વડીલો સહિત સહુ વાચક મિત્રો, તૃષ્ણા અને તૃપ્તિ - દરેક મનુષ્યના માનસમાં આ બન્ને વૃત્તિઓ અવશ્ય જોઇ શકાય છે. એક રીતે કહીએ તો તે બન્ને અત્યંત આવશ્યક પણ છે. સવાલ એ છે કે તૃષ્ણા ક્યા પ્રકારની? તૃષ્ણા અને તૃપ્તિનો પ્રકાર કેવો? સર્વજન હિતકારી છે? કે તેમાં નકારાત્મક ભાવ ભર્યા પડ્યા છે? જીવમાત્ર તેના આરંભથી જ અનેકવિધ અપેક્ષાઓ, અભિલાષાઓ અને ઇચ્છાઓ સેવતો હોય છે. આ મનોઇચ્છાઓ આવકારદાયી હોવા છતાં જો તે અભરખારૂપ બની જાય તો સરવાળે મીંડુ જ નહીં, પણ જે તે જીવ કે વ્યક્તિ માટે ભયજનક, ખતરાજનક બની રહે છે. ગયા સપ્તાહના ‘ગુજરાત સમાચાર’માં આપ સહુએ પાન નં. ૨૦ ઉપર ફોબિયા વિશેનો લેખ વાંચ્યો હશે. કેટલાય વાચકોએ રામકથામાં કે અન્ય સ્થળે મારી સાથેની વાતચીત દરમિયાન આ અંગે પ્રસન્નતા વ્યક્ત કરી. ફોબિયાને એક અર્થમાં સંશય, શંકા, કુશંકા, ભીતિનું પણ એક સ્વરૂપ માનસશાસ્ત્રીઓ ગણે છે.
માનવમાત્રની પ્રાથમિક તૃષ્ણા કઇ? સારું આરોગ્ય અને સાથે સાથે જ પોતાના તેમજ પોતાના પરિવારજનો માટે રોટી, કપડાં અને મકાનની જોગવાઇ. આમ કરતાં કરતાં આપણે બધા માનવી અન્ય પર પ્રભાવ પાડે તેવું વ્યક્તિત્વ પ્રાપ્ત કરવા આતુર રહીએ છીએ. આ પણ આવકારદાયક માનસ ગણી શકાય.
વાચક મિત્રો, ઉપરના થોડાક વાક્યોમાં મેં બે વાર ‘માનસ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. એક કારણ છે ૧૨થી ૨૦ ઓગસ્ટ સુધી વેમ્બલી એરેનામાં યોજાયેલી પૂ. મોરારિબાપુની રામકથા. આ ભવ્યાતિભવ્ય રામકથાનું સૂત્ર - પૂ. મોરારિબાપુના જ શબ્દોમાં કહું તો - ‘માનસ મહિમ્ન’ હતું. પવિત્ર શ્રાવણ માસમાં આ કથાનો પ્રારંભ અને પૂર્ણાહૂતિ થઇ. આજે સોમવતી અમાસના શુભ દિવસે આપ સહુ સમક્ષ હું મર્યાદિત રજૂઆત કરી રહ્યો છું. અન્ય કેટલાક પૂર્વનિર્ધારિત રોકાણોના કારણે ત્રણ જ દિવસ રામકથાનો લાભ મેળવી શક્યો. વચ્ચે વચ્ચે થોડોક સમય ટીવી પર પણ બાપુની રામરસ લ્હાણ માણતો રહ્યો. આ સાથે જ ગુજરાતના અત્યંત સક્ષમ અને લોકપ્રિય વક્તા-લેખક ભાઇશ્રી જય વસાવડાની આગવી કલમે લખાયેલો એક લેખ રજૂ કરવા સદ્ભાગી બન્યા છીએ.
નવ દિવસની રામકથાને બાપુએ એકથી વધુ વખત પ્રેમયજ્ઞ તરીકે વર્ણવી. તેમની આગવી રીતે સુમતિ અને કુમતિની પણ અત્યંત પ્રભાવિત કરે તેવી ચર્ચા કરી. સાચું સુખ, સાચી શાંતિ અને તેની વિરુદ્ધમાં અસુખ, અશાંતિ વિશેના બાપુના ઉચ્ચારણો મારા માનસપટ પર અમીટ બની રહેશે તે નિઃસંદેહ છે.
