ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાની ૮૯ બેઠકો માટે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ અને સત્તાકાંક્ષી કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જાહેર કરવામાં ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસ સુધીનું ચિત્ર પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના પ્રભાવનાં ઝળહળતાં દર્શન કરાવનારું રહ્યું છે. પાસના મુખ્ય સંયોજક હાર્દિક પટેલને પોતાના ભણી ખેંચવાના પ્રયાસો બંને પક્ષો તરફથી થયા. હાર્દિકે એની કથિત સેક્સ સીડી સત્તારૂઢ ભાજપની નેતાગીરીના કથિત ઈશારે બહાર પાડવામાં આવ્યા પછી પણ ઉત્તર ગુજરાતના માણસા (ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના વતન) અને સૌરાષ્ટ્રના ધ્રોળમાં જે બે સભાઓ સંબોધી એમાં અઢારે વર્ણની મેદની મોટી સંખ્યામાં ઊમટી. માણસા અને ધ્રોળનું મહત્ત્વ બીજી રીતે પણ છેઃ માણસાના કોંગ્રેસી ધારાસભ્ય અમિત ચૌધરી રાજ્યસભાની ચૂંટણી વેળા જ ભાજપમાં આવ્યા. જામનગર ગ્રામ્ય (ધ્રોળ સહિત)ના કોંગ્રેસી ધારાસભ્ય પણ રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપમાં આવ્યા. ૧૪ કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં આવ્યા છતાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને પરાજિત કરવાની ભાજપના નેતાઓની વ્યૂહરચના નિષ્ફળ રહી. ચૌધરી અને પટેલ બેઉને ભાજપી ઉમેદવાર જાહેર કરાયાં છતાં હાર્દિક પટેલે બંનેના વિસ્તારોમાં જઈને ‘મારા બાપા કે માતા બેમાંથી કોઈ ભાજપનાં ઉમેદવાર હોય તોય કહું છું કે પાડી જ દેજો.’
હાર્દિકની ‘ભાજપને પાડી દેવાની’ હાકલ પાટીદાર મતદારો સહિતના તમામ વર્ગોમાં પ્રભાવ પાડી રહી હોવાનું જણાતાં ભાજપી નેતાઓએ પાસની નેતાગીરીમાં હાર્દિકની નજીક ગણાતા દિનેશ બાંભણિયાના સાધવાનો પ્રયાસ કર્યો, પણ ગુજરાતભવન દિલ્હીમાં ‘અમને કોંગ્રેસે બેસાડી રાખ્યા’ એવું નિવેદન બાંભણિયાએ કર્યું અને ભાજપની વ્યૂહરચનાના સંકેત આપ્યા. પ્રથમ તબક્કામાં ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસ એટલે કે ૨૧ નવેમ્બરે હાર્દિક પટેલ પત્રકાર પરિષદ યોજીને ભાજપ થકી પાસને તોડવાની કવાયતને ખુલ્લી પાડવાની વેતરણમાં હતો, પણ એને ટાળી દેવાની શુભચિંતકોની સલાહને એણે માની હતી. હાર્દિકને ‘ન્યુસંસ વેલ્યુ’ ગણાવનારાઓ માટે આંચકારૂપ પ્રભાવ આ ૨૪ વર્ષનો યુવાન પાડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ખોડલધામ એના સમર્થનમાં છે. પાટીદાર સમાજ એના સમર્થનમાં છે. સત્તારૂઢ ભાજપ થકી પાસના ઘણા સંયોજકોને પોતાના ભણી વાળ્યા છતાં હાર્દિકનો જોમ-જુસ્સો હજુ અકબંધ છે. ઉલ્ટાનું, ભાજપ થકી આર્થિક લાલચો આપીને પોતાને ખરીદવાની કોશિશ થઈ હોવાનું રહસ્યોદ્ઘાટન મીડિયા સમક્ષ કરવા ઉપરાંત પોલીસ અદાલતમાં એની ફરિયાદ પણ કરનાર મહેસાણાના પાસના સંયોજક નરેન્દ્ર પટેલે તો પાસના સૌરાષ્ટ્રના સંયોજક બાંભણિયા સામે ભાજપ કે એનસીપી (ભાજપની બી-ટીમ)ના ઈશારે નાચવાનો આક્ષેપ કરવામાં પણ સંકોચ કર્યો નથી. હાલપૂરતું પાસના આંતરકહલને ખમૈયા કરવાની વડીલોની સલાહ છતાં આવતા દિવસોમાં હાર્દિક વિરુદ્ધ બાંભણિયાનું ચિત્ર ઉપસે તો નવાઈ નહીં. જોકે, આવા ઘટનાક્રમ વચ્ચે ભાજપ થકી ૮૯ બેઠકોના ઉમેદવારોમાંથી ૨૫ જેટલા ભાજપી ઉમેદવાર પટેલ સમાજના જાહેર કરવાની ફરજ પડી છે. સામે પક્ષે કોંગ્રેસના પણ પ્રથમ તબક્કાના ઉમેદવારોમાં એક તૃતીયાંશ જેટલા પાટીદાર ઉમેદવારો જાહેર કરાયા એ જ દર્શાવે છે કે બંને મુખ્ય પક્ષ પાટીદાર ચળવળને અવગણવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાસના સંયોજકોને ટિકિટ અપાયા સામે બાંભણિયાએ ઉહાપોહ
મચાવ્યા પછી કોંગ્રેસે કેટલાક ઉમેદવાર બદલ્યા છતાં એકંદરે એના ઉમેદવાર સારા હોવાની છાપ પડી છે.
