દર્દીને થયેલું ઈન્ફેક્શન વાયરલ છે કે બેક્ટેરિયલ તેના વિશે નિશ્ચિત ન હોય તેવા સંજોગોમાં એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ કરનારા GPની ટકાવારી વધીને ૭૬ ટકા થઈ હતી. સર્વેમાં જણાવાયું હતું કે ૨૦૧૪માં આવા ૭૨ ટકા ડોક્ટરો હતા. જોકે, ૨૦૧૪માં ૪૦ ટકાની સામે ગયા વર્ષે ૩૧ ટકા ડોક્ટરોએ દર્દીઓ દ્વારા એન્ટિબાયોટિક્સની માગ કરાઈ હોવાનું જણાવ્યું હતું.
• પોસ્ટમાં હજારો પાસપોર્ટ્સ ગુમ
પાસપોર્ટ ઓફિસ દ્વારા પાસપોર્ટના અરજદારોને પોસ્ટથી પાસપોર્ટ મોકલવામાં આવે છે. સત્તાવાર આંકડા મુજબ દર સપ્તાહે નવ પાસપોર્ટ પોસ્ટમાં ગુમ થઈ જાય છે. પાર્લામેન્ટમાં અપાયેલા લેખિત ઉત્તર અનુસાર બે વર્ષમાં ગુમ થતાં પાસપોર્ટની સંખ્યામાં ૭૦ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે પોસ્ટમાં મોકલાયેલા ૪૭૨ પાસપોર્ટ ગુમં થયા હતા, જેની સરખામણીએ ૨૦૧૫ અને ૨૦૧૪માં અનુક્રમે ૩૭૫ અને ૨૭૮ પાસપોર્ટ ખોવાઈ ગયા હતા.
• કાર ટેક્સ નહિ ભરતા ડ્રાઈવર્સ વધ્યા
સરકારે વાહનો પર પેપર ટેક્સ ડિસ્ક્સ રદ કર્યા પછી કાર ટેક્સ ટાળનારા ડ્રાઈવરોની સંખ્યા ત્રણગણી થઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટે જણાવ્યું હતું કે આ વર્ષે ૭૫૫,૦૦૦ વાહનો માટે વ્હીકલ એક્સાઈઝ ડ્યુટી ભરવામાં આવી ન હતી, જે દાયકામાં સૌથી મોટી કરચોરી છે. કર નહિ ભરનારા કારમાલિકોની સંખ્યા વધી હોવાથી વર્ષે ૧૦૭ મિલિયન પાઉન્ડ ગુમાવવા પડે છે.
• નબળી દ્રષ્ટિ છતાં કાર હંકારતા ૩૩ ટકા ચાલકો
યુકેમાં દર ત્રણમાંથી એક ચાલક કાયદેસર ધારાધોરણ મુજબ જરૂરી દ્રષ્ટિ કરતાં નબળી દ્રષ્ટિ હોવા છતાં અને ડ્રાઈવિંગ ન કરવાની સલાહ અપાઈ હોવા છતાં વાહન ચલાવતા હોવાનું સર્વેમાં જણાયું હતું. એસોસિએશન ઓફ ઓપ્ટોમેટ્રીસ્ટ્સે કાયદામાં સુધારો કરવાની અને ડ્રાઈવરોએ દર દસ વર્ષે પોતાની દ્રષ્ટિ કાનૂની ધારાધોરણ મુજબ હોવાનું પૂરવાર કરવાનું સૂચન કર્યું હતું.
• બોબ ગેડોલ્ફે પોતાને મળેલો એવોર્ડ પરત કર્યો
આઈરીશ મ્યુઝિશિયન અને એક્ટિવિસ્ટ બોબ ગેડોલ્ફે પોતાને મળેલો ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ ડબલિન એવોર્ડ આંગ સાંગ સુ કીને પણ મળ્યો હોવાના કારણે પરત કર્યો હતો. ગેડોલ્ફે બર્મામાં રોહિંગ્યા મુસ્લિમોની 'વંશીય હકાલપટ્ટી' મામલે સુ કીની ટીકા કરતા તેમને નરસંહારના ગુલામ ગણાવ્યા હતા.
• શરાબીઓ સામે કાર્યવાહી માટે શોપકિપર્સને બ્રેથલાઈઝર્સ અપાયા
બ્રિટનમાં પ્રથમ વખત કહી શકાય તેમ સ્ટ્રીટસમાં શરાબપાન કરનારાઓ સામે કાર્યવાહી માટે કાર્ડિફમાં પોલીસે શોપકિપર્સને શ્વાસના પરીક્ષણ માટે બ્રેથલાઈઝર્સ આપ્યા છે. ૪૦ વર્ષીય શોપમેનેજર રોહત હમીદે જણાવ્યું હતું કે તેમણે સેંકડો વખત તેનો ઉપયોગ કર્યો છે. શરાબ ખરીદવા માગતી વ્યક્તિ નશાની હાલતમાં જણાય તો તેને તેમાં ફૂંક મારવા કહીએ છીએ.
• પેરન્ટ્સે ધાર્મિક સ્થળોની સ્કૂલ ટ્રીપનો વિરોધ કર્યો
વાલીઓ દ્વારા પોતાના બાળકોને મસ્જિદની સ્કૂલ ટ્રીપ પર જતા અટકાવતા સ્ટેફર્ડશાયર કાઉન્ટી કાઉન્સિલે જણાવ્યું હતું કે તે હવે ઈન્ટરનેટ અથવા ફિલ્મ ક્લીપ્સ દ્વારા વર્ચ્યુઅલ ટુર્સ યોજશે. કાઉન્સિલે ધાર્મિક ઈમારતોની સ્કૂલ વિઝિટનો વિરોધ કરતા પેરન્ટ્સને પહોંચી વળવા શિક્ષકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી.
