હરિયાણાની માનુષી છિલ્લર મિસ વર્લ્ડ ૨૦૧૭

Wednesday 22nd November 2017 05:54 EST
 
 

સનાયા (ચીન)ઃ દોઢ દસકા કરતાં વધુ લાંબા અંતરાલ બાદ ફરી એક વખત ભારતીય યુવતીના શિરે વિશ્વ સુંદરીનો તાજ મૂકાયો છે. હરિયાણાની વતની ભારતીય માનુષી છિલ્લર મિસ વર્લ્ડ-૨૦૧૭ બની છે. ચીનના સનાયામાં શનિવારે યોજાયેલી મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટમાં તેણે દુનિયાભરની ૧૧૮ સુંદરીઓને પરાજય આપીને આ તાજ મેળવ્યો હતો.
મિસ વર્લ્ડ ૨૦૧૬ સ્ટેફની ડેલે માનુષીને મિસ વર્લ્ડ ૨૦૧૭નો તાજ પહેરાવ્યો હતો. મિસ મેક્સિકો એન્ડ્રિયા મિઝા ફર્સ્ટ રનર-અપ જ્યારે મિસ ઈંગ્લેન્ડ સ્ટેફાની સેકન્ડ રનર-અપ બની હતી. કોઈ ભારતીય યુવતી ૧૭ વર્ષ બાદ મિસ વર્લ્ડનો એવોર્ડ જીતવામાં સફળ થઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦૦૦માં પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બની હતી.
ટોપ-ફાઈવ રાઉન્ડમાં સ્થાન મેળવ્યા બાદ માનુષીને સવાલ કરાયો હતો કે તેના મતે કયો પ્રોફેશન સૌથી વધુ વેતનનો હકદાર છે? આ સવાલનો માનુષીએ જવાબ આપ્યો કે, ‘મને લાગે છે કે માતા સૌથી વધુ સન્માનની હકદાર છે અને જ્યારે તમે વેતનની વાત કરો છો તો એ માત્ર રોકડની વાત નથી, પરંતુ મારું માનવું છે કે તે પ્રેમ અને સન્માન છે જે તમે કોઈને આપો છો. મારી માતા મારા જીવનમાં સૌથી મોટી પ્રેરણા છે. બધી માતાઓ તેમના સંતાનો માટે ઘણો બધો ત્યાગ કરે છે, એટલે મને લાગે છે કે માનું કામ સૌથી વધુ વેતન કે સન્માનનું હકદાર છે.’
બહુમુખી પ્રતિભા
૨૦ વર્ષીય માનુષી હરિયાણાની વતની છે અને સોનેપતથી એમબીબીએસનો અભ્યાસ કરે છે. તે કાર્ડિયાક સર્જન બનવા માગે છે. તેના પિતા ડો. મિત્રા બાસુ છિલ્લર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)માં વિજ્ઞાની તરીકે કાર્યરત છે. જ્યારે માતા નીલમ છિલ્લર એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. માનુષીને પેરાગ્લાઈડિંગ, બંજી જમ્પિંગ અને સ્કૂબા ડાઈવિંગ જેવા એડવેન્ચરસ સ્પોર્ટ્સ પસંદ છે. તેણે ક્લાસિક ડાન્સર તરીકે પણ તાલીમ લીધી છે. તો પેઇન્ટીંગ પણ તેની એક હોબી છે.
અભ્યાસમાં વિરામ
મિસ વર્લ્ડ ૨૦૧૭નો તાજ જીતનાર માનુષીએ કોન્ટેસ્ટની તૈયારી કરવા માટે એમબીબીએસના અભ્યાસમાંથી એક વર્ષનો વિરામ લીધો હતો. માનુષીના આ નિર્ણયને તેના માતા-પિતાએ પણ સમર્થન આપ્યું હતું. માનુષીએ કહ્યું હતું કે એમબીબીએસના અભ્યાસમાંથી એક વર્ષ વિરામ લેવાના તેના આ નિર્ણયની આખા પરિવારે તરફેણ કરી હતી. હવે તે ફરી અભ્યાસને આગળ ધપાવશે. મોડેલિંગ અને ગ્લેમર માનુષીની પ્રથમ પસંદગી છે. જોકે આનો અર્થ એવો નથી થતો કે માનુષી એમબીબીએસનો અભ્યાસ પડતો મુકશે. ડોકટર બન્યા પછી તે એવા કાર્ય કરવાની મનોકામના ધરાવે છે કે જે મહિલાઓના હિતમાં હોય. માનુષીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ કરવા માટે કોઈ સીમા કે મર્યાદા હોતી નથી. આપણને સીમાડા નડતા નથી. આપણા સપના અનંત છે. પોતાના સામર્થ્ય અંગે પણ શંકા સેવવી જોઈએ નહીં.
ભારતની છઠ્ઠી મિસ વર્લ્ડ
માનુષી છિલ્લર ૬૭મી મિસ વર્લ્ડ છે. ભારતમાંથી સૌથી પહેલા રીતા ફારિયા મિસ વર્લ્ડ બની હતી. તેણે ૧૯૬૬માં આ એવોર્ડ જીત્યો હતો. આ પછી એશ્વર્યા રાયે ૧૯૯૪માં, ડાયના હેડને ૧૯૯૭માં, યુક્તા મુખીએ ૧૯૯૯માં અને પ્રિયંકા ચોપડાએ વર્ષ ૨૦૦૦માં મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. માનુષી ભારતમાંથી છઠ્ઠી મિસ વર્લ્ડ છે. માનુષી છિલ્લર ભારતની ૫૪મી મિસ ઈન્ડિયા હતી. ગયા વર્ષે પહેલા પ્રિયદર્શની ચેટર્જી મિસ ઈન્ડિયા બની હતી.


comments powered by Disqus