લંડનઃ પારેખ ઈન્સ્ટિટ્યુટ, દિલ્હી દ્વારા યુ એસ એના બ્રેર્ગ્રુઅન ઈન્સ્ટિટ્યુટના સહયોગથી પ્રાચીન ભારતમાં જીવન અને ચીની પરંપરા પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું હતું. આમ તો બન્ને દેશ પડોશી છે અને બન્ને વચ્ચે ભૂતકાળમાં વિચારોનું આદાન પ્રદાન થયું છે. પરંતુ, બન્ને સંસ્કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ અગાઉ ક્યારેય થયો નથી. તેને લીધે જ આ સંમેલન વિશિષ્ટ રહ્યું હતું અને સારા જીવનનો પ્રકાર, જીવનના ધ્યેય, પોતાની પ્રકૃતિ, દેવો વિશેના વિચારો અને માનવીય સુખની વ્યાખ્યા જેવા મુદ્દા પર ચર્ચા થઈ હતી. સંમેલન અગાઉ યોજાયેલી કેટલીક સેશનમાં નિષ્ણાતોએ સાથે મળીને પ્રાચીન જીવન વિશેનું વાંચન કર્યું હતું અને તેના સારવસ્તુની ચર્ચા કરી હતી.
બે સપ્તાહ સુધી ચાલેલા સંમેલન બાદ ત્રણ દિવસ સુધી વર્કશોપનું આયોજન કરાયું હતું. તેમાં યુવા ભારતીયો અને વિદેશી નિષ્ણાતો દ્વારા ૧૮ રિસર્ચ પેપર્સ રજૂ કરાયા હતા. સંમેલનમાં પેટ્રિક ઓલિવેલ, રાધા વલ્લભ ભલ્લવ ત્રિપાઠી, અરિંદમ ચક્રવર્તી, રોજર એમ્સ, ડેવિડ વોંગ અને યી હુઆહ જીયાંગ સહિત પ્રતિષ્ઠિત લેખકોએ ભાગ લીધો હતો. વર્કશોપને ભવ્ય સફળતા મળી હતી અને સૌને બન્ને સંસ્કૃતિ વિશે નવી માહિતી મળી હતી.
ચીનનું પ્રતિનિધિત્વ ટૂંકા અથવા લાંબા સમયગાળા માટે ચાઈનીઝ યુનિવર્સિટીમાં ભણાવતા અમેરિકી સ્કોલર્સ દ્વારા કરાયું હતું જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ માત્ર ભારતીયોએ જ કર્યું હતું કારણ કે ભારતીય યુનિવર્સિટીઓમાં થોડાક જ વિદેશી સ્કોલરોની નિમણુંક કરાઈ છે અથવા તો ભણાવવાની મંજૂરી અપાઈ છે. આ બાબત દયાજનક છે. ભારતે પશ્ર્ચિમના દેશો માટે તેના દ્વાર ખોલવા જોઈએ અને ત્યાંના નિષ્ણાતોની નિમણુંક કરવી જોઈએ. વૈશ્વિકરણના આ યુગમાં વિદેશી સંપર્કોથી માત્ર આ રીતે જ લાભ મળી શકે અને વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ બનાવી શકાય.
પારેખ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયન થોટની સ્થાપના લોર્ડ ભીખુ પારેખ અને તેમના ભાઈ ડો. ચંદ્રકાન્ત શ્રોફ દ્વારા જંગી રકમના ડોનેશન સાથે તેમના પિતા સી આર પારેખની સ્મૃતિમાં કરવામાં આવી હતી. ઈન્સ્ટિટ્યુટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી પ્રાચીન ભારતના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય થઈ રહ્યું છે અને તે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટીઝ, દિલ્હીના એક ભાગરૂપ છે.

