કોલકાતાઃ આરંભના બે દિવસ વરસાદમાં ધોવાયા બાદ ભારે ચઢાવ-ઉતાર બાદ કોલકાતા ટેસ્ટ રોમાંચક રીતે ડ્રો રહી હતી. ભારતે પ્રથમ દાવમાં ૧૭૧ રન બનાવ્યા હતા જેની સામે શ્રીલંકાએ ૨૯૪ રન બનાવી ૧૨૨ રનની સરસાઈ મેળવી હતી. બીજા દાવમાં ભારતીય ટીમે વિરાટ કોહલીની અણનમ સદી તેમજ ધવનના ૯૪ રન અને લોકેશ રાહુલના ૭૯ રનની મદદથી આઠ વિકેટે ૩૫૨ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવના ૧૨૨ રનની સરસાઈ બાદ થતાં શ્રીલંકાને જીત માટે ૨૩૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ સમયે લાગી રહ્યું હતું કે મેચ નિરસ રીતે ડ્રો થશે પરંતુ શ્રીલંકાની બીજી ઇનિંગની શરૂઆતથી જ ભારતીય ઝડપી બોલરોએ વિકેટ ઝડપવાનો સિલસિલો શરૂ કર્યો હતો જેને કારણે ભારતની મેચ જીતવાની આશા બંધાઈ હતી. શ્રીલંકાએ ૨૬.૩ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૭૫ રન બનાવ્યા હતા અને ભારતને મેચ જીતવા વધુ ત્રણ વિકેટની જરૂર હતી પરંતુ ઝાંખા પ્રકાશને કારણે અમ્પાયર્સ દ્વારા મેચ ડ્રો જાહેર કરાઈ હતી. બીજી ઇનિંગમાં ભુવનેશ્વરે ચાર જ્યારે શમીએ બે વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવને એક સફળતા મળી હતી.