જીવનમાં જે કંઇ નાનામોટા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તે મહદ્ અંશે જે તે વ્યક્તિની પોતાની પેદાશ જ ગણી શકાય. કોઇ કોઇને આમ કરો કે તેમ કરો એમ કહી શકે અને તેનું ઇચ્છિત પરિણામ આવે તેમ માનવું વધુ પડતું છે. કોઇ પણ ઘટના, વિચાર, મડાગાંઠ વિશે જો યોગ્ય સમજ કેળવવામાં આવે, પ્રાપ્ત થઇ શકે તો જ સશક્ત અને શકવર્તી સમાજ ઉદ્ભવી શકે.
પૂ. મોરારિબાપુ સાથેનો મારો નાતો વર્ષોજૂનો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. હું તેમનો સવિશેષ આદર, સન્માન કરું છું તેનું મુખ્ય કારણ એ છે કે તેમણે નથી કોઇ પંથ સ્થાપ્યો, કે નથી કોઇને કંઠી પહેરાવી. માનવમાત્રમાં ઓછાવત્તા અંશે કંઇકને કંઇક નબળાઇ હોવા વિશે પણ તેઓ બિલ્કુલ તટસ્થભાવે રજૂઆત કરતા રહ્યા છે. મોરારિબાપુ પોતાના માટે ધર્મધુરંધર, રાજરાજેશ્વર, ૧૦૧૧૮ જેવા લટકણિયાં આગળ કે પાછળ લખાવતા નથી તે પણ તેમનું પ્રભાવશાળી પાસું હું ગણું છું. પૂ. મોરારિબાપુના બ્રિટનપ્રવાસ દરમિયાન મને તેમના જીવનકવનને નજીકથી નિરખવાનો મોકો મળ્યો છે તેને હું મારું સદભાગ્ય સમજું છું. સચદેવ પરિવારનો આભારી છું.
‘આહુતિ’ એક અદભૂત સંપાદન
‘આહુતિ’ના સંપાદક છે ભાઇશ્રી હરિશ્ચંદ્ર જોશી અને વિનોદ જોશી. સવાત્રણસો પાનના આ ગ્રંથમાં ગુજરાતી ભાષાના ૭૭ જેટલા ટોચના સાહિત્યકારો અને ચિંતકોએ પૂ. મોરારિબાપુની પોતપોતાની રીતે, વિધવિધ દૃષ્ટિકોણથી તુલના કરી છે. આ ગ્રંથ દરેક વાચકને ઘણું જાણવાનું, જીવન વધુ સમૃદ્ધ બનાવવાનું ભાથું પૂરું પાડે છે. વેમ્બલી રામકથાના પ્રારંભે જ શ્રી હરિશ્ચંદ્રભાઇ જોશીએ આ ગ્રંથ સાદર કરીને મને ઉપકૃત કર્યો.
લોર્ડ ડોલરભાઇ પોપટ પરિવારની એથેન્સ અને રોમ રામકથામાં મિનિટેમિનિટ રામનામ સ્મરણ બાપુના આગવા કંઠે માણ્યું હતું. ભવિષ્યમાં પૂ. મોરારિબાપુના સ્વમુખે રામનામની લ્હાણી પામવાનો અવસર મને ક્યારે પ્રાપ્ત થશે એ તો પરમાત્મા જાણે. પરંતુ અત્યાર સુધીનું તેમનું સિંચન, મારા માટે - અને મારા જેવા અનેક લોકો માટે - ખૂબ તાજગીભર્યું, પ્રેરણાભર્યું અને માનવ સ્વભાવમાં વધુ શ્રદ્ધા કેળવવા જેવું રહ્યું હોવાનો મારો અનુભવ છે. તૃપ્તિ તે આનું નામ...
બાપુએ રામકથાના વિરામ વેળા આપણી સંસ્કૃતિના અમર વારસા સમાન શ્લોકની સુંદર રજૂઆત કરી હતી. આ જ શ્લોક અત્રે રજૂ કરી રહ્યો છું.
ઇશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્ યત્કિંચ જગત્યાં જગત્
તેન ત્યક્તેન્ ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ ધનમ્
(અર્થાત્) વિશ્વમાં વસ્યું જે કાંઇ,
વસ્યું ઇશતત્વ તેમાં સદા,
ત્યાગીને ભોગવી જાણો,
ન રાખો ગીધ વૃત્તિ કદી
જાણો છો, આ ધન (વિશ્વ) કોનું છે ભલા?
