ન્યૂ યોર્કઃ ભારતના ૭૧માં સ્વાતંત્ર્ય પર્વ દિનની ઊજવણી માટે ન્યૂ યોર્કમાં યોજાતી પરંપરાગત ઈન્ડિયા ડે પરેડમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ભારત બહાર યોજાતી આ પરેડમાં ફિલ્મ ‘બાહુબલી’ના કલાકારો રાણા દગ્ગુબાટી અને તમન્ના ભાટિયાએ હાજરી આપી હતી. ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, કનેક્ટીકટના ભારતીય એસોસિએશનના ફેડરેશન દ્વારા આયોજિત કરાયેલા આ ૩૭મી ઈન્ડિયા ડે પરેડ મેનહટ્ટનના મેડિસન એવન્યુની કેટલીક શેરીઓમાં થઈને પસાર થઈ હતી. આ પરેડમાં ઘણી ભારતીય અમેરિકન ઓર્ગેનાઈઝેશનની ઝાંખી જોવા મળી હતી. જેમાં ભારતીય-અમેરિકન યુવાનો દ્વારા સાંસ્કૃતિક પરર્ફોમન્સ અપાયું હતું અને તેની સાથે જ પોલીસ ટૂકડી અને માર્ચ બેન્ડ પણ તેમાં જોડાયા હતા.
ન્યૂ યોર્કના મેયરે હાથમાં તિરંગો પકડીને રસ્તામાં એકત્ર થયેલા હજારો લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. અભિનેતા દગ્ગુબાટીએ કહ્યું હતું કે ભારતીય અમેરિકનોની મોટી વસતી સાથે સ્વાતંત્ર્ય દિનની ઊજવણી કરવી એ મારા માટે ગર્વની વાત છે.

