ ૪ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ પુત્રને એક પત્ર લખ્યો હતો, જેમાં જીવનની મુશ્કેલીમાં પોતે હકારાત્મક વિચારસરણી સાથે તેઓ કઇ રીતે જીવી રહ્યા છે અને એકલવાયું જીવન જીવી રહેલા વાચકો માટે ‘ગુજરાત સમાચાર’ અખબાર કેવો સહારો બની રહ્યું છે તેનો ઉલ્લેખ છે. તેમણે ૪ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ પત્રમાં જણાવ્યું છેઃ
બાકી બીજો આનંદ તો ગુજરાત સમાચાર આપે છે. તેમાંયે જ્યારે સમયસર ન મળે ત્યારે મને બેચેની લાગે અને જરાય મજા ન આવે. ફોન કરું અથવા કરાવું મારી દીકરી પાસે અને મળે ત્યારે આનંદ આવે. સર્વસ્વ મળ્યું જાણે...
આ બન્ને પત્રો વાંચીને લાગણીશીલ બની ગયેલા સી.બી.એ સજળ નયને મારો વારંવાર આભાર માનતા કહ્યું કે ‘આ મુલાકાત એક ખૂબ જ પવિત્ર મુલાકાત છે, જેને હું એક પ્રભુયાત્રા કહું છું.’ બે લાગણીશીલ વ્યક્તિની મુલાકાત માટે હું નિમિત્ત બન્યાનો મને પણ આનંદ હતો.
સંગીતસાધક નર્મદાબહેન
નર્મદાબહેન પિયાનો અને હાર્મોનિયમ વગાડી જાણે છે. તેઓ જૂના ગીતોના ખૂબ જ શોખીન છે અને ગાઇ પણ શકે છે. આ વાત જાણીને રાહુલભાઇ ખુશ ખુશ થઇ ગયા હતા કેમ કે તેઓ પણ નર્મદાબહેનની જેમ પિયાનો અને હાર્મોનિયમ વગાડવાનું જાણે છે. નર્મદાબેને પોતાનો ઇલેક્ટ્રિક કેસિયો રાહુલભાઇને આપ્યો અને રાહુલભાઇએ તેમાં શિવરંજની
રાગની સરગમ વહાવી નર્મદાબહેનની સાથેસાથે અમને સહુને ખુશ કરી દીધા. તો નર્મદાબહેને ગીત ગાઈને મનોરંજન પણ કર્યું. વાચક મિત્રો, તમે નેટ પર આ સાથે આપેલી લિન્ક ટાઇપ (http://retiary.org/idea/idea4/idea_4/rahul/rahul.htm) કરીને વીડિયો નિહાળી શકો છે.
એક માતા નર્મદાબહેન કે જેમણે મારી જ ઉંમરનો (૬૨ વર્ષનો) પુત્ર તાજેતરમાં ગુમાવ્યો હતો, અને એક પુત્ર (હું) કે જેણે તાજેતરમાં માતા (૯૭ વર્ષ) ગુમાવ્યાં છે આમનેસામને હતા. માતા ગુમાવનાર પુત્ર અને પુત્ર ગુમાવનાર માતાનો મેળાપ અેક અનોખો સંયોગ હતો.
આ મુલાકાત દરમિયાન જે જાણ્યું-માણ્યું-અનુભવ્યું તે ‘ગુજરાત સમાચાર’ના વાચકો સમક્ષ વિગતવાર રજૂ કરવાનું કારણ શું? વૃદ્ધાશ્રમમાં એકલું જીવન જીવતા વડીલોને હળવું-મળવું એ ખરેખર એકબીજાને અવર્ણનીય આનંદ અને સુખનો અનુભવ કરાવનારી ઘટના છે.
હું ખાતરીપૂર્વક કહું છું કે વડીલો સાથે, અને ખાસ તો માતાઓ સાથે વીતાવેલી આ ઘડીઓ આજીવન સંભારણું બની રહેશે. આપણા શાસ્ત્રોમાં યોગ્ય જ કહ્યું છે કે
યત્ર નાર્યસ્તુ પુજયન્તે
રમંતે તત્ર દેવતા ઃ


comments powered by Disqus