આ શ્લોક સાથે મારી કલમ પણ આ સપ્તાહે વિરામ લે છે, પણ જયભાઇનો લેખ શરૂ થાય છે. કથા દરમિયાન લખાયેલો લેખ યથાતથ્ રજૂ કર્યો છે.... ઓવર ટુ જય વસાવડા... (ક્રમશઃ)
•••
વડીલો સહિત સહુ વાચક મિત્રો,
આ સપ્તાહે ‘જીવંત પંથ’ કોલમનો ૫૦૦મો મણકો પ્રકાશિત થઇ રહ્યો છે. ૫૦૦ સપ્તાહ... ૭ મે ૨૦૦૫ના અંકથી ‘ગુજરાત સમાચાર’માં શરૂ થયેલી આ શબ્દયાત્રા ૨૬ ઓગસ્ટ ૨૦૧૭ના મુકામે પહોંચી છે! અને યાત્રા હજુ ચાલુ જ છે.... વાચક મિત્રો, આપ સહુના સ્નેહ, સમર્થન, સહયોગ, સલાહ-સૂચન વગર આટલો લાંબો પ્રવાસ શક્ય નહોતો, ખરેખર. બાથરૂમમાં લપસી પડવાની (આમ જૂઓ તો સાવ જ સામાન્ય જણાતી) ઘટના સાથે શરૂ થયેલી કલમયાત્રા પાંચ સદી (સંખ્યામાં) ફટકારશે એવી તો લગારેય કલ્પના પણ નહોતી, કેમ કે આવી કોઇ અપેક્ષા જ નહોતી. કોલમના પ્રારંભે એક અને એકમાત્ર ઉદ્દેશ હતો બહુજન હિતાય, બહુજન સુખાય. રોજબરોજના જીવનમાં થયેલા સ્વાનુભવો, જોયેલા-જાણેલા સારાનરસા પ્રસંગો, ઘટનાઓ લોકો સમક્ષ રજૂ કરવા. કવિરાજ મકરંદ દવેના શબ્દો ઉછીના લઇને કહું તો ગમતાંનો કરીએ ગુલાલ... પ્રેરણાદાયી, પ્રશંસનીય કાર્ય, સંસ્થાપ્રવૃત્તિ, વ્યક્તિવિશેષને હરખભેર વધાવવા. અને... આસપાસ-ચોપાસ ક્યાંક કશું ખોટું, અઘટિત થતું હોય તો - કોઇનીય સાડીબારી રાખ્યા વગર - સોઇ ઝાટકીને વાત કરવી. સમાજ સામે લાલ બત્તી ધરવી.
આજે ભૂતકાળમાં ડોકિયું કરતાં આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવું છું કે આ કલમને અને કોલમને ક્યારેય લોભ-લાલચનો એરુ આભડ્યો નથી. આને પરમ કૃપાળુ પરમાત્માની કૃપા અને આપ સહુ વાચક મિત્રો, શુભેચ્છકો, સમર્થકોના શુભાશિષ સમજું છું. અત્યાર સુધી આપના તરફથી આ કોલમને મળતો રહ્યો છે તેવો જ ઉષ્માભર્યો આવકાર, સાથસહકાર, માર્ગદર્શન ભવિષ્યમાં પણ મળતા રહેશે તેવી અપેક્ષા સહ...
આપનો
સી.બી. પટેલ
•••
કથા થકી બાપુએ વાવેલા કલ્પવૃક્ષ!
લંડનમાં વેમ્બલી ખાતે પ્રિય મોરારિબાપુની ભવ્ય રામકથા ચાલી રહી છે એ તો ગુજરાત માટે નવા સમાચાર નથી. કળા-સાહિત્ય-સંગીતના એકસો ચાલીસ જેટલા સરસ્વતીના સંતાનોને બાપુએ ત્યાં હરખના હિલોળે તેડાવ્યા છે. ગામડાના શેડયકઢા દૂધની ફોરમ પણ છે ને શહેરની વાસંતી રંગો ઢોળતી મોસમ પણ છે. એટલે મીડિયા અને સોશ્યલ નેટવર્ક થકી લંડન કથાની લીલાલહેરના સમાચારો ગુજરાતમાં પહોંચતા જ રહે છે.
