રાણી પદ્માવતીનું ખોટું ચિત્રણ કર્યાના દાવા સાથે ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીનું માથું વાઢી લાવનારને મેરઠ રાજપૂત સમાજ તરફથી પાંચ લાખનું ઇનામ ઘોષિત થયા પછી અને ફિલ્મની અભિનેત્રી દીપિકા પદુકોણનું નાક કાપવા કે તેને જીવતી સળગાવી દેવાના સૂત્રો પોકારાયા ઉપરાંત દેશભરમાંથી રાજપૂત સમાજ દ્વારા ફિલ્મ ‘પદ્માવતી’ સામેના વિરોધ વચ્ચે ફિલ્મ નિર્માતા કંપનીએ ૧૯મીએ જાહેર કર્યું કે પૂર્વ નિર્ધારિત તારીખ એટલે કે પહેલી ડિસેમ્બરે ‘પદ્માવતી’ રિલીઝ નહીં થાય. ફિલ્મની રિલીઝની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે. ફિલ્મ નિર્માતા કંપની વાયાકોમ૧૮ના પ્રવક્તાએ જણાવ્યું કે, ફિલ્મની રિલીઝ અંગેનો નિર્ણય નિર્માતા કંપનીએ સ્વેચ્છાએ લીધો છે. કંપની દેશના કાયદા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન જેવી કાયદાકીય સંસ્થાઓનું સન્માન કરે છે.
ઉલ્લેખનીય છે કે રાજપૂત સમાજના વિરોધ વચ્ચે ફિલ્મ ‘પદ્માવતી’ના રિલીઝને પહેલી ડિસેમ્બરથી પાછી ઠેલવાના નિર્માતા કંપની વાયાકોમના નિર્ણય બાદ નિર્માતાઓએ આ ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગ કેટલાક અગ્રણી પત્રકારો માટે યોજ્યું હતું. ફિલ્મ માટે સારા સમાચાર એ છે કે, પત્રકારોને આ ફિલ્મમાં કશું વાંધાજનક લાગ્યું નથી. ફિલ્મ જોયા બાદ અરનબ ગોસ્વામીએ તેને રાજપૂતો માટે સૌથી મોટી શ્રદ્ધાંજલિ ગણાવી હતી. રજત શર્માએ કહ્યું કે ફિલ્મનો એકેય સીન રાજસ્થાનના લોકો કે રાજપૂતોની આન-બાન-શાનની વિરુદ્ધ નથી. વેદ તાપ વૈદિકે જણાવ્યું કે આખી ફિલ્મમાં એવી કોઈ વાત નથી જેમાં એવી શંકા જાય કે પદ્માવતીને અલાઉદ્દીન ખિલજી તરફ આકર્ષણ હતું.
પદ્માવતી પત્રકારોને બતાવાતા સેન્સર બોર્ડ ખફા
ફિલ્મ ‘પદ્માવતી’ની નિર્માણ કંપની અને નિર્માતાઓને આ ફિલ્મ અંગે કેટલાક કાગળ જમા કરાવવા માટેનો નિર્દેશ હતો તે કાર્યવાહી વગર જ અને સેન્સર બોર્ડના સર્ટિફિકેટ વગર જ વિવિધ ટીવી ચેનલોના પત્રકારો માટે ફિલ્મનો શો રખાતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટ (સીબીએફસી)ના પ્રમુખ પ્રસૂન્ન જોશીએ ફિલ્મ નિર્માતાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. જોશીએ જણાવ્યું કે, સર્ટિફિકેશન પ્રોસિજરને અવગણીને સગવડ પ્રમાણે પત્રકારોને ફિલ્મ બતાવવી યોગ્ય પગલું નથી. એક તરફ આ ફિલ્મની નિર્માણ કંપની સેન્સર બોર્ડને ફિલ્મની રિલીઝમાં વિલંબ માટે જવાબદાર ઠેરવે છે અને બીજી તરફ જરૂરી કાગળ જમા કરાવ્યા નથી. વળી આ ફિલ્મ ફિક્શન અથવા ઐતિહાસિક છે તેની ઘોષણા પણ કરાઈ નથી, જ્યારે તેમને કાયદેસર મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ જમા કરાવવા કહેવાયું તેમણે સીબીએફસી પર વિલંબ કરવાનો આરોપ લગાવ્યો અને કોઈ સર્ટિફિકેટ વગર ફિલ્મ પત્રકારોને બતાવી દીધી. આ અંગે ફિલ્મ નિર્માતા કંપની વાયકોમ ૧૮ મોશન પિક્ચરના વરિષ્ઠ અધિકારી અજીત આંધ્રેએ જણાવ્યું હતું આ એક બહુ નાનો ટેકનિકલ મુદ્દો હતો, પણ સેન્સર બોર્ડને ફિલ્મ પહોંચાડાઈ હતી. તેમણે આ ફિલ્મ જોઈને સર્ટિફિકેટની વિધિ આગળ વધારવી જોઈતી હતી.

