માચિસ જેવડો હીરોઃ મૂલ્ય રૂ. ૨૨૫ કરોડ

Wednesday 22nd November 2017 05:51 EST
 
 

જિનિવાઃ સ્વિત્ઝર્લેન્ડના જિનિવા શહેરમાં એક હીરાની રૂ. ૨૨૫ કરોડમાં વિક્રમજનક કિંમતે હરાજી થઈ હતી. ઓક્શન હાઉસ ક્રિસ્ટીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં કોઈ હીરો આટલી ઊંચી કિંમતે નથી વેચાયો. આ એક વિશ્વવિક્રમ છે. લંબચોરસ આકારના આ હીરો ૧૬૩.૪૧ કેરેટનો છે. જિનિવા સેલ નામના આ ઓક્શનમાં દુનિયાભરના ધનિકોએ હાજરી આપી હતી, પરંતુ આ હીરો કોણે ખરીદ્યો છે એ ક્રિસ્ટીએ જાહેર કર્યું નથી. ક્રિસ્ટીએ ફક્ત એટલું જ જણાવ્યું હતું કે, એક ખરીદારે ફોન પર બોલી લગાવીને જ તે ખરીદી લીધો હતો. વર્ષ ૨૦૧૬માં સેન્ટ્રલ આફ્રિકાના નાનકડા દેશ અંગોલામાંથી આ હીરો મળી આવ્યો હતો. એ વખતે તેનું વજન ૪૦૪ કેરેટ હતું.
સ્વિત્ઝર્લેન્ડના વિખ્યાત ગ્રિસોગોનો જ્વેલર્સ દ્વારા હીરાને ચારેય તરફથી કટ કરીને લંબચોરસ આકાર આપ્યો હતો, પરંતુ તેના ખૂણા ગોળાકાર છે. નેકલેસમાં પહેરી શકાય એવા આ મહાકાય હીરાનું કદ નાનકડી માચિસ જેટલું છે. આ હીરાને રંગ પ્રમાણે ‘ડી’ કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે, જે હીરામાં સૌથી ઉત્તમ રંગ ગણાય છે કારણ કે ‘ડી’ મૂળ રંગની ઘણો નજીક હોય છે. આ પછી હીરાને રંગો પ્રમાણે ઈ, એફ અને જી એમ ત્રણ કેટેગરીમાં મૂકવામાં આવે છે.
આ પહેલાં દુનિયામાં કોઈ હીરો આટલી ઊંચી કિંમતે વેચાયો નથી. સોધબીએ ૨૦૧૩માં હોંગકોંગમાં એક હીરો રૂ. ૧૯૬ કરોડમાં વેચ્યો હતો. આ હીરો જિનિવામાં હરાજી કરાયેલા હીરાથી ૪૦ ટકા મોટો હતો, પરંતુ તેનું વજન ૧૧૮.૨૮ કેરેટ હતું. આ દરમિયાન ક્રિસ્ટીએ ફ્રાંસના રાજવી પરિવારો સાથે સંકળાયેલા બીજા પણ એક હીરાની રૂ. ૬૮ કરોડમાં નિલામી કરી હતી. લા ગ્રાન્ડ માઝારિન નામનો આ હીરો ૧૯.૭ કેરેટનો હતો. સન ૧૬૪૨માં ફ્રાંસના વડા પ્રધાન કાર્ડિનલ માઝારિનના કલેક્શનમાંથી તે મળી આવ્યો હતો. તેમના નામ પરથી જ આ હીરાને માઝારિન નામ અપાયું હતું.


comments powered by Disqus