અગાઉથી નક્કી થયેલી પર્યુષણ પ્રવચનોની મુંબઈમાં ગોઠવાયેલી તારીખો હોઈને હું તો સ્વદેશ વહેલો નીકળ્યો. પણ વિદેશ છોડીને ઘેર આવતો હોઉં એને બદલે ઘર છોડીને નીકળતો હોઉં, એવી ફીલિંગ થઈ ને એનું જ શેરિંગ કરવા આ લખું છું. વેમ્બલીમાં રીતસર રોજ કથામાં મેળો જ ભરાય છે. જયાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં મેઘધનુષી માનવમહેરામણ ઉછાળા લે છે, પણ ગરજતો નથી, બાપુ ને સાંભળવા શાંત રહે છે. મહત્વની વાત એ છે કે આ ઓડિયન્સ કેવળ સમય પસાર કરવા ધર્મલાભ લેવા દોડતા સિનિયર સિટીઝન્સનું નથી. મહદઅંશે એમાં પરદેશમાં વસેલા ભારતીય યુવક-યુવતીઓ વધુ દેખાય. એરિઆના ગ્રાંદેની કોન્સર્ટમાં હોય એ એજ ગ્રૂપનું ઓડિયન્સ બાપુની રામકથામાં છે. માત્ર મહેમાન તરીકે જ નહીં, મહેમાનોને સાચવતા યજમાન તરીકે પણ!
રોજ કથામાં પાંચ-સાત હજાર વ્યક્તિઓનો ફૂટફોલ હોય ને બધાને ભાતભાતના ગરમ ભોજન પણ મફત જમાડવાના હોય ત્યાં આખી રામસેના જોઈએ આયોજન ને વ્યવસ્થાપનમાં. એ જવાબદારી પરદેશમાં રહેલા ને બાપુને પ્રેમ કરતા ચાહક યુવક યુવતીઓએ થાક્યા તો શું, ચહેરાની રેખા પણ બદલ્યા વિના હોંશે હોંશે ઉપાડી લીધી છે. અગાઉ કેન્યા, ગ્રીસ, સ્વિત્ઝર્લેન્ડ બધે આવા સુખાનુભવો થતા જ રહે છે બાપુની કથામાં, પણ લંડન કથાનો સ્કેલ જરા મોટો છે. પાછા અહીં લાડથી સાચવી લેનારા રીટાબહેન નહિ, એટલે મને ય જરા મૂંઝવણ કે ત્યાં ગયા પછી કોને મળવું.પણ કાઠિયાવાડના આતિથ્યસત્કારને ઝાંખા પાડે એવી મહેમાનગતિ આ પરદેશમાં રહેલા ને ઉછરેલા યંગસ્ટર્સ માત્ર બાપુ પ્રત્યેના ભાવને લીધે 'અહર્નિશ સેવામહે'ના સૂત્રની જેમ કરી રહ્યા છે. બધા પોતપોતાની રીતે કમાયેલા, ભણેલાગણેલા, વેલ સેટલ્ડ જુવાનિયાઓ છે. કંઈ અભણ અંધશ્રધ્ધાળુ નથી. અરસિક શુષ્ક તો જરાય નથી. બાપુ નથી આશ્રમ બનાવતા નથી કોઈ કંઠી પહેરાવતા. પણ કેવળ રામરસનું પ્રેમરસમાં રૂપાંતર કરીને એમણે બાંધ્યા વગર જ આ બધાને 'સત્ય, પ્રેમ, કરુણા'ની ભાવભીની ઝીની ચદરિયામાં સાંધ્યા છે. બંધન ફરજનું, ગરજનું કે કરજનું નથી. બંધન છે સહજનું! હેતુનો નહિ, હેતનો સેતુ છે.