પ્રદેશપ્રમુખ ભરતસિંહ નહીં લડે
ગુજરાતમાં માધવસિંહ સોલંકીના શાસન દરમિયાન અનામતવિરોધી પાટીદાર સમાજ થકી ૧૯૮૧ અને ૧૯૮૫માં થયેલા અનામત વિરોધી આંદોલન દરમિયાન પટેલો પર ખૂબ અત્યાચાર કરવામાં આવ્યાની ગાજવીજ ભાજપ તરફથી ઘણી કરવામાં આવી રહી છે. જોકે, હવે પટેલો અનામતની માગણીના ટેકામાં કડવા અને લેઉઆના ભેદ ભૂલીને જંગે ચડ્યા છે. ઓબીસી મંચના અલ્પેશ ઠાકોર થકી ૨૭ ટકા ઓબીસી અનામતનાં ભાગ પડાવ્યા સિવાય પટેલોને અનામત અપાય એ સામે વિરોધ નહીં હોવાનું સ્પષ્ટ કર્યું છે. અલ્પેશ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. દલિત આંદોલનના નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ હાર્દિકની જેમ ‘ભાજપને પાડી દ્યો’નો નારો આપવાથી આગળ જઈને સભાઓમાં એ વિશેના શપથ લેવડાવ્યા છે. હાર્દિક તો માણસાની બેઠક પરથી જાહેરસભામાં પોતે માત્ર પટેલોનાં હિતો માટે નહીં, પણ પટેલો, ચૌધરીઓ, ઠાકોરો, દલિતો અને અન્ય બિનઅનામત એ તમામના હિત માટે લડી રહ્યાની વાત કરી. સામાન્ય રીતે ૧૯૮૯થી ગુજરાતમાં પટેલ ભાજપની નિષ્ઠાવંત વોટબેંક રહ્યા છે. માધવસિંહપુત્ર અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ વ્યૂહાત્મક રાજનીતિના ભાગરૂપે પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરીને પટેલોના સંભવિત રોષનો ફુગ્ગો પણ ફોડી નાંખ્યો છે.
ભાજપમાં ભડકો અને સમાધાનો
ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સામે કારડિયા રાજપૂત સમાજના રોષને ખાળવા સમાધાન થયું. શંકરસિંહ વાઘેલાએ ખજુરાહોવાળી ના કરી ત્યાં લગી સામાન્ય રીતે શિસ્તબદ્ધ લેખાતા ભાજપમાં મોવડીમંડળની આમન્યાનો લોપ નહીં કરવાની છાપ હતી. જોકે, એ અગાઉ જનસંઘ યુગમાં પણ સંઘની નેતાગીરીના આદેશોને અવગણવાનાં અનેક ઉદાહરણ જોવા મળે છે, પરંતુ આ વખતે તો નરેન્દ્ર મોદીની કડક શિસ્ત પાળતા ભાજપમાં રીતસર ભડકો થયો છે અને એને ઠારવારની જવાબદારી સંપૂર્ણપણે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને શીરે આવી છે. શાહને પાટીદારો ‘જનરલ ડાયર’ના વિશેષણથી નવાજીને ૧૪ પટેલ યુવકોની હત્યા માટે જવાબદાર લેખાવે છે. સામે પક્ષે ઉમેદવારોની પસંદગીમાં સતત હાજર રહીને અમિત શાહ ચૂંટણી પછી પોતે મુખ્યપ્રધાન તરીકે ગાંધીનગરમાં આરૂઢ થવા ઈચ્છતા હોય એવો સંકેત આપ્યો છે. મોટાભાગના ઉમેદવારો શાહ પ્રત્યે નિષ્ઠા ધરાવતા જૂથના પસંદ કરાયા છે અને આનંદીબહેન પટેલના જૂથના ઉમેદવારોને નહીંવત્ પ્રમાણમાં ટિકિટો મળે છે. આવા સંજોગોમાં આનંદીબહેન નારાજ હોવા છતાં નાછૂટકે મીડિયા સમક્ષ રાજીપો વ્યક્ત કરે છે. ભાજપના બબ્બે સાંસદો પ્રભાતસિંહ ચૌહાણ અને લીલાધર વાઘેલા અનુક્રમે પોતાનાં પત્ની અને દીકરાને ટિકિટ નહીં અપાયાનો રોષ પ્રગટ કરે છે.