આ કથામાં એવા અતિથિઓ પણ છે જેમના જીવનનો પ્રથમ વિદેશ પ્રવાસ કુંડળીના ગ્રહને બદલે બાપુના આગ્રહથી થયો હોય! બધાને સાચવી લેવામાં આવ્યા છે. રમેશભાઈ સચદેવ મુખ્ય આયોજક. એમની જોડે ખભેખભો મિલાવી બેસતા ને દોડતા સ્વજન લોર્ડ ડોલર પોપટ. અને એમની ટીમે રૂમે રૂમે ઘરની યાદ આવે જ નહીં એવા ભારતીય નાસ્તાઓની બરણીઓ તો ઠીક, પણ ઘેર ફોન કરવા માટે ફ્રી કાર્ડ પણ હોય! ઉપરાંત બ્રેકફાસ્ટ-લન્ચ-ડિનર ને જે પોતાની સર્જકતા રજુ કરે એમના માટે પ્રસાદરૂપ સન્માન તો ખરું જ. ટિકિટનો ખર્ચ તો ખરો પણ બાપુનો પડ્યો બોલ ઝીલતા સેનાપતિ સરીખા ખમતીધર ખેતશીભાઈ બારોટ તો બ્રિટીશ વિઝા માટે ખાસ એરેન્જમેન્ટ રાજકોટના જયન્તીભાઈ ચાન્દ્રા સાથે કરી વીએફએસની ટીમ લઈ રાજકોટ આવેલા જેથી વિઝા માટે બહાર કોઈને ધક્કો ન થાય! કારણ? જે સમાજે કરવાનું હોય એ સરસ્વતીનું સન્માન.
બાપુ એકલા હાથે સમાજ પર ચડેલું સર્જકતાનું સદીઓ જૂનું ઋણ ઉતારી રહ્યા છે!
અને એમાં એમની કથાના આયોજકો ને અન્ય સ્નેહીજનો સારથી બને છે. આફ્રિકાના ટીનાભાઈ હોય કે મુંબઈના મયુરભાઈ... ડોલરભાઈ કે રમેશભાઈ ને બીજા ઘણા બધા. બધાનું યોગદાન લખીએ તો સ્વ. મનોજ ખંડેરિયાના શબ્દોમાં વરસોનાં વરસ લાગે. મોરારિબાપુની સાત્વિક સિદ્ધિ એ છે કે બાપુના વ્હાલનું વાવેતર મૂળિયાં સુધી માનસનું સિંચન એવું કરે છે કે આખો આંબો જ મીઠી 'સાખ'નો કાયમ માટે થઈ જાય છે! આજે ઘણા ઘરોમાં તો ટીનએજર સંતાનો સાથે પેરન્ટ્સ વાત કરી શકતા નથી. ત્યારે બાપુને બીજી-ત્રીજી પેઢીનું યંગીસ્તાન દિલ ફાડીને ચાહે છે! બાપુની કથાના આયોજક રહી ચૂકેલા ઓરલાન્ડોના હેતલભાઈ અમને સ્વયંસેવક તરીકે દોરીને જમવા લઈ જાય કે બાપુની બાળક તરીકે કથા સાંભળનાર મેહુલભાઈ બાળકોના પોતે પિતા બન્યા બાદ અહીં દોડાદોડી કરતા હોય. અનિલભાઈ અમને લિફ્ટ પણ આપે ને કોઈ ચીજ જોતી હોય તો ઓફર કરે.
મુખ્ય યજમાન રમેશભાઈના મહેલનુમા બંગલે જવાની બસ હું ને શોભિતભાઈ દેસાઈ અન્ય મહેમાનો ખાતર જાણી જોઈ ચૂક્યા કે આપણે આપણી રીતે પહોંચીશું. પણ ત્યાં હાજર યુવતીઓ જાનકી ને રાધિકા એમની ડ્યુટી ન ચૂક્યા. અમને તો એમની કારમાં લિફ્ટ આપી જ પણ ફોનથી સતત બીજાઓ માટે ય ચિંતારત! એરપોર્ટથી પિક અપ ને ડ્રોપ અને કાર્યક્રમોમાં બેસવા માટેની જગ્યા... બધું કો-ઓર્ડિનેશન થાક્યા વિના જાનકી કરે. ને કહે કે જરૂર પડે ગમે ત્યારે કોલ કરજો. બેમાંથી કોઈના ચહેરા પર અણગમાના નહિ, ઉમળકાના ભાવ. થેન્ક્સ, રાધિકા-જાનકી. આને કહેવાય જવાબદારીની સભાનતા. કર્તવ્યનિષ્ઠા. કાશ, આપણા સરકારી તંત્રમાં ય પગાર લીધા પછી વગર પગારે કર્તવ્ય નિભાવતો આવો જાનકીભાવ ને રાધિકાભાવ હોત તો! તો ભારતનો રૂપિયો ય પાઉન્ડ જેટલો સ્ટ્રોંગ હોત!
રાધિકા અમેરિકામાં રહ્યા હોઈને અમેરિકન ઇંગ્લિશમાં ને જાનકી બ્રિટનની હોઈ બ્રિટિશ ઇંગ્લિશમાં બોલે. ને દેશી ઇંગ્લિશમાં હું કડછા મારું ને અમે લોકો વળી ટાઇટેનિકથી ગોડફાધર સુધીની ફિલ્મોની વાતો કરીએ. ને વાતના અંતમાં બધા સહમત થઈએ કે ‘બાપુ ઓલ્વેઝ હેઝ મોઇશ્ચર ઈન હિઝ આયઝ’ બાપુની વત્સલ આંખો હમેશા સહેજ ભીની ને એટલે ચળકતી લાગે. વોટ્સ ધ રિઝન? કારણ કે એમનું હૈયું પ્રેમનીતરતું છે. સર્વના સ્વાગત, સન્માન ને સ્વીકાર માટે. બાપુ સર્વનો સમાસ કરતો હનુમંત સ્વર છે.
એટલે તો આ કથા બાદ ઉર્દૂ મુશાયરો ને સંતવાણી બેઉ બાપુ એકચિત્તે માણે. એમનો થાક જાણે શબ્દ અને સંગીતના સ્નાનથી ઉતરી જાય! મૌન રહી અવનવા વક્તાઓની વાતો સસ્મિત એવા જ રસથી સાંભળે જેટલા રસથી ઝાકિર હુસેન કે કૌશિકી ચક્રવર્તીને સાંભળતા હોય. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પણ આવે કથામાં અને ઇઝરાયેલના યહૂદી પ્રતિનિધિ પણ.
આ કથાના આરંભે જ બાપુએ ગુજરાતની પૂરરાહત માટે અપીલ કરી ને જોતજોતામાં રમેશભાઈ ડોલરભાઈ ને અન્ય મિત્રોએ હું નીકળ્યો ત્યાં સુધીમાં ચાર કરોડ રૂપિયાથી વધુ રકમ એકઠી કરી. (છેલ્લા સમાચાર: પાંચ કરોડ રૂપિયા) બાપુએ તરત જાહેર અનુરોધ કર્યો કે એમાંથી થોડી રકમ ગોરખપુર ને બીજે પણ ગુજરાત બહાર જ્યાં જરૂર હોય ત્યાં આપવામાં આવે! કોઈ ભેદ નહિ, કેવળ ભાવ!
લંડન રામકથાનું આ સહાયથી ય મોટું સૌથી આકર્ષક પાસું જોકે, મને બાપુએ વ્યાસપીઠ થકી તૈયાર કરેલી આ નવી પેઢી જ લાગી. નીલેશભાઈએ રેકોર્ડિંગ કર્યું જ હશે કે, મેં તો મારી સ્પીચ પણ આ યૂથને અર્પણ કરી. બીજાને બાપુને મેળવવા દોડાદોડી કરતા એ લોકો જ બાપુ સાથે બેસવાથી રહી જતા હોય. પણ એમને તો બધા મહેમાનોની સેવા કરવામાં એમને ફેરવવામાં જ જાણે બાપુના આશીર્વાદ મળી જાય. કથા પછી પણ લંડનનો વિહાર એ બધા ટૂરની વ્યવસ્થા કરીને કરાવે. નાનામાં નાની ચીજનું ધ્યાન રાખે. પાણી માંગો તો દૂધ હાજર કરે એવો કૃષ્ણની બાંસુરીના સૂર સંભળાવતો આતિથ્યસત્કાર. કથામાં બેસવું ફરજિયાત હોતું નથી. મોડુંવહેલું થાય તો ય અમિત જોગીયા જેવા યુવાનો ગ્રીસની જેમ આદરથી અહીં પણ અંદર બહાર લઈ જાય!