મહિલાઓની ધરાર અવગણના
ભારતીય રાજકારણમાં અને સરકારી સ્તરે તમામ પક્ષો મહિલા સશક્તિકરણની ગાજવીજ ખૂબ કરે છે. ૫૦ ટકા મહિલા વસ્તી ધરાવતા દેશોમાં ૩૩ ટકામહિલા અનામતની જોગવાઈ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધી કરવામાં આવી હોવા છતાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને ઉમેદવારી આપવાની બાબતમાં તેઓ ધરાર ઉદાસીનતા દાખવતા હોવાનું સ્પષ્ટ થાય છે. ગુજરાત વિધાનસભાની ૯ ડિસેમ્બરે યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણી માટેની ૮૯ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બેઉ પક્ષોએ મહિલાઓને ઉમેદવારી આપવા બાબત સાવ જ અવગણના દાખવી હોવાનું સ્પષ્ટ થાય છે. બંને મુખ્ય પક્ષોએ કુલ મળીને માત્ર ૧૦ મહિલા ઉમેદવારોને જ ચૂંટણી જંગમાં ઉતારવાનું પસંદ કર્યું છે. તેમાં ભાજપી ઉમેદવારોમાં ડો. નીમાબહેન આચાર્ય (ભુજ), માલતી મહેશ્વરી (ગાંધીધામ), ગીતાબા જાડેજા (ગોંડલ), વિભાવરીબહેન દવે (ભાવનગર પૂર્વ), સંગીતા પાટીલ (લિંબાયત), ઝંખના પટેલ (ચોર્યાસી) અને રમીલાબહેન બારા (ખેડબ્રહ્મા)નો સમાવેશ થાય છે. કોંગ્રેસ તરફથી માત્ર ત્રણ જ ઉમેદવાર છેઃ સંતોકબહેન અરેઠિયા (રાપર) નીતાબહેન રાઠોડ (ભાવનગર પૂર્વ) અને ભાવનાબહેન પટેલ (નવસારી)
ભાજપી મહારથીઓને ભાગવું પડ્યું
રાજ્યમાં ભાજપ સામે પહેલીવાર કોંગ્રેસ તરફથી પ્રભાવી પડકાર જોવા મળે છે. અત્યાર લગી ઈડર (અનુસૂચિત જાતિ આરક્ષિત) બેઠક પરથી પટેલોના મતથી જીતતા રહેલા રમણલાલ વોરાએ આ વખતે દસાડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે નસીબ અજમાવવાનો વારો આવ્યો છે. અગાઉ કેબિનેટ પ્રધાન રહેલા રમણલાલ અત્યારે વિધાનસભાના અધ્યક્ષ છે. દસાડા બેઠક પરથી અનુસૂચિત જાતિના જ ફકીરભાઈ વાઘેલા ચૂંટાતા રહ્યા હતા. જોકે, છેલ્લી ચૂંટણીમાં એમને દસાડાને બદલે વડગામની બેઠક પરથી લડાવાયા હતા અને એ પછી એમનું મૃત્યું થયું હતું. માત્ર રમણલાલે જ ભાગવું પડ્યું છે એવું નથી રાજ્યના પ્રધાન રહેલા અને અંબાણી પરિવારના જમાઈ સૌરભ પટેલ-દલાલે પણ વડોદરાની બેઠક અકોટા છોડીને પાછા બોટાદમાં નસીબ અજમાવવા જવું પડ્યું છે. આ બેઠક પરથી કોંગ્રેસ પવારની એનસીપીમાંથી આવેલા મનહર પટેલને ટિકિટ આપી હતી, પણ હાર્દિકના આગ્રહથી તે ડી. એમ. પટેલને અપાઈ. ભાજપના ઘણા વરિષ્ઠ નેતા-પ્રધાનો ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે અને ઘણાએ રાજીનામાં આપ્યાં છે.
મીટ હવે મોદી-રાહુલ ભણી
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આ વખતે આસમાની સુલતાનીનાં દર્શન કરાવે એવું લાગે છે. ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે (૨૧ નવેમ્બરે) પ્રદેશ ભાજપના પ્રમુખ જિતુ વાઘાણીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં રોડ-શો કરીને, કારડિયા રાજપૂત સમાજ સાથે સમાધાન સાધીને, ઉમેદવારી પત્ર ભર્યું.
રાજ્યભરમાં કોંગ્રેસમાં જોવા મળતા અંસતોષ કરતાં ભાજપમાં વધુ ભડકા જોવા મળ્યા પૂર્વ પ્રધાન કાનજીભાઈ પટેલ (આદિવાસી)ના પુત્રને ટિકિટ નહીં મળતાં તેમણે અને તેમના પુત્રે પક્ષમાંથી રાજીનામાં આપ્યાં. ઉહાપોહને ટાઢો પાડવાની મોવડીમંડળ કોશિશ કરે છે. બે-ત્રણ દિવસમાં બધું ઠીકઠાક થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ, સભાઓ, રેલીઓ, રોડ-શો, સંવાદથી ચૂંટણીનું વાતાવરણ કેવું જામે છે એના ભણી સૌની મીટ છે. ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની દિશા અને દશા નક્કી કરશે.