પહેલે દિવસે હોટલના રૂમથી ભોજન સુધી મને ને શોભિતભાઈને જાનકીએ ખુદ જમ્યા વિના, કોઈ અન્ય ઓળખાણ વિના નેવિગેટર બનીને મદદ કરી. હું મારી ભૂલે એક બુક હોટલમાં વિસરી ગયો ને શોધવી અઘરી પડી, તો મધરાતે પણ જાનકી એ જોવા ગઈ ને ડોલરભાઈના પુત્ર પાવનને ખબર પડતાં જ મારા માટે એની નવેસરથી વ્યવસ્થા કરી! હું જવાનો હતો એની આગલી રાત્રે આટલી ધમાલ વચ્ચે રમેશભાઈનો તેજસ્વી પુત્ર રિશી મધરાતના પણ પર્સનલી મળવા આવ્યો. એક મેસેજ કરત કે આટલા લોકોમાંથી કોઈ સાથે આવજો કહેવડાવી દેત તો ચાલત. પણ ૯-૯ દિવસની આવી કથાનો કૈલાસ એના ખભા પર ઊંચક્યો હોવા છતાં, રિશીએ જાતે આવીને વિદાય આપી. વાતો કરી. હૂંફાળા સ્મિત સાથે સ્મૃતિભેટ આપી અને મેં આભાર માન્યો તો બધું બાપુના ચરણે જ મૂક્યું. આવું જ એથેન્સમાં પાવને કરેલું. અરે, ઇન્ટરલેકનમાં લંડનથી આવેલા નિશ હરિયાણી ને જગદીશભાઈ તરફથી ય આ જ અનુભવ!
રમેશભાઈ અને ડોલરભાઈ બ્રિટનમાં ખૂબ કમાયા છે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને મીઠાઈથી મેક્સિકન સુધીના અવનવા ભોજન સાંજે અમારા માટે રમેશભાઈના નવા વિશાળ મહાલયમાં. એમનું ઘર પણ એસ્થેટિકલી સજાવાયેલું. બાપુ થકી કેળવાયેલી રૂચિનો સ્પર્શ દીવાલોમાં ય જય સિયારામના પડઘા પાડતો હોય એવું લાગે! ઘર તો સરસ, પણ એમાં રહેનારાના સ્વભાવ એથી વધુ સરસ! કોઈ અહમ્ નહિ, માત્ર નમ્રતા.
આવો જ અનુભવ પોપટ પરિવારનો મને મારા જીવનના યાદગાર પ્રવાસોમાંના એક એવા એથેન્સમાં થયેલો. મેનેજમેન્ટનું લેસન કોર્પોરેટ વર્લ્ડ એ કથાના આયોજનનો અભ્યાસ કરી પાવન પોપટ પાસેથી લઈ શકે. પૈસો કમાયા એમ નહિ, પચાવ્યો પણ છે. એટલે એ પચ્યા વિના બહાર નીકળતો ગાર્બેજ બનવાને બદલે, પોષણ આપતું બ્લડ બને છે.
ધર્મના નામે અરસિક રૂઢિચુસ્ત હથોડા ફટકારો તો વરસાદી ઝાપટાં જેવું નવી પેઢીને લાગે. આવા ઝાપટાના અવાજો બહુ થાય ને થોડું નુકસાન પણ થાય. પણ એ ઝટ ઓસરી જાય. એના પાણીથી કશું ખીલે કે ઉગે નહિ. પણ બાપુની કથા એ એકરસ વરસાદ છે. એ ભીંજવે. ધીમે ધીમે મૂળ સુધી ઉતરે. માધવ રામાનુજની કવિતા છે એમ સૌંદર્ય કે છાંય અમારા જેવાને બહાર મળે. પણ પ્રતાપ હોય મૂળના રસક્સનો. બાપુ નવીનતાને ચાહે, આધુનિકતાને સ્વીકારે, આનંદને ઉજવે. એટલે યંગ જનરેશન કનેક્ટ આપોઆપ થાય ને હળવાશ ને મોકળાશથી બાપુના સંપર્કથી સંસ્કારના બીજ મહોરતા જાય.
જગતના ખૂણે ખૂણે ભારેખમ ચિંતન, ખોટા તમાશા કે હથોડાછાપ મર્યાદાની રૂલબુક વિના જ મુક્ત ભારત ધબકતું રાખતી આ મોરારિબાપુની મૌન ખેતી છે. બાપુ જેમના હૃદયમાં હોય એવા કોઈ પણ યુવક-યુવતીને જોજો. અમારા પાર્થિવભાઈ હોય કે અમદાવાદનો કેદાર હોય કે રાજકોટનો નીરજ હોય કે ઇન્દોરનો રૂપેશ હોય કે બેંજોવાળો હિતેશ... સંગીતની દુનિયાના યુવામિત્રો... મહુવાની વૈદેહી કે મુંબઈની જાનકી.... કેટલા નામો લખું? એમને એનો જશ જોઈતો ય નહિ હોય, પણ અલાદ્દીનના ચિરાગ જેવી અનુભૂતિ આતિથ્યની થાય ત્યારે એનો ઋણસ્વીકાર કરવો એ મારી નૈતિક ફરજ છે. અલાદ્દીનના ચિરાગમાં તો જીન્ન આવે, આ ચિરાગો થકી તો આપણને રોશન કરતું જીવન આવે!
આપણી પુરાણકથાઓમાં સ્વર્ગના કલ્પવૃક્ષની વાતો આવતી. જે માંગો તે મળે. બાપુના સ્નેહ, સંસ્કાર ને સારપના બિલીપત્ર થકી ઘડાયેલા આ યુવક યુવતીઓ જે રીતે ભારતના અસલી મૂલ્યોને દુનિયામાં ફેલાવી રહ્યા છે, એમના વાણી અને વર્તન થકી એ જોતાં એ કલ્પવૃક્ષ ને કામધેનુની અનુભૂતિ કરાવે છે, જે ટૂંકા ગાળામાં લાંબી અસર છોડે છે. એ તમામ યુવા મિત્રોના અંતરમાં વસેલા શિવત્વને વંદન.
ડોલરભાઈ ને રમેશભાઈ, આપણી આંખ ઠરે એવા આગળ વધ્યા ને ખરા અર્થમાં લક્ષ્મીવાન થયા.. આફ્રિકાથી અમેરિકા સુધી વિસ્તરેલા ગરવા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ લંડનમાં કરે છે. પણ પાવન અને રિશી જેવા વારસદાર જે એમને મળ્યા એ એમના તિજોરીમાં બંધ ના થાય એવા અમૂલ્ય રત્નો છે. મોટા બાપના છોકરાઓમાં કેવી આવડત, કેવી ઝિંદાદિલી, ને કેવો વિવેક હોવો જોઈએ એના આ બાપુ થકી જડેલા જીવંત ઉદાહરણો છે. આવા યુવાનોની કથા ખરેખર આપણા અમુક શ્રીમંતો, રાજકારણીઓ અને અધિકારીઓએ પિતા તરીકે પોતાના ઘરમાં કરવી જોઈએ, જેથી એમના બાબુડિયાઓ નડતા બંધ થાય આપણને.
આ બધાને મળીને થાય કે આપણા ઘરમાં જ રામ ને સીતા પ્રગટે, એ આજે ય શક્ય છે. બસ બાપુ જેવો કોઈ શિલ્પી જોઈએ, જેનું ટાંકણું અદૃશ્ય હોય. એમની રામકથા શું કરે? એવું પૂછો તો જવાબ છે કે કથા આવા બોરિંગ નહિ પણ ચીઅરફુલ, ડમ્બ નહિ પણ ઇન્ટેલિજન્ટ, લોકલ નહિ પણ ગ્લોબલ, ઇગોઇસ્ટિક નહિ પણ હમ્બલ એવા જવાન રસિકડાં માનવચરિત્રો ધરતીના ખોળે મસ્તી કરવા રમતા મૂકે છે. નાચતીનચાવતી, હસતીહસાવતી, ગાતીગવડાવતી એવી બાપુની કથા રમતારમતા માણસનો થાક ઉતારે છે. વિચાર સાથે વ્હાલ આપે છે. બીજાની ખેવના કરવાની અને સર્જનથી સજદો કરવાની તાલીમ આપે છે.
આ કથા ૯ દિવસમાં પુરી નથી થતી. આ કથા પાછળ સતત ચાલતી કથા છે. જેમાં બાપુ પોતાના સમયની આહુતિ આપીને પ્રેમયજ્ઞના અજવાળે બીજાના અંધારા ઉલેચે છે. ફોરએવર. 24x7. સદાકાળ. પ્રતિક્ષણ. બાપુ મંદિર નહિ, માણસ બનાવે છે. JSR...
(વાહ, વાહ, મારા દોસ્ત જય વસાવડા... ઝાઝેરા વંદન તારી કલમને, તારી દિલદારીને... - સી.બી.)

